સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મીરાંબાઈ
[મીરાંબાઈનું નામ ગુજરાતમાં ઘરોઘર ગાજતું છે. ભક્તિ સિવાય પોતાની પાસે કાંઈ નથી એમ એ ગાઈ બજાવીને કહે છે. એ ભક્તિ તો આ સંસારરૂપી ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું છે. મનરૂપી મસ્ત મકનો હાથી બીજા કોઈ અંકુશથી હાથમાં આવતો ન હતો, તે આ ભક્તિથી વશ થયો. તેથી મીરાં તો પોતાને આંગણે તપસીઓ ભેગા કરે છે, ને તેઓ ધૂણી જગાવીને ભજન કરે છે તેમાંથી ભક્તિરસ મેળવે છે. ‘જમનાનાં પાણી’માં ઝારી ઉપર બીજી ઝારીનું વર્ણન એવું ઉલ્લાસભર્યું કર્યું છે કે ચિત્ર આપણી નજર આગળ રમી રહે. છેલ્લા ગીતમાં, આત્મા ચાલ્યો જવા માંડતાં શરીરની શી દશા થાય તેનો ખ્યાલ આપ્યો છે. હાથમાં વાટકી લઈને, દીવો રાણો ન થઈ જાય તે માટે, તેલ ઉધાર લેવા જવાનું ચિત્ર આપ્યું છે, તે છેલ્લી ઘડીએ જેઓ મોક્ષજ્ઞાન મેળવવા નીકળે છે તેમની દયાજનક સ્થિતિ બતાવવા આપ્યું છે. આત્મા ચાલી નીકળે છે ને પછી – વાણિયો ઊઠી જાય ને સૂની હાટડીમાં બહારવટિયા ધીંગાણું (રમખાણ) મચાવે તેમ – જમડા રમખાણ મચાવે છે; માટે આવતા જમડાને પાછા વાળવા હોય તો આગળથી ભક્તિ વગેરેનું ભાથું એકઠું કરી રાખવું — એવો ધ્વનિ છે. આની સાથે ‘જૂનું થયું રે દેવળ જૂનું થયું’ એ ભજન સરખાવવું. પહેલા ભજનમાં હિંદી-બલ્કે મારવાડી ભાષાની છાંટ છે. મારવાડી અને ગુજરાતી બંને ભાષા જુદી જુદી થઈ નહોતી અને એકરૂપ જ હતી તે વારામાં મીરાંબાઈએ ભજનો ગાયાં છે. પછીથી ભાષામાં ફેરફાર થતાં, ગુજરાતીઓ ગુજરાતી કરીને તેનાં તે ભજન ગાતા ગયા ને ઉત્તર હિંદમાં હિંદી રૂપાંતર કરીને ગાતા રહ્યા. ૧. ૬. વેદ પઢ્યો ન ગઈ કાશી રે — ‘ન’નો બંને તરફ ઉપયોગ કરવાનો છે. વેદ પઢ્યો નહિ, નહિ કાશી ગઈ. આને દેહલીદીપ (ઉંબરા ઉપરનો દીવો — જેનું બંને ઓરડામાં તેજ પડે) કહે છે. ૪. ૩. ત્રાટું — તાટું; વાંસનાં ખપાટિયાંનો પડદો.]