સિગ્નેચર પોયમ્સ/માણસો – નીતિન મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માણસો

નીતિન મહેતા


મને તો સાચ્ચેે જ એ માણસો માટે માન છે
જે અંધારામાં અથડાઈ પડે છે
કે ટ્રેનમાં ઊંઘી જાય છે ને
ભળતે જ સ્ટેશને પહેાંચી જાય છે.
મને માણસ માટે માન છે
હજી તેને પાંખો ફૂટી નથી
હજી તેને અસ્થમા જેવા રોગ થાય છે
તે ગુસ્સામાં બીજાને મારી શકે છે.
ને વારંવાર પોતાની વાત પણ કરી શકે છે.
મને માણસ માટે હજી માન છે
ફર્નિચરની વાત કરતાં તેનું મોઢું પડી જાય છે
એક સાંજે તે કોઈની રાહ જુએ છે.
આત્મહત્યાના વિચારો કરે છે
ચાવીઓ ખોઈ નાખે છે
ભૂતકાળને ખોદ્યા કરે છે
દંભ આચરી શકે છે.
મને માણસ માટે ખરેખર માન છે
તે હજી ઝઘડી શકે છે
મુંઝાય છે, રઘવાયો થાય છે
ટકી રહેવા ફાંફાં મારે છે
ફીફાં જેવી વાતનો પહાડ કરે છે
એકબીજામાં શંકા અને વિશ્વાસ જગાવી શકે છે.
મને ખરેખર માણસ માટે
માન છે ને તે મને ગમે છે.