સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/નાગરિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નાગરિકા

‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’ મે માન્યું હતું કે એ પૂરેપૂરા નાગર હશે. પણ અમારા વિવાહ થયા પછી તેમને જમવા બોલાવેલા ત્યારે મને કંઈક જુદું જ દર્શન થયું. એમણે પોતાની થાળીમાંથી મસાલાવાળી દાળ, તળેલાં ભજિયાં અને પાપડ, ફદીનાની ચટણી અને પૂરી ઉપાડી લેવડાવ્યાં. ‘જમાઈરાજ, આ શું કરો છો?' મારાં આકરાં દાદીમા બોલી ઊઠેલાં. પણ તે તો મૂંગા જ રહ્યા. મારી વિધવા માસી ગાંધીજીનું ‘મંગળપ્રભાત’ હમણાં રોજ વાંચતી હતી. તેણે ઠાવકાઈથી કહ્યું કદાચ વ્રત લીધું હશે.’ મારી સમજુ બાએ જમાઈનું કોઈ અપમાન કરે છે એવા ભાસને રોકવાને, પરંતુ પૂરી ખાનદાન ચીડથી કહ્યું ‘મહારાજ, દાદાજી માટે ગોળનો શીરો કરેલો છે તે અને મોળી દાળ અને શાક લાવો.' મારી નાનકડી ચબાવલી બેન પ્રીતિ આ દરમિયાન એમનું ક્યારની નિરીક્ષણ કરતી હતી. મને થયું એ જરૂર કંઈ અળવીતરું કરવાની. તે હસતી હસતી બોલી ‘ઓ, તમે તો ખાદી પહેરતા લાગો છો! તે આવાં જાડાં ધોતિયાં તમે કેમ કિરીને પહેરી શકો છો?’ અને એમની નાજુક કાયા જોઈ બધા હસી પડેલાં. પોતાની મુદ્રાને સ્થિર ગંભીર રાખી તે આવું કૈક બોલેલા ‘જીવનમાં આથીયે વધારે સંકટ વેઠવા તૈયાર રહેવું જોઈએ.’ તે દિવસે મેં કેટલી હોંશથી એમને માટે પાન તૈયાર કરેલું, હૃદયના આકારનું જાણે. તેમાંથી તેમણે માત્ર લવિંગ જ ખેંચી લીધું અને ઉભરેલું પાન પાછું લઈને પ્રીતિ મારી પાસે આવી. હું તો સ્તબ્ધ જ થઈ રહી. મેં પ્રીતિને કહ્યું ‘ખાઈ જા તું.’ તે નાકનું ટેરવું. ચડાવી બોલી ‘છી એવાં કોઈનાં તરછોડેલાં પાન કોણ ખાય? મારું અભિમાની મન તો બોલી ઊઠ્યું ‘અરે, જે માણસ તળેલું શાક ને સોપારી ખાતાં વિચાર કરે તે કઈ વસ્તુનો વિચાર કરતાં પાછો ન પડે?' પણ મારા અંતરાત્માએ કહ્યું ‘નહિ, મારો તો એ જ. આવો ઉત્તમ સ્વામી મને બીજે કયાં મળવાનો છે? આવો ઉદાર ભાવનાશાળી, હીરા જેવી ચમકદાર બુદ્ધિવાળો, ચંપાના ફૂલ જેવો સોહામણો, શાંતપ્રશાંત, ધીર ગંભીર. અમે નાગરો માનવજાતિમાં રત્ન છીએ અને એ નાગરોમાં એ રત્ન જેવા છે. એ રત્નને તો હું હૈયે ઝુલાવીશ.’ અમારા ચાલીસેક માણસના કુટુંબમાં એકાંત મળવું મુશ્કેલ છે. પણ તે દિવસે સત્યનારાયણની કથા અમારે ત્યાં નીચેના ચોકમાં થતી હતી. એટલે બધાં ત્યાં જ ભેગાં થયાં હતાં. પણ એ ત્યાં ન હતા. માળે માળે તેમની શોધ કરતાં મેં તેમને અગાસીમાં શોધી કાઢ્યા. ચંદ્રમાને અજવાળે તેઓ તકલી કાંતતા હતા. મેં તેમને કહ્યું ‘તમારી છબી મને આપશો?' તો હસ્યા અને બોલ્યા ‘હજી લગી તો પડાવી નથી. હવે આપણે સાથે જ પડાવીશું. એટલે મારા ભટકાઉ જીવનમાં તમને પણ હું સાથે રાખી શકીશ. તમને એટલે કે, તમને નહિ તો તમારી છબીને.’ અને પછી એક નવાઈની વાત થઈ. ત્રીજે દિવસે પ્રીતિ એમની એક છબી લઈને મારી પાસે આવી. છબીમાં તે આરામ-ખુરશીમાં પડ્યા પડ્યા ઊંઘતા હતા અને તેમની છાતી ઉપર ‘સત્યાગ્રહની મર્યાદા'નું પુસ્તક ઊંધું પડ્યું હતું. પ્રીતિને મેં પહેલાં તો એક તમાચ જ લગાવી દીધી. આવી મશ્કરી?...પણ પ્રીતિ આબાદ સ્નૅપ લે છે તેમાં શંકા નથી. અને ટીખળ એને ક્યાં લેવા જવું પડે તેમ છે? સાહેબ જરા ઊંઘતા હશે ત્યાં આ વાઘણના પંજામાં ઝડપાઈ ગયા. મને થયું, ‘શું ખોટું છે? જેવી આ સત્યાગ્રહની મર્યાદાને તેમણે હૃદય ઉપર ધારણ કરી છે તેમ હું પણ આ છબીને મારે હૃદયે ધારણ કરીશ.’ અને મારું મનોગત જ જાણે ઉચ્ચારતી હોય તેમ મારી મીંઢી ઠાવકી વસુધા ભાભી બોલી, પરણેલી સ્ત્રી જ કરી શકે તેવું સ્મિત કરીને, કે ‘મોટીબા, આ લાડકવાયાની પ્રતિમાનાં છાનાં પૂજન કરજો.’ અને હું તો પૂજન કરતી જ રહી. પણ તે મારી રીતે. આ ગાંધીમાં રંગાનારા આમ તો મઝાના માણસો હોય છે. પણ પાછા કેટલીક વાર અક્કલ વેચીને કામ કરતા હોય તેમ પણ લાગે છે, એક બાજુથી એમની ઠેકડી કરવાનું, ખાસડાંનો હાર પહેરાવવાનું મન થાય છે, તો બીજી બાજુથી તેમની ચરણરજ માથે લેવાનું પણ મન થાય છે. હા, હું એમનાં ખાદીનાં જાડાં જાડાં લૂગડાં ધોઈશ. તો હું એમની પાસે જઈને ઊભી ત્યારે એ હજી અમે પરણ્યાં ન હતાં એટલે કે પછી બીજા કોઈ કારણે – હા, પગમાં કીડી બીડી પણ ચટકી ગઈ હોય. ભાઈ, બીજાના મનની વાત તો અમુક જ હોય એમ માનવાથી પણ કેવું કેવું રામાયણ થઈ જાય છે! – તે દૂર હટી ગયેલા તો તે માટે તેમની એક દિવસે – અને દિવસે નહિ તો રાત તો ખરી જ – ખરી ખબર લઈ કાઢીશ! અને ગમે તેમ ગણો, પણ માણસ ગમે ન ગમે તોય તે ભગવાનનું જ ઘડેલું હોય છે ને! અને આ આવા ગળે વળગી પડીએ તેવા મીઠા છે, એમનો એક કટકો ખાઈ જઈએ તેવા ગળ્યા છે તે ભગવાને અમસ્તા જ બનાવ્યા હશે? અમારે લાડકોડ જોઈએ, પ્રેમ-આનંદ જોઈએ, તો પછી કોઈ તપ કરાવે તેવા તપસી પણ ના જોઈએ? ભગવાનને જો આભાર માટેનો પત્ર લખી શકાતો હોય તો અબઘડી જ લખી દઉં! પછી અમે પરણ્યાં. એ તો જોકે હજી લગ્ન માટે ઉતાવળમાં ન હતા. પણ પરણવામાં એકલું પરણાનારાઓને જ ઓછું લાગતું-વળગતું હોય છે? એક લગ્નમાં અનેકનાં હિત સંડોવાયેલાં હોય છે, અનેકના અનેક રસોની તૃપ્તિ હોય છે. મને સૌ કોઈએ અભિનંદનોથી દાટી દીધી. માણસને જીવન મળ્યું છે એ જ ઓછા આનંદની વાત નથી? એ જીવનમાં જ્યારે યૌવન મળે છે, અને યૌવનમાં સ્નેહ મળે છે ત્યારે તેથી વધારે પ્રાપ્ત કરવા જેવું જગતમાં કાંઈ બાકી રહેતું લાગતું નથી. જીવનને ભરી દેતા કોઈ ધોધમાર પ્રવાહના અવતરણની પ્રતીક્ષામાં હું બેઠી હતી. પણ એ પ્રતીક્ષામાં દિવસો ગયા, મહિનાઓ ગયા.. ઓહ, આજે વિચાર થાય છે કે કદાચ...ના, પણ એ તો નહિ કહું કોઈનેય. હું કદી દુઃખી રહી છું? એ મને કદી દુઃખી કરે ખરા? અમારે તો ‘ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું’ની પેઠે ‘પોળમાં સાસરિયું ને પોળમાં પિયરિયું’ પણ ઘણી વાર હોય છે. જોકે મારું સાસરું પાડોશની પોળમાં હતું. પાંચ મિનિટનો જ રસ્તો. એકાદ અર્ધા ફર્લાંગ પણ નહિ. પણ આ ઘેરથી તે ઘેર પહોંચવાને હૃદયને કેટલા જોજન ચાલવા પડ્યા છે તે તો હું જ જાણું છું. છોડને તો નાનો ધરુ હોય ત્યારથી જ એને ફળવાની જગા ઉપર લઈ જઈને રોપ્યો હોય તો વગર વિલાયે ઊછરી જાય. જે છોડને બીજી જગાએ વાવવાનો છે તેને પહેલી જગાએ ઘણો મોટો થવા દીધા પછી બીજી જગાએ વાવો તો ત્યાંય ચોટે ખરો; પણ ચોંટવા પહેલાં તો ઘણો વખત વિલાયેલો રહે છે. સ્ત્રીના હૃદયછોડની કૂંપળ પણ ચીમળાય નહિ તેવી કલમ કરવાની સંપૂર્ણ રીત, વનસ્પતિજગત માટે શોધાઈ છે તેવી, હજી માનવજગત માટે શોધાઈ નથી. પણ બીજે ઠેકાણે હૃદયને રોપવાની એ વેદના પણ મીઠી હતી, બહુ મીઠી હતી. વેદનામાં પણ ઘણું સુખ હોય છે, નહિ? સદ્ભાગ્યે મારા પિયરની અને સાસરાની રહેણીકરણીમાં ઘણો ફેર ન હતો. સાસરિયાં પણ ખરાબ ન કહેવાય. સાસુ એમની ભવ્ય રીતે સહેજ આંખ ઢાળીને મોગલની છટાથી મારા પર કૃપાદૃષ્ટિ રાખતાં હતાં. મારી બે નણંદો મારી સહિયર થવાનો પ્રયત્ન કરતી હતી. પ્રીતિ પણ સાથે આવી હતી. એણે તો આખા ઘરને જીતી લીધું હતું. ઘણાંને એમ પણ થતું હશે કે આ પ્રીતિ મોટી હોત તો આ મારા જેવી મોટી મૂંગી વહુને બદલે એને જ વહુ તરીકે લઈ આવત. મારી નણંદો તો ભાઈનાં વખાણ કરવાનું જ કામ આખો દિવસ કર્યા કરતી. મારા વરને અનેક રીતે તેમણે મને ઓળખાવ્યો. ભાઈ તરીકે એ કેટલા માયાળુ છે, પુત્ર તરીકે કેટલા આજ્ઞાંકિત છે, વિદ્યાર્થી તરીકે કેટલા હોશિયાર છે અને માણસ તરીકે કેટલા બધા પ્રિય છે તે મને જાણવા મળ્યું. તેમણે વાંચેલાં પુસ્તકોનું એક આખું કબાટ મને નણંદોએ બતાવ્યું. ‘ભાભી, આ ચારસોક પાનાંની નવલકથા તો ભાઈ બે કલાકમાં પૂરી કરે.’ ટેબલ પર પડેલી એક ચશ્માંની ડાબલી મેં ઉપાડી, ત્યારે નાની નણંદ બોલી ઊઠી ‘એ તો તડકાનાં ચશ્માં છે. ભાઈની આંખો તો બહુ જ સારી છે.’ મારાથી તેની સામે સહેજ કટાક્ષપૂર્વક જોવાઈ ગયું. મોં મલકાવીને મેં માત્ર એટલું જ પૂછ્યું, ‘એમ કે?’ અરે બિચારી એ મારું કહેવાનું શેની સમજી હોય? હા, એમની આંખો બહુ જ સારી છે. સુંદર છે. પણ ચોપડી વાંચવા માટે જ આંખનો ઉપયોગ કરનાર એ મહાનુભાવને એનું ભાન પણ નહિ હોય. પણ હું તો મને પોતાને ધન્ય માનું છું કે નાગરી ન્યાતમાંથી મને ચશ્માં વિનાનો વર મળ્યો. ઓ બાપ, ચશ્માંના કાચ પાછળ લાંબી પહોળી થતી આંખોવાળા માણસ પર કોઈને પણ હેત કેમ ઊપજી શકે? હું ધારું છું કે ઘણાખરાને પરણ્યા પછી જ ચમાં આવતાં હશે અને પરણ્યા પહેલાં જેને ચશ્માં આવ્યાં છે તેઓને જોવાની પરણનારીઓને આંખ જ નહિ હોય. આ તો લગ્ન પછીના શરૂઆતના દિવસોની વાત. હું વિધિપૂર્વક સાસરે તો થોડાંએક અઠવાડિયાં પછી ગઈ. આ ઘરથી તો હું પરિચિત થઈ ગઈ હતી. ઘરમાં મારા આણાનો ઉત્સવ હતો. તેમાં એમને આજે નોકરી મળ્યાની ખબર હતી. બહુ મોટી નોકરી હતી. એ તો એની ચર્ચામાં જ મિત્રો સાથે પડી ગયા હતા અને ઘણી બધી યોજનાઓ વિચારતા હતા. બે ફૂટના વ્યાસવાળા, વાનીઓથી ખીચોખીચ ભરેલા જર્મન સિલ્વરના થાળમાંથી અમે નાના નાના કોળિયે, હળવે મરકતે મોઢે જમ્યાં. જમવાનું કામ અમારે કરવાનું હતું, બાકીનાં બધાં કામ માટે તો નોકરો હોય જ. પાનબીડાં ખાઈને અમે જરા આડાં પડ્યાં. મને તો દિવસે ઊંઘ આવતી નથી. મેં છાપાં વાંચવા માંડ્યાં. નાની નણંદ પણ મારી સાથે મારાં છાપાંમાં મોં ઘાલીને વાંચવા લાગી. ચિત્રો જોતી જતી, બોલતી જતી, ભાભી આ શું, ભાભી તે શું એમ પૂછતી હતી. એ કેટલી મારી સાથે હળી ગઈ હતી! મારી પ્રીતિને પણ એ ભુલાવી દે તેવી ન હતી? છાપાં પછી માસિકો જોયાં. પણ એમાં મને કંઈ બહુ રસ ન પડ્યો. ‘નવજીવન’ આખું ગાંધીજીએ અસ્વાદબ્રત અને કાચા ખોરાકના પ્રયોગોથી ભરી દીધું હતું. ‘પ્રસ્થાન'માં પેલા કોક વૈદે પંદર પાનાં ભરી ખોરાકની ચર્ચા કરી હતી. અરે, સ્વૈરવિહારમાં પણ ખોરાકની જ ચર્ચા! કિશોરલાલનો એક લાંબો લેખ ચીપિયો લઈને ઊભેલા ખાખી બાવા જેવો ડોળા ઘુરકાવતો મારી સામે પડ્યો હતો. ‘કુમાર'માં અખાડાવાળાની કેટલીક છબીઓ છાપી હતી. દૈનિક છાપામાં પુસ્તકાલય પરિષદનાં ભાષણો, વ્યાયામ સંસ્થાઓનો અહેવાલ અને સેવાદળની યોજનાઓ ઊભરાતી હતી. બે ફૂટના વ્યાસવાળો થાળ ભરીને ખાધા પછી આ ખોરાક હજમ કરવો મુશ્કેલ હતો. ગમે તેવા અનિદ્રાના રોગીને પણ ઊંઘ લાવે તેવી સમર્થ આ સામગ્રી ન હતી? પણ હું ઊંઘી નહિ. પ્રીતિ જમવા માટે મારી સાથે આવી હતી. એ અને મારી નણંદો ઠીઠિયાં. કર્યા કરતી હતી. પ્રીતિએ એમની કરેલી મશ્કરીઓનો ઇતિહાસ અપાતો હતો. એક વાર આરામખુરશીના કપડાની લાકડી કાઢી લઈ તેમને કેવા લંબાસને બેસાડ્યા હતા, કોટના ખિસ્સામાં કેવી ટાંકણીઓ ખોસી હતી વગેરે. આની સામે નણંદો પોતાના ભાઈનાં લક્ષણો, હોશિયારી બધું વર્ણાવતી હતી. બપોર નમવા આવ્યો. પણ એ અને એમના મિત્રો ઉપરના ઓરડામાં હજીયે બમો પાડીને વાતો કર્યા કરતા હતા. એમની બપોરની ચા અમારે ઉપર જ મોકલી આપવી પડી અને અમારે એકલા એકલાં જ ચા પી લેવી પડી. સાંજના પાંચેક વાગ્યે એ અને મિત્રો ધડબડ ધડબડ દાદરો ઊતરી ફરવાને ચાલ્યા ગયા. હું ત્યાં બારણા પાસે ઊભી હતી. પણ મારા તરફ સહેજ નજર નાખવાની પણ એમને ક્યાં ફરસદ હતી! પણ એમને ફુરસદ ન હતી. કેવા તો પોતાના કામમાં મગ્ન હતા એ જ કેવી મોટી વાત હતી! એમના ગયા પછી ઘર સૂનું થયું. નાની નણંદો મને ઘર બતાવવા લઈ ગઈ. હા, મારા ભાવિ સામ્રાજ્યનું મારે નિરીક્ષણ કરી લેવું જોઈએ ને? ત્રીસ ચાલીસ માણસો રહે તેવું, અનેક ઓરડાઓવાળું ત્રણ માળનું એ મકાન હતું. અનેક બારણાં ઓળંગતાં, બારીઓ ઉઘાડતાં નાનીમોટી સીડીઓ ચડતાં, અમે ત્રીજે માળે આવ્યાં. ત્રીજે માળે અર્ધો ભાગ ખુલ્લી અગાસીનો હતો અને અર્ધામાં બે સુંદર ખંડ હતા. બંનેમાં પુષ્કળ હવા-અજવાળું આવે તેવી બારીઓ હતી. બંને ઓરડા અત્યારે બંધ હતા. એકનું બારણું ખોલતાં નણંદ બોલી આમાં મોટાભાઈ વાંચે છે. કોઈને પણ તેમાં જવાની રજા નથી. એટલે તો એ હંમેશાં ફર્સ્ટ ક્લાસમાં આવે છે.' ખંડમાં એક જ ખુરસી અને મોટું ટેબલ હતું. ભીંતને અડીને એક લાકડાની પાટ હતી અને તેના ઉપર એક શેતરંજી પડેલી હતી. ટેબલ પાસે એક ઘોડા ઉપર પુસ્તકો ખડકેલાં હતાં. પુસ્તકોની પીઠ ઉપર સોનેરી તથા રાતાપીળા અક્ષરોમાં લખેલાં નામ અનેક માણસોની આંખો પેઠે જાણે તાકી રહ્યાં હતાં. હા, એમની આંખો આ બધાંને માટે જ હતી. બીજા ઓરડામાં પેસતાં નણંદ બોલી ‘આ ખંડ મને બહુ વહાલો. અહીં કદી બા કે બાપજી સૂવે. પણ આપણે તો રોજ સૂવાનાં. મને બીજે ક્યાંય ઊંઘ ન આવે. પણ ભાભી, કોણ જાણે બાએ આજે મારી બધી ચીજ ઉપડાવી લેવડાવી છે. મેં પૂછ્યું તો કહે તારી ભાભી માટે. તે ભાભી તમારે નીચેનો ઓરડો ન ચાલે?’ હું જરાક હસી ને મૂંગી જ રહી. મારા હસવાથી મુંઝાતી હોય તેમ તે જરા છોભીલી પડી ગઈ. પણ ઘડી વારમાં એની વાતોનો પટપટાટ શરૂ થઈ ગયો. ઓરડામાં એક મોટો પલંગ હતો. ભીંત ઉપર કેટલાંક સરસ ચિત્રો હતાં. એક ખૂણામાં ગાંધીજીની છબી હતી. પણ નણંદ તો પલંગની કથામાં જ મશગલ હતી. ‘એ ભાભી, આ પલંગ પરથી તો મેં કેટલાય ભસ્કા માર્યા છે... અને એ મારી ઢીંગલીની આખી જાન બે રાત લાગી મેં અહીં સવાડી હતી... દસેક વરસની નણંદ હજી છોકરી જ હતી. તેની નજર એકદમ અગાસીમાં ગઈ. અગાસીની પાળી ઉપર બે કબૂતર ગેલ કરતાં હતાં. બિલાડી ગુપચપ ખૂણામાં આ કબૂતર પર તરાપ મારવા બેઠી હતી જાણે. નણંદે બિલાડીને ‘મિયાઉ' કરીને ભગાડી મૂકી. નીચેથી બૂમ પડી ‘ચાલો જમવા.’ નણંદ હરણની પેઠે છલંગતી દોડી. હું અગાસીમાં ઘડીક થંભી ગઈ. બેય ઓરડાનાં બારણાં ખુલ્લાં હતાં. એકમાં એમની વિદ્યા હતી. બીજામાં જયાં એમની બેન હતી ત્યાં હવે હું આવવાની હતી. સંધ્યાના રંગ દૂર હરિયાળી ક્ષિતિજમાં ફેલાતા હતા અને અનેક મકાનોનાં, સમુદ્રની તરંગિત સપાટી જેવાં છાપરાંઓ ઉપર સોનેરી કિરણો વેરાતાં હતાં. નગરનો ઘોંઘાટ પણ શાંત થતો જતો હતો. રાત આવતી હતી. મારું હૃદય એને વધાવવા ઉલ્લસિત થયું. ત્રીજનો ચંદ્ર ઝળહળવાની તૈયારીમાં હતો. એકાએક સંધ્યાએ રંગોનો પંખો સંકેલી લીધો. ત્રીજ ઝબકી રહી. ક્યાંક પાસેથી સંગીતની એક મહા તરંગિત તીવ્ર લહરી આકાશમાં હવાઈની પેઠે ઊડી. ‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’ ઓરડાનાં બારણાં વાસી હું નીચે ગઈ. તે રાતે મેં ન જેવું જ ખાધું. બપોરનું હજી પૂરું પચ્યું પણ ન હતું. એ તો ખાઈને ક્યારના ઉપર ગયા હતા. બધાં જમી રહે ત્યાં લગી હું રસોડામાં જ રહી. એટલાં બધાંને જમતાં જમતાંય ઠીક ઠીક મોડું થાય જ. નોકરો ચોકમાં વાસણો માંજતા હતા ત્યારે અમે હીંચકા ઉપર પાનબીડાં બનાવતાં હતાં. એક પાન ઉપાડીને નણંદ બોલી ‘ભાઈને આપી આવું છું ઉપર.’ તેના ફૉકની ચાળ પકડીને સાસુએ રોકી ‘રહેવા દે, ભાભી લઈ જશે એ તો.’ અરે રામ, આ વળી કયારે પાન ખાય છે? પાનનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પેલી પાડોશણ આવી. મહા ખાધેલ એ આખા લત્તામાં જાણીતી હતી; પણ શી એની બોલીની મીઠાશ અને એ ગજબની આંખો. જાણે જગતમાં એ જ એક છે. પણ મને જોઈને એ જરા ઢીલી પડી જતી હતી. સાસુએ તેને હોશિયારીથી વળાવી દીધી. ‘ચાલ બાબી. તું વહેલી સૂઈ જાય તો કાલે તને ફરવા લઈ જાઉં.’ ‘હો હો' કરતી નણંદ ઊભી થઈ. સાસુ ઊભાં થયાં, હું ઊભી થઈ. પાડોશણને પણ ઊભાં થવું પડ્યું. બેય ઢીંચણ પર હાથ ટેકવીને સાંધા દુખતા હોય તેમ મોં બગાડતી એ ઊભી થઈ. ‘કેમ, વા થયો છે કે શું?' સાસુજીએ પૂછ્યું. ‘હા, બળ્યું, ઓણ સાલ તો બહુ રસ ખાધો છે. હાડકાં મળે છે. પણ ખાધા વગર રહેવાતું નથી.’ ‘હા, હા, સમજયાં. તું તો એ જ લાગની છે.’ સાસુજીએ કહ્યું. પાડોશણ જરા લંગડાતા લહેકાતા પગે ચાલી. તેના મો પર એક વિષાદ દેખાયો. ‘ઓ રામ, મૂવું ઘડપણ કેટલું વહેલું આવે છે. કોઈનેય અખંડે જુવાની ન મળે. મધુ બેન?' કહી તે પગથિયાં ઊતરવા લાગી, બારણાં વાસતાં સાસુ બોલ્યાં ‘મેર તું, અખંડ જુવાની મારી દુનિયાનું નખોદ વાળવું છે તારે?' બારણાનો આગળો વાસી તે પાછા ફર્યા. નોકરો માંજેલાં વાસણો ખણખણાટ સાથે આઘાપાછાં કરતા હતા. સસરાજીના હુક્કાનો ગુડગુડાટ ઉપરના માળેથી આવતો હતો. ‘બા, વાજુ વગાડું!’ નણંદીને તુક્કો સૂઝ્યો. ‘પેલી નવી રેકર્ડ ભાભીને સંભળાવીએ.’ ‘કાલે સંભળાવજે.’ કહી સાસુએ તેને રોકી. અંધારામાં છતની પાસે છુપાયેલા ઘડિયાળે ઘેરા મીઠે અવાજે દસના ટકોરા વગાડ્યા. સાસુજી મારા તરફ ધીમે પગલે આવ્યાં ને એમનામાં મેં કદી ન દીઠેલી કોમળતાથી બોલ્યાં ‘જાઓ, સૂઈ જાઓ. એ વેદિયાને કહેજો કે આજે થોડું વાંચીશ તો ચાલશે. રોજ બાર વગાડવાના ન હોય.’ અને નણંદ બોલી ઊઠી ‘બા, મને ઉપર સૂવા જવા દે ને. ભાભી સાથે સૂઈ જઈશ. મસ્તી નહિ કરું.’ કંઈ પણ બોલ્યા વગર વજ્જરની પકડથી તેનો હાથ પકડી સાસુજી તેને લઈને સસરાજીના ઓરડામાં જવાને રસ્તે ચાલ્યાં ગયાં. સૌથી ઊંચે મજલે બેઠેલા પતિ પાસે પહોંચવાને મેં ચડવા માંડ્યું. કેટલાંય બારણાં ઓ ગ્યાં, કેટલીય સીડીઓ ચડી. જાણે ચડવાનો પાર જ નહોતો આવતો. ઓરડા પછી ઓરડા મારી નજર આગળ ઊઘડતા હતા. કહે છે કે એક વખત આ બધા વસ્તીથી ભરચક હતા. પણ આજે એ એકલા જ કુળદીપક રહ્યા હતા. શું વળી એ ઓરડા પાછા ભરચક બનશે ખરા? મારા હૃદયમાં કોક અગમ્ય ધબકારો થઈ આવ્યો. મારા પગ કોક ઝાલી રાખતું હોય તેમ મને લાગ્યું. અનેક યુગ વટાવીને જાણે હું ત્રીજે માળે પહોંચી. ઉપર આવવાને હઠ કરી રહેલી નણંદનો અવાજ નીચેથી આવતો હતો. એ પોતાના ખંડમાં બારણા તરફ પૂંઠ કરી ટેબલ પાસે ટેબલ-લેમ્પના પ્રકાશથી વાંચતા બેઠા હતા. એમનો પડછાયો આ તરફના બધા ઓરડામાં વ્યાપ્યો હતો. મારો પગરવ સાંભળી તે સહેજ ચોંક્યા અને સફાળા ઊભા થવા ગયા. ‘આવો, આવો’ મને તે કાંઈ કહેવા જતા હતા ત્યાં તો તેમના ખોળામાંની ચોપડીઓ ભરરર કરતી ભોંય પર પડી ગઈ. અને તે વાંકા વળી ભેગી કરવા લાગ્યા. હું મૂંઝાતી મૂંઝાતી પાસે ઊભી રહી. નીચી વળી તેમને મદદ કરવા જાઉં છું ત્યાં તો એમણે વાંકી કમર પરનું મોં ઊંચું કરી મારી સામે જોયું અને હસ્યા. એ અંધારામાં પણ એ મોં પર કેવું લોહી ચડી આવ્યું હતું, આટલું અમથું નીચે વળ્યા એટલામાં. ‘ના, ના, હું ભેગી કરી લઉં છું. અંદર બધી કાપલીઓ ગોઠવી છે તે આઘીપાછી થઈ જશે.’ ‘પણ આ બધું છે શું? કંઈ પરીક્ષાની તૈયારી કરવા માંડી છે?' મારાથી પુછાઈ ગયું. ‘એવું સ્તો. એક રીતની પરીક્ષા જ સમજો ને?' ‘જીવન હૈ સંગ્રામ, એના જેવું કંઈ?' મને કહેવાનું મન થઈ આવ્યું. પણ તે બહુ ગંભીર રીતે કામમાં લાગી ગયા હતા. મામલો પણ ગૂંચવાયેલો હતો. હું એમાં હાથ નાખું તો ઊલટું ગોટાળામાં વધારો જ થાય તેમ હતું. અને ત્યાં સમસમોટ કરતો બહારથી પવન ધસી આવ્યો. અમને બેને એકલાં જોઈને એને જાણે અદેખાઈ ન આવી હોય. કાગળિયાં ઊડાઊડ કરવા લાગ્યાં. એ એક પકડે ને બીજું ઊડે, બીજું પકડે ત્યાં ત્રીજું ઊડે! ‘જરા બારણાં વાસો ને!' એમના અવાજમાં એક કરણ વિનંતી હતી. અને હું બારણું વાસવા ગઈ પણ એ વાણ્યું તેવું જ ઊઘડી ગયું. વૈશાખનો પ્રચંડ પવન ફૂંકાતો હતો. છાપરાંનાં નળિયાં મહામહેનતે છાપરાને જાણે વળગી રહ્યાં હતાં. મેં ફરીથી બારણું વાચ્યું. પણ બહારથી પવન જાણે મારી સાથે હરીફાઈમાં ઊતર્યો હતો. હું વાસું વાસું ને ઊઘડી જાય. પુસ્તકો-કાગળિયાં ભેગાં કરતાં કરતાં તે બોલ્યા ‘અંદરની પકડ પણ બહુ સારી નથી, તમે બહારથી વાસીને બાજુના ઓરડામાં બેસો જરા. આ તમને બોલાવું છું.’ અને હું બહાર ગઈ અને બારણાને બહારથી વાસીને ઊભી રહી. મિલનની રાત – આ પણ ખરી! હું વિચારી રહી. વૈશાખના વાયરા ફૂંકાય છે. અમારા એ અંદર ચોપડાં ભેગાં કરે છે! પુસ્તકો, પુસ્તકો! આજે પણ એ જ? પણ એ કેવા દયાજનક, ના ના પ્રેમજનક લાગતા હતા. વૈશાખના પવનમાં ઊડી ઊડી જતા સાડલાને અને મને મુઠ્ઠીમાં બાંધીને ઊભી રહી. થોડી વાર પછી અંદરથી ટકોરો આવ્યો, અવાજ આવ્યો. ગૂંગળાયેલો પણ પ્રસન્ન ‘આવો હવે.’ અને હું અંદર ગઈ. તેમણે ટેબલ પાસે બીજી ખુરશી મૂકેલી હતી. ક્યાંથી આવી એ? પેલી શેતરંજીવાળી પાટ ખાખી બાવા જેવી ધૃણા ઉપજાવતી પડી હતી. મને થયું. આવતી કાલે આના ઉપર મઝાનું ગાદલું પાથરી દઈશ. તેમણે ખુરશીને હું બેસી શકું તેવી રીતે સહેજ ખસેડી. કેટલી સાલસાઈ! હું બેઠી. પહેલી વાર તેમની પાસે બેઠી, સામે બેઠી. પહેલી જ વાર અમે બે એકલાં, એકલાં તરીકે, એકલાં બેસવાના હક્ક તરીકે બેઠાં. ટેબલ પર એક ટાઈમપીસ પડ્યું હતું. એલારામનો કાંટો તેમણે સાડા અગિયાર ઉપર મૂક્યો હતો. મારું કુતૂહલ સમજી તે જાતે જ બોલ્યા ‘નવાઈ ન ખમશો. મારે સૂઈ જવાને એલારામ મૂકવું પડે છે. નહિ તો કેટલું મોડું થઈ જાય તેની ખબર નથી પડતી. બે-ત્રણ પણ વાગી જાય છે. વહેલા ઊઠવા માટે ઍલારામ નથી જોઈતું.’ પછી કંઈક મારો વિચાર કરતા હોય તેમ બોલ્યા, ‘તમે ક્યારે ઊંઘી જાઓ છો રોજ? સંસ્કૃતમાં કાંઈ રસ છે તમને? થોડુંક વાંચવાનું કાઢ્યું છે. સાડા અગિયારે સૂઈ જઈશું. જોકે મને તો હમણાં એક તો થાય છે જ. તમને ઊંઘ તો નથી આવતી ને?’ ઘેરાતી ઊંઘને પાંપણો પરથી મહામહેનતે ઉડાડતાં હું બોલીઃ ‘ના.’ અને તેમણે અત્યંત સંતોષ અને પ્રસન્નતાભર્યું એક સ્મિત કરી ટેબલ પરથી પુસ્તક ઉપાડ્યું. ત્રણેક ચોપડીઓ અલગ તારવેલી હતી. અને દરેકમાં અમુક અમુક પાનાંઓમાં કાપલીઓ મૂકી રાખેલી હતી. ‘આ જુઓ.’ વિદ્વાન પ્રોફેસરની છટાથી તેમણે શરૂ કર્યું. ‘રસરાજ કાલિદાસમાંથી થોડું કંઈક વાંચીએ. તમે જાણતાં તો હશો જ કે ‘કાવ્યેષુ નાટક રમ્ય તત્ર રમ્યા શકુન્તલા’ અને એમાંય ચોથો અંક અને એમાંય વળી ‘તત્ર શ્લોકચતુષ્ટયમ્' – એ ચાર શ્લોક આપણા આર્યજીવનનું પરમ ખુશબોભર્યું ઉમદા અત્તર છે. સાસરે જતી કન્યાને પોતાને થતી વેદના અને તેનાં કુટુંબીજનોને, સહિયરોને, તેનાં પાળેલાં પશુઓને, અરે તેણે ઉછેરેલાં ઝાડપાનને પણ થતી વેદના કેટલી અદ્ભુત રીતે મૂકી છે. મહાકવિ ગેટે શાકુન્તલને માથે મૂકીને અમથો નથી નાચ્યો.’ અરે, એમણે એ ક્યાં વાંચવા કાઢ્યું? ના, ના, એ વાંચીને તો હૃદય હાથ નથી રહેતું. દરેક કન્યાને સાસરિયે વિદાય કરવાની વેળાએ આ શાકુન્તલનો ચોથો અંક ભજવાય છે. ઓહ, આ જન્મ્યાં ત્યારથી જ્યાં ઊછર્યા, મોટાં થયાં, રડ્યાં, પડછાયાં, કલ્લોલ્યાં, જ્યાં લાડ કર્યા, માબાપના ને વડીલોના ખોળા ખૂંદ્યા, એ બધું મૂકીને ચાલવાનું, બધુંય ભૂલી જવાનું. અને તે કોને માટે? હૃદયને કોક નવો અનુબંધ ખેંચે છે. એ ગજગ્રાહમાં પેલો એક નવો માણસ આ બધાંને ખેંચી જાય છે. ઘણું સુખભર્યું દુઃખ છે. એ વેદનાનો અંત પરમ આનંદમાં અથવા કહો કે આનંદની કલ્પનામાં હોય છે. હું વિચાર કરતી બેસી રહી અને એ એ બધું વાંચી ગયા. એમની નિર્મળ આંખો સ્વચ્છ બુદ્ધિપ્રકાશ રેલતી હતી. મોતીના દાણા જેવા શબ્દોની માળા તેમની જીભને ટેરવેથી ખરર ખરર સરતી હતી. એમના શબ્દ શબ્દ મારી વેદના પાછી જાગૃત થતી હતી. ના, ના, પણ જીવનમાં એક વાર એ વેદના અનુભવી લીધી તે ઓછું હતું? હજી પણ એ મારો કેડો નહિ મેલે? પણ એ વેદના અનુભવવા હૃદય વારંવાર તલપતું હતું. ‘બસ, બસ.’ પોકારવાનું મને મન થઈ આવ્યું. ત્યાં તો તેમણે કાશ્યપના છેલ્લા શબ્દો સમજાવ્યા. ‘જુઓ, જતી જતી શકુન્તલા પિતાને કહે છે બાપા, તમે થાકી જશો. પાછા જાઓ હવે.’ ત્યારે નિઃશ્વાસ નાખી ડોસા બોલે છે બેટા, જા, આપણી ઝુંપડીને આંગણે તે વાવેલા નીવારને જોતાં મારું મન ઠારીશ. હવે જા, દીકરી, શિવાસ્તે પત્થાનઃ સન્તુ.’ ‘બાપા, બાપા!' મારું હૃદય રડી રહ્યું અને બોર બોર આંસુ ડબકાવતી મારી મા નજર આગળ આવી. ‘બાપા તો આટલુંય બોલે છે. પણ આ મૂંગી મા!’ બિચારી શકુન્તલા! એને વિદાય આપવા મા ન હતી! કવિ! કવિ! મનુષ્યહૃદયની આ અમર વેદના જગતમાં તારા વિના બીજું કોણ આટલી અદ્ભુત રીતે કહી શક્યું હોત? એ એક જબરી અકળામણ અનુભવી જાણે મારું મન અને હૃદય થાકી ગયાં. એમણે બીજી ચોપડી ઉઘાડી અને સ્થિરતાથી બોલ્યા ગયા ‘સ્ત્રીના હૃદયનું સંવેદન એણે અદ્દભુત રીતે ગાયું છે, તેથી તમે સ્ત્રીઓ ફુલાઈ ન જશો. પુરુષહૃદય ઓછું નથી હોતું હોં!’ કહી તેમણે મારી સામે નજર નાખી, પણ તે મારી ઘેરાતી આંખ ભાગ્યે જ જોઈ શક્યા હશે. તેઓ બોલ્ટે ગયા ‘આ પુરુરવા, કેટલાક એને ગાંડિયો કહે છે. કદાચ કાલિદાસે એકલાએ જ પુરુષહૃદયનો સાગરઘેરો પ્રેમ વર્ણવ્યો છે. શું દુષ્યન્ત ઓછો દુઃખી થાય છે? અને આ બાપડો પુરુ ઊર્વશી પાછળ ગાંડો થઈ વન વન ભમે છે. પેલો અજ! અરરર. જગતમાં વિલાપ તો અજ જ કરી ગયો! પણ જુઓ આ પુરૂરવા. કેટલી અલૌકિક રમણીયતા કાલિદાસે મૂકી છે! પુરૂરવા હંસને રોકે છે, કે ઊભો રહે અલ્યા! ‘દઈ દે દયિતા મારી, ચોરી છે ચારુ ચાલ તેં.’ તું તારી ચાલ તો મારી ઊર્વશી પાસેથી ચોરી લાવ્યો છે.’ અને એમ અનેક ચિત્રો એમના સુરેખ શબ્દોથી ઊભાં કરતા ગયા. મારી અર્ધી ઊંઘમાં બીજાં અનેક દૃશ્યો સાથે એ ચિત્રો વણાતાં ગયાં. આ જ મિસ્ટર મારે ખાતર પુરૂરવા પેઠે ગાંડા થઈ દોડે તો કેવું લાગે! એ ચંપલ, ને એ ધોતિયું ને એ આ વીસમી સદીની સાથે ઊડતી બાબરી ને હાથમાં એકાદ ચોપડી!

‘કુસુમો પણ અંગ સ્પર્શતાં શકતાં જનપ્રાણ જો હરી,
નહિ શું હથિયાર તો બને હણવા ચઢનાર દૈવનું?’

પણ એ કોમળ ફૂલ જેવી પ્રિયાનો પ્રાણ વિધિએ ફૂલ વડે જ હર્યો એમાં પણ વિધિનું ડહાપણ જ છે. અરે વાહ, કવિ વાહ, શું તારી કોમળ ભાવના! અરે પણ, ઊંઘ ઘેરાય છે અને એ તો વાંચ્યું જ જાય છે! કરુણાના હૃદય પિગળાવતા પ્રસ્તાવને એ વિસ્તારે છે. આહ, એ જાનકીજીનો વિયોગ, એ રામની વેદના, જાનકીજીનો સંદેશ નાથ હું એવું તપ કરીશ કે, ‘ભૂયો યથા મે જનનાન્તરેડપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ.’ (જેથી બીજા જન્મ વિષે ય ભર્તા તમે જ હો ના કદી યે વિયોગ) અરે સીતા! આવા ધણીને પણ તું ફરીથી બીજા જન્મમાં પાછી માગે છે! ના, ના. પણ માગે જ. જો પ્રેમ હોય છે તો તે શું એક જન્મમાં પૂરો થઈ જાય? ચાર દહાડા ચાલતી લાગણીને કોણ પ્રેમ કહેશે? પણ એવો તો પ્રેમ જ ન હોય એમ આજે ઘણાં કહે છે. ભલે કહે. પણ એવી એક સીતા તો થઈ ગઈ, જેનો પ્રેમ પતિનાં નિષ્ફર લાગે તેવા કર્મો છતાં ઘટ્યો નહિ; કારણ એ પતિનાં સત્કર્મોને કે સગુણોને વરી ન હતી. પતિના હૃદયને વરી હતી અને એ હૃદય હમેશાં સ્નેહભર્યું ને અચળ હતું. સીતાને છોડ્યા પછી રામ કદી હસ્યા હશે? ના. ના. હું પણ મારું કે ‘તમે જ ભર્તા મુજ જન્મે જન્મે.' અરે ગાંડાઈ! આવતો જન્મ છે કે નહિ તેની જ આજે કોઈને ખાતરી નથી ત્યાં વળી એ વાયદાના સોદા! પણ એ અર્ધી ઊંઘમાં હું કેટલાય જન્મોમાં જાણે ફરી આવી. એમની ધારા અસ્મલિત ચાલતી હતી. વચ્ચે વચ્ચે ‘સમજ્યાં ને?, કેવું સરસ છે!’ એવા તેમના ઉદ્દગારો નીકળતા હતા. હું મૂંઝાતી હતી. મિલનની નિશ્ચિતતા થઈ ગયા પછી, મળવાની એ ક્ષણ જેટલી દૂર લંબાય તેટલી મધુર બને છે. હજી જરા થોડી વાર પછી, હજી જરા થોડી વાર પછી. સહજપ્રાપ્ય વસ્તુને ઘડી વાર અપ્રાપ્ય રાખવાનો પણ કેવો આનંદ છે! એમનાં ચોપડાં-બોપડાં ફેંકીને એમને ગળેથી ખેંચી જવાનું મને મન થયું પણ હું રોકીને બેસી રહી. હા. હવે અગિયાર તો થઈ ગયા. માત્ર અર્ધો કલાક જ. એ તો રઘુવંશના, કમારસંભવના સર્ગ ઉપર સર્ગ, શ્લોક ઉપર શ્લોક ઉથલાવ્યે જ જાય છે! વીસ મિનિટ, પંદર મિનિટ, દસ મિનિટ, શંકર-પાર્વતીનો સ્નેહ વર્ણવ્યો. ઉમાનું તપ! અરે બિચારાં, સારો પતિ મેળવવા આ દેવલોકોને પણ કેટલું વેઠવું પડે છે! અને આજે સારો પતિ નથી મળતો માટે જાણે સમાજને ગુનેગાર, ગણીને ગાળો દઈએ છીએ અમે! હાશ! હવે આ ઍલારામની ઘંટડી ધણેણશે. ત્યાં તો તેમણે રઘુવંશમાંથી કાંઈક કાઢ્યું ‘બસ, હવે આપણે છેલ્લું વાંચી લઈએ. કાલિદાસની જેમાં બધી ખૂબી ખીલી છે તે આ ઈન્દુમતીનો સ્વયંવર વાંચીએ. આ વેદનાઓનાં કાંતારોમાં ભમી આવ્યા પછી ભારતની મનોરમ સુહરિત રાજયલક્ષ્મીઓનાં નિતાત્ત રમણીય દર્શન કરીએ. પહેલાં તો સ્વયંવર વાંચવો જોઈતો હતો, પણ નહિ. આપણે એ પતિપ્રાપ્તિનો ઉલ્લાસ છેવટે જ વાંચીએ.’ અને અદ્ભુત કલ્લોલમાં તે આવી ગયા. મેં ધાર્યું કે ગેટેની માફક એ પણ નાચવા માંડશે અને એક પછી એક રાજવીનાં લક્ષણો, સમૃદ્ધિ, રાજ્યશ્રીનું નિરૂપણ કરતી એમની વાણી કાલિદાસ પેઠે વહેવા લાગી. બે સખીઓની વચ્ચે ઇન્દુમતી ચાલી રહી છે, અને સસ સસ કરતી સખી દરેક રાજાનું વર્ણન આપે છે. શું લક્ષણવૈવિધ્ય, શું ગુણવૈશિસ્ત્ર, શી પ્રકૃતિની ને રાજ્યલક્ષ્મીની સમૃદ્ધિ! પણ બધાય સરસ હતા. અને એ પણ ચકોર હતી છતાંય કેમ કોઈ પસંદ ન પડ્યો? ભિન્નરુચિહિ લોક . તે બોલ્યા ‘આ જગવિખ્યાત ઉક્તિ, જુઓ કાલિદાસે અહીં વાપરેલી છેઃ ‘નાસૌ ન કામ્યો ન ચ વેદ સમ્ય દ્રખું ન સાઃ ભિન્નચિહિ લોક .’ મને થયું ‘હવે આ બંધ કરશે? મારે હવે સ્વયંવર કરવાનો નથી રહ્યો!' આ ઊંઘ તો મને ઘેરી રહી છે. ત્યાં તે એકદમ ચોંકીને બોલ્યા ‘કવિ, તમેય જમાનાથી પર તો ન જ થઈ શક્યા. તમારો જમાનો જ સપત્નીઓનો હતો. શોક્ય શોક્ય ને શોક્ય. બે શોક્યને ભેગી કર્યા વગર ચેન નથી પડતું. તે વિના તમને રસ જ હાથ આવતો નથી. આ બિચારો તદ્દન કુંવારો છે તોય એને ઓળખાવતાં તમે કહેવડાવો છો ‘વરી મહા આ કુળવાનને તું, પૃથ્વી સમી હે પૃથુ અંગવાળી!
રત્ન ખચ્યા અબ્ધિની મેખલાવતી તું શોક્ય થા દક્ષિણ તે દિશાની!’ ‘જોયું? કઈ શોક્ય ખોળી કાઢી? દક્ષિણ દિશાની શોકરા થા? અરે રે કવિ તું!’ અને તે એકદમ શાન્ત થઈ ગયા. બેય હાથ ઉપર માથું મૂકી તે સૂનમૂન બેઠા. મને થયું હવે પૂરું થશે. પણ તે જાણે કશાને ન જોતા હોય તેમ આંખને દૃષ્ટિહણ કરીને બોલ્યું ગયા ‘કવિ કાન્તદર્શી ખરો, પણ એને ગળથુથીમાંથી મળ્યું હોય તેને બિચારો કેવી રીતે છોડી શકે? પણ એ શું ખોટો હશે? ખરેખર? ના. ના. એ સાચો છે. સપત્ની વિનાની સ્ત્રી જગતમાં હોઈ જ ન શકે. મોનોગેમી ભલેને ગમે તેટલી ઊભી કરો, પણ પુરુષોને સ્ત્રીપ્રિયાઓ નહિ તો ચિત્તપ્રિયાઓ તો એક કરતાં વધુ હોવાની જ. એણે દક્ષિણ દિશાને સપત્ની તરીકે ઓળખાવી. આજે શું અમારે સપત્નીઓ નથી? આ કોકને વિદ્યા, કોકને કળા, કોકને વેપાર, કોકને આ ને કોકને તે! તમે શું ધારો છો?' એ પ્રશ્ન સાથે તેઓ મારા તરફ ફર્યા. મારી ઊંઘની સામે લડવાની છેલ્લી શક્તિ વાપરતાં મેં કહ્યું, ‘શું?’ અને મારી આંખ ઢળી. આંખ મીંચાતાં મને ઘડિયાળનો કાંટો સાડા અગિયારની નજીક આવેલો દેખાયો. આંખો ફાડી ફાડીને હું જાગવાનો પ્રયત્ન કરવા લાગી. મનમાં સપત્ની શોક્ય શબ્દ વિકરાળ નૃત્ય કરી રહ્યો હતો. મારે શોક્ય? મારે પણ શોકય હોય? પરણ્યાની પહેલી રાતે? અને એ વિચારતાંડવથી મુંઝાતી તેમના શબ્દોને માત્ર અર્થહીન બબડાટ બની જતા સાંભળી રહી. મારી ઘેરાતી આંખોએ છેલ્લે છેલ્લે કશુંક આવું જોયું હોય એમ યાદ આવે છે કે એમનો હાથ એલારામની ચાવીને બંધ કરવા જતો હતો. એમની બેય હાથ પર માથું ટેકવી બેઠેલી, એમ ને એમ ચોપડી સામે તાકી રહેલી મૂર્તિ મારી સાથે ઊંઘમાં ચાલી આવી એ...ય પાનાં ઉપર પાનાં મૂંગા મૂંગા ઉથલાવ્યે જાય છે. ઘડિયાળનું ચકચક ચાલ્યા કરે છે. એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી ચોપડી ઉપાડ્યું જાય છે... ઝબકીને જાગું છું. સુંવાળા વિશાળ પલંગમાં પડી છું એમ ભાન થાય છે. પણ એ કયાં? બાઘી બની હું બેઠી થઈ જાઉં છું. પલંગમાંથી નીચે ઊતરું છું. બહારનું તારાનું અજવાળું આછું આછું અંદર આવતું હતું. પાસેના ખંડમાં પેલી ખાખી પાટ ઉપર તે સૂતા હતા. ઘડિયાળના રેડિયમના આંકડા ઉપર અઢીનો વખત ચિતરાયેલો હતો. અંધારી રાતે જાણે એ મારી મશ્કરી ન કરતું હોય ‘લેતી જા! કોણ જીત્યું? એણે તને ખાટલામાં સુવાડી, અને પોતે તો સૂતા આ ઓરડામાં એમની વિદ્યાની સાથે, તારી સપત્ની સાથે?' ખરેખર, પાટની પાસે એક નાની ટિપોઈ ઉપર બુઝાયેલો ટેબલ-લૅમ્પ હતો અને તેમના પડખામાં ચોપડી પડેલી હતી! કેટલો પ્રેમાળ માણસ! ‘ત્વમેવ ભર્તા, ન ચ વિપ્રયોગઃ!’ અરે, એટલું મેળવવા કેટલાં તપ કરવાં પડ્યાં હશે? અકથ્ય મૂંઝવણની મારી હું બે ઘડી એમને જોઈ રહી. મને એમણે જ પલંગમાં સુવાડી હશે અને મારી ઊંઘ ન ભાગે એટલા માટે... પણ મારું હૃદય હાથ ન રહ્યું. હું અગાસીમાં નીકળી ગઈ. લાખો તારાઓ અગાસીમાં ઊભેલી મને એકલીને જોઈ પલકી રહ્યા હતા. એ તો મારી મશ્કરી હતી કે વધામણી? હજી નાની નણંદ ઊંઘમાં કણકણી રહી હતી. તેનો અવાજ ઉપર આવતો હતો. અરે બિચારી! દાદરાઓ ખખડે નહિ એમ સંભાળી સંભાળી હું નીચે ગઈ અને એને ખભે ઉપાડીને ઉપર લઈ આવી. બે જણને સુવાને માટે બનાવેલા એ પલંગમાં અમે બેય નણંદ-ભોજાઈ ઊંઘી ગયાં. ઓહ, એ નાની નણંદની મીઠી કોમળ હૂંફ એ અધવારી ગયેલી રાત માટે ઓછી ન હતી!