સાહિત્યિક તથ્યોની માવજત/કાન્તકૃત ‘ખરી મોહોબત’ : કેટલીક વિશેષ નોંધ
‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ની હાથે ઉતારેલી નકલ મને ભૃગુરાય અંજારિયાના સંગ્રહમાંથી જોવા મળી છે. તેથી ‘શબ્દસૃષ્ટિ’ના જુલાઈ ૧૯૮૭ના અંકમાં પ્રસિદ્ધ થયેલી એ કૃતિ વિશેની બલવંતરાય ઠાકોરની પરિચયનોંધમાં કેટલીક પૂર્તિ કરવાનું જરૂરી લાગે છે. આપણે ત્યાં આ કૃતિ વિશે જે ઉલ્લેખો થયા કર્યા છે એના સંદર્ભમાં હું આ પૂર્તિ કરીશ. ૧. બલવંતરાયે આ ચોપડીના પૂઠા ઉપરની માહિતી નોંધી છે તેમાં એની પ્રકાશનસાલ ૧૮૮૨ દર્શાવી છે. ‘કાન્તમાલા’માં કાન્તના જીવનની સાલવારી આપતાં હરિલાલ માધવજી ભટ્ટ ચોપડીની પ્રકાશનસાલ ૧૮૮૩ આપે છે અને જણાવે છે કે મુખપૃષ્ઠ ઉપરની સાલ ૧૮૮૨ છે, જે ખરી નથી (કાન્તમાલા, પૃ. ૩૮૫; કુસુમરજ, પૃ. ૨૭૩). ભૃગુરાયની નકલમાં પૂંઠા કે પ્રથમ પૃષ્ઠની માહિતી નથી, પરંતુ એમાં અર્પણપત્રિકા છે, જેની મિતિ ભાદ્રપદ શુદી ૧૩, સોમવાર સંવત ૧૯૩૮ છે. લાભશંકર ભટ્ટે પણ સં. ૧૯૩૮ જ આપેલી (કુસુમરજ, પૃ.૧૧). ભાદરવા શુદ ૧૩ સં. ૧૯૩૮ એટલે સપ્ટેમ્બર ૧૮૮૨ લગભગ થાય. તેથી પૂંઠા ઉપર છાપેલી ૧૮૮૨ની સાલ અનધિકૃત માનવાને કંઈ પ્રશ્ન રહેતો નથી. ચોપડી બજારમાં મોડી મુકાઈ હોય એમ કદાચ બને પરંતુ એથી પૂંઠા પરની સાલને ભૂલભરેલી માનવાનું યોગ્ય નથી. આ ચોપડીની સ્વીકારનોંધ ‘આર્યધર્મપ્રકાશ’ના છેક આષાઢ, ૧૯૩૯ (૧૮૮૩)ના અંકમાં આવેલી છે તેથી એ બજારમાં મોડી મુકાઈ હોય એવી થોડીક શક્યતા રહે છે. ૨. કાન્તની આ કૃતિ ગદ્યમાં છે કે પદ્યમાં એ વિશે આપણે ત્યાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તતી રહેલી છે. સાલવારીમાં એનો માત્ર ચારણી કિસ્સા તરીકે ઉલ્લેખ થયો છે પરંતુ લાભશંકર ભટ્ટે એની કેટલીક પદ્યપંક્તિઓ જ ઉદ્ધૃત કરી, તેથી એ કૃતિ પદ્યમાં હોવાનો વહેમ જન્મ્યો. ‘પૂર્વાલાપ’ની પ્રસ્તાવના (પૃ.૧૧) માં રામનારાયણ પાઠક એનો ચારણી કિસ્સા તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ લાભશંકર ભટ્ટે ઉદ્ધૃત કરેલી પંક્તિઓ પરથી એને કાવ્ય માનતા હોય એવું જણાય છે. મુકુન્દરાય પારાશર્યે આ કૃતિનો સાર આપી એની સમીક્ષા કરી છે એમાં એ એનો સતત ‘કાવ્ય’ તરીકે અને મનહર છંદની કૃતિ તરીકે ઉલ્લેખ કરે છે (કાન્તની જીવનદૃષ્ટિ, પૃ. ૭-૮ તથા ૧૧; આલેખનની ઓળખ, પૃ. ૩૦-૩૨ તથા ૩૫). મેં પણ પરિષદપ્રકાશિત ઇતિહાસ માટે કાન્ત વિશે લેખ લખ્યો તેમાં આ કૃતિનો સમાવેશ કવિતાવિભાગમાં જ કર્યો હતો. ભૃગુરાયે મારો એ લેખ હસ્તપ્રત રૂપે જોયેલો. એમણે એ કૃતિમાં મનહર ઉપરાંત પૃથ્વી વગેરે છંદો હોવાની નોંધ કરી, પણ એ કૃતિ મુખ્યત્વે ગદ્યમાં છે એવું ન જણાવ્યું. બલવંતરાયે કૃતિ ગદ્યમાં છે એવું સ્પષ્ટ જણાવ્યું નથી પણ ૭૨ પૃષ્ઠની ચોપડીમાં કવિતાની ૨૦૦ લીટી હોય (જે ૧૦-૧૨ પાનાં રોકે) તો બાકીનાં પાનાં ગદ્યનાં જ હોય એ સમજાય એવું છે. પણ હવે આખી કૃતિ વાંચવા મળતાં અસંદિગ્ધપણે કહી શકાય છે કે આ ગદ્યવાર્તા છે અને વર્ણન કે લાગણીની અભિવ્યક્તિના પ્રસંગે પદ્ય વાપરવાની જે સંસ્કૃત નાટકાદિની રૂઢિ હતી તેનું જ અહીં માત્ર અનુસરણ થયેલું છે. ૩. લાભશંકર ભટ્ટે ‘ખરી મોહોબત’ની જે પંક્તિઓ ઉદ્ધૃત કરેલી તે મનહર છંદની હતી. આ પરથી એ કૃતિ આખી મનહર છંદની હોય એવી છાપ ઘણાનાં મન પર પડી હોય એવું જણાય છે. મુકુન્દરાય પારાશર્ય તો “કાન્તની પહેલી કૃતિ સંસ્કૃત વૃત્તમાં નહીં પણ મનહર છંદમાં પ્રગટ થઈ” તેનો લાંબો ઇતિહાસ વર્ણવવા સુધી ગયા છે! આ હકીકત કેટલી અયથાર્થ છે તે બલવંતરાયે આપેલી ’ખરી મેહોબત’માં વપરાયેલાં વૃત્તોની સૂચિ પરથી સમજાય છે. એમાં પૃથ્વી આદિ ઘણા સંસ્કૃત વૃત્તો છે, આર્યા છે, દોહરો, હરિગીત જેવા માત્રામેળ છંદો છે, મરાઠી દિંડી છે, ગેય ધોળ, પદ, હોરી છે. મરાઠી દિંડી આટલો વહેલો કાન્તમાં ક્યાંથી આવ્યો તે કોયડો છે. ભૃગુરાયે અંજની, દિંડી, શંકરાભરણની ચાલ વગેરેમાં કાન્તના મિત્ર રાજારામ શાસ્ત્રી નિમિત્ત હોવાનું જણાવી દિંડી ‘ખરી મોહોબત’માં હોવાનું નોંધ્યું છે (કાન્ત વિશે, પૃ. ૧૫૬). પણ રાજારામ શાસ્ત્રીનો સંપર્ક કાન્તને મુંબઈમાં થયો અને વડોદરામાં દૃઢ બન્યો. ‘ખરી મોહોબત’ના દિંડીમાં એ નિમિત્ત ન હોઈ શકે. ૧૮૮૭માં પ્રસિદ્ધ થયેલી ‘કુસુમમાળા’નો પણ એમાં પ્રભાવ ન હોઈ શકે. તો નરસિંહરાવની સામયિકોમાં છપાયેલી કવિતામાંથી કાન્તે એ પ્રભાવ ઝીલ્યો હશે કે છેક ૧૮૫૦થી ગુજરાતના પ્રવાસે આવતી મરાઠી નાટકમંડળીઓમાંથી એ તપાસનો વિષય છે. અહીં એ નોંધવું જોઈએ કે વાર્તાની પ્રસ્તાવનામાં મરાઠી કવિ મોરો પંતની એક આર્યા ઉદ્ધૃત થઈ છે, જે લેખકનો મરાઠીનો પરિચય બતાવે છે. ૪. “ ‘દેવયાની’ અને ‘વસંતવિજય’ના લેખકને એક વખત દલપતશૈલી પર કેટલો મોહ હતો અને એ શૈલી કેટલી એમને સુલભ હતી” તેના દૃષ્ટાંત તરીકે લાભશંકર ભટ્ટે ‘ખરી મોહોબત’ની પ્રાસાનુપ્રાસવાળી મનહર છંદની પંક્તિઓ ટાંકી છે. આ પરથી રામનારાયણ પાઠકને પણ “લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં.” મુકુન્દરાય પારાશર્ય આ કાવ્યશૈલીમાં દલપતરામનો નહીં પણ દલપતરામે આ કાવ્યશૈલીમાં જ્યાંથી લીધી તે વ્રજભાષાની કાવ્યપ્રણાલીના જ્ઞાતિસંસ્કારોનો પ્રભાવ જુએ છે. પણ ‘ખરી મોહોબત’માં આ જાતની કાવ્યશૈલી હોવાની હકીકત જ તપાસવા યોગ્ય જણાય છે. દલપતરામી મનહર છંદ ઉપરાંત એમાં ઘણા છંદો વપરાયા છે, તે સિવાય દલપતરામની શબ્દચાતુર્યની શૈલી પણ એમાં ક્યાંક-ક્યાંક જ જોવા મળે છે. ઉદ્ધૃત થતા મનહરની પંક્તિઓમાં ને અન્યત્ર પ્રાસાનુપ્રાસાદિ છે તે ઉપરાંત ગદ્યમાં પણ શબ્દરમતનાં થોડાં ઉદાહરણો જડી આવે છે. પણ સામે શબ્દાલંકાર (ને દલપતરામી સૌષ્ઠવ ને સફાઈ) વિનાનાં પદ્યો પણ મળે છે –
(૧) સકળ કુમુદિનીના સ્તુત્ય તું ક્રત્ય માન,
અવગુણ તદપિ છે, એક જો તું પ્રમાણ.
પણ વિમલ પ્રકારે પ્રીતિ રીતિ બતાવે,
કદિ વિચારી જુઓ તો, તો જ તે કામ આવે.
(૨) મુરારિ અંહિ આ સૂએ, વળી સમીપ શત્રુ શૂળ;
સૂતેલ શર્ણાર્થિનો, શિખરિણોનું આંહિ કુળ.
રહેલ વડવા અહીં સહિત સર્વ સંવર્તકો;
સમુદ્ર સમ જગતમાં, વિતત જોરવાળું ન કો.
તેમજ ગદ્યમાં બાણની અસરવાળી વર્ણનશૈલી પ્રચુરતાથી પ્રયોજાયેલી જોવા મળે છે : (૧) એક કોઈ ઔષધી અને વૃક્ષોના ખજાનારૂપ, પક્ષિઓને રહેવાની નવી સૃષ્ટીરૂપ... કુદરતને શુદ્ધ રીતે બતાવી આપનાર કોષરૂપ... પોતાની ઉદારતા, મહત્તા, વિશાલતા વગેરેથી દેદિપ્યમાન દેખાતો, જાણે દેવલોકની દિવ્યતાને હઠાવનાર દિનકર હોયની એવો... પર્વતોમાં શ્રેષ્ઠ, સુગંધી વાયુવાળો સમિરાચલ નામે પર્વત હતો. (૨) જમીન ચારે તરફ લીલી થઈ ગઈ હતી તે એવી લાગતી હતી કે જાણે કેમ ઇંદ્રનીલમણીની જ ભુમી હોય! અથવા તો નીલગીરી પર્વત કહેવાય છે તે તે જ હોયની! અને કાં તો નીલવર્ણના પોપટોને જોઈને જ અને સહવાસથી તે ભૂમી લીલી થઈ ગઈ હોયની! (૩) જેના પગમાં ઉર્ધ્વ રેખા હતી, જેનું કપાળ વિશાળ હતું, જેના બધાં આંગળામાં ચક્રો તથા હથેળીમાં પદ્મ હતું,.... નેત્રો વિશાળ ને ચપળ હતાં... અને બધાં સામુદ્રિકોથી શોભીતો રાજકુમાર... સમગ્રપણે જોતાં ‘ખરી મોહોબત’ને દલપતશૈલીની કૃતિ તરીકે ઓળખાવી શકાય એવું નથી. કચાશભર્યા પણ અનેક છંદો, ગદ્યની વિવિધ તરાહો, ગુજરાતી ઉપરાંત હિંદી ભાષાનો વિનિયોગ ને ગુજરાતી ભાષામાં પણ સંસ્કૃતની સાથે ફારસી શબ્દોનું ભરણું વગેરે કિશોર સર્જકના વિવિધ પ્રભાવો ઝીલવાના મુગ્ધ પ્રયાસો વ્યક્ત કરે છે. ૫. મુકુન્દરાય પારાશર્ય કહે છે કે ‘ખરી મોહોબત’ની વસ્તુની પસંદગી “દલપતરામથી એકદમ વિરુદ્ધ” છે. એમાં “પરંપરાગત નીતિધર્મથી નિયંત્રિત જીવનવ્યવહાર સામે વિરોધનું તત્વ છે.” ‘આર્યધર્મપ્રકાશ’ના અવલોકનમાં તો આ ચોપડીમાં સમાયેલી ‘નીતિ’ પર સખત પ્રહાર કરવામાં આવેલ છે. તેની દૃષ્ટિએ ‘સ્ત્રીચરિત્રની વાતોના ગપાટા’ સમી આ ચો૫ડી “કામાંધ, વહેમી, ફાટલ, તત્ત્વને નહીં જાણનારા, રસમાં રસબળ, પરકીયામાં પ્યારવાળા અને ઉછરતા જુવાનિયાને પ્રીતિ ઉત્પન્ન કરે એવી... છે.” લેખકોનો દાવો કંઈક જુદો છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે “આમાં અમારા ધારવા પ્રમાણે તો નીતિને અનુસરતો ઉદ્દેશ છે. જોકે આમાં પ્રીતિનાં પાત્રો અઘટિત છે અને તેથી કરીને કોઈ કુબોધ પ્રતિ પોતાનું મન દોડાવે પરંતુ અમે તો એમ આશા રાખીએ છીએ કે સજ્જનો હંસની કુલીન પદ્ધતિને પકડશે. અર્થાત્ ફક્ત ગુણ ગ્રહણ કરશે.” લેખકો “નીતિ, સ્વધર્મ, સ્વમાન, વિદ્યા વગેરે બાબતો પર પુસ્તકો” લખવાની ખ્વાહેશ પણ પ્રગટ કરે છે. ‘ખરી મોહોબત’નું વસ્તુમાળખું એકંદરે મધ્યકાલીન સ્ત્રીચરિત્રનું છે અને એમાં પરપુરુષપ્રીતિ હોઈ પ્રથમ દૃષ્ટિએ અનીતિનો આક્ષેપ પણ લાગે, પરંતુ લેખકોના દાવાના સમર્થનમાં કેટલીક હકીકતો રજૂ કરી શકાય એમ છે : (૧) કાવ્યની નાયિકા તરલનયનાનાં લગ્ન એની અનિચ્છાએ થયેલાં છે. એને માટે વરની શોધ કરતા પિતાને એણે કહેલું કે “હાલ તે વિચાર બંધ રાખો અને મને ખાત્રી છે કે મારા યોગ્ય વર મળવો મુશ્કેલ છે. વળી આંહી રહીશ તો હું તમને ફાયદો કરીશ અને છતાં ૫ણ આપણા ઉજ્જ્વળ કુળને કલંક આવવા દઈશ નહીં.” એનું વેવિશાળ થયા પછી એ વિચારે છે કે “મને નથી લાગતું કે મારો પતિ મારા જેવા ગુણનો હોય. જગતમાં ‘પરણવું’ એ કાંઈ લાકડે માંકડું વળગાડી દેવાનું કામ નથી. જો વરની સાથે મળતી રાશી ન આવી તો નારીનું સતીપણું કેમ નભી શકે?” તરલનયનાનો પતિ કદમાં નાનો અને ગુણમાં ઊતરતો હતો. તેથી સ્વતંત્ર વિચારની નવોઢાને પતિગૃહે ગમ્યું નહીં, પિતાને ત્યાં એ આવીને રહી અને લેખક કહે છે, “આવી અવસ્થાની નારી કલંકરહિત ન રહી શકે તે પ્રમાણે નીચેના બનાવથી આ વિદ્વાન સ્ત્રીનું મન ચળી ગયું.” (૨) તરલનયના સૌ પ્રથમ કુંડમાં નહાતા ત્ર્યંબકપ્રસાદના વાળમાંથી ખરેલા ગુલબાસના ફૂલથી મોહિત થાય છે, પછી ત્ર્યંબકપ્રસાદને જુએ છે. આ ફૂલ ‘ઘણું દિવ્ય’ હતું અને “તરલનયના એ એક ઘણી જ ઉદાર અને કુલીન સ્વભાવની સ્ત્રી હતી તથા સદ્ગુણી હતી તેથી તેણે પોતાના સદ્ગુણના પ્રભાવથી ઘણાં વર્ષ સુધી તે ફૂલ તેવું જ રાખ્યું” એમ લેખક બતાવે છે. તરલનયનાના સદ્ગુણના પ્રતીક સમા આ ફૂલની રક્ષા દેવતાઓ દ્વારા થતી હોવાનું લેખક વિસ્તારથી વર્ણવે છે. (૩) તરલનયનાના ત્ર્યંબકપ્રસાદ પ્રત્યેના મોહ વિશે લેખક કહે છે કે, “આ મોહ કાંઈ કુકર્મનો નહોતો, ફક્ત પોતાના સરખા ગુણનો અને સ્વરૂપનો હતો.” બન્નેની પહેલી મુલાકાતનું વર્ણન પણ લાક્ષણિક છે : “બન્નેમાંથી કોઈને બુરો વિચાર ન હતો, બંનેમાંથી કોઈને કામવિકાર ન હતો, બંનેમાંથી કોઈ કોઈનો સ્પર્શ કરતાં નહીં અને બન્નેમાંથી કોઈની ખરાબ મનોવૃત્તિ પણ ન હતી. પરસ્પર મુખ જોવાનો આનંદ કેટલીક વાર સુધી લીધા પછી વિનોદવાર્તા કરી બન્ને જુદાં પડ્યાં.” સંન્યાસી બનેલા ત્ર્યંબકપ્રસાદને તરલનયના છૂપી રીતે નિયમિત રીતે કસુંબો પાવા જાય છે, પરંતુ એમની વચ્ચે લેખકને શરીરસંબંધ અભિપ્રેત નથી. ગાંધર્વો પણ એમના પ્રેમનું સ્વરૂ૫ ચંદ્ર અને ચકોર તથા ચંદ્ર અને કુમુદિનીના દૃષ્ટાંતથી સૂચવે છે, જેમાં સ્પર્શ નહીં પણ દર્શનનો જ આનંદ હોય છે. આ બતાવે છે કે સ્ત્રીચરિત્રના વૃત્તાંતમાં પ્રેમવિષયક પોતાને કોઈ અર્થ ભરવાની કોશિશ થયેલી છે, જે ઝાઝી સફળ થયેલી નથી પણ એમાંથી એટલું ફલિત થાય કે લેખકને સ્ત્રીચરિત્રનું પરંપરાગત સ્થૂળ વૃત્તાંત કદાચ અભિપ્રેત નથી. કાન્તની પછીની કાવ્યરચનાઓમાં પ્રગટ થતી સ્નેહશોધની વિલક્ષણ મનોવૃત્તિનું કાચું બીજ આ કાવ્યમાં છે એમ કહી શકાય? ૬. આ ચારણો પાસેથી સાંભળેલો કિસ્સો હોવાનું નોંધાયું છે. પારાશર્યે તા. ૫-૧૨-૭૪ના એક અંગત પત્રમાં મને લખેલું કે “એની કથા લાઠીની છે. ‘આજુબાજુ કાઠી, વચમાં લાખાની લાઠી’ એ લાખાનાં માતુશ્રી પરથી એની નાયિકાનું આલેખન છે.” તો વળી લાભશંકર ભટ્ટે એવું કહ્યું છે કે “એમાં એમનાં, પ્રભાશંકર પટ્ટણી, હરિલાલ ઝીણા અને બીજા કિશોરતરુણોનાં સ્નેહપરાક્રમો ગૂંથાયેલાં હતાં.” (કાન્ત વિશે, પૃ. ૨૭૯) વસ્તુના આ બધા તાણા-વાણા સંશોધનનો વિષય છે. ૭. કૃતિમાં મિત્રો, સ્વજનોનાં નામની ગૂંથણી થઈ છે તે તો સ્પષ્ટ છે. બલવંતરાયે ઉદ્ધૃત કરેલી આર્યામાં ગૌરીશંકર, હરજીવન, માધવજી, મણિશંકર એ ભાઈઓનાં નામો વાંચી શકાય છે. વાર્તામાં વટપ્રદના રાજાનું નામ પ્રાચીનબર્હિષ છે, જે કાન્તે પ્રભાશંકર પટ્ટણી માટે યોજેલું નામ છે (જુઓ કાન્ત વિશે, પૃ. ૩૩૮). તરલનયનાના પ્રેમીનું નામ ત્ર્યંબકપ્રસાદ ને ત્ર્યંબકપ્રસાદના પિતાનું નામ જયશંકર છે. કાન્તના કાકા જયશંકરના પુત્રનું નામ પણ ત્ર્યંબકલાલ હતું, તે ઉપરાંત રાજકોટમાં કાન્ત જેમને ત્યાં રહીને ભણ્યા એ વૈદ્ય ત્ર્યંબકલાલ મણિશંકર હતા. ‘ખરી મોહોબત’ના પ્રકાશનખર્ચમાં આ ત્ર્યંબકલાલે મદદ કરેલી એમ પારાશર્ય નોંધે છે. પ્રસ્તાવનામાં જેણે વસ્તુ ગોઠવવામાં મદદ કરી હોવાનો ઉલ્લેખ થયો છે તે પણ જયશંકર દયાળજી મહેતા છે. વાર્તામાં કમલા નામ આવે છે તેને કાન્તે છેકી કાઢેલું એવું લાભશંકર ભટ્ટે નોંધ્યું છે (કાન્ત વિશે, પૃ. ૨૭૯). પણ અત્યારે એમાં એવું કોઈ નામ મળતું નથી. બલવંતરાયે બબ્રુવાહનપુરના રાજાનું નામ જયમલ્લ હોવાનું જણાવ્યું છે. ભૃગુરાયની હાથનકલમાં જગમલ છે, જોકે આ હાથનકલ શુદ્ધ હોવાની ખાતરી નથી. ૮. વાર્તારચનામાં સહાધ્યાયીઓનો ફાળો હોય તોપણ કોનો કેટલો તે આજે નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ પૂંઠા ઉપરનાં બે નામોમાં પ્રસ્તાવનામાં જયશંકર દયાળજી મહેતાનું નામ સ્પષ્ટ રીતે ઉમેરાય છે એ તરફ ધ્યાન જવું જોઈએ.