સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નર્મદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નર્મદ

[૧. શરદ : આ કાવ્યમાં પતિના વિયોગથી દુ:ખી એવી કોઈ વિરહિણીના મુખમાં શરદનું વર્ણન મુકાયું છે. ‘પણ જેવી હું તો હતી તેવી રહી’ —ની ધ્રુવકડી વિયોગની વેદના સારી રીતે વ્યક્ત કરે છે. કવિ કુદરતમાં સર્વત્ર થયેલ ફેરફારનું વર્ણન કરી એ વેદનાને વધુ સચોટ બનાવે છે. ૧. નીર થીર થયાં - ચોમાસું ઊતરતાં શરદ ઋતુમાં નદીઓ શાંત અને સ્થિર બને, અને તેનાં નીર નીતર્યાં દેખાય, અને તેથી આરસ જેવાં ચોખ્ખાં ૩. વહાણ સું ના જ નડ્યો: ચોમાસામાં સમુદ્ર તોફાની હોય એટલે તે ગર્વિષ્ટ લાગે, અને વહાણોને નડે પણ ખરો, પણ શરદમાં તે શાંત બને અને તેથી વહાણોને હરક્ત નહિ કરે. ૬. બંદર કેરી જુદાઈ - ચોમાસામાં વહાણો એક બંદરેથી બીજે બંદર જઈ શકે નહિ એટલે બંદરો વચ્ચે જુદાઈ પડી હતી એવી કલ્પના કરી કવિ કહે છે કે હવે તે જુદાઈ નથી રહી. ૭. ઈંદિવર - ભૂરું કમળ. સૂરબિંબ — સૂરજનું બિંબ. કુમુદી — પોયણી. કૈરવ – ધોળું કમળ-કુમુદ. ૧૦. કાશ -એક જાતનું ઘાસ જેને ધોળાં છોગાં હોય છે. ૧૦. ચમરી - રેસાવાળી ફૂલની માંજર -મંજરી.

૨. ફરી જોબનિયું આપે : આ કાવ્યમાં આપણા દેશના જીવનમાં ફરીથી તાજગી અને સ્ફૂર્તિ લાવવા કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે. એનું ધ્રુવપદ આ કાવ્યની કલગીરૂપ છે. ૫. ત્રણ તાપ — આધિ, વ્યાધિ અને ઉપાધિ, અથવા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, એ ત્રણ જાતનાં દુ:ખ. ૬. ભણ્યો શૂર- આપણો દેશ તો ઋષિમુનિઓનો. જગતને એણે સંસ્કૃતિનો વારસો આપેલો–એથી ‘ભણ્યો’ અને એવો જ શૂર - બહાદુર, તે આજે કાયર અને વહેમી બન્યો છે! ૭. અલાપ કરતો—ગાતો. ‘ભૂતકાળમાં બુદ્ધ, અશોક, હર્ષ, મીરાં જેવાં સુપાત્ર પુત્રપુત્રી મને હતાં, પણ આજ?’ એમ નિ:શ્વાસ નાખતો ૯. પસ્તાતા ડાહ્યા પર - દેશમાં ડહાપણ નથી એમ નથી. ડહાપણ છે, પણ ભૂલો કરી બેઠો, આજ તેનો હવે પસ્તાવો કરે છે, તો હવે તેની ઉપર માબાપે —ઈશ્વરે દયા કરવી ઘટે ૧૦. ડૂબ્યું નામ - હિન્દુસ્તાન તો વિશ્વવિખ્યાત હતું, પણ આજે પરાધીનતાની ટીલી કપાળે ચોંટતાં એનું નામ ડૂબ્યું—તે ટીલી ફરીથી ફીટે અને દુનિયાભરમાં પાછી કીર્તિ વ્યાપે. ૧૧ અમાપે — અપાર, ખૂબ. પ્રથમથી જ એટલે કે ઇતિહાસની શરૂઆતથી જ હિન્દુસ્તાન તો તારું ખૂબ માનીતું છે. તે પાછું બ્રહ્મ પ્રતાપે – ઈશ્વરને પ્રતાપે ‘ભણી ભણી શૂર થઈ’ને ‘જશ લેશે.’

૩. અવસાન સંદેશ : આ કવિતા વિષે લખતાં કવિ પોતે જ કહે છે કે, ‘એક વખત હું એવા તો મનના ગભરાટમાં હતો કે મેં જાણ્યું કે હવે મારું મોત વહેલું થશે ને હું મરીશ ત્યારે મારાં પ્યારા પ્યારીઓને ખૂબ દુ:ખ થશે. એ ઉપરથી મેં એ કવિતા જોડી છે.’ ૨ રસપાન : સાહિત્ય દ્વારા કરાવેલું રસપાન. ૩. પ્રેમી અંશ - ભલા, પ્રેમાળ આત્માઓ. ૪. પણથી — આગ્રહ રાખીને, જક્કીપણાથી, ખાર રાખી. ૫. પીડમાં : મરણથી થતી પીડા. ચીડથી— ‘શઠ શત્રુ મારું ભૂંડું બોલશે, તેથી તમે ચિડાશો.’ ૬. રણથી — ભવરૂપી રણમાંથી. ૭. જગતમથી —જગતના અંધારામાંથી. ‘જગતમાં અનેક ગભરાટો હોય છે, તે ગભરાટ રૂપી જે અંધકાર તેમાંથી તમે છૂટશો’. ૮. લેખ ચિત્રથી - લખાણોથી. શરીર પડશે પણ એ તો દેહનું અવસાન છે. નર્મદ તો એનાં લખાણો વડે ‘દમથી’ જીવશે. અને ‘શત્રુ પણ મારું’ વીરપણું, સત્યપણું, રસિકપણું ને ટેકીપણું વખાણશે. ૧૨. જનન મરણ -જન્મવું અને મરવું એ તો જગતનો નિયમ છે. એ તો ચાલતું આવ્યું છે. ને એમાં કંઈ નવાઈ પામવાપણું નથી.]