સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પ્રભાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. પ્રભાત

(પ્રભાતિયું)
નર્મદાશંકર

જાગની જીવડા, ગાની તું ગીતડાં બ્રહ્મ કેરાં, હવે વહાણું વાશે,
રાગ પરભાત પર રાખ અનુરાગ બહુ, સફળ આનંદમાં દિન જાશે.

કૂકડે કૂક કો કૂકડાં બોલતાં, ચકલીઓ ચકચક, કાક કાકા;
મધુરી મેના મુખે હરિગુણો સુણતાં, પાધરા થાય ગ્રહ હોય વાંકા.

ઘંટીના ઘોરમાં મેળવી સૂરને, સ્ત્રી વળી ઘરડીઓ ગીત ગાયે;
જેથી સહુ બાળકો, સ્ત્રી, પુરુષો નવાં, લહેર આનંદમાં ઊંઘી જાયે.

તરુણ મહિયારીઓ મારીને કાછડા, નેતરું તાણીને મહી વલોવે;
ઘમ્ ઘમ્ ઘમક ઘમક, ઘમ્ ઘમ્ ધમ્ નાદ તે, રંગ પરભાતમાં ખૂબ સોહે.

દેવને આરતી થાય છે ઊઠતાં, ઘંટ ઘણણણણ ઘડી ટંટ વાજે;
દેવઆરાધના, ઘોષ વિદ્યા તણા થાય તેથી બહુ વાયુ ગાજે.

જોત ઝાંખી થઈ કુમુદની કળી થઈ, કમળ તો ખીલવા માંડશે જો;
ભક્ત સહુ દર્શને, દોડતાં જાય, ને સકળ જન હાટ નિજ માંડશે જો.

ચળકતાં ઝળકતાં, ઓપતાં શોભતાં, ધાતુઓ ને બહુ કાચ શસ્ત્રો,
અરુણ ઉદે થશે, ધુમર પીગળી જશે; જગત પહેરે સુનેરી સુવસ્ત્રો.

જાગની જીવડા, ગાની તું ગીતડાં બ્રહ્મ કેરાં, હવે વહાણું વાશે.