સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નાખુદા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નાખુદા

ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
(શિખરિણી)

વહે વેગે નૌકા સરલ સરતી સિન્ધુ ઉપરે,
તરંગો ને તારા પળપળ મીઠાં ગાન ઊચરે;
રમે, ખેલે, પેલાં ગભરુ બટુકો – ગમ્મત કરે,
પ્રવાસી આનન્દે અહીં તહીં ફરે તૂતક પરે!
નહીં ચિન્તા કોને, સ્થળ સમય બાધા નહિ કરે, ૫
બધે હૈયે કેવી સ્મિત લહરીઓ રમ્ય વિલસે!
અરે! કિન્તુ પેલાં ક્ષિતિજ પરથી વાદળ ધસે,
બની ગાંડો અબ્ધિ ઊલટી સહસા તાંડવ કરે!
ડૂબી જ્યોત્સનારાણી વિરમી ગયું એ હાસ્ય ઊજળું,
ધ્રૂજે ભીરુ સર્વે – નિમિષ મહીં શું ચિત્ર પલટ્યું! ૧૦
પરંતુ પેલો ત્યાં તૂતક ઉપરે સૌમ્ય ગિરિ શો,
ઊભો છે નાખુદા: થીર, અડગ, ગંભીર, અટૂલો!
ઉષા સન્ધ્યા એને દિવસ રજની એકસરખાં —
રહ્યો જોઈ જાણે જગ અખિલ એ એક ધ્રુવમાં.
[અર્ઘ્યમાંથી]

સ્વાધ્યાય

૧. ‘દૈન્ય’ કાવ્યની કથા તમારા શબ્દોમાં કહો.
૨. યોગીને શા વિચારો આવ્યા? તમે એવું જુઓ તો તમારા મનમાં શું થાય?
૩. તોફાન પહેલાંની સમુદ્રની સ્થિતિ વર્ણવો. પછી શું થયું?
૪. નાખુદાનું ચિત્ર તમારા શબ્દોમાં આપો.