સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/પૂનમડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૂનમડી

પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે. ‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’ મહારાણી એલિઝાબેથના કરતાં પણ વિશેષ સત્તાવાહી અવાજને માન આપી મેં મારા દિવાસ્વપ્નને સંકેલ્યું. એકીટશે જોવાથી નાસ્તિવત્ બનેલા રસ્તા પરનાં છાણ, ધૂળ, સળેકડાં, રોડાં, આકાશમાં સાંજે શનૈઃ શનૈઃ તારા દેખાવા માંડે તેમ પાછાં એમના પુરબહારમાં નજરે પડ્યાં. હું સ્વપ્નમાંથી સત્યમાં ઊતર્યો. ના ના, હું છજામાં જ ઊભો હતો, ત્યાંથી અંદર પાછો ફર્યો. મેડામાં. બિહારના પ્રકાશથી અંજાયેલી આંખોને ખંડની અંદરની ચીજો સ્પષ્ટ દેખાતી ન હતી. રસ્તામાં પડેલી તપેલી મારા પગ સાથે અફળાઈ. પાણી ભરેલી તપેલીએ અપમાનિત થયેલ સન્નારી પેઠે ઘોર રણકાર કર્યો. થોડું પાણી છલકાયું. લીલાનો ઉપરના જેવો રૌદ્ર અવાજ ક્યારેક જ સાંભળવા મળતો; પણ જ્યારે મળતો ત્યારે એના સૌમ્ય સ્વરૂપે સરજેલી સઘળી મીઠાશને દરિયાના જુવાળની પેઠે તે ખારી ઊસ બનાવી દેતો. જરૂર કાંઈક ઉલ્કાપાત હશે એમ માની હું સભય પગલે બેઠકનો ખંડ છોડી રસોડાના ખંડ તરફ ચાલ્યો. અમારા મેડાનાં બારણાંની રચના એવી હતી કે પશ્ચિમના છજામાં ઊભાં ઊભાં પૂર્વની દીવાલમાંની બારી જોઈ શકાય. રસોડામાં પરું છું ત્યાં તો ઉગમણી બારીએ લીલા સોડિયું વાળીને બેઠી હતી. ‘હાજર છું સાહેબ, ફરમાવો હુકમ.’ વફાદાર સેવકને છાજતી રીતે મેં ગૃહિણીને મુજરો કર્યો, પણ સ્ત્રીની તબિયત સાચવવા મથતા પતિઓનાં નસીબ બોદલાં જ હોય છે. પ્રસન્ન આશીર્વાદને બદલે પ્રખર પ્રકોપ દેવી તરફથી મળ્યો ‘હવે મજાકમાં જ રહેશો તો રહેશો વા ખાતા. મારું ડિલ ભરાવા માંડ્યું છે તે હવે મેં ખીચડી ઓરી છે તે જઓ, પેલા શીકામાંથી બટાકા ઉતારી સમારો અને પાણિયારામાં પાણીનું ટીપુંય નથી તે કોઈ ભરનારને શોધી કાઢો. ટાઢપ કરશો, અને પછી કહેશો કે મોડું થયું ઑફિસે જવાનું તો એની હું જોખમદાર નહિ.' મહારાણીને છાજે એવી જ વટહુકમોની આ પરંપરા હતી. આવાં ભગીરથ કામો આ સેવકની શક્તિની બહાર જ હતાં. જ્યારે હું ગૃહસ્થ નહોતો, અને વિદ્યાભ્યાસના કાળે હાથે રાંધીને ખાતો હતો તે જમાનાની વાત જુદી. હવે તો પતિ થયો હતો અને પત્નીએ મને એટલો વશ કરી લીધો હતો કે એ ઘરમાંથી જાય ત્યારે કંઈ સૂઝતું જ નહિ. રસોડાની, પાણીની, ધોવાની ક્રિયાઓ એ ઑફિસમાં મોટાં મોટાં હજારોના હિસાબનાં થોથાં ઉથલાવવા કરતાં પણ મારે માટે વધારે દુષ્ક્રિય થઈ ગઈ હતી. ગૃહસ્થને છાજતું આળસ, સ્ત્રી-અવલંબિતા, બેદરકારી વગેરે અનાયાસે કેળવાઈ ગયાં હતાં. સ્ત્રીઓને આદિ-અનાદિથી મળતી દરેક મહિને ત્રણ દિવસની હકની રજાઓ તો મારે મન એક ‘મહા વિકટ વળગાડ' જેવી થઈ પડી હતી. તે વખતે પાણીછાણી તો લીલા કરતી; પણ રસોડાના રાજા મારે થવું પડતું, એ જીવનની મહા સમસ્યા થઈ પડતી. છેવટે મેં ક્રૂર હૃદયનો થઈ એ હક્કો પણ છીનવી લીધા. તોયે મારા ઉપર કરણા કરી દેવીએ મને નવાયો, અને ત્યારથી હું એવો ‘વંઠેલ’ ‘નફટ’ આળસુ પતિ થઈ ગયો છું કે આટલો પગારદાર, ભણેલો તથા રૂપાળો હોવા છતાં મને ફરી પરણવાને કોઈ પણ જિગર ચલાવે નહિ. પણ, આવા પ્રસંગે માંદગી વેળાએ તો મારી કોઈ યુક્તિ ચાલે એમ ન હતું. લીલાએ ઠીક ક્રૂજવા માંડ્યું હતું. ખાવાનો પ્રશ્ન આજને માટે અડધો તો લીલાએ ઉકેલી નાખ્યો હતો, માત્ર શાક જ કરવાનું હતું, પણ પાણીનો પ્રશ્ન જબરો હતો. હજી મારે નહાવાનું હતું. અને પાણીનું તો ટીપુંય ઘરમાં નહોતું. ગામડાગામમાં પણ પાણી ભરનારી મેળવવી એ મુશ્કેલ હતું અને તેય ધાર્યો ટાંકણે એ તો અશક્ય જેવું. સો ઘરની વસ્તીના આ ગામડામાં પાણી ભરનારી શોધવા જવું એ દક્ષિણ મહાસાગરમાં કોઈ મસાલાનો બેટ ખોળવા જેવું હતું. ખીચડીની તપેલીનું ઢાંકણ ખસેડી, હજી જરા ખીચડીને થતાં વાર લાગશે એમ જોઈ એ મહા પ્રશ્ન ઉપર મનન કરવા હું પાછો છજામાં જઈને ઊભો. પા કલાકના એકાગ્ર ચિંતનને પરિણામે, પહેલાના ભક્તોને જેમ પ્રભુએ વહાર મોકલેલી તેમ, આ વેળા મારે માટે વહાર આવી. અમારા ઘરનાં માલકણ ચંચળબહેન દાદરો ચડતાં હતાં. તે દાદરા પર પગ મૂકે તે પહેલાં જ ‘શ્ચમ લીલા ખૂન, ચ્યમ માસ્તર સાબ'ની આગમનસૂચક એલાર્મ-ઘંટડી વગાડતાં આવતાં. એક તો એમનો સ્વભાવ જ બહુ બોલકણો; તેમાં અમારા એક પ્રણયોપચાર પ્રસંગે એ આવી ચડેલાં. લીલાએ મને મારી ખુરશી પર જ કેદ કરેલો. એના હાથની જંજીરો મારા ગળાને દાબતી, મારા હાથમાંની કલમને જપ્ત કરવા જતી હતી અને ‘બોલો, ડાબે કે જમણે? ડાબે કે જમણે?' એમ બોલતી મારા હજામત કરેલા મોઢા ઉપર ચૂમીઓ વરસાવતી હતી, અને એ સ્થિતિમાં ચંચળબહેને તેને પકડી. લીલા તો શરમની શીંદરી થઈ ગઈ અને અંદર દોડી જ ગઈ. ચંચળબહેન જરા ખચકાઈને તેની પાછળ અંદર ગયાં અને બોલતાં સંભળાયાં ‘બળ્યું, લીલાબૂન, ધોળે દહાડેય તમે તે શું? ને ત્યાર પછી, વાંક જોકે લીલાનો જ હતો. છતાં, ‘વંઠેલ’નું વિશેષણ મને તે જ સાંજે ફળિયાના નારીમંડળે મારા છજાના ઓટલા નીચે બેસી હું સાંભળી શકે તેટલા અવાજથી પૂરેપૂરું વ્યંગ્ય વાપરીને આપ્યું. પણ છતાં ચંચળબહેન ભોળાં એટલે ‘હાય, જુવાની છે' એમ કહી એમણે માફી આપી દીધેલી, અને તે દિવસનાં ઉપર આવે ત્યારે પણ અમારા બેમાંથી એકને હોકારીને જ આવે. મારો દયામણો ચહેરો અને લીલા ગોદડું ઓઢીને સૂઈ ગયેલી જોઈ તે બધું પામી ગયાં. ચંચળબહેન આવ્યાં જાણી માળામાંથી ચકલી ડોકું કાઢે તેમ લીલાએ ગોદડામાંથી ડોકું કાઢી કહ્યું ‘ચંચળબહેન, કોઈ પાણી ભરનારી મળે તો લાવી આપો. એ તો ગંગાને કાંઠે પણ તરસ્યા મરી જાય એવા આળસુ છે, નહાશય નહિ અને ખાશેય નહિ. ને પછી ‘મારે મોડું થયું’ કહી ભૂખ્યા ને ભૂખ્યા ઑફિસે જશે. અને તેણે પાછું ગોદડામાં મોટું સંકેલી લીધું. પાણીની કેટલી જરૂર છે તે વાત કહેવાની જરૂર નહોતી. પાણી વગરનાં બેડાં પર ધૂળ ચોંટી હતી. સાંજનાં વાસણો ઊટક્યા વગરનાં ચોકડીમાં પડ્યાં હતાં અને મારા સુકા ઘાસની જેમ ઊડતા વાળ આંધળાને પણ મારા અસ્નાનનો પુરાવો આપે એવા હતા. ‘ધીકણું ભરાયું છે કે શું? બધું આ રત જ એવી છે હમણાં તો. લાવો, જોઉં ત્યારે કોક મળી આવે તો.’ કહી તે નીચે ગયાં અને પાડોશમાં કોકને કહેતાં સંભળાયાં ‘અલી પૂનમડી અહીં આવે છે કે શું, બૂન?' ‘હા માસી.’ કી તે સંબોધાયેલું પ્રાણી બોલ્યું, અને ઘંટી બંધ રહી. ઘંટી બંધ રહી ત્યારે જ મને ખબર પડી કે આટલામાં ઘંટી ચાલે છે. એનો એકધારો ઘોર દિવસના અવાજમાં એવો ઓતપ્રોત થઈ ગયેલો કે તે જ્યારે બંધ પડી ત્યારે જ તેના પૂરક સ્વરની ખોટ દેખાઈ. ‘જરા મેંકુ થોડી ચણાની દાળ દળી આવું.' ‘બૂન, જરા પછી દળજે ને! આ લીલાબૂનને બે બેડાં પાણી લાવી આપ ને! માસ્તર નહાયા વગરના બેઠા છે ને લીલાબૂનને ધીકણું ભરાયું છે.’ ‘અલી અમલી, જરા રાખ ત્યારે, હું જઈ આવું.’ કહી પૂનમડી ઓઢણીનો છેડો ખોસતી બહાર આવી. ઉઘાડા ગોરા હાથ ઉપર થોડો થોડો લોટ ચોટ્યો હતો તેને પાલવની ઝાટકથી ખંખેરતી, માથેથી સરી જતી ઓઢણી સંકેલતી તે મેડાની દાદર ભણી આવવા લાગી. છજામાં ઊભેલા મારી સામે એની આંખો ઊંચી થઈ. ગભરાયેલી ચકલીઓની માફક બિડાઈ ગઈ. હું અંદર આવ્યો. પાણી ઉપર પોયણું તરે તેમ દાદર ઉપર પૂનમડીનું ડોકું દેખાતું હતું. તે જરા ખચકાઈ અને પછી સડસડાટ અંદર ખંડમાં ચાલી ગઈ. પૂનમડી પાણીનું બેડું લઈ દાદર ઊતરી એટલે મેં રસોડામાં જઈ શાક સમાર્યું, ખીચડી ઉતારી અને શાકને સગડી પર મેલ્યું. લીલા કરતાં પણ પૂનમડી વહેલી બેડું લઈ આવી અને મારા કાને એનો અવાજ પડતો રોકવા ઇચ્છતી હોય તેમ બેઠકના ખંડમાં જઈ લીલાને કહેવા લાગી ‘લીલાબૂન, લાવવું સે બીજું?’ ‘એ નહાય એટલું પાણી થયું હોય તો આજે તો ચાલશે, બહેન. પણ તું નવરી હો તો લઈ આવ એક વધારે. કાલે વળી મારાથી ઉઠાય કે નયે ઉઠાય.’ લીલાનો લાંબો વખત માંદા રહેવાનો ઈરાદો છે કે શું એ વિચારે મને ગભરાવ્યો. ‘ઑફિસે જવાનો વખત થવા આવ્યો હતો એટલે મેં સ્નાન કરી અર્ધા ચડેલા શાકે ભોજન આરંભ્યું. શાક ચડતું જાય તેમ તેમ થોડું થોડું લઈ ખાતો હતો. એટલામાં બીજું બેડું પૂનમડી લઈ આવી. આખા અંગને સોડિયામાં સમાવી લેવા મથતી હોય તેમ તેણે અંગનો સંકોચ કરી આખા શરીર ઉપર ઓઢણી બરાબર લપેટી લીધી હતી. મર્યાદાની મૂર્તિની પેઠે જરાયે અવાજ કર્યા વિના તેણે પાણિયારા ઉપર ગાગર અને ઘડો ગોઠવ્યાં અને પછી દાદરને પહેલે પગથિયે જઈને તે મીઠા લહેકાથી બોલી ‘લીલાબૂન, કાલે જરૂર પડે તો બોલાવજો, હોં!' ‘જરા ઊભી રહે, બહેન!' પૂનમડીને ઊતરતી રોકતાં લીલાએ કહ્યું અને ગોદડામાંથી ડોકું કાઢી મારા તરફ જોઈ કહ્યું ‘ખાયા શું કરો છો? પૂનમડીને એક આનો આપો.’ અધૂરો કોળિયો મોંમાં મૂકીને મેં બહાર આવી ખિસ્સામાંથી આની કાઢી અને દાદર આગળ જઈ પૂનમડીને આપવા હાથ લંબાવ્યો. લીલાએ શું કહ્યું, હું શું કરું છું, એના વિચારમાં ડૂબેલી સ્થિર થઈ ગયેલી પૂનમડીએ અનાયાસે હાથ લાંબો કરી દીધો. ‘લે.’ કહી મેં એ આની એના હાથમાં મૂકી. એના હાથમાં આવી પડે ન પડે તે પહેલાં, દેવતાથી દાઝતી હોય તેમ તેણે હાથ પાછો ખેંચી લીધો. ‘એ શું લીલાબૂન, એવા પૈસા લેવા કંઈ મેં કામ કર્યું છે? એ તો તમારે ને ચંચળબૂનને લીધે; નહિ તો મોટા ધનેતરીનુંય હું પૈસા લઈને કામ ના કરું.’ અને તે ચાલી ગઈ. તરછોડાયેલી આની પૂનમડીના હાથમાંથી સરી દાદરની ફાટમાં થઈ નીચે ચંચળબહેનના ઘરમાં પડી. હું કોઈ અપમાનિત ધનિકની જેમ જરા વીલો પડી પાછો ખાવા મંડ્યો. ‘પૈસો દરેક ચીજ ખરીદી નથી શકતો.’ એ વિચારમાં કાચું પાકું બધું શાક ખવાઈ ગયું. પાછો પાડોશીને ઘેર ઘંટીનો ઘોર ચાલુ થયો. હું પરવારીને ઑફિસે જવા નીકળ્યો. દાદર ઊતરું છું ત્યાં ચંચળબહેન બારણું ખોલી નીકળ્યાં. માસ્તર, તમારી આની પડી ગઈ કે શું? આપી દે બેટા!’ કહી એમના ચારેક વરસના કીકાનો હાથ પોતે પકડીને લંબાવ્યો. આ રૂપાળી ચીજથી છૂટા પડવાની કીકાની ઇચ્છા જણાતી નહોતી. એ આનાકાનીમાં બેચારેક મિનિટ ચાલી ગઈ. હું ઉતાવળો ઉતાવળો થતો હતો. પાસે પડોશીને ઘેર ઘંટી ગાજતી હતી અને સાથે ગાવાનો અસ્પષ્ટ અવાજ નીકળતો હતો. ‘સાંજે આપજો,’ કહી ચાલવા માંડ્યું. ઘંટી એકદમ બંધ પડી ગઈ અને એકલું ગીત ચોખ્ખું સંભળાયું.

‘લીમડે લટક્યું લેલુંબ મધ રે,
લાલિયા, લેતો જા લીલી લવંગડી.’

‘લીલી લવંગડી' એટલો કકડો બે વાર ગવાયો. મેં લગભગ શેરીનો ખાંચો વટાવ્યો. પાછળ કૈંક ઘોંઘાટ થતો જોઈ મેં પાછું જોયું. અમારા ઘરના ખૂણા આગળ થોડાંક છોકરાં ભેગાં થયાં હતાં. એ નાના ટોળામાં પૂનમડી પણ દેખાઈ કે શું? કે મારી આંખે જ એવું જોયું? કોક બેશરમ છોકરે હું સાંભળે એમ બૂમ પાડી ‘એલા માસ્તરે કોટ ઊંધો પહેર્યો છે, જુઓ જુઓ.’ ખરેખર, ઉતાવળમાં મેં એમ જ કર્યું હતું. ખાંચો વળી મેં કોટ બદલ્યો અને એ ધૂળિયા રસ્તા ઉપરનાં ધૂળિયાં છોકરાંના વિચારે સવા માઈલનો રસ્તો કેમ કપાઈ ગયો તેની મને ખબર પણ ન પડી. એ ધૂળિયો રસ્તો; ધૂળભરેલાં છોકરાં, ધૂળ બાઝેલી ભીંતોવાળાં ઘરો, અને ધૂળમાંથી જ જાણે બનાવ્યાં હોય એવા મેલાં, ફિક્કાં મોઢાંવાળાં એ ગામનાં માણસો અને ઢોરો. આ ગામડાની સંસ્કૃતિને ધૂળિયા કહીએ તો ચાલે. એમાં પૂર્ણાહુતિ કરવી હોય તેમ પાસે થઈને જતી રેલગાડી અહીં ભાગોળમાં જ એનો ધુમાડો ઓકતી જાય. ધૂળ અને ધુમાડો બંનેએ સહકાર કરેલો. ગામનાં ઘરો ધુમાડાએ રંગી નાખેલાં. એકે ઘરમાં ઘડીભર ધુમાડાના ઉપદ્રવ વગર બેસવું અશક્ય. એકે માણસનું મોટું તમાકુના ધુમાડા વગર કે છીંકણીના ઓઘરાળા વગર મળવું અશક્ય. અને ધૂળધુમાડાના અર્ક ભેગા કરી ચોપડ્યા હોય એવી એ લોકોના મોઢામાંથી નીકળી ગ્રામ્ય, મેલી, તોછડી, નીરસ અને નેહ વગરની, પોતાનું અસલ ખમીર જાળવી રહેલાં હિન્દનાં મૂઢ છતાં સ્નેહાળ, દરિદ્ર છતાં ઉદાર, અસ્વચ્છ છતાં અમીમય એવાં ગામડાંમાંનું આ ગામ ન હતું. આ તો શહેરની પડખે રહી, શહેરના કરતાંય તેના દુર્ગુણોને ટપી જતું, ગામડાની ગુણગંભીરતા ગુમાવી બેઠેલું નપુંસક અને એટલે જ કૃપણ અને ચીડિયું એવું ગામ હતું. નદીને સામે પાર બેઠેલા શહેરે એનું સર્વસ્વ હરી લીધું હતું. ગામના પુરુષો શહેરમાં રોજી અર્થે જતા, મિલમાં, છાપખાનામાં કે એવાં બીજાં કૂટણખાનાંમાં. ગામની ગૌરીઓ ઢોર પાળતી, છાણાં થાપતી, ઘાસ લાવતી. ઢોરોનાં દૂધ તાંબડે તાંબડે શહેરમાં જતાં. શહેરની સન્નારીઓ માટે છાણાં વેચાવા જતાં. શહેરની ઘોડાગાડીઓના ઘોડા માટે ઘાસ વેચાવા જતું. જે કાંઈ ખેતીવાડી આછીપાતળી થતી તેનાં શાકભાજી શહેરની શાકબજારમાં અલોપ થઈ જતાં અને બદલામાં જે મળતું તેને લોકો ‘લક્ષ્મી' કહેતા. મહિને દહાડે મળતો પગાર. દૂધના, શાકના, ઘાસના, છાણાંના, મજૂરીના રોકડા પૈસા એ બધું રીતસર મળ્યાં કરતું. લોકો લક્ષ્મીને મેળવવા રાતદિવસ એક કરતાં. છતાં તેમને શ્રી અને શોભા નહોતાં મળ્યાં. શહેરે એમના જીવનમાંથી સ્વાશ્રય, સ્વપર્યાપ્તિ અને સંતોષની શીતળતા ચૂસી લીધાં હતાં. તે લોકો શહેરી જેવા થવા મથતા છતાં શહેરી થવાની તેમને સવડ હતી નહિ. તેમ જ શહેરથી અસ્પૃશ્ય ગામડાની તન્દુરસ્તી ટકાવવાની તેમનામાં શક્તિ ન હતી. પેલો આઘેનાં ગામડાં શહેરોથી ચુસાતાં છતાં હજી પ્રકૃતિના ખોળામાં જ પડ્યાં હતાં. શહેરના સંકુચિત, કુત્સિત, કૃપણ વાતાવરણની અસર તેમને થઈ ન હતી; જ્યારે આ શહેરને પડખે રહેલું ગામડું પ્રકૃતિનો આશ્રય ગુમાવી, શહેરના સંસ્કારથી વંચિત રહી, શહેર અને ગામડાના દુર્ગુણોનો બમણો ભંડાર બન્યું હતું. તેનું માત્ર દ્રવ્ય જ નહિ પણ તેનો જીવ પણ શહેર ભરખતું હતું. એટલે જ ઘરો પુષ્કળ છતાં ભાડાને માટે શહેરના કરતાંય વિશેષ કડકાઈ લોકો કરતા. પુષ્કળ દૂધ છતાં શહેર કરતાં પણ વધુ દૂધ દુષ્માપ્ય અને મોંઘું હતું. મોટો ભાગ મજૂરી પર જીવતો છતાં પાણી ભરવા કે પોટલાં ઉપાડવા કોઈ મળતું નહોતું. એક પ્રકારનો સ્વરચ્છન્દ, તોછડાઈ, કૃપણતા, સ્વાર્થીપણું, અનુદારતા લોકોના હાડમાં ભરાઈ બેઠાં હતાં. બીજાં ગામડાં ઉપર શહેરો નભતાં હતાં, આ ગામડું પોતાનું સર્વસ્વ શહેરને આપી દઈ શહેર ઉપર નભતું હતું. આ ફરક જ આ ગામને જુદું વ્યક્તિત્વ આપતો. આવાને ગામડું ન કહેવાય. ફળો ચૂસીને તેનાં છોડાં નાખવાનો ડબો હોય એવું આ કહેવાય. શહેરના અંગ જેવું છતાં શહેરની પ્રસન્નતાથી રહિત આ ગામ, નહિ ગામ કે નહિ શહેર, પણ કંઈ ત્રીજાનો જ ભાસ કરાવતું. આવા ગામમાં મારે રહેવાનું થયું. શહેરની બહાર અહીંથી સવા માઈલ પર ઈંટોની ફેક્ટરીમાં મારે નોકરી હતી અને આ ગામ જ વધારે સગવડ આપે એવું હતું. મેં અને લીલાએ એક મેડો ભાડે લીધો અને બે વરસ ચાલ્યાં ગયાં. વિદ્યાભ્યાસના કાળની રસિકતા પછીના જીવનમાં કોક જ ટકાવી શકે છે. એવા સંજોગો મળતા જ નથી. ગામડામાં રહેવાનું ને ઈંટોના કારખાનામાં નોકરી એટલે કોઈને પણ નીરસ કરી મૂકવા બસ છે. માત્ર અલ્પ સાહિત્ય વ્યવસાય અને ધૂની જેવા સ્વભાવે જ થોડો રસ જીવનમાં ટકાવી રાખ્યો હતો. બાકી બહારના જીવનની શુષ્કતા વધારે ને વધારે મનને શોષવા લાગી હતી. પાસે-આઘે, આગળ-પાછળ, કશું જ જોવા જેવું નહોતું. ઘડીભર આંખ ઠરે એવો પદાર્થ નહોતો. લોકોનાં ચઢી ગયેલાં મોઢાં, તણાઈ ગયેલાં શરીર, મવાલી જેવા અછકલા વેવલા જુવાનો, માંદાં અપુષ્ટ ગંદાં ધૂળિયાં બાળકો, કંગાળ ઢોરો અને ધૂળ, ઢેખારા, રાડાં, પાણીના રેલા, એંઠવાડ વગેરેથી શણગારાયેલા રસ્તા એ બધામાં કશું જ જોવા જેવું નહોતું. મને ઠપકો આપતી હતી છતાં લીલા સાચું જ બોલતી હતી કે, ‘રસ્તા પર તે શું બળ્યું છે?’ અમારી લાંબી શેરીને છેડે આવેલા ખાંચામાં એક દિવસે એક નવી આવેલી છોડી હરફર કરતી દેખાઈ. નવાં આવેલાં માણસો આપણા જેટલાં જ સામાન્ય હોવા છતાં તેમની નવીનતાને લીધે કંઈક આકર્ષક લાગે છે. આ છોડી પણ આકર્ષક દેખાઈ. પણ પરદેશીની પ્રીત શી?' એ ન્યાયે એને વિસારી દેવાનો જ મેં યત્ન કર્યો, પણ આઠેક દિવસ થયા છતાં એ ગામ છોડીને ગઈ નહિ. સવારે છજામાં ઊભો ઊભો દાતણ કરતો હોઉં, સાંજે થાકીને ઘડીભર નરી નીરસતામાંથી રસ મેળવવા ઉજ્જડ રસ્તા પર નજર ઢાળતો હોઉં, એમ આડાઅવળા પ્રસંગે એ મારી નજરે વધુ ને વધુ ચડવા લાગી. હું પત્નીવાળો છું એ યોગ્યતાથી જ મને ગામમાં ઘર ભાડે મળ્યું હતું. એ જ યોગ્યતાથી હું જો પરસ્ત્રીની વાત કરું તો મારા પર આડોઅવળો આરોપ મૂક્યા વગર મને સમાજના હિતૈષીઓ માફ કરશે. આ છોડીનું નામ ‘પૂનમડી’ એ વાત ચંચળબહેને જ્યારે એને બોલાવી અને મારે ત્યાં પાણી ભરવા મોકલી ત્યારે જ મેં જાણી. આટલા ઉપથી જ હું મારી તટસ્થતાની ખાતરી આપી શકું છું. અને હાડપિંજરોના ગામમાં ભરાઉ શરીરવાળું કોઈ પ્રાણી જોવા મળે તો તેની પર નજર ઠરી જાય તેમ પૂનમડીને જો મેં જોઈ હોય તો કોઈ મને દોષ દેશો નહિ. પૂનમડી સુંદર નહિ પણ ફૂટડી કહેવાય, પૂનમડી જુવાન નહિ પણ મુગ્ધા કહેવાય, પૂનમડી પાતળી છતાં મજબૂત કહેવાય. મહેનતુ જીવનથી કસાયેલું શરીર તંદુરસ્તી અને શક્તિથી દીપતું હતું. તે બબ્બે ગાગરે પાણી લાવતી. ત્રણ મણ ઘાસનો ભારો પોટલી પેઠે ઉપાડી લાવતી. માથે બોજો હોય છતાં એના પગની સ્થિરતા, ચપળતા અને સરળતાનો કદી ભંગ થતો નહિ. તે ઊઘડતી જુવાનીની હતી છતાં ચણિયો અને ચોળીમાં જ ઘણો વખત ફરતી. એને માથેની બાંધી પોટલીમાંથી જેમ ઘાસ લચી પડતું તેમ એણે અંગે પહેરેલાં કસકસતાં વસ્ત્રોમાંથી એનો સશક્ત, ચપળ અને ગૌર દેહ લચી પડતો. આ નિત્ય તાજું ગુલાબી ચિત્ર જે મારા છજાના જીવનને ઘડીભર રસિક કરતું તે શહેરના કોઈ કારખાનામાં જઈ પિસાઈ જવા અહીં આવ્યું છે કે શું એ વિચાર મારી આનંદની પળોને ગ્લાનિપૂર્ણ કરી દેતો. પણ તે મારી નજર આગળ આમ ફરતી છતાં તેનું જીવન સ્વપ્નની માફક મને અસ્પૃશ્ય જ રહેલું. તેણે કોઈ દિવસ મીટ માંડીને છજામાં ઊભેલા મને જોવા પ્રયત્ન કર્યો નથી; તેમ મેં પણ એનો વિશેષ પરિચય કેળવવા ઇચ્છવું નથી. પૂનમડી આવી ગુલાબી ચિત્ર જેવી સદા રસ્તા પર ફરતી રહે તોય મારે માટે બસ હતું. લીલાની માંદગી તેને અમારે મેડે લઈ આવી અને પૂનમડીનું જીવનચિત્ર મારી આગળ ખડું થવા લાગ્યું. સ્ત્રીઓની મૈત્રી સહજ રીતે બંધાઈ જાય છે અને દુશ્મનાવટ પણ સહજ રીતે થઈ જાય છે. લીલા અને પૂનમડી એ બીમારીમાંથી દોસ્ત બન્યાં. પાંચ દિવસની લીલાની માંદગીમાં પૂનમડીએ ખૂબ રાહત આપી. નોકરી અંગે મારાથી ઘેર રહેવાય તેમ હતું નહિ. તે વખતે ઘરની વ્યવસ્થાનો ભાર પૂનમડીએ ઓછો કર્યો. લીલા ઊઠી શકતી નહોતી છતાં હું સાંજે આવું ત્યારે ઘર વળાયેલું હોય, કપડાં સૂકવીને ગડીબંધ મૂકેલાં હોય, ટેબલ પરનાં ચોપડાં ગમે તેમ પણ ઊભાં તો ગોઠવોયલાં હોય. આ બધું કોણ કરી જતું એ વાતની મને ત્રીજે-ચોથે દિવસે જ ખબર પડી; પણ મારી હાજરીમાં પૂનમડી ઘરમાં થોડું જ રહેતી. શરમથી કે કોણ જાણે શાથી? અને પછી ચાલ્યું. લીલાએ પૂનમડીને સંસ્કારવા માંડી. એક અબુધ, જડ, વહેમી અને કાયર લીલામાંથી મેં ‘ડાબે કે જમણે’ કરતાં ચંચળબહેને પકડી પાડેલી લીલા બનાવી હતી. તેને સુઘડતા, સ્વચ્છતા, વ્યવસ્થા અને જીવનમાં કંઈક ઉલ્લાસ આપવા મેં પ્રયત્ન કર્યો હતો. અને એમાં એને કંઈક પોષક ચીજ માલૂમ પડવાથી એ બધું તેણે ઝીલ્યું હતું. તે ચિત્રોની શોખીન બની હતી, ઠીક ઠીક વાંચતી અને છેવટે મને પણ ઊધડો લેવા જેટલી હિમ્મતબાજ થઈ હતી. પૂનમડી આ બધું શીખી. તેના વાળ ઓળવામાં સફાઈ અને જરાક છેલબટાઉપણું આવ્યાં. તેની ઓઢણી હવે વધારે દરકારથી પહેરાવા માંડી. લીલા તેને શહેરમાં લઈ જતી. તેની ગરીબાઈ તેને ન સાલે એવી રીતે તેને મનગમતી ચીજો લઈ આવતી. સ્ત્રીઓને સ્ત્રી આગળ હૃદય ખોલતાં વાર નથી લાગતી. લીલાએ પૂનમડીની કથા જાણી એટલે તો તે વિશેષ પ્રેમનું ભાજન થઈ પડી. કોઈ પંદરેક ગાઉ ઉપરના ગામમાં પૂનમડીનું વતન, માબાપ ગઈ સાલ મરી ગયાં. અહીં માશીએ એને પોતાને ઘેર રાખેલી. માશીને કંઈ છોકરું નહિ એટલે પૂનમડી માશીના ઘરમાં દીકરીની પેઠે ગોઠવાઈ ગઈ. માશી ભેંસ રાખતી. તેના દૂધ ઉપર અને ઘાસના ભારા શહેરમાં વેચીને તેમાંથી થતી કમાઈ ઉપર એ દહાડા કાઢતાં. ‘અમે તો ગરાસિયાં' એ કુલાભિમાનથી તેઓ ગામમાં કોઈ મજૂરી કરતાં નહિ. ઠીક, લીલાને બહેનપણી મળી અને મારે સંકટ સમયે સહાયતા મળી. એ રીતે આ બેનો સંબંધ હું તટસ્થતાથી છતાં આનંદથી જોયા કરતો હતો. એક સાંજે હું ઘેર આવ્યો ત્યારે ટેબલ પર મઝુમદારનાં ચિત્રોનું ખુલ્લું આલબમ, પાઉડરનો ખુલ્લો ડબ્બો, આરસો, થોડાં વેરાયેલાં ફૂલ વગેરે પડ્યું હતું. ‘ગુજરીની દુકાન માંડી હતી કે શું?' મેં રસોડામાં કામ કરતી લીલાને પૂછ્યું. ‘તે શું છે?' ‘શું તે જો ને, આ ટેબલ પર બધું શું શું ભર્યું છે?' કોટને ખીંટીએ ભેરવતાં હું બોલ્યો. લીલા ભીના હાથ કકડે લૂછતી ઊમરામાં આવીને ઊભી અને આછું હસતી બોલી ‘હા, એ તમારી પૂનમડીએ કર્યું છે. મોઈ એવું ને એવું મેલીને જતી રહી. ઊભા રહો, હું સગડી હોલવી આવું.' – કહી લીલા અંદર ગઈ અને સગડી હોલવી આવી. ‘મેં તો આવી કદી એને નહોતી ધારી. મેંકુ ધારાળાની છોકરીમાં તે શું; પણ હવે તો મને પણ દાબે એવી ગઈ છે. લાવો હું બધું ગોઠવી દઉં છું એ તો – તમે બેસો ખુરસી પર.’ મને બધું વ્યવસ્થિત કરતો રોકી લીલા જાતે ગોઠવવા માંડી. ‘આ ચિત્ર જોયું ને, ચોટલો ગૂંથતી બાઈનું પાડ્યું છે તે? આ જોઈને તો એણે કંઈ ગાંડાં કાઢ્યાં છે ગાંડાં! કહે, ‘લાવો લીલાબૂન, આપણેય એવું કરીએ.’ અને તમારો પાઉડર કાઢ્યો, આરસો લીધો, કાંસકો લીધો અને અહીં બેસી એણે માથું ગૂંથવા માંડ્યું. આ તમારો પાઉડર કાઢ્યો અને ફૂમતું લઈને ચોપડવા મંડી આમ આમ.’ લીલા એ ફૂમતું લઈ મારા મોઢા પર ઉદાહરણ આપવા આવી. ‘રાખ હવે, તું કહે ને કહેતી હોય તે! મારે ઉદાહરણ નથી જોઈતું. પછી?' મેં લીલાને વારી. ‘પછી શું? થાકી. એણે ક્યારે ત્રિવેણી ગૂંથી છે તે આવડે! બળ્યું લીલાબૂન, આ મહીં બેઠી છે એનો ચોટલો હજી ગૂંથાઈ નથી રહ્યો તો આપણો તે કેમ કરી ગૂંથાય?' એમ બોલી બધું પડતું મૂકીને ગઈ છે. લ્યો, ચાલો હવે. પૂનમડીનાં બીજાં પરાક્રમ હજી તમને બતાવવાનાં છે. જમવા માંડો, એટલે બતાવું છું.’ હું પાટલે બેઠો. લીલાએ ભાણું પીરસ્યું. આ ગામમાં આવ્યા પછી કોઈ દિવસ નહિ ખાધેલ એવી છાશ વાડકામાં કાવ્યરસ જેવી પડી હતી; પણ થાળીમાંની ભાખરી યુક્લિડે નવો પ્રમેય શોધતાં કરેલા અખતરા જેવી વિચિત્ર ખૂણાદાર હતી. મારી મૂક જિજ્ઞાસા લીલાએ મટાડી. ‘આ પુનમડીના હાથની ભાખરી અને એના ઘરની છાશ.’ ‘અરે પણ બ્રાહ્મણના ઘરમાં ધારાળાની ભાખરી?’ મારું એક વખતનું સનાતનીપણું જાગૃત કરી હું બોલ્યો. ‘રહો હવે, એનાથીયે હલકી વરણનાં છોકરાંને અહીં લાવી ભેગાં બેસાડી જમાડ્યાં તો ધારાળીના હાથનું ખાતાં શું થાય? એણે કેટલા હેતથી કરી છે! ‘લીલાબૂન, આજે તો મારા હાથની ભાખરી માસ્તર સાબને જમાડજો અને મારી માસી જોડે લડીને દહીંની છાશ કરી લાવી છું તે. એ સિવાય બીજું કશું નહિ, હોં!’ તે આજે તમારે કરમે ભાખરી ને છાશ છે તે ખાઓ.’ એક જમાનામાં કડકડતી ટાઢમાં લીલા મને અબોટિયું પહેરાવીને જ જમણ આપતી તેને આ ધારાળાની છોકરીએ આટલી હદ સુધી જીતી લીધાનો વિચાર કરતો હું આશ્ચર્ય અને પ્રહર્ષથી ખાઈ રહ્યો. પૂનમડી આ રીતે અમારે ત્યાં રસોઈ શીખી, વસ્ત્રપરિધાન શીખી, આ જમાનામાં મળતા એક સંસ્કારી કુટુંબનું રસ, ઉલ્લાસ, સંતોષભર્યું જીવન તેણે બન્યું તેટલું પોતાનામાં ઘટાવ્યું. એના ઘરકામમાંથી પરવારી બાકીનો વખત અમારે ત્યાં જ એના અડંગા અને એ એટલી અમારી સાથે મળી ગઈ કે ગામના લોકોની નજરે ચડવા લાગી. પરગામથી આવતા મિત્રો એને ઘરમાં જોઈ કદી પ્રશ્ન કરતા ‘મંજુલરામ, તમારી બહેન કે?’ હું હા પાડતો. લીલાને એની શહેરની સહિયરો પૂછતી ‘લીલાબહેન, તમારાં બહેન આવ્યાં છે કે શું?' મારી સામે આંખ મીંચી લીલા અરધી હસી હા કહેતી. દૈવની ગતિએ પૂનમડીના આ તિરંગ જીવનને અમારા ગૃહજીવનના વિવિધ રંગોના પટમાં મેળવી કોઈ અજબ રીતે રંગ્યું. કોઈ પણ શોખીન જુવાનનું હૃદય ઠારે એટલી લાયકાત પૂનમડીએ મેળવી લીધી. લીલાના એક સ્ત્રીહૃદયને બદલે બે હેતાળ શ્રીહૃદયોના સ્પર્શથી મારે આ નીરસ ગુહ ઘડીભર સ્વર્ગથી પણ સ્પૃહણીય થઈ રહ્યું. એક દિવસ ઑફિસમાં કામ થોડું હોવાથી હું રોજ કરતાં ત્રણેક કલાક વહેલો ઘેર આવી ચડ્યો. બપોરના દોઢેકનો સુમાર હશે. ખાંચો વળીને જોઉં છું તો છજું છોકરાઓથી ચિકાર. બધે કિકિયારોળ થઈ રહેલું. આખા ગામમાં છજામાં રમવાની આવી સવડ અમારે ત્યાં જ હતી, અને સવડ હોય તોય રમવા દે એવાં અમે જ હતાં. હું પાસે આવ્યો. છોડીઓ દોરડીએ કૂલડીઓ બાંધી પાણી ખેંચવાની રમત રમતી હતી. હું છજા નીચે પેસે ત્યાં એક છોકરાએ બૂમ મારી ‘એલા, માસ્તર સાબ પર ફૂલ વેરો, ફૂલ વેરો!’ અને ચંપો, કરેણ, જૂઈ વગેરેની તોડેલી પાંદડીઓ ઉપરથી પડી. હું ઉપર ચડ્યો. ઓરડામાં ફૂલ ફૂલ થઈ રહ્યાં હતાં. નાના ટૂલ પર બેઠેલી પૂનમડીના ખોળામાં લીલા બેઠી હતી. પૂનમડી ખોળામાં ફૂલ ભરી લીલાની વેણી ગૂંથતી હતી. પૂનમડી પાસેથી ફૂલ ઝૂંટાવતાં છોકરાં આમતેમ દોડાદોડી કરી રહ્યાં હતાં અને તેમને ડોળા કાઢી પૂનમડી ધમકાવતી હતી. મારા આવવાથી છોકરાંને નવું જોમ મળ્યું હોય એવું લાગ્યું; પણ પૂનમડીએ માથે બરાબર ઓઢી લીધું અને લીલાને ઊઠવાનો ઈશારો કર્યો. ‘એમાં શું? તું બેસ ને તારી મેળે!' લીલાએ ઊઠવા જતી પૂનમડીને પાછાં ફરીને હાથ ઝાલ્યો અને બીજે હાથે કાન ઉપર વેણીની લટ સમારી રહી. ‘ના, લીલાબૂન.’ કહી લીલાનો હાથ તરછોડી પૂનમડી ઊભી થઈ. ફૂલને એક હાથે પાલવમાં બરાબર ઝાલ્યાં, ને બીજે હાથે કાંસકી ને તેલની કૂપી લીધી. ‘તમેય કેવા છો? ગમે ત્યારે આવીને ઊભા તાડની જેમ!’ અધવચ્ચે ઊઠવું પડ્યું એ રીતે મારા પર ચિડાતી લીલા આરસો લઈ ઊભી થઈ અને બંને અંદરના ખંડમાં ચાલ્યાં ગયાં. મારા ઘરમાં આવવા માટે પણ મારે ગાળ ખાવી પડે એ કેવી દેવની વિચિત્ર ગતિ એનો વિચાર કરતો હું કપડાં કાઢી ખુરસી ઉપર બેઠો. ત્યાં વાનરસેનાએ મારો કબજો લીધો. છોકરાં આજુબાજુ વીંટાવા લાગ્યાં. મારો જે જે અવયવ પકડવાના કામમાં આવે એવો હતો તે દરેકને કોક ને કોક ટીંગાઈ વળ્યું અને તેમણે મારી જિજ્ઞાસા કે વિષયાભિમુખતાની દરકાર કર્યા વગર પ્રશ્નો, ફરિયાદો અને સ્ટેટમેન્ટોની વૃષ્ટિ શરૂ કરી દીધી. ‘માસ્તર સાબ, પૂનમડીને વારો વળી! અમને ફૂલ નથી આપતી ને રમવા દેતી નથી.’ ‘અમને મારે છે તો અમેય એને મારીશું વળી!' ‘અરે માસ્તરના માથા પર ચંપો!' કોકે ચંપાની પાંદડી મારા માથા પરથી કાઢી. ‘જાઓ, એક જણ મારે માટે પાણી લઈ આવો, પછી વાતો કરીએ.’ મેં કહ્યું અને આઠેક વરસનો મોહન કૂદીને ઓરડામાં દોડ્યો. બે હાથે ભરેલું પ્યાલું પકડી તે બારણા વચ્ચે ઊભો અને અંદર જોઈ કહેવા લાગ્યો ‘હવે તારી વાત છે, પૂનમડી. કહી દેવા દે માસ્તર સાબને.’ કહેતો એક જાતના નિર્દોષ ખુન્નસથી તે હસ્યો. મારા હાથમાં પ્યાલો આપી તે ટેબલ ઉપર ચડી બેઠો. મેં મારો હાથ બંધનમાંથી મુક્ત કરી પાણી પીવા માંડ્યું. એક-બે છોડીઓ અંદરના ખંડમાં ડોકિયાં કરી ગુપચુપ પાછી ચાલી આવી. ‘માસ્તર સાબ, કહું? કહું? જોજો કોઈને કહેતા નહિ, હો!' મોહન ટેબલ પરથી અર્થો ઝૂકતો બોલ્યો અને મારા હકાર-નકારની વાટ જોયા વગર તેણે ચલાવ્યું ‘એ! પૂનમડી આજે સાસરે જવાની છે તે લીલાબૂન કને માથું ગૂંથાવે છે, અંદર! ‘હા, અમેય જોઈ આવ્યાં, એ મોટાં મોટાં ફૂલો ગૂંથ્યાં છે!' પેલી બે છોડીઓએ પૂર્તિ કરી. ‘તે એમને માથાં ગુંથવાં'તાં તે અમને લીલાબૂન રમવાય દેતાં નો'તાં. ‘અરે, પણ મેં કીધું કે માસ્તર સાબને કહી દઈશું. ત્યારે રમવા દીધાં!! મોહન સૌથી વધારે પરાક્રમશાળી દેખાયો. હું આસ્તેથી પાણી પીતો જતો હતો. ‘છાનાં રહો, આપણે માસ્તર સાબને બીજી વાત કહી દઈએ. પછી પૂનમડીને ખબર પડશે કે કેમ ફૂલ ના અપાય! કહે, અલ્યા રવલા!' કહી મોહને એક નવા જેવા દેખાતા, ટેબલનો ખૂણો પકડી ચૂપ ઊભા રહેલા છોકરાને કહ્યું. ‘એનો વર કેવો છે તે તમે જાણો છો, માસ્તર સાહેબ?' એમની યોજનાને ભાંગી પાડતાં એક છોડીએ શરૂ કર્યું અને પછી શરમથી મોં ઢાંકી દઈ હસવા લાગી. ‘ના ભાઈ, મારે નથી જાણવું.' આ લોકોનું તોફાન અટકાવવાના ઇરાદાથી હું બોલ્યો; પણ એ તો પાણીના પૂર પેઠે ચાલ્યું. છોકરાં મોટા મોટા અવાજે બોલતા હતા અને સાથે હસવાના, હાથ ઊંચાનીચા કરવાના અભિનયો ચાલતા હતા. રવલાની કહેવાની વાત બધાએ જાણે વહેંચી લીધી હતી. ‘કાળો કાળો શીશમ જેવો.’ ‘અને પૂનમડીથી એક વેંત તો નીચો, ઢીંગલા જેવો!' ‘ચૂપ રહો, તમે શું જાણો બધી વાત?’ હું વચ્ચે પડ્યો. ‘અરે, આ રવલો એને સાસરેથી જ કાલે આવ્યો છે. એ બધું જાણે છે. એલા, તેં પૂનમડીના વરને શું કર્યું હતું તે કહે ને?' મોહને મહારથી પેઠે પૂનમડી સામે કેડ બાંધી હતી. અત્યાર સુધી રવલો ચૂપ હતો. તેણે હાથની મુક્કી વાળી અને આ કથાની પૂર્ણાહુતિ કરતો હોય તેમ અજાણ રીતે વિધિના ઘાની ક્રૂરતાથી બોલ્યો ‘અરે શું? અમે કેટલીયે વાર એને રડાવ્યો છે. એક દહાડો તો મેં એકલે એને પાંચ ઢીંકા મારી પાડી નાંખ્યો હતો. ત્યારનો કોઈનું નામ જ લેવાનું ભૂલી ગયો છે. એ શું કરતી હતી બિચારી?’ રવલો વાક્ય પૂરું કરે તે પહેલાં લીલા અંદરથી રાતી પીળી થતી આવી ‘ઊભાં રહો તમારી માનાં! શરમ આવે છે જરી?' લીલાના ધમકારથી એકદમ બીને છોકરાં દાદરા ભણી નાઠાં. અને ‘તમેય સાવ નફ્ફટ છો ને?' કહી મારા તરફ આંખો કાઢતી અંદર જતી રહી. હું બારીએ ગળું સાફ કરવા ગયો. ખૂણામાં બેઠેલાં લીલા અને પૂનમડી ત્યાંથી દેખાતાં હતાં. પૂનમડી અંદર અર્ધા ઊભા પગ ઉપર માથું ઢાળી બેઠી હતી. તેના વાળ ત્રણ લટના જૂડામાં અર્ધાથી વધુ ગૂંથાયેલા જમીનને અડી રહ્યા હતા. લાલપીળી કરેણ, સફેદ ચંપો અને લાલ કેસૂડાંની મનોરમ ગૂંથણી લીલાએ કરી હતી. એક ગૂંથેલો ગજરો કાને પડ્યો હતો. હું પાછો ખુરસી પર આવી. અંદરથી ડૂસકું સંભળાયું અને પછી લીલા બોલતી સંભળાઈઃ ‘એમાં શું થઈ ગયું, બહેન? જો આરસામાં, સેંથી બરાબર પડી છે ને? લાવ હવે કંકુ ભરી આપું.’ અંદર વેણીમાં ફૂલ ગૂંથાતાં હતાં કે આંસુ એ વિચારે ઘડીભર મૂઢ જેવો બનીને એકીટસે હું બારી બહાર જોઈ રહ્યો અને એ વેળા એક વાર બધું – છાપરાં, ઝાડ, ઊડતી ધૂળ – નજર આગળથી અલોપ થઈ કોઈ શૂન્ય પ્રદેશમાં શૂન્ય મન ભમવા નીકળી ગયું. ‘હવે આમ જુઓ.’ અંદરથી બહાર આવેલી લીલાએ મને જગાડ્યો. અને હું સ્વસ્થ થાઉં તે પહેલાં પૂનમડીએ મારા પગ ઉપર માથું મૂકી દીધું હતું. કોઈ સ્ત્રીની ચરણવન્દના જિંદગીમાં મેં પહેલી જ વાર ઝીલી. હું આ અચાનક વંદનથી વિશેષ અવશ થયો અને એમ ને એમ મૂઢ બેસી રહ્યો. પૂનમડીના માથેથી ઓઢણી સરી પડી હતી અને ફૂલ ભરેલું માથું મારા પગ ઉપર ટકી રહ્યું હતું. ‘જીવતી રહેજે, બહેન! ઊભી થા.’ બધા રસોના પિતા જેવો વાત્સલ્યરસ મેં ખરા સ્વરૂપમાં અનુભવ્યો. પૂનમડી ઊઠી. ઓઢણીમાં આંખો સંતાડતી દાદર ઊતરી. છેલ્લે પગથિયે તે કહેતી સંભળાઈ ‘લીલાબૂન, ઘડી પછી આવજો હોં!' પૂનમડી શેરીના આદેના ખાંચામાં અદૃશ્ય થઈ. ચિત્રવિચિત્ર લાગણીના અનુભવે હું મૂંઝાયો હતો. સ્ટવનો અવાજ અને કૉફીનું પાન એ બેમાં લાગણીને ડુબાવવાની ઇચ્છાથી હું બોલ્યો ‘લીલા, ચાલ કૉફી પા હવે. થાકયા બાપ આ જંજાળથી.’ ‘હવે હજી તમારે તો કંઈ નથી ને? થાય છે હમણાં કૉફી, પૂનમડીને વળાવ્યા પછી. હું એને કપડાં પહેરાવી આવું જરા.’ લીલા દાદર ઊતરી. પૂનમડીના ઘર ભણી જતી એને મેં આ પ્રથમ જ જોઈ. નીરસતાના દર્દના ઉપાય જેવું છજું મેં ફરી સેવ્યું અને કઠેડા ઉપર હાથ ટેકવી હું ઊભો રહ્યો. પૂનમડીને સાસરે જવાનાં ચિહ્નો બધે દેખાતાં હતાં. છજા નીચે નૌતમ નારીમંડળ મળ્યું હતું. છોકરાં પણ ઓટલાને ખૂણે ભેગાં થયાં હતાં. લીલાની પૂંઠ થઈ એટલે નારીમંડળે પોતાનું જગદુદ્ધારક નિંદાકાર્ય શરૂ કર્યું. જિન્દગીના ગમે તેવા માંગલિક-અમાંગલિક, નાનામોટા પ્રસંગે આ કાર્ય નિર્વિઘ્ન પરમ આત્મસંતોષથી થાય છે. મને લાગે છે કે દુનિયાના મેલ આ નિન્દાજાહ્નવી જ ધોતી હશે. કારણ એના જેટલી પ્રબળ વેગીલી બીજી નદી માણસની જીભમાંથી વહેતી હજી સાંભળી નથી. ‘આ છોડી પૂનમડી પહેલે આણે જ જાય સે ને?' ‘હાસ્તો, એ તો માશી હતી તે આણું વળાવ્યું. નહિ તો...' ‘પણ બળ્યું આ માસ્તરની વહુ તો જુઓ! આ શું ને મારી પૂનમડી! પૂનમડી પૂનમડી કરતાં એની જીભેય સુકાતી નથી.’ ‘અને એય રાંડ નવરી તે કામધંધો મેલી માસ્તરને મેડે ભરાઈ રહે છે.’ ‘હશે બા, પણ ધારાળાની છોડીને તે આવા શણગાર શોભે? અહીં છે તે એની ‘લીલાબૂન’ આમ લાડ કરે છે. સાસરે કોણ એને ગજરા ગૂંથવાનો છે? ‘હાસ્તો બૂન, સાસરામાં ખાવાના વાખા અને શે'રના શોખ તે ચ્યમ ફાવે?' ‘બધુંય ઠીક. લીલાબૂનને એટલી બધી પૂનમડી વહાલી છે તો કોઈ ભણેલો મુરતિયો ખોલી આપ્યો હોત તો ઠીક થાત. સુખ દેખાડીને ઝૂંટવી લેવું એના કરતાં ના દેખાડવું સારું!’ કોક ઠરેલ પણ કડવી સ્ત્રીનો અવાજ છેલ્લો આવ્યો અને ત્યાંથી એ નિન્દાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ. પૂનમડીના ખાંચામાંથી પાંચસાત ધારાળા માથે ફાળિયાં વીંટીને કંઈક ઊજળા વેશમાં બહાર નીકળ્યા. અને મારા છજા નીચે થઈ ભાગોળ ભણી વહેતા થયા. તેમના ગયા પછી લીલા ઉતાવળે પગે આવતી દેખાઈ. તેને કને આવેલી જોઈ નારીમંડળમાંથી કોઈ બોલ્યું ‘ચ્યમ લીલાબૂન, ચેટલી વાર સે હવે? અમે તો થાકયાં વાટ જોઈ જોઈને!’ જો કે હમણાં જ મંડળ ભેગું થયું હતું, પણ પારકા માટે કંઈ કામ કરતી વખતે દરેકને થાક ચડે છે. ‘આ તૈયારી હવે. હમણાં નીકળે છે.' – કહી લીલા ઉપર આવી. ‘અલી ચંદી, જા પેલા ભાડિયામેથી સોપારી કાઢ્ય ને તારા બાપના ખીસામેથી પૈસો કાઢ્ય.’ ચંચળબહેને નીચે એમની દીકરીને હુકમ કર્યો અને આણે જતી પૂનમડીને આપવા સોપારી-પૈસો મેળવવાની ચિંતામાં બધું મંડળ પડ્યું. પાંચેક મિનિટ થઈ અને સામેના ખાંચામાંથી બૈરાંનું ટોળું નીકળ્યું. નવાં કપડાંમાં પૂનમડી જુદી તરી આવતી હતી; મોઢિયાની પહોળી કોરવાળું નવું અંબર એના માથા પર ટકતું નહોતું. તેને વારંવાર તે સમું કરતી હતી. આખા અંબરમાં જ પૂનમડી ઢંકાઈ ગઈ હતી. પગમાં રાતી મોજડી દેખાતી હતી. કાંડે ચાંદીનાં કલેયાં હતાં. અધું ખુલ્લું દેખાતું મોટું રડી રડીને ફૂલી ગયું હતું. રસ્તા પરનાં ઘરવાળાં બારણે નીકળી ઊભાં હતાં. પૂનમડી દરેકને ઘેર જઈ પગે લાગી, સોપારી, પૈસો અને આશીર્વાદ લેતી લેતી આગળ આવતી હતી. છેવટે ઝરૂખા નીચે ચંચળબહેનને ઓટલે તે આવી. બધાંએ સોપારી-પૈસો આપી ઓવારણાં લીધા. લીલાએ પણ ટાચકા ફોડ્યા. પૂનમડીનાં ડૂસકાં એકસામટાં બહાર નીકળી આવ્યાં. એની માશીએ એને સોડમાં લીધી અને લીલા સામે આભારની નજર નાખી આગળ ચાલવા માંડ્યું. લીલા ઝડપથી ઉપર ચાલી આવી. હું અંદર ફર્યો. ‘હવે તો કૉફી પાઓ.' ‘બળી તમારી કૉફી! હું કાંઈ નથી મૂકતી.’ – લીલા પાછલી બારીએ જઈને બેઠી અને પગ ઊંચા કરી તે પર માથું ઢાળી દીધું. હવે કૉફી પીવામાં રસ રહેવા જેવું નહોતું રહ્યું. ગામની ભાગોળ પાછલી. બારીથી દેખાતી હતી. હું ત્યાં જઈ બારીએ બંને હાથ પહોળા ટેકવીને ઊભો. ત્યાં વડ પાછળ પૂનમડી ગાડામાં ચડતી દેખાઈ. એને વળાવીને ટોળું પાછું વળતું દેખાયું. અને મારી આંખો આગળના પદાર્થો શૂન્યમાં ફરી પાછા અલોપ થવા લાગ્યા. વડ, ભાગોળ, ઉકરડા બધું અલોપ થયું...શકુન્તલા સાસરે જતી હતી. કશ્યપ આશિષ આપી પાછા વળતા હતા. સખીઓથી છૂટી પડેલી શકુન્તલા દુઃખાર્ત નયને બ્રાહ્મણ બન્ધુઓને સંગે પતિગૃહે વિદાય થતી હતી અને કશ્યપના મોઢા ઉપર શ્યામ છાયા બેઠી હતી. ભૂતભાવિનાં જાણનાર એમના મનશ્ચક્ષુ આગળ શકુન્તલાનું કરુણ ભાવિ તાદૃશ્ય થઈ રહ્યું હતું. જુઓ, આ એમણે હતાશપણાનું ચિહ્ન સૂચવતો હાથ માથે અડાડી નીચે નાખી દીધો. ‘એનું ભાવિ ટાળવા હું જપ કરવા ગયો ત્યાં તો વિધિએ પોતાનું કામ કરી લીધું. એ...’ મહાતપસ્વી પણ દૈવને ટાળી શક્યા નહિ તો આ તો જીવનનાં અશક્ત સોગઠાં! એક સ્ત્રીએ પોતાનું હતું તે આપ્યું, પણ વિધિના હાથમાંથી ઝૂંટવવાની શક્તિ તેનામાં નહોતી. દેવના પ્રાબલ્યને વશ થઈ ઢીંચણ પર માથું ઢાળી તે અહીં બારીમાં બેઠી હતી. મારા હૃદયને એનું માથું અડી રહ્યું હતું. વળાવીને પાછાં વળતાં બૈરાંના લાંબા રાગડાએ મને જગાડ્યો. એક જુવાન ધારાળી. ગાતી હતી અને બધાં ઝીલતાં હતાં.

લીલૂડા વનની પોપટી, જા રે રણવગડામાં,
છોડીને મહિયર મીઠડાં, ભારે સાસરિયામાં
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે,
છોડીને માતાની છાંયડી, જા રે ધગધગતા દેશે!

લીલા એકદમ ઝબકી અને જીવનમાંથી તમામ મીઠાશ પૂનમડી સાથે વળાવી દીધી હોય તેવા રુક્ષ અવાજે બોલી ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે તે તાક્યા કરો છો?' [‘ગોપી'થી ‘હીરાકણી’]