સોનાનાં વૃક્ષો/કેસૂડો કામણગારો
‘શિશિરવાયુ સુશીતલ સૂસવે
તરુ તણાં થડથી રસ કૈં દ્રવે
ખરંત પાન, રહ્યાં બસ ડાંખળાં
સભર ધાન્ય થકી સુહતાં ખળાં!’
શિશિર એટલે આમ તો પાછલો શિયાળો, પણ એમાં ટાઢની જમાવટ થાય. અત્યારે એ ટાઢનું સામ્રાજય છે. કવિએ વર્ણવેલાં દૃશ્યો તો સીમવગડે ને ગામ–પાદરે જોવા મળે જ. હિમાલયની ખબર પૂછીને પાછા વળેલા વાયરા આપણનેય એ હિમસ્પર્શ કરાવે છે. બાવળ જેવાં વૃક્ષોના થડમાંથી રસ ઝમે છે ને એ જ ઠરી–થીજીને ગુંદર થાય છે. સૂસવાટા મારતા પવનો ગરીબોની કાયામાં ઝીણી ઝીણી તિરાડો કરી દે છે. દલપતરામે ગાયેલું ‘ફાટે ગરીબ તણા પગ–ગાલ’ તે ગામડે તો તરત પમાય છે. સગવડવાળાને તો વસાણાં ખાવા, ઓસડિયાં પીવા સારુ અને ગરમ–મોંઘા વસ્ત્રો પહેરવા–ઓઢવા માટે શિયાળો બહુ ગમે, પણ જેને માથે ઘાસિયું છાપરું પણ માંડ માંડ છે ને અંગો ઉપર જર્જર વસ્ત્રોય માંડ છે એમને આ ઋતુ ભારે દમે છે – પીડે છે. એમને તો ઉનાળો ગમે. ઝાડનો છાંયો ને ટાઢી–માટીની પથારી મળે તોય બાદશાહી લાગે. શિયાળો તો એમનો જાણે વેરી, પણ એય વેઠે. લીમડા ખરવા માંડ્યા છે. ઋતુ ખાસ્સી આગોતરી છે. હજી આંબા મૉરથી લચી પડ્યા નથી. જાણે નવવધૂ જેવા શરમાતા – સંકોચાતા ધીમે ધીમે મૉરની ટશરો પ્રગટાવી રહ્યા છે, પણ ફેબ્રુઆરીમાં ખીલવા માંડતા અને છેક ચૈત્ર સુધી ફૂલોનો રાતોચટ્ટાક વૈભવ સાચવતા અને દિશાઓને રાતારાતા છાકથી છાંટી દેતા શીમળા પણ જાન્યુઆરીના આરંભે જ ખરી ગયા છે. અરે એની અંગૂઠા જેવી લીલી કળીઓય હવે અંગ મરોડતી ને રતાશ પ્રગટાવતી ખીલુંખૂલું કરી રહી છે. સીમે જતાં રસ્તાની ધારે, રેલવે સડકની સાથે કે ટેકરીઓની કૂહરોમાં, ઘરના પાછલા વાડામાં ને નદી તરફનાં સૂનાં કોતરો પાસે શીમળાઓ ખરી ગયા છે ને ફૂલોની ફોજ હવે રંગોનું આક્રમણ લઈને આવવાની તૈયારીઓ કરે છે. હું તો મુસાફરી દરમિયાન બસ–ટ્રેનની બારીએ બેઠો બેઠો જોયા કરું છું. પ્રકૃતિનાં પારાવાર રૂપોને. મને વસંત પૂર્વે આવનારી આ પાનખર પણ વહાલી છે. પાનખરનાં રંગો – રૂપો જોઈનેય મહોરી ઊઠે છે મન. હમણાં વ્યારા જઈ આવ્યો. વૃક્ષો વઢાવનારા વનપ્રધાનશ્રીની યાદ આવતાં હૈયું ધ્રુજી ઊઠ્યું. પણ માણસ કરતાં વૃક્ષો વધારે ઉદાર ને સહિષ્ણુ લાગે છે. બધા અત્યાચારો સામેય એ તો ઊછરીને પાછાં ઊભાં છે. આપણને, વનોને વહાલ કરનારા વનપ્રધાનો મળ્યા જ નથી. જેમને વનો વહાલાં હોય એવા રેન્જરો, ફૉરેસ્ટ ઑફિસરો કે બીટ ગાર્ડઝ શોધ્યાય ન જડે. બાકી, ‘વૃક્ષોને સંતો’ રૂપે જોનારો જ વનપ્રધાન કે વનઅધિકારી હોય તો ગુજરાતની ને પૃથ્વીનીય રોનક જુદી જ હોત. જંગલોને તો ‘જંગલ ખાતું’ જ ખાઈ ગયું. હજ્જારો વૃક્ષોમાં કીંમતી લાકડું ભાળીને એને વઢાવી નાખનારા એક સમયના આપણા વનપ્રધાનની મજાક કરતાં હો. એમ એમના જ મલકના ઝાડવાં પાછાં મહોરી ઊઠ્યાં છે. વ્યારાના માર્ગે જાન્યુઆરીના આરંભે જ કેસૂડાં લચી પડેલાં ભાળીને મુગ્ધ થઈ જવાયું. અમે ગાડી રોકીને એ પલાશની પાસે ગયા. પ્રિયજન સમા એ ખાખરાના થડને અમે પંપાળ્યું. એણે કેસરી કેસૂડાથી છલછલતી ડાળીઓ ઝૂલાવી અમારું અભિવાદન કર્યું. વ્યારાની નવતર નગર થવા મથતી સોસાયટીઓના કોઈ ખાલી પ્લોટમાં એક આખેઆખું ફૂલોથી છવાયેલું, છટાદાર – ઠસ્સાદાર આદિમ જન જેવું પલાશ જોઈને થયું કે ચાલો, એની નીચે રાતદિવસ ગાળીએ ને વૃક્ષ થવાનો અધૂરો ઓરતો પૂરો કરીએ. રમેશ પારેખની નાયિકા સાંભરી આવે છે ને?
‘ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જાઉં રાનમાં....’
સાચ્ચે જ વ્યારાના એ પલાશ પાસે ઊભીને હું કેટકેટલાં વનોમાં વેરાઈ ગયો છું. પેલા પૂર્વોત્તર ઈડરનાં વીરેશ્વર – સારણેશ્વરનાં વનોનાં પલાશ પણ મને ઘેરી વળેલા છે. દૂર સતનાનાં, કલકત્તા, મુંબઈ અને ખજૂરાહો આસપાસનાં પલાશ પણ મારામાં પ્રગટી ઊઠતાં અનુભવી રહ્યો. મારા પંચમહાલની ટેકરીઓની કુહરોમાં અને ખેતર શેઢે સીમવગડે જોયેલાં, અરે, દોસ્ત બનાવેલાં એ વસંતના પ્રિયજન પલાશોને આ ક્ષણેય છેક અંદરથી અનુભવું છું. મારામાં રહેલો કિશોર ગાય છે :
‘મને ફાગણનું એક ફૂલ આલો કે કેસૂડો કામણગારો રે લોલ....’
હજી તો કેસૂડાં જ ખીલ્યાં છે, પણ હવે શીમળાય ઉતાવળા થવા માંડ્યાં છે. એ તો રાતી રાતી હથેળીઓ જેવી ફૂલડાં કટોરીઓ લઈને નર્યો કેફ જ પીવડાવવાના છે ને એમાં મહેકતા આંબાઓ ઉન્માદનું કારણ બનવાના છે. એટલે કહું છું સાવધાન, કેસૂડા – શીમળાં ફૂલે ફૂલે આવે છે. મનોજ ખંડેરિયા એની ઓળખ આપે છે.
‘આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી : પગલાં વસંતના!’
વીરેશ્વર – સારણેશ્વર, માર્ચ – ૧૯૮૭