સાહિત્ય પલ્લવ – ભાગ ૧/શ્યામ રંગ

૧. શ્યામ રંગ

દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું,

મારે આજ થકી શ્યામ રંગ.
ટેક.


જેમાં કાળાશ તે સહુ એકસરખું,

સર્વમાં કપટ હશે આવું.
મારે૰


કસ્તુરીની બિંદી તે કરું નહિ, ૫

કાજળ ન આંખમાં અંજાવું.
મારે૰


કોકિલાનો શબ્દ સુણું નહિ,

કાગવાણી શુકનમાં ન લાવું.
મારે૰


નીલાંબર કાળી કંચુકી ન પહેરું,

જમનાનાં નીરમાં ન નાહવું.
મારે૰
૧૦

મરકત મણિને મેઘ દૃષ્ટે ન જોવાં,

જાંબુ વંતાક ન ખાવું!
મારે૰


દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,

પણ કહે મન, પલક ના નિભાવું.
મારે૰