સિગ્નેચર પોયમ્સ/સાધો – હરીશ મીનાશ્રુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાધો...૧

હરીશ મીનાશ્રુ


સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ. —સાધો∘︎
હારી જઈશું તો ઇડરિયો
ગઢ ધરશું હરિચરણે,
કામદુઘા દોહી દોહી
હરિરસ ભરશું બોઘરણે...
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ. —સાધો∘︎
અનંતની ચોપાટ પાથરી
હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. —સાધો∘︎