સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સર્જક શ્રેષ્ઠ આંગળાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. સર્જક શ્રેષ્ઠ આંગળાં

કૃષ્ણલાલ શ્રીધરાણી
(મિશ્રોપજાતિ)

‘બેટા! અહીં એ છરી કાં ન આણે?’
વદી ફરી વૃદ્ધ નમી ઊભો થયો;
પડી મૂકી શાળ અપૂર્ણ વાણે,
ધરી ભીનાં નેન નીચાં, શમી ગયો.
ત્રિભંગથી સહેજ છટા પ્રસારી,
ભરી બધે સ્વાંગ સુવર્ણ રંગના;
સંધ્યા તણા કેશ જરા સમારી,
ડૂબે રવિ શાશ્વત કાલગંગમાં.
‘બેટા! અહીં એ છરી કાં ન આણે?’
વદી ફરી વૃદ્ધ નમી ઊભો થયો;
પડી મૂકી શાળ અપૂર્ણ વાણે,
અનંત આરે કંઈ શોધવા ચહે.
ગ્રહી છૂરી, ઓષ્ઠ સુમંદ ધ્રૂજે;
લહી રહે પાંચ સુરેખ આંગળાં -
ને આંખમાં ભાવ અકથ્ય ઝૂઝે,
ધીમે ધીમે શબ્દ સરંત પાંગળા -
‘જનો તણી લાજ તમે વિદારી,
ઢાંક્યા તમે લોક ધ્રૂજંત ટાઢમાં;
ઢાંકી જરા, સુંદરતા પ્રસારી,
લૂછ્યા ભીના દેહ તમે અષાઢમાં
દિલ્હી તણી એ નવયૌવનાઓ,
સજી સુવસ્ત્રો શબનમ્ સમાં વણી;
કૃતાર્થ ભાવે સજી નૂરજહાંઓ,
હવા સમાં ચીર ઝીણાં વણી વણી.
પરંતુ એવી તમ સૌ કળાએ
ગુલામ શો આજ મને કરી મૂક્યો;
કલા તણી સુંદર સર્જનાએ
હીણો કર્યો આજ મને.’ વદી ઝૂક્યો.
રહી ગયા હસ્ત વહંત પાંગળા!
નીચે પડ્યાં સર્જક શ્રેષ્ઠ આંગળાં!
કોડિયાં’માંથી

સ્વાધ્યાય

૧. સાચા પૂજારી તરીકે કવિ કોને વર્ણવે છે?
૨. મંદિરનાં દ્વારને સાંકડાં કેમ કહ્યાં છે?
૩. કાપતા પહેલાં પોતાનાં સુરેખ આંગળાંને જોતાં વૃદ્ધના મનમાં જે મંથન થયું હશે તેનું વર્ણન કરો.
૪. ‘સર્જક શ્રેષ્ઠ આંગળાં’માંના અલંકારો ઓળખાવો.
૫. ‘કલા તણી સુંદર સર્જનાએ હીણો કર્યો આજ મને’— આવું એ વૃદ્ધ શા માટે કહે છે?