સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/ખોલકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખોલકી

પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવતા હશે. નિરાંતે જોવાય એટલા માટે હું મેડે ચડી ગઈ અને બારીની ફાડમાંથી જોવા લાગી. બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડાઅવળા બેસી ગયા. પછી બધાએ માથાનાં ફાળિયાં ધીરે ધીરે ઉતાર્યાં, અને કોકકોકે આંગળી વતી કપાળ પરથી પરસેવો લૂછ્યો. હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી હતી. પણ મને એકદમ જડ્યા નહીં. તે રાતે અમારા ફરી વાર વિવાહ થયા ત્યારે ઘૂમટામાં ને ઘૂમટામાં મારાથી એમને ધારીને જોવાયેલા ન હતા. અને પછી ત્રીજે દહાડે મારી મા મરી ગઈ તે બાપાએ મને ના જવા દીધી, અને એ તેડવા આવ્યા ત્યારે મારી બહેનના વિવાહ થવાના હતા એટલે બાપાએ કહી વાળ્યું કે, ‘વેવા પછી વાત.’ એટલે વિવાહ થઈ ગયા પછી એ તેડવા આવવાના હતા ત્યાં એમના માસા મરી ગયા તે એ બધાની ભેગા કાણે આવ્યા. એટલે મારા બાપાએ બધાને ચા પીવા બોલાવ્યા ત્યારે મને થયું કે લાવ જોઉં તો ખરી. બધા ભેગા આવવાના હતા એ વાત તો ચોક્કસ, પણ એ કિયા તે મને શી ખબર પડે? બારીની ઝીણી ફાટમાંથી મેં તો મારે જોયા કર્યું. બારી ઉઘાડવાની મારી હિંમત ન ચાલી. એટલામાં મારી ભાભી કેડમાં છૈયાને ઘાલી દાદરો ચડીને આવી ને બોલી કે, ‘ચ્યમ ચંદનબા, આમ સંતાઈ સંતાઈને શું ભાળો છો?’ મેં કીધું: ‘કાંઈ નહીં.’ ત્યારે ભાભી બોલી: ‘કાંઈ નહીં ચ્યમ? આમ તાકી તાકીને તો જુઓ છો. પેલા તમારા આયા સે તે ઓળખ્યા કે નહીં તમે?’ મેં કીધું: ‘મૂઈ ભાભી, તુંય કેવી બળેલાને બાળે સે?’ ‘લ્યો લ્યો ત્યારે, બતાવું તમને,’ એવું બોલી ભાભીએ બારી ઉઘાડી નાખી. નીચે ભાયડા વાતોમાં પડ્યા હતા એટલે કોઈએ અમારા ભણી ભાળ્યું નહીં. પછી આંગળી ચીંધી ભાભી બોલી: ‘જુઓ પેલા.’ મેં કીધું: ‘ચિયા?’ ત્યારે ભાભીએ કીધું: ‘પેલો ગળાનો હૈડિયો મોટો ખારેક જેવો દેખાય સે ને તે. હાં, જુઓ, આ હમણેં ગડફો કાઢ્યો તે.’ મેં જોયું. એમણે ખોં ખોં કરીને મોટો ગડફો કાઢ્યો ને પગ વતી તેના પર ધૂળ વાળી. એક કૂતરું પૂંછડી પટપટાવતું એમની કને આવ્યું તેને એમણે ‘હટ સાલા’ કહી પગના જોડાની અણી મારી. કૂતરું ચેંઉં ચેંઉં કરતું નાઠું એટલે બધાય ભાયડા હસી પડ્યા. પછી નરભો વાળંદ હુક્કા ભરી લાવ્યો અને બધા પીવા મંડ્યા. ત્યાં મારા બાપાએ બૂમ પાડી: ‘પાણી લાવજો, વહુ.’ એટલે ભાભી પાણી આપવા નીચે ગઈ અને છૈયાને મારી કને મેલતી ગઈ. છૈયાને રમાડતાં રમાડતાં મેં બારીમાંથી જોયા કીધું. પીતળના પવાલામાંથી બધાને નરભે પાણી આપ્યું. એ નવા જમાઈ કહેવાય એટલે એમને પહેલું પાણી ધર્યું. એમણે ઊંચે પવાલે પીધું ત્યારે એમના ગળાનો હૈડિયો ઊંદરડી પેઠે ઊંચોનીચો થયો હતો. પાણી પી એમણે લાંબી સૂપડી જેવી મૂછો બેય ભીના હાથ વતી જરા જરા પલાળીને આમળી અને પછી ખોં ખોં કરવા લાગ્યા. વાળંદે એમણે હુક્કો આપ્યો તે એમણે લીધો અને એક ઘૂંટડો પીને મોઢામાંથી ધુમાડો કાઢતા બોલ્યા કે, ‘અરે નરભા રાત, આજે તો તમારો હાથ જોવો છે જરા. બપોરે બેસીશું આપણે.’ અને પછી નવરો હાથ એમણે ઊગી ગયેલી દાઢી પર ફેરવ્યા કીધો અને આંગળી વતી બાલ ખેંચવા લાગ્યા. હુક્કો પીને એ ઊઠ્યા, કોટ ઉતાર્યો અને ધોતિયાનો કછોટો માર્યો હતો તે એક છેડો કાઢ્યો ને જોડા પહેર્યા અને નરભા વાળંદને પૂછ્યું કે, ‘રાત, પેશાબ સારુ કેણી ગમ જવાનું?’ નરભે હસીને કીધું: ‘જાવ ભિયા, ઘર પાછળના વંડામાં.’ એ ગયા પછી ખાટલા પર એમનું ફાળિયું પડ્યું હતું તે નરભા વાળંદે ઉપાડ્યું. ફાળિયામાં એમણે રાતો પટ્ટો ખૂબીથી આડો ખોસ્યો હતો તેના પર હાથ ફેરવતો નરભો વાળંદ બોલ્યો: ‘ભિયા તો જબરા શોખીન દેખાય છે.’ અને એમના કોટના ખિસ્સામાંથી જરા જરા દેખાતો લીલો રૂમાલ તે કાઢવા જતો હતો ત્યાં મારા બાપાએ એને વાર્યો કે, ‘રહેવા દે નરભા, કોઈની ચીજો ફેંદાય ના.’ પછી મારા કાકા આવ્યા અને બોલ્યા કે, ‘ચાલો ઊઠો, મુખીને ત્યાં બધાને ચા પીવા જવાનું છે.’ અને હુડુડુડુ કરતા બધા ભાયડા ઊઠ્યા અને ચપોચપ ફાળિયાં માથે મેલી દીધાં અને હીંડવા માંડ્યા. અને કોઈનેય યાદ તો રહ્યું ના કે એ તો પાછા રહી જાય છે. એમનો ફેંટો અને કોટ ખાટલા પર પડ્યા હતા. હું મારે બારીએ બેઠી બેઠી જોયા કરતી’તી. પેશાબ કરી એ આવ્યા અને કોટ પહેરતાં પહેરતાં એમણે બારી ભણી જોયું અને મેંય જોયું, અને મને કંઈ કંઈ થઈ ગયું. પછી એમણે પાછો બધો ફેંટો છોડી નાખ્યો અને સફાઈથી ધીરે ધીરે બાંધવા માંડ્યો. અને ડોકું તિરકસ રાખી મારા તરફ જોતા જાય અને ફેંટો બાંધતા જાય. મને થયું કે લાવ નાસી જાઉં પણ કોઈ એટલામાં નહોતું એટલે હું બેસી રહી અને ભાળ્યા કીધું. પછી એમણે ફેંટો બાંધી લીધો અને કોટ પહેર્યો, ગજવા પરની ગડી હાથથી સાફ કરતાં કરતાં એમણે બટન બીડ્યાં અને ચાંદીની સાંકળીવાળાં ખમીસનાં બટન જરા ઢંકાઈ ગયાં હતાં તે દેખાય એમ કર્યાં. ખિસ્સામાંથી લીલો રૂમાલ કાઢી મોઢું લૂછ્યું અને પીતળની ખોળીવાળી લાકડી જમણા હાથમાં ઝાલી ડાબા હાથે રૂમાલ ગજવામાં ઘાલ્યો, અને ખોંખારો ખાઈ મારા ભણી જોવા ગયા, ત્યાં એમને ઠાંસો ચડ્યો. ઘડી વાર ઊભા ઊભા એમણે ઠાંસ્યા કર્યું. પછી એકસામટા બેચાર વાર થૂંક્યા, અને તેના પર જોડા વતી ધૂળ વાળી. અને મારા ભણી જોવા માથું ઊંચું કર્યું અને મેંય જોયું. એમની આંખમાં થોડુંથોડું પાણી આવ્યું હતું. પણ એમણે તો જોયા જ કર્યું અને પછી ચાલ્યા. એ દેખાતા બંધ થયા એટલે હું ઝબકી અને બારી વાસી દઈ નીચે જવા મંડી. ભાભીના છૈયાને કેડમાં ઘાલી હું દાદરાનાં બે પગથિયાં ઊતરી ત્યાં તો ભાભી પહેલે પગથિયે દેખાઈ. મને ઊતરતી ભાળીને તે બોલી: ‘ચ્યમ ચંદનબા, ઊતર્યાં? ચાલો, ચાલો બેસીએ ઘડી વાર.’ મેં કહ્યું: ‘ભાભી તુંયે ચેટલી બધી મોડી થઈ?’ ભાભીએ કીધું: ‘ચંદનબા, જે થાય તે સારાને સારુ!’ અને મારી કેડમાંથી એનો છૈયો એના ભણી અડધો લટકી પડ્યો હતો તે એણે લઈ લીધો અને પછી અમે બેય જણ બારીએ જઈને બેઠાં. ભાભીનો છૈયો બારીનો કઠેડો ઝાલી, એક હાથની હથેલી પહોળી કરી, તાતા કરતો કરતો કાગડા બોલાવા મંડ્યો. ભાભીએ મને પૂછ્યું: ‘ચ્યમ ચંદનબા, ઓળખ્યાને તમે?’ મેં કીધું: ‘ઓખળ્યા, બુન.’ હું એકલી હતી ત્યારે તો મેં તાકીતાકીને જોયા કીધું હતું, પણ હવે કોણ જાણે કેમ મને શરમ આવવા મંડી. હું આડુંઅવળું જોવા જતી હતી ત્યાં ભાભીએ પૂછ્યું: ‘ઓળખ્યા તો બરાબર ને? પહેલા મુરતિયા કરતાં સારા છે ને?’ મેં કહ્યું: ‘એમાં આપણે વળી શું સારા-નરસા? જે મળ્યું તે ખરું!’ ભાભીએ કીધું: ‘તે પછી ના ગમ્યા તો?’ ત્યારે મારાથી હસી દેવાયું અને હું બોલી: ‘નહીં ગમે તો તું બદલાવી આપીશ?’ ત્યારે ભાભીય હસી પડી અને બોલી: ‘હવે હમણાં જે છે તેને તો વાપરી જુઓ. પછીની વાત પછી. સારા ઘરનો મનીષ છે. એની પહેલી બાયડી ત્રણ છોકરાંની મા થઈને મરી ગઈ. અને બીજી તમારી જેવડી બાળરાંડ મળી.’ મેં કીધું: ‘પેલી છોકરાંવાળી અને હું બાળરાંડ. તેમાં વધારે શું આવ્યું?’ એટલે ભાભી હસીને બોલી: ‘ચંદનબા, તમે કયે દહાડે સંસાર માંડ્યો છે તે તમને ખબર પડે? આ મારો સો સો વાનાંનો, પરણ્યા કેડે દશ વરસ કેડેનો છૈયો.’ એમ બોલી એણે છૈયાને ગોદમાં લઈને દાબ્યો. એવામાં પડોશણે બૂમ પાડી એટલે છૈયાને મૂકીને તે નીચે ગઈ. મેં એના છૈયાને ગોદમાં લીધો. એણે ભૂખ્યો થયો હોય તેમ મારી છાતીમાં માથું મારવા માંડ્યું. એટલે મેં એને સામા પીપળા પરનો મોર દેખાડી છાનો રાખ્યો. હવે દીવાવેળા થવા આવી હતી, અને ભાભીનો છૈયો તો ઝાઝું ને ઝાઝું રોતો હતો. એનું રોવું સાંભળી ભાભી નીચેથી બોલી કે, ‘એને રાખજો ચંદનબા, આ દીવો પેટાવીને હું આવી.’ પછી તરત નીચે દીવો સળગ્યાનો ચમકારો થયો અને ભાભી ઉપર આવી, મારી કનેથી છૈયાને લેતાં લેતાં બોલી: ‘પારકું છૈયું રોવાડ્યા કરીએ તો ખવાડીએ ના?’ પછી છૈયાને ધવડાવવા માંડી. અને ખૂબ તોફાનમાં આવી હોય એમ એણે આંખો નચાવવા માંડી અને બોલવા જાય અને વળી રહી જાય. પછી એમ કરતાં કરતાં બોલી: ‘કહો એક વાત કહું તો શું આપશો?’ મને હસવાનું મન થયું: ‘જેવો માલ તેવું મૂલ.’ ‘ત્યારે તો હું કમાવાની.’ એમ બોલી ભાભીએ છૈયાને એક થાનેથી બીજે થાને ફેરવ્યો અને કહ્યું: ‘આમ કને આવો ત્યારે.’ હું કને ગઈ ત્યારે એણે કીધું: ‘હજી કને, મારા મોઢા આગળ કાન લાવો.’ મેં એમ કર્યું ત્યારે એણે છૈયાને માથે ટેકવેલો હાથ છૂટો કરી બેય હાથે માથું પકડ્યું અને ધીરેથી બોલી: ‘ભિયાએ તમને રાતે બોલાવ્યાં છે.’ અને મારા ગાલ પર એણે ચચરે એવી ચૂંટી ભરી. મારું રૂંવેરૂંવે ઊભું થઈ ગયું. મને ગભરાયેલી જોઈ ભાભી જ બોલી: ‘જશો ને? અને હવે મારું મૂલ. જે બને તે મને રજેરજ કહેવાનું.’ અને હું ગઈ. જનજનાવર જંપી ગયું ત્યારે ભાભીએ મને ઉઠાડી: ‘ચંદનબા, પાડોશણે વાડાનું બારણું ઉઘાડ્યું છે.’ અને અમે બેય જણીઓ વાડામાં નીકળી. ભાભીનો છૈયો ઊંઘતો હતો તે જરા સળવળ્યો પણ પાછો ઊંઘી ગયો. અંધારી રાત હતી. પાડોશીનો અને અમારો વાડો સહિયારો હતો. હરણીઓ આથમવા આવી હતી. બધાંય ઊંઘતાં હતાં. ભાભી આગળ થઈ ને બોલી: ‘તમે ચંદનબા, નસીબદાર. અમારે તો ઘરબાર માવતર છોડી આટલે દૂર આવવું પડ્યું. તમારે તો ઘેર બેઠાં ગંગાજી આવ્યાં.’ અને અમે પાડોશીના બારણા કને ગયાં ત્યાં બારણું ઊઘડ્યું અને પાડોશણે ડોકું બહાર કાઢ્યું, ને ધીરેથી બોલી: ‘આવો.’ પછી અમે અંદર પેઠાં. પાડોશણનો ધણી પરગામ ગયો હતો અને એને છૈયુંછોકરું હતું નહીં. બે જણ એટલે ઘરમાં કચરોપૂંજો પડે નહીં અને કશું વેરણછેરણ થાય નહીં. છોકરા વિના સિઝાઈ સિઝાઈને પડોશણ દૂબળી જેવી થઈ ગયેલી. બે જીવ એટલે ઘરમાં કશું ઝાઝું રાચરચીલું પણ રાખે નહીં. લીંપેલો ઓરડો ચોખ્ખોચંદન જેવો હતો. ભીંત પર ચાડા પર દિવેલનું કોડિયું બળતું હતું. એક ખૂણામાં ખાટલો અને બીજા ખૂણામાં ઊભો દાદર હતો. ખાટલા પર ભૂરું લૂંગડું પાથર્યું હતું. ‘આવ્ય ચંદન, આજે તો મને ઊંઘ જ આવતી નથી.’ એમ કહી એણે છીંકણીની દાબડી કાઢી અને ભાભી ને એણે બેય જણે ફડાકા લેવા માંડ્યા. પછી પાડોશણ પાણી પીવા ઊઠી. મેડા પર કોઈ ખાંસી ખાતું સંભળાયું. ભાભીએ મને કહ્યું: ‘ચંદનબા, સવારે વહેલાં આવજો.’ અને હું મૂંગી મૂંગી બેસી રહી. પાડોશણ પાણીનો લોટો અને પવાલું ભરીને લાવી અને મારી કને મેલ્યું: ‘આ લેતી જજે તારી સાથે. ઉપર ખૂણામાં ચોકડી છે તે તો તને ખબર છે.’ ભાભીએ ઊંચા હાથ કરી આળસ મરડી: ‘ઊંઘ આવવા મંડી બળી. ચાલો, સૂઈ જઈએ.’ અને ભાભી ઊઠીને ધીરે પગલે ચાલી ગઈ. પાડોશણે બારણું બંધ કર્યું અને ખાટલા ભણી વળીને બોલી: ‘બોન, તારેય ઉજાગરો થશે. સૂઈ જા બા, એટલે દીવો ઓલવી નાખું.’ અને જાણે મને કોઈ એક મેરથી ધકેલતું હોય અને બીજી મેરથી ખેંચતું હોય તેમ હું ઊભી થઈ અને લોટો-પવાલું મેં લીધાં અને દાદર પર ચડી. બે પગથિયાં મારે ચડવાનાં રહ્યાં એટલે લૂગડાની એક ઝપટ સંભળાઈ અને નીચે અંધારું થઈ ગયું અને ખૂણામાંથી ધીરો અવાજ આવ્યો કે: ‘મારી વાંઝણીના ઘરનાં આવાં ભાયગ ક્યાંથી?’ પછી હું મેડા પર ચડી. સામી ભીંત પર તાકામાં ઘાસતેલનો ખડિયો ભખભખ ધુમાડા કાઢતો હતો. માટોડાથી ભુરાટેલી ભીંતો પર દીવાનું રાતું અજવાળું લીંપાતું હતું. આખો મેડો ખાલીખમ હતો, ઉગમણી-આથમણી બબ્બે બારીઓ ઉઘાડી હતી. નીચલા જેવો ઉપલો ખંડ પણ વાળીઝૂડીને સાફ હતો. સામે ભીંત કને ખાટલો પડ્યો હતો ને બારી ભણી મોઢું કરી એક પર બીજો પગ ચડાવી એ ખાટલા પર બેઠા હતા. મેં ચોકડીની પાળી પર લોટો મેલી દીધો અને સોડિયું વાળી દાદર કનેની બારી કને જ હું ઊભી રહી ગઈ. મને જોઈ ન હોય એમ તે ઊઠ્યા. ખીંટીએ ભરવેલા કોટમાંથી બીડી કાઢી અને સળગાવી. પછી જાણે કોઈ યાદ આવેલી ચીજ લેવા આવતા હોય તેમ એ મારા ભણી ચાલ્યા આવ્યા અને મારી કને ઊભા. મને જાણે જોતા જ ન હોય એમ બોલ્યા: ‘ચાલ.’ અને એમને ખાંસી થઈ, અને થૂંકવા એમણે બારીમાંથી ડોકું કાઢ્યું. ખોં કરીને થૂંક્યા તે ભોંય પર પડ્યું તે સંભળાયું. પછી એ બારીમાંથી ડોકું અંદર લેવા ગયા ત્યાં એમનું મોઢું મારે માથે ઘસડાયું. મારા ભણી જોયા વગર એમણે, મેં સોડિયામાં ઘાલેલો મારો હાથ ઝાલ્યો અને વળી બોલ્યા: ‘ચાલ.’ પછી હું એમની સાથે ચાલી. એમણે હાથની બે આંગળીઓએ પહેરેલી વીંટીઓ મારાં આંગળાંને કચડતી હતી. પછી બોલ્યા વગર અમે ખાટલા સુધી ગયાં, અને મને એમણે ખાટલા પર એમની કને બેસાડી. ત્યાં ફળિયામાં કૂતરાં ભસ્યાં અને બહાર કોઈ નીકળ્યું હોય એમ લાગ્યું. એમણે પૂછ્યું: ‘બારીઓ અડકાવી દઉં?’ મેં કહ્યું: ‘પરોઢનું અજવાળું થાય એની ખબર પડે માટે ઉગમણી બારીઓ ઉઘાડી રાખજો.’ આથમણી બારીઓ બંધ કરી એ ખીંટીએ કોટ લેવા ગયા. કોટ લેવા જતાં કોટ પર ભેરવેલો ફેંટો પડી ગયો તે એમણે ઠોકર મારી ખૂણામાં ધકેલ્યો અને મારી પાસે બેઠા. પછી કોટના ખિસ્સામાંથી એમણે સિગારેટની દાબડી કાઢી, દીવાસળી સળગાવીને સિગારેટમાં ચાંપી અને દમ લીધો ત્યારે દીવાસળીની ભડક કરીને મોટી ઝાળ થઈ. એમનું મોઢું રાતું રાતું દેખાયું, અને દાઢી તાજી મૂંડેલી દેખાઈ. મૂછોના આંકડા થોડા થોડા વળેલા હતા. અને મોઢાનાં હાડકાં ઊંચાં નીકળી આવ્યાં હતાં. દસબાર ફૂંક લઈ એમણે સિગારેટ ફેંકી દીધી, પછી ખોંખારો કરીને થૂંકી આવ્યા. ડિલ પર પહેરેલી બંડી ઉતારીને એમણે ખૂણામાં ફેંટા પર ફેંકી લીધી અને બેય હાથની કોણીઓ ઢીંચણ પર ટેકવી, આંગળાંથી દાઢી પંપાળતા બોલ્યા: ‘તમારા નરભા રાતનો હાથ તો સારો. સારી હજામત બનાવી.’ હું મારે નીચું મોં ઘાલી સાંભળતી હતી. ત્યાં એમણે એકદમ મને બાથમાં લીધી. એમનું મોઢું મારા મોઢા સાથે ઘસાવા લાગ્યું. એમની દાઢીમાં કોક કોક ઠેકાણે રહી ગયેલા ખૂંપરા મારે ગાલે ખૂંચતા હતા. એમના મોઢામાંથી ધુમાડાની છાક નીકળતી હતી. પછી એમને ખાંસી થઈ અને એમણે ખૂણામાં થૂંક્યું. પછી મારા મોઢા સાથે મોઢું ઘસવા લાગ્યા. મારું કાળજું ધબકવા લાગ્યું. તોય હું એમ ને એમ બેસી રહી. ત્યારે એ બોલ્યા: ‘બહુ શરમાય છે કંઈ?’ અને મને જોરથી એમણે દબાવી. એમની કોણીનાં હાડકાં મારાં પાંસળાંમાં દબાયાં અને મને દુખ્યું. મારાથી બોલાઈ જવાયું: ‘ઓ!’ ત્યારે એમણે કહ્યું: ‘બરાબર છે.’ મેં કહ્યું: ‘મને ઊંઘી જવા દો સીધી. સવારે તો વહેલાં જવું પડશે મારે.’ ત્યારે એ બોલ્યા: ‘બરાબર છે. લાવ દીવો હોલવી નાખું.’ પછી એ દીવો હોલવવા ઊઠ્યા. મારું શરીર સહેજ દુખતું હતું એટલે હું ખાટલામાં આડી પડી. એમણે દીવો એકદમ હોલવી ના નાખ્યો. એમણે બીજી સિગારેટ કાઢી અને દીવાની જોતમાં ધરીને સળગાવી, પછી મોઢામાં હોઠ વચ્ચે ઝાલી, અને બેય હાથ કેડે દઈ દીવા સામું તાકતાં તાકતાં ઊભા રહી એમણે એમ ને એમ પાંચ-સાત દમ લીધા. બીડેલા હોઠના એક ખૂણામાંથી ધુમાડા નીકળતા હતા. એમની કરોડ સહેજ વાંકી વળેલી દેખાઈ. એમનાં મોટાં પાંસળાં થોડાં થોડાં દેખાતાં હતાં. એ થૂંક ગળતા ત્યારે ગળાનો હૈડિયો જરા જરા ઊંચો-નીચે થતો હતો. સૂપડી જેવી મૂછો હોઠ પર લટકતી હતી. પછી એમણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને બધું અંધારું અંધારું થઈ ગયું. તે ખાટલામાં કેણી ગમ આવીને બેઠા તેની મને ખબર ન પડી. હું માથે હાથ નાખી સૂતી હતી. ત્યાં એમનું મોઢું કોઈ દિશામાંથી આવ્યું અને મારા ગાલ પર એમના દાંત બિડાયા. મારાથી જરાક ચીસ પડાઈ ગઈ. હું એક તરફની ઈસને વળગી સૂઈ રહી હતી. એમનો હાથ મને ખેંચતો લાગ્યો. તોય હું ફરી નહીં એટલે એમણે જોરથી મને ખેંચી. તોય મેં ઝાલેલી ઈસ મેલી નહીં. પછી એમણે ખૂબ જોરથી એક આંચકો માર્યો અને મારા હાથ ઈસથી છૂટી ગયા, અને એ બોલ્યા: ‘આમ ફરને, ખોલકી!’ [‘ઉન્નયન’]