સાહિત્ય પલ્લવ – ભાગ ૧/સુંદરજી બેટાઈ
[માતાના હેતનાં અનેક વર્ણનો આપણા સાહિત્યમાં છે. ‘બાની ચીમટી‘માં માતા અને બાળક વચ્ચેનો એક સંવાદ યોજાયો છે. એ પણ માતાના હેતનું એક મંગળ કાવ્ય-ચિત્ર છે. માતાને ભૂતકાળ સાંભરે છે : જ્યારે એનો બાળક ખૂબ જિદ્દી હતો, તોફાન કરતો હતો — અને ક્યાં બાળક જિદ્દી અને તોફાની નથી હોતાં? — અને જ્યારે તે તોફાન કરતો ત્યારે કોઈ કોઈ વાર અકળાઈને ‘ઘણી ઘણી તને ચૂંટીય ખણી’ એમ કહી માડી નિ:શ્વાસ નાખે છે કે ‘સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી.’ આમ માર માર્યા છતાં ઘડીમાં પોતાનો બાળક એ માર ભૂલી જતો અને વહાલથી પોતાની માના ખોળામાં કલ્લોલતો એ યાદ કરી, મા જાણે કે પોતાના બાળક તરફ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતી કહે છે: ‘ફરી મારો ખોળો ભરી હૃદય મારું ભરી જતો.’ પણ બાળક પણ એવો જ કૃતજ્ઞતાથી ભર્યો છે. માએ કેવા કેવા મોટા ભોગો આપી પોતાને મોટો કર્યો છે એ બાળક જાણે છે. બાળક માને પૂછે છે: હે મા, તેં ‘ન શું નિચોવીને મુજ જીવનમાં જીવન ભર્યાં?’ અને કહે છે કે, ‘તું મારી બા છે એ મારે માટે કંઈ ઓછું છે? એ ચીમટી બીમટી બધી, બા, તું ભૂલી જજે.’ અને કયો બાળક આ બાળકની જેમ પોતાની ચીમટી ભરનારી બાને ઉમળકાથી આવું નહિ કહેશે કે, ‘અવ વિસરી જા, બા, તું ચીમટી!’]