સાહિત્યિક તથ્યોની માવજત/બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ
| જન્મતારીખ; બી.એ.ની ડિગ્રી; કૃતિઓ; ‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’ |
આપણા અર્વાચીન સમયના લેખકો વિશે પણ કેટલીક જુદીજુદી અને ખોટી માહિતી નોંધાયેલી મળે છે. આવી માહિતીની, મૂળ સાધનો જોઈને શુદ્ધિ કરવી આવશ્યક છે. અહીં બટુભાઈ ઉમરવાડિયા વિશેની જુદીજુદી વીગતે મળતી કેટલીક માહિતી નોંધી છે અને જ્યાં મૂળ આધાર જોવા મળ્યો ત્યાં શુદ્ધિ પણ નિર્દેશી છે.
જન્મતારીખ
માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં બટુભાઈના ભાઈ રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બટુભાઈની જન્મતારીખ ૧૭-૭-૧૮૯૯ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) અને ‘ગુજરાતના સારસ્વતો’ તા.૧૩-૭-૧૮૯૯ આપે છે તથા ‘બટુભાઈનાં નાટકો’માં મુકાયેલા બટુભાઈના ફોટા નીચે એ જ તારીખ દર્શાવવામાં આવી છે. બટુભાઈના પુત્ર શરદભાઈ ઉમરવાડિયાના કહેવા પ્રમાણે તા. ૧૩-૭-૧૮૯૯ને તેમનાં કુટુંબીજનો તેમનો જન્મદિવસ ગણે છે, જોકે જન્મતારીખ માટેનાં આધારભૂત સાધન ચકાસવાં જોઈએ. ‘માનસી’માં છાપભૂલ થઈ હશે?
ઉપનામો
‘બટુભાઈનાં નાટકો’ સંગ્રહમાં ‘આ નાટકો’ શીર્ષક નીચે લખાયેલી પ્રસ્તાવનામાં અનંતરાય રાવળ લખે છે : “કેટલાક અગ્રગણ્ય ગુજરાતીઓનાં પ્રગલ્ભ શૈલીનાં રેખાચિત્રોના આલેખક ‘સુંદરરામ ત્રિપાઠી’, ‘કિશોરીલાલ શર્મા’ અને ‘હરરાય દ્વિવેદી’...” પ્રસ્તુત વાક્યમાંથી કોઈ એવો અર્થ કાઢે કે આ લેખક ત્રણ ઉપનામથી રેખાચિત્રો લખતા હતા તો એ યોગ્ય નથી. બટુભાઈએ ‘રેખાચિત્રો’ માત્ર ‘સુંદરરામ ત્રિપાઠી’ના ઉપનામથી લખ્યાં હતાં. અન્ય ઉપનામોથી બીજાં લખાણો કરેલાં છે. ‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં પૃ. ૨૦૩ પર બટુભાઈનું ઉપનામ ‘કિશોરીલાલ વર્મા’ છે તેમાં છાપભૂલ થયેલી જણાય છે. આ જ પુસ્તકમાં પૃ. ૪૧ પર ‘કિશોરીલાલ શર્મા’ છે. બટુભાઈનું બીજું ઉપનામ પૃ. ૨૫૧ અને પૃ. ૨૦૩ પર ‘હરરાય ત્રિપાઠી’ આપવામાં આવ્યું છે એમાં કંઈક સમજફેર થઈ હોવાનો સંભવ છે, કેમકે અન્યત્ર સુંદરરામ ત્રિપાઠી અને હરરાય દ્વિવેદી એમ ઉપનામો જોવા મળે છે.
બી.એ.ની ડિગ્રી
માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બી.એ. થયાની સાલ ૧૯૨૦ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ૧૯૧૯ની સાલ આપે છે. શરદભાઈ ઉમરવાડિયાને ૧૯૧૯ સાલ વધારે સાચી હોવાનું જણાય છે.
કૃતિઓ
(ક) ‘કીર્તિદાને કમળના પત્રો’ : ‘ગુજરાતના સારસ્વતો’ આ કૃતિનું શીર્ષક ‘કીર્તિદા અને કમળના પત્રો’ આપે છે જે બરાબર નથી, ‘કીર્તિદાને કમળના પત્રો’ એ ખરું શીર્ષક છે. માનસી, સપ્ટેમ્બર ૧૯૪૦માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૬) પ્રસ્તુત કૃતિની પ્રકાશનસાલ ૧૯૩૭ આપે છે, તો ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય કૉપીરાઇટ વિભાગના કાર્ડ પર અને ધ નૅશનલ બિબ્લિઓગ્રાફી ઓફ ઇન્ડિઅન લિટરેચર’ વૉ.૧માં પ્રસ્તુત કૃતિની પ્રકાશન- સાલ ૧૯૩૯ છે. ‘ગુજરાતના સારસ્વતો’ ૧૯૩૮ આપે છે. પુસ્તક જોતાં એમાં પ્રકાશનસાલ નથી પરંતુ લેખકનું નિવેદન તા. ૯-૯-૧૯૩૮નું છે. તેથી પ્રકાશનસાલ ૧૯૩૮ માનવી બરાબર લાગે છે. (ખ) ‘સંસાર એક જીવનનાટ્ય’ : ‘શકુન્તલા રસદર્શન’માં પોતાનાં પુસ્તકોની યાદીમાં બટુભાઈ પોતે જ, ‘ગુજરાતના સારસ્વતો’, ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૩૦), ‘ધ નૅશનલ બિબ્લિઓગ્રાફી ઑફ ઇન્ડિઅન લિટરેચર’ વૉ. ૧, તેમજ ‘માનસી’માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) તથા જ્યોતીન્દ્ર દવે (પૃ. ૨૨૨) આ કૃતિનું શીર્ષક ‘સંસાર’ આપે છે, તેમજ ‘કીર્તિદાને કમળના પત્રોની પુસ્તકયાદીમાં બટુભાઈ પોતે ‘સંસાર એક જીવનનાટક’ નામ આપે છે. પુસ્તકમાં કૃતિનું શીર્ષક છે ‘સંસાર એક જીવનનાટ્ય’. કૃતિની પ્રકાશનસાલ ‘ગુજરાતના સારસ્વતો’ અને ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૩૦) ૧૯૧૮ આપે છે. ‘માનસી’માં રમણભાઈ ઉમરવાડિયા તેને ૧૯૨૦ના અરસાની ગણે છે. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય કૉપીરાઈટ વિભાગના કાર્ડ પર પણ ૧૯૧૯ની સાલ છે. પુસ્તકમાં પ્રકાશનસાલ નથી. પણ એમાં બે નિવેદનો છે-એક ૨૦ જાન્યુઆરી ૧૯૧૯નું, બીજું ૧૨ માર્ચ ૧૯૨૧નું. બીજા નિવેદનમાં એમ નોંધવામાં આવ્યું છે કે પુસ્તકનું પ્રકાશન થતાં પહેલાં પુસ્તકનો છેવટનો ભાગ ખોવાઈ ગયેલો જે બીમારી અને અન્ય કારણોથી લેખકથી ફરીથી લખવો અશક્ય લાગવાથી જ્યોત્સના શુક્લે તે ભાગ લખેલો. આ કારણે પુસ્તક ૧૯૨૧માં જ પ્રસિદ્ધ થયેલું ગણવું જોઈએ. ‘માનસી’માં જ્યોતીન્દ્ર દવેએ (પૃ. ૨૨૨) [આ લીટીઓ પૃષ્ઠને આરંભે વાંચો]૧૯૨૧માં આ પુસ્તક પ્રસિદ્ધ થયાનું નોંધ્યું છે. ‘માનસી’માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૫)એ ‘કીર્તિદાને કમળના પત્રો’ ‘માનસી’ માટે લખાયેલા એવું નોંધ્યું છે એમાં સ્મરણદોષ જણાય છે. એ પત્રો ૧૯૨૪-૨૫માં ‘કૌમુદી’માં છપાયેલા, એ વખતે ‘માનસી’નું અસ્તિત્વ જ નહોતું. (ગ) ‘રસગીતો’ : ‘રસગીતો’નું પ્રકાશનસ્થળ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય કૉપીરાઈટ વિભાગના કાર્ડ પર મુંબઈ છે. કૃતિમાં પાછળના ટાઈટલ પર “છપાવી પ્રસિદ્ધ કરનાર : બટુ ઉમરવાડિયા, ચેતન કાર્યાલય, સુરત, ચૈત્રી પૂર્ણિમા ૧૯૭૬” મળે છે. પુસ્તકના નિવેદનમાં મુંબઈનું સરનામું છે, અને ગ્રંથાલયના કાર્ડ પર આ કારણે પ્રકાશનસ્થળ મુંબઈ લખાયેલું લાગે છે, પરંતુ વસ્તુતઃ પ્રકાશનસ્થળ સુરત છે એ સ્પષ્ટ છે. (ઘ) ‘મનનાં ભૂત’ : ‘ધ નૅશનલ બિબ્લિઓગ્રાફી ઑફ ઇન્ડિઅન લિટરેચર’ વૉ. ૧ બટુભાઈને નામે ‘મનનાં ભૂત’ નામનું પ્રકાશન નોંધે છે અને એ ૧૯૨૫માં મુંબઈથી પ્રકાશિત થયાનું જણાવે છે. આવું કોઈ પ્રકાશન જોવા મળ્યું નથી તેમ આવું પ્રકાશન થયાનું અન્યત્ર ક્યાંય નોંધાયેલું પણ નથી. ૧૯૨૫માં ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ છે. એમાંના એક નાટક ‘મહમ્મદ પેગમ્બર’ ઉપર સરકારી પ્રતિબંધ આવેલો તેથી એ નાટક એમાંથી કાઢી નાખવામાં આવેલું છે. ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટક’ની એક નકલમાં અનુક્રમણિકામાં ‘મહમ્મદ પેગમ્બર’ને સ્થાને ‘મનનાં ભૂત’ની છાપેલી કાપલી ચોડેલી જોવા મળી છે; જોકે એ નકલમાં અંદર તો એ કૃતિ મૂકવામાં આવી નથી. પણ એમ બને કે આ પુસ્તકમાં મૂકવા માટે ‘મનનાં ભૂત’ની અલગ નકલો છપાવેલી હોય પરંતુ જ્યાં સુધી એ જોવા ન મળે ત્યાં સુધી ખાતરીપૂર્વક કશું કહી શકાય નહીં. (ચ) ‘લોમહર્ષિણી’ : ‘ધ નૅશનલ બિબ્લિઑગ્રાફી ઓફ ઇન્ડિઅન લિટરેચર’ વૉ.૧ બટુભાઈને નામે ‘લોમહર્ષિણી’ નામનું પ્રકાશન નોંધે છે અને તેને વિશે : “આ.૨, અમદાવાદ, ૧૯૪૮, પૃ. ૨૫૫” એવી માહિતી આપે છે, પરંતુ આવું કોઈ પ્રકાશન જોવા મળ્યું નથી તેમજ આવું પ્રકાશન થયાનું પણ આ સિવાય બીજે ક્યાંય નોંધાયેલું નથી. ‘બિબ્લિઑગ્રાફી’ પુસ્તક ૨૫૫ પૃષ્ઠનું હોવાનું કહે છે તેથી એ ખાસો મોટો નાટ્યસંગ્રહ જ હોઈ શકે. બટુભાઈના બે નાનકડા સંગ્રહો ૧૯૨૫ અને ૧૯૨૭માં થયા પછી છેક ૧૯૫૧માં જ ’બટુભાઈનાં નાટકો’ને નામે મોટો સંગ્રહ થયો છે એટલે ‘બિબ્લિઑગ્રાફી’એ આપેલી માહિતી સ્વીકારવા યોગ્ય જણાતી નથી. (છ) ‘શૈવાલિની અને બીજાં નાટકો’ અને ‘આપણા મહાજનો અને બીજા લેખો’ : ‘બટુભાઈનાં નાટકો’ (સંપાદક અનંતરાય રાવળ)માં આરંભમાં ‘બટુભાઈની સાહિત્યિક કૃતિઓ’ તથા ‘હવે પછી પ્રગટ થશે’ એવાં શીર્ષકો સાથે બટુભાઈની કૃતિઓની યાદી આપવામાં આવેલી છે. કૃતિઓની યાદીમાં આ પ્રકારના બે વિભાગો કરવામાં આવ્યા છે એ પરથી એમ સમજાય કે પહેલા વિભાગમાં મુકાયેલી કૃતિઓ પ્રગટ થયેલી કૃતિઓ હશે. પણ વસ્તુતઃ એમ નથી. ‘શૈવાલિની અને બીજાં નાટકે’ તથા ‘આપણા મહાજનો અને બીજા લેખો’ અહીં પહેલી યાદીમાં મુકાયેલા છે પરંતુ એ પ્રગટ થયેલા ગ્રંથો નથી. ‘આપણા મહાજનો અને બીજા લેખો’ને તો અહીં જ ‘હવે પછી પ્રગટ થશે’ની યાદીમાં પણ સમાવવામાં આવેલા છે. ‘શૈવાલિની અને બીજાં નાટકો’ અને “આપણા મહાજનો અને બીજા લેખો’ એ બન્નેને લેખકે પોતાનાં પ્રકાશ્ય પુસ્તકોની યાદીમાં મૂકેલા પરંતુ આ સંગ્રહો પછીથી પ્રગટ થઈ શક્યા નથી. ‘શૈવાલિની’ પહેલી જ વાર ‘બટુભાઈનાં નાટકો’માં ગ્રંથસ્થ થાય છે. (જ) ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ : ‘માલાદેવી અને બીજાં નાટકો’ તથા અન્ય ગ્રંથોની પોતાની પુસ્તકયાદીમાં બટુભાઈ પોતે, ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૩૦) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ‘મત્સ્યગંધા અને બીજાં નાટકો’ એવું ગ્રંથનામ આપે છે. વસ્તુતઃ ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ એવું ગ્રંથનામ છે.
‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’
‘ચેતન’ માસિકના તંત્રીપદે બટુભાઈ સાથે શ્રીમતી જ્યોત્સનાબહેન સહતંત્રી હતાં એવી માહિતી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) આપે છે પરંતુ ‘માનસી’માં જ્યોતીન્દ્ર દવે (પૃ. ૨૨૨) ના કહેવા મુજબ ‘ચેતન’ વિજયરાય વૈદ્ય અને બટુભાઈ ઉમરવાડિયાના તંત્રીપદ હેઠળ ચાલતું હતું. વળી આ માસિકના અંગ્રેજી વિભાગમાં પણ બટુભાઈ સાથે વિજયરાય વૈદ્ય સહતંત્રી હોવાની માહિતી નોંધાયેલી છે. ‘ચેતન’ જોવા મળ્યું નથી પરંતુ વિજયરાયના જ માસિક ‘માનસી’માં પ્રગટ થયેલી માહિતીને સાચી માનવી જોઈએ. જ્યોત્સનાબહેન શુકલ ‘વિનોદ’ માસિકમાં બટુભાઈનાં સહતંત્રી હતાં. ‘સુદર્શન’ સાપ્તાહિક બટુભાઈના તંત્રીપદ હેઠળ સને ૧૯૨૯માં સુરતમાંથી પ્રગટ થવા માંડેલું એમ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) નોંધે છે. માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈના કહેવા મુજબ બટુભાઈ તા. ૧૩-૮-૨૮થી ૧૫-૧-૨૯ સુધી ‘સુદર્શન’ સાપ્તાહિકના તંત્રી હતા.