સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દિલ તો ખોલીને દીવો કરો!

૧. દિલ તો ખોલીને દીવો કરો!

મીરાંબાઈ

તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો હોજી. ટેક

આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહે મોર કરે ઝીંગોરા રે;
આ રે કાયામાં છે. સરોવર રે હોજી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે!
મારા વીરા રે, આ દિલ૦

આ રે કાયામાં છે હાટડાં રે હોજી, તમે વણજ વેપાર કરોને અપરંપારા રે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર હોજી, દેજો અમને સંતચરણે વાસેરા રે!
મારા વીરા રે, આ દિલ૦