સોનાનાં વૃક્ષો/આજે ક્યાં છે એ બધું?
સીતાફળીઓ સજીધજીને તૈયાર હતી, પણ ‘આષાઢસ્ય પ્રથમ દિવસે’ કાંઈ બન્યું નહીં. પરોઢે આવેલી થોડી વાદળીઓ, કૉલેજના પહેલા વર્ષમાં પ્રથમ દિવસે આવેલી નવી નવી સાહેલીઓ જેમ આંટોફેરો કરીને પાછી વળી જાય એમ દૂર નીકળી ગઈ. સીતાફળીની પત્ર–હથેલીઓ એમ જ કોરી ને ઉઘાડી રહી ગઈ. હા, એની ડાળીઓએ થોડાં ફૂલો બેઠાં છે ને રહી રહીને એક સક્કરખોર ત્યાં ઊડી આવે છે. ઉનાળો તો ક્યારનોય પાકી ગયો છે. પાકા ફળની જેમ દિવસ અને શહેરની બજારો ગરમીમાં ફદફદી ગયાં છે. લીમડા નીચે પાકી લીંબોળીઓ ખરીખરીને પથરાઈ ગઈ છે. મારો કવિ મિત્ર જયદેવ શુક્લ એક એક લીંબોળી ચાખે છે ને અચાનક બોલી ઊઠે છે : ‘અરે! આ મીઠી લીંબોળી આવી લાગે છે!’ મને પેલી કહેવત સાંભરે છે : ‘પાકતાંય લીંબોળી મીઠી ના થઈ!’ માણસનો સ્વભાવ ઘડપણમાંય ના બદલાય. જરાય શાંત, મધુર ન બને ત્યારે ગામડામાં ઉક્ત કહેવત વપરાય છે. ભાષાનું બળ એ એક જ ઉક્તિમાં ભરપૂર છે. એમાં ધ્વનિ છે, એક જ વક્રોક્તિ છે. વરસાદ ખેંચાયો છે. વેધશાળાઓ ખોટી ઠરી છે. આગોતરા ખીલેલા ગરમાળા જોઈને મારું મન પણ વહેલા વરસાદની ધારણાથી પલળવા લાગેલું... પણ એનાંય ફૂલો ગરી ગયાં છે.. ક્યાંક એકાદી સેર લટકે છે... બાકી પાંદડાં ઘમ્મરઘટ્ટ થઈ ગયાં છે. હજી ગુલમોરની ડાળીઓ પર રાતાં રાતાં ફૂલો ગમે છે; ઉનાળો ખરી નથી પડ્યાની એ એંધાણીઓ જોઈ રહું છું. ‘ઇન્સેટ વન બી’ – એ અવકાશમાંથી મોકલેલાં પૃથ્વીના પર્યાવરણનાં ચિત્રોમાં વાદળો હતાં, પણ પવનના પટ્ટાઓ ને હવાનાં દબાણ, વિજ્ઞાનીઓના મતે આઘાંપાછાં થઈ ગયા છે એટલે વરસાદ પહેલી તક ચૂકી ગયો છે. અંતે તો આભ અને ગાભનો તાગ અઘરો છે એ લોકોક્તિ જ સાચી પૂરવાર થઈ રહી છે. ઉનાળાનો પ્રભાવ ઘટી ગયો છે. બધાં વૃક્ષો લીલછાઈ ગયાં છે. ગરમીના પ્રકોપને મલક પાર થયેલા વરસાદી વાતાવરણને લઈને આવતા ઠંડા પવનોએ નાથી લીધો છે. જોકે ઉનાળાનો વૈભવ હજી દેખાય છે ખરો, એમાં વળી વરસાદ વગરના આષાઢની કેટલીક ખાસિયતો જોઈ શકું છું. બજારમાં હજી કાચી કેરીઓ મળે છે, ને પાકી કેરીઓમાં કીડાઓનો સંચાર થઈ ચૂક્યો છે. પરોઢથી કોયલનો રઘવાટ સાંભળું છું, વહેલી સવારે ચાલવા જતાં કેટકેટલાં બુલબુલ બોલતાં પમાય છે. એ હુદહુદ એની સગર્વ ટટ્ટાર ડોકે ચાલતો દેખાય છે. રસ્તાઓ ઉપર હવે પાંદડાંના ઢગલા નથી. કચરો કૂડો બાળીને બધું ચોખ્ખું કરી દેવાયું છે. પોતપોતાનો અલગ પહેરવેશ ધારીને જુદીજુદી નિશાળો સવારથી જ આવતી જતી જોઈ શકાય છે. કેસરી રંગના કેસિયા ફૂલોથી લચી પડ્યા છે. પાંદડાં કરતાં પુષ્પગુચ્છો વધારે છે. હારબંધ ઊભેલાં આઆ બાળ તરુવરો પ્રથમ વાર પુષ્પિત થતાં રોમહર્ષિત છટામાં ઊભાં છે. પેલા વયે પહોંચેલા પિંક – જાંબલી કેસિયા પણ ગુચ્છાદાર ફૂલોથી લચી આવ્યા છે. એક માત્ર અશોકવૃક્ષ શાંત છે – તપસ્વીની મુદ્રામાં મૌન! માર્ચ – એપ્રિલ સુધી તો એને ફૂલો હતાં ને હું રોજરોજ એની આસપાસ ભમરાની જેમ મંડરાયા કરતો હતો. એપ્રિલ પૂર્વેથી મઘમઘી ઊઠેલાં શિરીષ વૃક્ષો હજીય ફૂલગુચ્છાઓ ખેરવ્યા કરે છે. એની ધીમી, માદક, મારક ગંધ ગમે છે. એનાં લીલાં પીળાશવાળાં રૂછાંદાર ફૂલો જૈન મુનિની ચામર જેવાં લાગે છે. વિધવાના લલાટ જેવું આભલું માટીની કલેડી સરખું તોળાઈ રહ્યું છે. ક્ષિતિજો ધૂળકટ પહેરીને મૂગી છે. પેલી મેઘસવારીઓ ક્યાંથી નીકળશે? રથયાત્રાના રથોય નિજમંદિરે પહોંચીને પોઢી ગયા છે. ખળાંખેતર ઘરઆંગણાં વાડા–ફળિયાં વાળીઝૂડીને મારા ગામનું લોક વરસાદની વાટ જુએ છે. સાંજ પડે છે ને ડોશીઓ બોલે છે : ‘મારા પીટ્યાએ વાયરા છોડી મેલ્યા સૅ... તે આંને આબ્બાનું નઈ ઑય?’ ‘એને આયા વના થોડું સાલવાનું સૅ, બુન! એને તો બધ્ધી દન્યોની ચિંતા સૅ.. એ તો ધણીઓનોય ધણી.. આઘો જહે પાસૉ જહે તૉય આયા વિના થોડો રહેવાનો સૅ!’ અમારા જેવા નોકરિયાતોને જોઈને ગામનાં વડીલ–વૃદ્ધો બોલી પડે છે : ‘ભૈ! તમાર હું? વરહાદ આવે કે ન આવે...! તમાર તો મઈનો થ્યો નથી કે વરહાદ આયો નથી! તમાર નીતનો વરહાદ... આ અમાર જ આભલું તાકવાનું... ને થાકવાનું!’ મારા ગામના વગડામાં સાગનાં પાંદડાં ઘટાદાર થઈ ગયાં છે. વરસાદે અમે એની છત્રી બનાવતા. ક્યારેક તો એક-બે પાંદડાં જ છત્રી જેવડાં થઈ જાય! એ પાંદડાં પર વરસાદ પડતો હોય ત્યારે આવતો તાલબદ્ધ અવાજ કાનને યાદ છે. બાળ આષાઢની જાણે એ નર્તન્તી પગલીઓ! ખાખરા (પલાશ) પણ મોટાં પાંદડે લપડાઈ ગયા છે. ચરામાં વગર વરસાદે ખાખરીઓની હરિતીમા છવાઈ ગઈ છે. ઘર પાસેનો શીમળોય રૂ ઉરાડી ઉરાડીને થાક્યા બાદ પાંદડાં પહેરીને પહેરેગીર શો ઊભો છે. ‘શીમળા પાંદડે પૂરા થાય કે આભ ફાડીનેય મેઘ પ્રગટે’ – એવી ઉક્તિ હવે સંભળાતી નથી. માણસની જેમ મોસમોય બદલાઈ ગઈ છે. દાનત તેવી બરકત. કુદરત સાથે કરામત કરતો માણસ છેવટે તો સ્વજાતિનો સંહાર નોંતરી બેસે છે. થોડી વાદળીઓ આવે છે ખરી, પણ કવિતા લખવા કોરીધાકોર વેળા મદદે આવતી નથી. મેં છોડી દીધેલા પેલા ઈડરના પથ્થરિયા પહાડો મને ક્યારેક રામગિરિ પર્વતો લાગેલા! ત્યારે વાદળો હતાં, વરસાદ ને વીજળી હતાં... અલકાનગરીમાં યક્ષિણી હતી – મારા સંદેશાની વાટ જોતી! આજે ક્યાં છે એ બધું?
વિદ્યાનગરી, તા. ૧૫–૭–૯૫