સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અદીઠની ભાળ

૨. અદીઠની ભાળ

રામપ્રસાદ શુક્લ

લીલી વાડીમાં આંબલા લહેકે છે;

ડાળે ડાળે મંજરીઓ મહેકે છે.
લીલી૦


ગાઢ જાંબુની કુંજ આ ઝૂમે છે;

એમાં જુગલ કપોતનાં જામે છે.
લીલી૦


આ બાજુએ કોકિલા ક્યાં બોલી?

ઉરે આતમ વિચારની આંખ ખોલી?
લીલી૦


આજ સૃષ્ટિ સંજીવની લાવે છે;

મારા ઉરના ઉચાટને શમાવે છે.
લીલી૦


મને સરતાં સ્વપ્નાંની ચોટ વાગી;

એના ત્રણમાં અદીઠની ભાળ લાગી.
લીલી૦