સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈના વિ.સં. ૧૯૮૬ના મોટા કાર્તિકી પંચાંગમાં (પૃ. ૧૮થી ૨૦) શ્રી નટવરલાલ ઇચ્છારામ દેશાઈએ નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’ છાપ્યું હતું. એમાં ૨પ પદ હતાં, પણ પદક્રમાંક ૧૦, ૧૮, ૨૧ અને ૨૪ ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાએ મોકલેલાં અને ર૫મું પદ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ના હારમાળાના પરિશિષ્ટમાંથી–એમ પાંચ પદ બહારથી દાખલ કરવામાં આવ્યાં હતાં. આનું કારણ એ હતું કે શ્રી દેશાઈને મળેલી પ્રત (એના સમય વગેરેની કશી માહિતી નોંધાયેલી નથી) ખંડિત હતી અને એમને છેવટનાં પદો ખૂટતાં લાગ્યાં. વસ્તુતઃ એ પ્રત બહુ સ્વલ્પ જ ખંડિત હોય એવું જણાય છે, વચ્ચે એક પદમાં એક લીટી પડી ગઈ છે અને છેલ્લે પણ એકબે લીટી જ ખૂટતી જણાય છે. બીજી બાજુથી ઉમેરાયેલાં પદોથી કેટલાંક નિરૂપણો બેવડાય છે અને પ્રસંગક્રમ પણ કઢંગો થઈ જાય છે. એ પદો કાઢી લઈએ તો મામેરાની ૨૦ પદની એક એવી વાચના મળે છે, જે ઓછામાં ઓછી આંતરિક મુશ્કેલીઓ ધરાવે છે. પંચાંગ હાલ દુષ્પ્રાપ્ય છે. એથી એ ૨૦ પદની વાચના અહીં પુનઃસંપાદિત કરી આપવાનું ઇષ્ટ ગણ્યું છે. અહીં પંચાંગનો પાઠ, એની જોડણી સમેત, પુનર્મુદ્રિત કરવાનો ઇરાદો રાખ્યો છે. તેથી ભ્રષ્ટ પાઠ પણ સુધાર્યા નથી. માત્ર સામાસિક ને છૂટા શબ્દોની વ્યવસ્થા બરાબર કરી લીધી છે ને પાંચ ઉમેરાયેલાં પદો કાઢી લેતાં પદોના ક્રમાંકમાં આવશ્યક ફેરફાર કર્યો છે. એક સ્થાને પંક્તિવ્યવસ્થા બદલી છે તે પણ સંપાદકીય દોષ સમજીને. ત્યાં પાઠાંતરમાં મૂળ સ્થિતિનો નિર્દેશ કર્યો છે. પંચાંગની વાચનાનાં કેટલાંક પદો અન્ય વાચનાઓમાં મળે છે તેમાં પાઠભેદો છે, તે ઉપરાંત સંકલિત વાચનાઓમાં બીજા પાઠભેદો પણ નજરે પડે છે. આ બધા પાઠભેદો વાચનાની ઘણી પ્રવાહી સ્થિતિ બતાવે છે. એમાંથી પાઠભેદોનું એક જંગલ ઊભું થાય છે. અહીં તો પંચાંગની વાચનાને મુખ્ય રાખીને એનો પાઠ જ્યાં અસંગત, અશુદ્ધ કે અસ્પષ્ટ લાગતો હોય અને અન્ય વાચનામાંથી એને ઉચિત સંભવિત સુધારો પ્રાપ્ત થતો હોય ત્યાં તે સુધારો જ નોંધ્યો છે. આ વાચના સાથે સંબંધ ન ધરાવતા પાઠભેદો કે અશુદ્ધ પાઠભેદો કે આ વાચના બરાબર અર્થ આપતી હોય તે સ્થાનના અન્ય પાઠભેદો નોંધ્યા નથી. પાઠભેદો માટે જે વાચનાઓનો ઉપયોગ કર્યો છે તે આ પ્રમાણે છે : ક : નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહ, સંગ્રા. અને સંશો. ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ, ૧૯૧૩–‘હારમાળાનું પરિશિષ્ટ’માં મામેરા-વિષયક પદો. ખ : નરસિંહ મહેતાકૃત હાર-સમેનાં પદ અને હારમાળા, સંપા. કેશવરામ કા. શાસ્ત્રી, ૧૯૫૦ (બીજું સંપાદન)–‘હારમાળા’માં મામેરાવિષયક પદો. ગ : નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સંપા. કેશવરામ કા. શાસ્ત્રી, ૧૯૬૯. ઘ : નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સંશો.-સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૮૧. ચ : ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’માં નોંધાયેલ ગુજરાત વિદ્યાસભાની હ. પ્ર. ક્રમાંક ૪૨૨ના પાઠાંતરો. છ : ગુજરાતી પ્રેસના પંચાંગની પ્રસ્તુત વાચના. અ, બ : ‘કુંવરબાઈનું મામેરું’, સંપા. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, બીજી આ. ૧૯૪૩નું પુનર્મુદ્રણ, ૧૯૫૧ – એમાં નોંધાયેલ ડા.૧ અને ડા.૨ એ હસ્તપ્રતોના પાઠ. વિ : નરસૈં મહેતાનું આખ્યાન, સંપા. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૨૩–એમાં વિશ્વનાથ જાનીકૃત ‘મોહોસાળું ચરિત્ર’ના કડવા ૧૨નો પાઠ. ગ અને ઘ સંકલિત વાચનાઓ છે. એમની આધારભૂત મુખ્ય વાચનામાં પાઠાંતર હોય ત્યારે મુખ્ય વાચનાનો જ નિર્દેશ કર્યો છે, ગ ને ઘનો નથી કર્યો. એટલે ગ અને ઘનાં પાઠાંતરો તે સંપાદકોએ પોતે સુધારેલા જણાતા પાઠો સમજવાના છે. ઘનો આધાર ઘણે સ્થાને ગ જ છે એટલે એ બન્નેમાં સ્વીકારાયેલા પાઠાંતર પરત્વે માત્ર ગનો જ નિર્દેશ કર્યો છે. નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓની સમીક્ષા અને એમાં નરસિંહના કર્તૃત્વની અધિકૃતતાની ચર્ચા માટે જુઓ અહીં આ પૂર્વેનો લેખ તથા રજની કે દીક્ષિત, ‘નરસિંહ મામેરા’માં સમાયેલી વિભિન્ન રચનાઓ’, ભાષાવિમર્શ, જુલાઈ-સપ્ટે. ૧૯૮૫.
પદ ૧લું : રાગ કેદારો.
ગામ તળાજા માંહે જન્મ મારો થયો, ભાભીએ મૂર્ખ કહી મેહેણું દીધું;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું, વન માંહે જઈ પૂજન કીધું. ગા.૧
સાત ઉપવાસ ચિત્ત દૃઢ કરીને કર્યા, દર્શન આપી વદ્યા વચન;
માગની માગ ઇચ્છા હોય જે તાહરે, ભક્તિ જોઈ થયો હું પ્રસન્ન. ગા.ર
માગું શું નવલ હું, તમને વલ્લભ જે, મુજને દીજીએ જાણી દાસ;
અદ્ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની, નરસૈંયાને જઇ દેખાડ્યો રાસ. ગા.૩
પદ રજું : રાગ કેદારો.
ભૂતળમાં જન રસિક હરિ તણા, તેહને એ રસ તું જ પાજે. શી.૧
માસ એક રાખીને વિદા કર્યો દાસને, આવી ભાભીજીને લાગ્યો પાય;
શ્રીહરિહર હુંને મલ્યા સાંભળો, માત માહરી તે તાહરી કૃપાય. શી.ર
નિત્ય કીર્તન કરી તાળ કરમાં ધરી, દેશમાં દાસની વાત વાગી;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લાહર લાગી. શી.૩
ભાઈભોજાઈએ અકળાઈને ઈમ કહ્યું, હવે તમો અમ થકી દૂર રહીએ;
મેહેતાજી પછે કહે નીજ નારને, નગર જૂનાગઢમાં જઈએ. શી.૪
પદ ૩જું : રાગ કેદારો.
સંતોષ રાખતા, સહજના લાભમાં, અવતરીયા ઉપદેશ દેવા. ત્યાં.૧
બાળક બે થયાં, બાળકો બાળકી, પુત્ર ગુણવંત ને પુત્રી ડાહી;
વડનગરમાં પુત્ર પરણાવીઓ, ઉને પરણાવી કુંવરબાઈ. ત્યાં.ર
પત્ની ને પુત્ર તે બે મરણ પામીયાં, નગરના લોક કરે રૂદન;
અવધ જેહની થઈ, તેહ જાયે સહી, લેશ નહિ શોક કરતું મન. ત્યાં.૩
આણું આવીઉં તે કુંવરી ગઈ સાસરે, સાસરીઆ અભિમાન રાખે;
વૈષ્ણવ વેરાગી છે તાત વહુવર તણો, નિત્ય મેહેણાં સુખે સર્વ સાંખે. ત્યાં.૪
કુંવરભાઈને સીમંત આવીઉં, સાસુએ સ્વામીને કહી વાત;
હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે, નરસૈંયો નિર્ધન એનો તાત. ત્યાં.પ
પદ ૪થું : રાગ કેદારો.
અવસરે આવી લક્ષ તમો લાવજો, પંડ્યો ખોખલો જઈ તેડી લાવે. આ. ૧
શ્રીરંગ મેહેતે પત્ર વેગે લખ્યો, વિનતિ વિનવી તેહ માંહે;
કુંવરબાઈએ પત્ર લખી આપીઓ, એકાંતે બેસાડીને કહી કથાય. આ.૨
આવીઓ અવસર નહિ સાચવો તાત તો, સાસરા માંહે ક્યમ રહેવાશે;
શીશ તમારે છે કંથ કમળા તણો, તે લક્ષ્મીવર તણી લાજ જાશે. આ.૩
વિપ્ર વિદા કર્યો એવું કહી કરી, પ્રીછવ્યો બહુ પેર વાતે;
નરસિંહ મેહેતાને મંદિરે આવીઓ, હરખનો પત્ર લઈ આપીઓ હાથે. આ.૪
પદ પમું : રાગ આશાવરી
સંપત વિના તે શબવત્ દીસે, મરે ને જીવતા થાય રે. જ.૧
વિશ્વજનેતા સાગરતનયા, હરિ અર્ધાંગે કમળા રે;
કૃપાકટાક્ષે જુઓ મુજ સામુ, નરસૈંયાને કાં વિસારીલા. જ.ર.
પદ ૬ઠ્ઠું : રાગ કેદારો
કઠણ થયા રે કૃપણ ઘર લક્ષ્મી, સાધુ સંતોષીને કાં ન દીધી. નિ.૧
નિર્ધન નર તે નીચને નિત્યે નમે, શ્રીઅવલંબિત સાહમું ન જોય;
એહ પરભવ કેમ સહીએ શામળા, કાકીડા મસ્તક મણિ ન સોહ્ય. નિ.૨
નિર્ધન નર તે દીસે દયામણા, બિહામણા દેશવિદેશ ભમતા;
સહોદરમંદિર માંહે નવ રહી શકે, પરણી નારને અણગમતા. નિ.૩
એવો દોષિત ક્યમ તું ભૂધરા, વળી વિશ્વંભર બિરદ કાહાવે;
નરસૈંયા ચા સ્વામીની કરૂં હું વિનતિ, દુઃખથી રાખી લે હું ને હાવે.નિ.૪
પદ ૭મું : રાગ કેદારો
પુત્રીએ પત્ર સીમંતનું મોકલ્યું, કહો નારાયણ કેમ જઇએ. ના.૧
દીન વચન આરતનાં બહુ લખ્યાં, નિર્ધન તાત શું નથી રે લેહણું;
આવીયો અવસર જો નહિ સાચવો, સાસરા માંહે હુંને થાશે મેહણું. ના.ર
કો કોને ભજે થાય ધરણીધરા, મારે નવ નિધ એક તું જ રાજ;
આવીઉં શ્રીમંત, જાવું છે જદુપતિ, કાજ તાહરૂં છે ને તેને લાજ. ના.૩
સંગે વેરાગી ને વૈષ્ણવમંડળી, ગાય ગોવિંદગુણ દિવસરાત,
મા’મેરૂં કરવાને મેહેતાજી ચાલીઆ, તાલ મૃદંગ ને ચંગ સાથ. ના.૪
પદ ૮મું : રાગ કેદારો
વહુવર વધામણિ, આવી પેહેરામણિ, તાલ લેઈ આવીઓ તારો તાત. દી.૧
આવી ઊભી રહી, તાત ત્રેવડ નહિ, શીદ આવીઆ ઉપહાસ થાવા;
લોક નિંદા કરે, સર્વે જોવા ફરે, તાળ વાઈ વળી ગીત ગાવા. દી.૨
દુઃખ મા ધર દીકરી, સમરની શ્રીહરિ, વસ્ત્ર લાવશે વૈકુંઠરાય;
ચીરચરણા ઘણાં, વસ્ત્ર વિધવિધ તણાં,
છાબ ભરશે આવી સભાની માંય. દી.૩
પેહેરજો જમાઇ વહેવાઇ ને દીકરી, જાણે પ્રભુ નાગરી નાતની રીત;
નરસૈંયા ચો સ્વામી સર્વ દાતાર છે, આવશે જાણી તારી પ્રીત. દી.૪
પદ ૯મું : રાગ કેદારો
કોણે કહ્યો કપટી ને કોણે કહ્યો કામી,
કોણે કહ્યો તાળકૂટીઓ રે આવીએ;
આપવા મૂકવા કાંઈ નથી લાવીઓ,
એને કહો તું મા’મેરૂં શું લાવીઓ. કો.૧
તેણે સમે પુત્રીએ વચન કહ્યું, શું બેઠા સભામાં તાળ વાહો;
મામેરા વેળા તો લાજ રહેવી નથી, હજીએ ગોપાળને શું રે ગાવો. કો.૨
ચંગ ને તાલ અમે દેહ સાથે મૂકીશું, ધરણી આકાશ બે એક થાએ;
લોકડાં બોલિશે તે પણ સહીશું, કૃષ્ણજીનું ભજન મેલીઉં નવ જાએ. કો.૩
તે સમે વહેવાણને રીસ એહવી ચઢી, લાવી મૂકીઉં ઉષ્ણ પાણી,
રાત દિવસ જેહનું ભજન કરો તમો, સમોવણ આપશે તે રે આણી. કો.૪
ચૈત્ર શુદી દ્વાદશી, મેઘઘટા ચઢી, ગરગડીને કુંડી માંહે રૂઠો :
આપી સમોવણ નરસૈંયાને સૂચવ્યો, એવે સમસ્ત વૈષ્ણવને ત્રુઠો. કો.પ
પદ ૧૦મું : રાગ મલાર
નરસૈંયાનો જશ વાધો લાડ પાલ્યા મહારાજે. ઘ.૧
વેહવાઇના મંડપ વિષે પ્રવાહ જળનો ચાલીઓ;
બાહાર ભીતર પાણી ભર્યાં, સંદેહ સમણનો ટાળીઓ. ઘ.૨
નાગર સહુ વિસ્મે થયા, કાંપે મન માંહે;
વૃષ્ટિધાર ખંડે નહિ, ગામ રખે રેલાય. ઘ.૩.
મેહેતાને ચરણે નમીઓ, સહુ નાગરનો સાથ;
અપરાધ અમારો ક્ષમા કરો, રાખોજી વરસાદ. ધ.૪
વ્યાકુળતા જોઈ સર્વની મેહેતે કરૂણા આણી,
તતક્ષણ વાર્યો મેઘને, રાખ્યું વરસતું પાણી. ઘ.૫.
પદ ૧૧મું : રાગ કેદારો
મનગમતી પેહેરામણિ જેટલી, કાગળમાં લખાવી સર્વ લાવો. મે. ૧
કુંવરબાઈ સાસુ કને આવીઆં, સાસુજી પત્ર લખીને દીજે;
મન-ઇચ્છા મુજ તાત કને માંગીએ, જે રીતે તમ તણું મન રીઝે. મે. ૨
વદનહસાળી વડસાસુજી બોલીઆ, એહ વાત માંહે સંદેહ શો છે;
વૈષ્ણવ લઈ વહેવાઇ ઘર આવીઆ, કોડ અમારા ક્યમ ન પોંહચે. મે. ૩
અમો ઘરડા થઇ ધરમ લાખાવીશું, પૂર્વજનું પુણ્ય જાણ્યું;
નરસૈંયાને માથે મહારાજ છે, આજ લેશું અમો મોહમાંગ્યું. મે. ૪
પદ ૧૨મું : રાગ કેદારો
તે થકી અધિક કરે તમ તાત તો, પ્રાણી સકલ વદે ધન્ય વાણી. આ.૧
કાગળ લેખણ વહુજી કરમાં ધરો, પ્રથમ કુંકુમ લખો પાંચ શેર;
શ્રીફળ સોપારી તે ગામ પામે સહુ, આપો પેહેરામણિ ઘેરઘેર. આ.૨
સહસ્ત્ર મોહર આપી વહેવાઈને રીઝવો, જેઠ જેઠાણી દિયેર દેરાણી;
નણંદીએ રાખડી બાંધી છે કર વિષે,
ગોરની વાત તે નથી અજાણી. આ.૩
પંચ શુભ વસ્ત્ર પેહેરામણિ પુરુષને, નારીને ચીર ને ચોળી દીજે;
એટલું નાતપરનાત પામે સહુ, કહો તો કસર શીદ કીજે. આ.૪
બોહોલો કુટુંબપરિવાર છે આપણો, તેને વિશેષ કરશો તો વારૂં;
હેમના હાર શણગાર પામે સહુ, આજ કરો સત્કાર સારૂં. આ.પ
પછે જેહને જેવી ઇચ્છા હશે મન વિષે, માંગશે કોઈ મોતીની માળા;
આવો અવસર ફરીફરીને વળી, ક્યાં થકી આવશે કામગાળા. આ.૬
હાર માણેક મણિ, હેમનાં સાંકલાં, પુત્રીજમાઈને સોનાનાં કરીએ;
વડસાસુ વદે, વૈષ્ણવ દક્ષ છે, તેહના પાડ અમને ન ધરીએ. આ.૭
પદ ૧૩મું : રાગ કેદારો
કુંવરબાઈ પત્ર તે લઇને આવીયાં, આંખ પાણી ભરી વાણી ભાખી.ડો.૧
સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, સીમંત મારે શીદ આવીઉં;
સાંભળો તાતજી, કવણ આપી શકે, હાંસી થાવાને એવું લખાવીઉં. ડો.૨
મેહેતાજી ઓચર્યા, દીકરી માહરી, શ્રીહરિનો વિશ્વાસ રાખો;
નરસૈંયા ચો સ્વામી ચોગણું આપશે, મન તણી કલ્પના કાઢી નાંખો. ડો.૩
નરસિંહ મહેતાની પ્રાર્થના - (૧) પદ ૧૪મું : રાગ કેદારો
નાથજી વાર લાગે રખે અધઘડી, કુંવરબાઇ દાસ છે રે તારી. શ્રી.૧
શ્રીને સંગે તેડજો, શીઘ્ર રથ ખેડજો, આળસુ થઇને રખે સૂઇને રહેતો;
મા’મેરૂં તારે ઘર ઘટે જેહવું, હું કહું જો હરિ હોય અલેહેતો. શ્રી. ૨
દોશી દસવિશ ને સોની નાણાવટી, વળી ઝવેરીને શ્રીનાથ સાંધી;
તેણે તેડી ક્ષણું એકમાં આવજો, લાવજો મોટ મોટેરી બાંધી. શ્રી.૩
મારે કાજે રખે જાતો કહી માંગવા, કષ્ટ મા લાવીશ કરજ કાઢી;
નાગર નરસૈંયો નાથ કરે વિનંતિ, આપો મોશાળું મોટેરૂં લાવી. શ્રી.પ
(૨) પદ ૧૫મું : રાગ સિંધુડો (કેદારો)
આગે અનેક દુઃખ ભાગીઆં દાસનાં, તેણે કરી જાચું વિશ્વાસ આણી. જા.૧
ધાયો નારાયણ નામ લેતા વિષે, વિપ્ર અજામેલને તેં ઉગાર્યો;
ગજ તણી વાહરે તું ગરુડ તજી ધસ્યો, પરમ દયાળ તમે તુરત તાર્યો. જા.ર
અંબરિષને માટે તે અવતાર લેવો પડ્યો,
વિવિધ લીલા વિષે તું વગોતો; જા.૩
દાસ નરસૈંયાની આશ પૂર્યા વિષે, કંથકમળા ઘર શું રે સૂતો.
(૩) પદ ૧૬મું : રાગ સિંધુડો (કેદારો)
આગે ભક્ત તમે અનેક ઉગાર્યા, તમને તજી નાથજી કોને કહેવાયે. વા.૧
ભક્ત પ્રહલ્લાદને કારણે કૃષ્ણજી, વાસ પૂર્યો તમે કાષ્ટ માંહે;
ભક્તને ઉગારિયો, અસુરને મારીઓ, ભક્તવત્સલ બીરદ વેદ ગાયે. વા.૨
દ્રૌપદી કારણે ધાયા હરિ ધસમસી, પુરિયા ચીર અનેક જાતે;
રાખીએ લાજ એ કાર્ય છે તમ તણું, મેલપણ ના’ણશો આણી વાતે. વા.૩
કુંવરબાઇના કોડ તો પૂરજો, જગત માંહે જશ તારા થાશે;
નરસૈંયા ચા સ્વામી આજ આવો નહિ, તો આદ્ય ને અંતની લાજ જાશે. વા.૪
પદ ૧૭મું : રાગ કેદારો
ચાલ ચતુરા ચતુર્ભૂજ કહે ભામિની, નષ્ટ નાગરે મારી ગત્ય જાણી. ઉ.૧
નરસૈંયો નાગર ભક્ત મારો ખરો, છાબ ત્યાં જઇ ભરો, શીઘ્ર થાવો;
જેણે ઘણો હેત તાંહાં ગયા વિન નવ સરે, રીધ ને સીધ લઇ વેગે જાવો. ઉ.૨
સાવટ સૂત્ર ઝરખાખ ને જરકસી, રંગ નાના તણી રેલ વાહો;
આપણો નાગરો હાથે માથે ધરો, બૂડતાં બાંહેડી જઈને સાહો. ઉ.૩
દેશપરદેશની ભાત જે ભલભલી, એક પેં એક તે અધિક જાણી;
સ્વપ્ને કો ન લહે, નામ કો નવ કળે,
અંગને આળસ તજી તે રે આણી. ઉ.૪
હેમ હઠસાંકલા, નંગ નિર્મળ ભલાં, સરવ શૃંગાર તે સજો સારો;
રીત ને ભાતમાં રોકડ રખે વિસરો, દીન થઈ કરગરે દાસ મારો. ઉ.૫
વેદીઆ વિપ્ર બેઠા એમ ઉચરે, જુઓની છાબ હમણાં ભરાશે;
મેહેતાને માથે કમળા તણો કંથ છે, તુલસીને પત્રે અખૂટ થાશે. ઉ.૬
અજ ભવ ઇંદ્ર ને સ્વપ્ને કો નવ લહે,
માંગે મુખ બોલતાં વિવિધ વાણી;
નરસૈંનો નાથ લક્ષ્મી સહિત આવીઓ,
અગણિત ગાંઠડી સંગ આણી. ઉ.૭
પદ ૧૮મું : રાગ કેદારો
સંગ વાણોતર ભક્ત સહુ શોભતા, રૂપ અલૌકિક પ્રગટ કીધું. જા.૧
રથમાં બેસી રમાપતિ પધારિયા, તેજપ્રતાપ કહ્યો ના જાયે;
નાગરી ન્યાત તે ઊઠી ઉભી થઇ, આવિયા નાથ સભાની માંહ્યે જા.૨
સંગે શેઠાણી શ્રીલક્ષ્મીજી થયાં, પ્રગટ થઈને માન દીધું;
છાબમાં છાયળ ચીર તે નવનવાં, પૂર્યાં પીતાંબરે કાજ કીધું. જા.૩
નરસૈંયો નીરખીને અંગ ફૂલી ગયું, જય જય જય હરિ શબ્દ કીધો;
ચરણ ઉપર જઈ શીશ નામી રહ્યો, હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો. જા.૪
પદ ૧૯મું : રાગ કેદારો
અનેક પટોળાં ખીરોદક સાર, કમખા ભાત્ય ના’વે પાર;
સોના છાબમાં મોતીહાર, પેહેરાવે સઘળો પરિવાર. લક્ષ્મી.૧
જેટલું લખ્યું હતું કાગળ માંહે, સહુ પૂરૂં કર્યું વૈકુંઠરાયે;
લક્ષ્મીજીએ જો કીધો નિવાસ, સૌ કોને આવ્યો વિશ્વાસ. લક્ષ્મી.૨
વેવાઈએ મન કીધો વિચાર, એ કોય કારણ છે અવતાર;
નરસૈં મેહેતો સેવક સાધ, આપણે મહા કીધો અપરાધ. લક્ષ્મી.૩
પદ ર૦મું : રાગ કેદારો
રીધ ને સીધનો પાર ન પામીએ, વસ્ત્ર વિધવિધ તણાં ક્યાંથી લાવ્યો! વિ.૧
હસિત વદને હરિ એમ તાંહાં ઓચર્યા, “કોટી કારજ એવાં નિત્ય કરજો;
આવતાં વાર લાગી કાંઈ અમને, એટલું તુમે ક્ષમા કરજો.” વિ.ર
રામાએ કુંવરબાઈ રૂદિયા શું ચાંપીઆ, મસ્તક હાથ મૂકીને પૂછે;
“આવડી દૂબળી ક્યમ કરી દીકરી, કહે વારૂં તુને દુઃખ શું છે?” વિ.૩
ગદગદ્ કંઠ થઈ કુંવરબાઈ ઓચરે, “આજ મારૂં સહુ દુઃખ ભાગ્યું;
તમ દર્શન વિના હું સદા દૂબળી, માતનું દર્શન નિત્ય માંગું.” ૪
લક્ષ્મીજી તણાં આભ્રણ ઓપતાં, સર્વ સમર્પ્યા કુંવરી હાથે;
“મેહેતાજી સાથે માયા એવી કયારૂની,” માન તજી પૂછે વહેવાણ વાતે. ૫
લક્ષ્મીજી ઓચર્યા “આદિ ને અંતની,
માયા અમારી એ મેં જ જાણું?
અમારે આ વૈભવ આપ્યો મેહેતા તણો,
એક રસના કરી શું વિખાણું!” ૬
રીત ને ભાત સહુ આપીઆં નાથજી, આજ્ઞા માંગી પછી પ્રભુજી પહોંચ્યાં;
આશ્ચર્ય પામ્યા લોક ઉના તણાં, અંતર્ધ્યાન થયાં સર્વ જોતાં. ૭
નાગરી ન્યાત તે સર્વ પાગે પડી, ધન્ય મેહેતાજી ભક્તિ તમારી;
*
ઇતિશ્રી ગૂર્જર ભક્ત ચરિતામૃતે નરસિંહ મહેતાના ચરિત્ર વિષે “શ્રીકૃષ્ણ
ભગવાને કુંવરબાઈનું મામેરું પૂર્યું” એ વિષયનું સ્વયં નરસિંહ
મહેતાકૃત આખ્યાન સંપૂર્ણ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.
પાઠાંતર
(પદ, કડી, ચરણના ક્રમાંક દર્શાવ્યા છે.)
૨.૧.૧ શીખ ગ; હરખી કહ્યું ગ. ૨.૩.૧ કરે, ધરે ગ. ૩.૧.૨ એક ગ. ૩.૧.૩ સહજ ના લોભ ત્યાં ઘ. ૪.૧.૧ લખ્યું ઘ. ૫.૧.૪ મરે, ન ખ. ૬.૨.૩ પરિભવ ગ. ૭.૧.૪ કરીએ અ, બ. ૭.૩.૧ કાજ કોને ઘ. ૯.૫.૨ વૂઠું ખ. વુઠો વિ. ૯.૫.૩ સૂઝવ્યું ખ. રીઝવ્યો ખ(પા.), સુઝવ્યો વિ. ૧૧.૪.૧ લખાવશું ગ. ૧૨.૫.૪ ચારુ ગ. ૧૨.૭.૪ અમ્યો ગ. ૧૩.૩.૪ કળપના ઘ. ૧૪.૪ અને ૫ અહીં પાંચમી કડીનાં ૧-૨ ચરણ મૂક્યાં છે તે ગ મુજબ છે. તે છમાં ચોથી કડીનાં ૩-૪ ચરણ છે. ગએ પાઠ સુધાર્યો છે તે પ્રાસની દૃષ્ટિએ યોગ્ય છે. ૧૬.૩.૪ ભલપણ ભાવશો ચ. ૧૭.૧.૧ વિઠ્ઠલ હરિ અ, બ, વૈકુંઠપતિ વિ. ૧૭.૧.૨ ગત ન અ, બ. ૧૭.૩.૧ સાવટુ વિ. ૧૭.૩.૩. હાથ વિ. ૧૭.૪.૪ અંગ આળસ અ, બ. ૧૭.૫.૧ હાથસાંકળાં અ, બ. ૧૭.૭.૨ તે ‘માગ રે માગ’ મુખ વદત(તા) વાણી અ, બ. ૨૦.૩.૧ રમાએ ગ. ૨૦.૬.૨ અમ્યો જ ગ.