સોનાનાં વૃક્ષો/મોઢામોઢ થવાની વેદના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. મોઢામોઢ થવાની વેદના
Sonanam Vruksho - Image 20.jpg

વર્ષા જાદુગરણી છે. એની છાયા પડતાં બધું બદલાવા માંડે છે. એનાં પગલાંમાં કશોક પારસ સ્પર્શ હોય એમ સૃષ્ટિનો મ્લાન ચહેરો પાછો પ્રફુલ્લિત થઈ ઊઠે છે. રેતીમાં ત્યજી દેવાયેલી નાવ જેવા દિવસો વીતતા હતા ત્યાં મેઘસવારીનાં પડઘમ વાગતાં જ શઢ પહેરીને હોડીઓ તૈયાર થઈ ગઈ – સામે પાર જવા. વર્ષામાં પેલે પારના ઘણા અનુભવો થાય છે. આપણું મન આ પાર છોડીને ઓ પાર જવા તડપી ઊઠે છે. જે પહાડો દૂર લાગતા હતા તે હવે ઘરઢૂંકડા લાગવા માંડે છે. નિરવધિ આકાશ પણ સીમામાં સમેટાતું ઝળૂંબવા લાગે છે. ક્ષણવાર બધું ભૂંસાઈને એકાકાર થઈ જશે ને આપણે આપણી ઓળખ ગુમાવી બેસીશું એવો ડર લાગે છે, પણ પછી વર્ષા– વાછંટમાં અળગા રહેવાનું ગમતું નથી. વૃક્ષોનાં પાંદડેપાંદડેથી ઉનાળો ઊતરીને માટીમાં મળી જાય છે. એ વૃક્ષઘટાઓની જેમ નીતરી જઈને નિજરત થઈ જવાનું મન થાય છે. ગાઢી ધારાઓમાં સૃષ્ટિનું રહસ્ય છુપાયું હોવાનો અહેસાસ જાગે છે... ત્યાં પહોંચી જઈને કશુંય ઉકેલવાને બદલે એમાં જ લયલીન થઈ જવાનું મન થાય છે. જાતને ઓગાળી દેવાના આ દિવસો છે... બહુ ભાર લઈને ભમ્યા, હવે તો ટીપેટીપે ઝરીને ઝરમરી જવાનો વખત આવ્યો છે. વર્ષાની સાંજ વિશે શાળામાં નિબંધ લખ્યો હતો. છંદ શીખવાના એ દિવસો હતા ને મનમાં કવિતા કરવાનો છંદ જન્મી ચૂકેલો. નિબંધને અંતે લખેલી ને આચાર્યશ્રીએ વખાણેલી એ પંક્તિઓ આષાઢે આષાઢે યાદ આવે છે.

‘રાતે પાછી વીજ ચમકતી ગાજતો મેઘ ઊંડો
વર્ષા દેતી મધુર ગમતો સંદેશો આજ રૂડો’

પણ વર્ષાની સાંજો હવે નવા ચહેરેમહોરે દેખી શકાય છે, પવન પડી ગયો હોય, અંધારાં ઊતરી આવ્યાં હોય, ધીમોધીમો વરસાદ પડતો હોય ને હું ઝરૂખામાં વર્ષાઋતુનું વૃક્ષ થવાની ઇચ્છા લઈને ઊભો હોઉં... ન પૂરો પલળેલો, ન પૂરો કોરો! તરુવરો નતમસ્તકે ઊભાં હોય, એમના માત્ર આકારો કળાતા હોય... સોનમોર – કેસિયા ને ગલતુરા, શિરીષ ને આમલી ઘેઘૂર ઊંઘમાં હોય. એમના પત્રસંપૂટો બંધ હોય, પાસે ગુલમોર ને આંબો ઉઘાડી આંખે, કશુંય જોવાની જિજ્ઞાસા વગર, માત્ર વર્ષામય હોય ત્યારે આપણેય હોવા છતાં જાણે કશેય હોતા નથી એવો ભાસ થાય છે. કોક ગામના પાદરમાં પીપળાની વાચાળ સાક્ષીએ, અચાનક આપણને એકલા મૂકીને, ગુલમોરી ઘટના ઓઢી ચાલી ગયેલું પ્રિયજન, આવી ક્ષણોમાં મનના મલકમાં પાછું વળે છે... એની મોઢામોઢ થવાની વેદના નસનસમાં આનંદરૂપે વ્યાપી વળે છે... એ બળબળતી વેળાએ પામ્યાં હતાં એ વિચ્છેદ આ સજળ – સુગંધિત ને શીતળ વેળામાં વંટોળ જગવે છે. પડી ગયેલો પવન માથું ઊંચકે છે... અંધારામાં વૃક્ષો ધૂણવા માંડે છે. બધું હાલકડોલક થઈ રહે છે. કાલે, આજનું આ સુસ્થિર ને ગોઠવેલું જગત અસ્તવ્યસ્ત થઈ જશેનો ડર ઘેરી વળે છે. મનને સ્વજનનો સહારો જોઈએ છે. દેશદેશાવર ગયેલાં પ્રિયજન માટે હૃદય વિહ્વળ બની જાય છે. જે પાસે છે તે નહીં, જે સુદૂર છે તેને માટેની કામના કાયાને જંપવા દેતી નથી. ગામડાંનાં નળિયેરી ઘરે તો નેવાંનો એકધારો અવાજ આવ્યા કરતો... ઘરપડાળે પડતા છાંટાનો અવાજ પણ નિદ્રાનું અસ્તર વણવામાં મદદ કરતો. આપણે પથારીમાં વ્યતીતની ભ્રાંતિએ રજાઈને વળગીને તંદ્રામાં હોઈએ... નેવાં વાટે માત્ર આકાશ જ નહીં આપણી વેદના પણ નીતરતી હોવાનો અનુભવ થાય છે. વર્ષામાં વિરહને વસમો કેમ કહ્યો હશે તે સમજાય છે. આપણી પીડાઓ પણ ચોખ્ખી ચણાક થઈને સામે આવે છે, વરસાદી સવારમાં એવી ઘટનાઓ મનોક્ષેત્રમાં નવી નવાઈની નથી હોતી કાંઈ! આંબા પર પડતો ઝરમરિયો વરસાદ સાંભળી રહું છું. એનો અવાજ વધારે રણકદાર છે. સોનમોર ને કેસિયા માથે પડતી જળકણીઓ તીણીતીણી લાગે છે. કેળ–પપૈયાંનાં પાંદડાં પર વરસતો રાત્રિનો વરસાદ થોડો વાચાળ ભાસે છે. ક્યાંકથી રહીરહીને કેળપત્રો ઉપર પડતાં ટીપાંનો અવાજ, હથોડી લઈને રાત્રિનો લુહાર ધીમે ધીમે કોમળ કોમળ સવાર ઘડતો હોય એવો લાગે છે. સીતાફળીની હથેળીઓ પર નર્યો રેશમી અંધકાર વરસે છે... એનો અવાજ કંઈક સુંવાળો લાગે છે.. ક્યાંક કોઈક વૃક્ષ કે છોડનો કણસાટ થતો સાંભળું છું... લીમડો નીરવપણે જળાભિષેકલીન લાગે છે... પારિજાતનાં કરકરાં પાન ઝાઝાં જળાસક્ત નથી લાગતાં, ચંપાનાં પાંદડાંને પરસેવાના બુંદ બાઝ્યાં છે જાણે રાત્રિ રવરવી ઊઠી છે… રંધ્રે રંધ્રે!! ડુંગરાવાળા ખેતરમાં ઊભા રહીને ડુંગર ઉપરથી ઊતરીને અમારી બાજુ આવતો ઉતાવળો વરસાદ જોતા’તા. તળેટીના સાગવનોનાં મસમોટાં ને ભરચક પાંદડાં ઉપર ફોરાંની ફુહાર પડતાં જ નગારાં બજી ઊઠતાં જાણે... કુદરતની એ સાંધ્ય આરતી યાદ રહી ગઈ છે. સાગવનોનો વરસાદ ભારે રણકાદાર ને રૂઆબી લાગ્યો છે. ચરાની ખાખરીઓય વરસાદે રણઝણી ઊઠતી. એનો અવાજ જરાક ઊતરી ગયેલા તબલાં જેવો... ને નવા પાણીથી ડરાંડરાં ભરાયેલા તળાવમાં વરસાદ પડે એ જળતરંગનું સંગીત માણવા અમે ઊભા રહેતા. તળાવ અને વરસાદ બેઉનો રોમાંચ પરસ્પરમાં મળીભળી જતો જોવાનું સુખ અમનેય રોમાંચિત કરી દેતું. વર્ષા પછીની સવારે ફરવા નીકળી પડું છું. સુગંધોની જુગલબંધી જગાએ જગાએ મને રોકે છે. લીમડા નીચેની કડવી સુગંધમાં પાસેના શિરીષની મીઠી સુગંધ ભળતાં બે જુદા જ તાણાવાણામાં વણાયેલું રેશમીયું ગંધવસ્ત્ર મારી આસપાસ ફરફરી રહે છે. કોહેલાં પાંદડાંની ખટસૂરી વાસ, દૂરના નાગચંપાની તીવ્ર ગંધ, વ્રત કરવા થાળ લઈને જતી કન્યકાઓના પૂજાપાની મદ ગંધ, આંગણાની જૂઈજાઈનાં ફૂલોની ઝીણી પામરી, પોતાની જાહેરાત ધીમા લયમાં કરતા મુક્ત મોગરા અને બાજુના મંડપ પર ચઢેલી ધોવાઈને વધારે સ્વચ્છ લાગતી શરમાળ મધુમાલતીની લાજુલ સુગંધ... અજાણ્યાં ઝાડછોડ નીચેથી સ્ફુરતી તૂરી અને આસોપાલવ – આંકલવાના ટેટાંની ઇરમી ગંધ... કેટકેટલી ગંધની લહરીઓએ મળીને એક વિલક્ષણ સિમ્ફની છેડી છે... વર્ષાભીની સવારની આ સિમ્ફનીમાં સૂડા–કાગડાના રાત્રિવાસની લકીર પણ ભળી ગઈ છે. નીરવ રહીને સ્થંભિત કરી દેતી સુગંધ માથે એકસામટા હજારો સૂડાઓ કલબલી ઊઠ્યા છે. એક ઝાડ પાસે કાગડાઓની કૉન્ફરન્સ શરૂ થઈ ગઈ છે... ખિસકોલીનું અકાળે નિધન થયું હશે, કદાચ! ગઈ સાંજના વરસાદે ધોઈ નાખેલું કૅમ્પસ થોડીક વાર જોઈ રહેવાનું મન થાય છે. નજરમાં વરસાદ પછીનું ગામ, ગામનાં રાતાંરાતાં નળિયાંવાળાં ઘરો, ભીંજાઈ ગયેલાં ઘાસકૂંધવાં, ગંદા થયેલાં ફળિયાં ને જળભાત પહેરીને બેઠાં થઈ ગયેલા ધૂળિયાં નેળિયાં – બધું એકસામટું તરવરી રહે છે... વૃક્ષેવૃક્ષે ઊભો રહું છું ને એની નીચે ઊભાં રહીને સજળ આંખે, કાયમ માટે વિચ્છેદ પામીને વિદાય લેતાં પ્રેમીઓની પીડાને ઝેલતો ઝેલતો ઘરે પાછો વળું છું.

વિદ્યાનગરી, તા. ૩૦–૭–૯૫

Sonanam Vruksho - Image 22.jpg