સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સાચા શૂરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. સાચા શૂરા

બ્રહ્માનંદ

પેટ કટારી રે, પહેરી સનમુખ ચાલ્યા;
પાછા ન વળે રે, કોઈના તે ન રહે ઝાલ્યા.
સામાસામા રે ઊડે ભાલા અણિયાળા;
તે અવસરમાં રે, રહે રાજી તે મતવાળા.
સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે;
જીવત જૂઠું રે, મરવું તે મંગળ જાણે.
તેની પેરે રે હરિજન પણ જોઈએ તીખા;
અંતર-શત્રુને રે લાગે અતિવજ્ર સરીખા.
માથું જાતાં રે, મુખનું પાણી નવ જાયે;
બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.

સ્વાધ્યાય

૧. સાચા શૂરવીર કેવા હોય?
૨. જિંદગીમાં ટેકનો મહિમા શો તે બતાવો. આપણા ગુજરાતમાં કોઈ ટેકીલા માણસો થઈ ગયા હોવાનું તમારી જાણમાં છે?
૩. મૃત્યુ તરફ સાચા વીર પુરુષોનું વલણ કેવું હોય?