સોનાનાં વૃક્ષો/ગરમાળા ગુલમહોર
અનેક વિરોધાભાસોની વચ્ચેય પ્રકૃતિ પોતાની સંવાદિતા અટકાવા દેતી નથી. ત્યાં કૂંપળ ફૂટવાની સાથે જ છેલ્લા પાંદડાંનાં ખરી જવાની પીળી ઘટનાનો સહજ સ્વીકાર છે. ખરી જવા ખીલતા ફૂલની પડખે જ કોમળ કળી પોતાના અંગોને આકારિત કરતી પમાય છે. વિરોધાભાસોનાં અનેક દૃષ્ટાંતોને સાયુજ્ય પણ પ્રકૃતિની સંવાદિતાને વધારે સમૃદ્ધ કરતું પમાય છે. કશુંક જુદું છે. કંઈક નવું વલણ છે. કશુંક વ્યાકુળ છે ને કેટલુંક ન ગમે એવું છે તો કેટલુંક ગમવા છતાં સમજાતું નથી. જો આ દરેકનો વિચાર કરવા બેસીએ તો જીવતર શાનું – શાને કાજે? આવા બધા વિપર્યાસો જ જિંદગીનું ખરું નામ છે. પ્રકૃતિ આપણને વિપર્યાસો વચાળે પણ સંતુલન રાખવાનું શીખવે છે. કાળઝાળ ગરમી વચાળે ગુલમહોર ખીલવાનું માંડી વાળતા નથી તો આ પીળાં પીળાં રેશમ ફૂલોની સેરો લટકાવતા જાણે ઊઘલેલા વરરાજા જેવા આ ગરમાળા બળબળતા તડકામાંય દાઝતા નથી બલકે એમનાથી તડકો કંઈક આર્દ્ર થવા મથતો લાગે છે. આ તપતા કારમા તડકાઓ અને જેઠની અગનઝાળોમાંથી પ્રગટતી – પેલી રોષે ભરાયેલી દ્રૌપદી જેવી સ્તો – લૂ જો સહ્ય બનતી હોય તો આને લીધે! ને તેમાંય ગરમાળા – ગુલમહોરની છત્રીઓ તો જાણે જ્વાળાઓ સામે બાથ ભીડવા ઊભી છે. રાતી પાંદડીઓના પીળી છાંટવાળા ગુલમહોરના ગુચ્છાઓ ચામર ઢોળતા પમાય છે. કોઈના આંગળામાં ઊભેલો અને નર્યા ફૂલે લચી પડેલો ગુલમહોર જોઉં છું ત્યારે પ્રવાસ ટુંકાવીને એ સ્થળે મુકામ કરવાનું મન થઈ જાય છે. જાણે આ ગુલમહોર નથી પણ આંગણે કુમકુમનો અવસર ઊભો છે. સદાય ધૂળવરણી ધરતી ધૂળ ઊતારી રંગોના આવા ફૂવારા ઉરાડતી આ ઋતુમાં જરાક ચડી ગયેલી લાગે છે, નહીંતર આ અમલતાશ આવી રંગસેરોથી ઝૂલે ખરા? ગરમાળા નીચે ઊભા રહીને તડકાની લીલા માણવા બપોરે સાહસ કરવા જેવું છે. તડકો પોતાના ફિક્કા રંગને તાજો કરવા, ગરમાળાની ફૂલઘટાની આસપાસ આંટા મારીને હારીને એમ છેવટના કરગરતો ઊભો છે. ગરમાળો આમ ભોગી પણ અટાણે તો ઊભો છે કોઈ જોગી જેવો – નતમસ્તકે. તડકાઓ પીળી જટાની સેરોમાં ઘડીક વિશ્રામ લેતા પમાય છે ખરા. ફૂલોની સેરો ઉપર આછી પોપટી રંગની ગોળમટોળ કળીઓની આંખો હજી ઉઘડી નથી – એમનું મૌન હજી માટીના મરોડ ગોખતું, જરાક હોઠ–શી પત્તીઓ ફરકાવતું ને એમ કંપિત થઈ ઊઠતું પમાય છે. રંગોની આવી વરણાગી વૃત્તિઓ વચાળે, પેલા સદાનાય એકરંગી અને સમતા પોષક છાંયડાઓ પોતાની ગાઢી છાંયાઓ લઈને કશેક ચાલ્યા ગયા છે. ગરમાળાની ખીલેલી સૃષ્ટિ નીચે એ છાયાઓની ઝાંખી ઝાંખી નિશાનીરૂપ જાળીઓ પડી રહી છે... ને એક હોલો ભગત એની વચલી ઘટામાં – રંગાઈ જવાની બીક છોડીને બેઠો છે. ઉષા – સંધ્યાના આભલા રંગવા માટે અનેક ગુલમહોરના રાતાચટ્ટાક રંગો પોતાની ફાંટમાં ભરી લેવા મથામણ કરતો વૈશાખી દિવસોનો તડકો એ જાજમ પર થોડોક વિસામો કરે છે. આવી વેળામાં ઊંચી ડાળે ચડેલો ગુલમહોર પોતાની વિજયપતાકા લહેરાવતો દેખાય છે. જરાક કાળી પડેલી લીલાશ ઓઢીને આંબા – રાયણનાં ઝાડ આવી ઋતુમાં પોતાની ઘેઘૂર છાયાને રમતી મૂકે છે. મૂક રહીને એ કેટલાયને વિસામો આપે છે, પણ ગુલમહોર તો મોજીલા છે ને ગરમાળા તોરીલા. બારમાસમાં બે માસ મળ્યા છે એમને અવસરના. વૈશાખ અને જેઠ બેઉ એમને તો ખીલવાના – ખૂલવાના અવસરો. મૂંગા રહીને મસ્તી વ્યક્ત કરવાની ટેવ એ બંને પાડવા મથે છે, થોડીક વાર જરા ડાહ્યા થઈને ઊભાય રહી જાય છે, પણ પછી તો ઝૂમતી ડાળીઓ ને લચી જતા, લળી લળીને પોતાની જાતને પ્રગટાવતા ગુલમહોર ઉત્સવઘેલા માણસ જેવા લાગે છે. હા, ગરમાળા એમની તુલનામાં થોડા શાંત લાગે. જોકે લાગે છે એટલા ભોળા નથી ને મૂંગા તો એમને માનશો નહીં. એ ભાષાની મદદ વિના આપણને બોલાવે છે. દૂરથી લોભાવે છે ને પાસે પહોંચતાં પહેલાં જ રંગોથી છાંટી દે છે. ભીંજવીને પોતાના થડ પાસે ઊભા રાખી દે છે. પછી ફૂલે ફૂલે પત્તીએ પત્તીએ ને પેલી ગોળમટોળ કળીઓની સેરે સેરે આપણી આંતરચેતના સાથે સંવાદ માંડે છે. – આપણને તો ખબર જ નથી પડતી કે આપણે ક્યારે ગુલમહોર ગરમાળાનું વૈશાખી વૃક્ષ બની ગયા છીએ. શિયાળામાં સોનાની બંગડી જેવો – પહેરવો પાથરવો ગમે એવો તડકો આ વૈશાખ – જેઠની વસમી વેળામાં સ્વભાવે તીખો – આકરો પણ રંગે ફિક્કી ટેટી જેવો. ગરમાળાનો પીળો રંગ તાજો, કૂણો ને ઘટ્ટ લાગે – તડકો એને અડી અડીને આર્દ્ર થવા, જરાક સુંવાળો થવા ચાહે છે, પણ ગ્રીષ્મના તડકાનો સ્વભાવ કઠોર સ્વભાવના બાપ જેવો. મથો તોય કૂણો ન પડે. આ જ ઋતુમાં, પોતે પાછળ નથી રહી ગયા એમ બતાવવા સોનમહોર પણ ખીલવા માંડે છે. એમની પાંદઘટાઓ અકબંધ હોય ને ઉપર આવરણરૂપે ઊઘડે ફૂલોની સેરો ટટ્ટાર ને ઊંચે જતી. સોનમહોરનાં ફૂલોનો રંગ શ્રાવણીસીમના તડકા જેવો ગાઢો ને સઘન પણ ગરમાળા તો પાંદડાંને ઢાંકીને – એવા તો ખીલે કે નર્યાં ફૂલોનાં ઝાડવાં લાગે. કેટલાક ગુલમહોર પણ નર્યા ફૂલોથી હિલોળા લેતા હોય. રાતા–પીળા રંગોની એમાં અનેક છટાઓ લહેરાતી જોવાનું ગમે. ટેટી કાંઈ ગરમાળાને આવતું ફળ નથી. એ તો તરબૂચની જેમ પાકે છે નદીના ભાઠામાં પણ પીળચટી જરાક કેસરી છાંટવાળી ટેટીની ચીરીઓ ખાતાં હોઈએ ત્યારે મને એવું લાગે છે કે જાણે ગરમાળાનાં ફળ. હા, ગરમાળાનો સ્વાદ હોય તો આવો જ હોય ને! એ જ રીતે તરબૂચની પ્રગાઢ જાંબલી છાંટવાળી રાતી ચીરીઓ જાણે કે ગુલમહોરનાં ફળની ચીરીઓ ભાસે છે. આવાં રંગબેરંગી ને સ્વભાવમીઠાં ઝાડવાંને ફળ આવે તો આવાં જ આવે – એમાં નવાઈ શી! પણ પ્રકૃતિ માણસથી વધારે ડાહી છે. ગમે ત્યાં પ્રૌઢ વયનાં વૃક્ષો વચાળે, ગરમાળા–ગુલમહોર પોતાની રંગભરી છત્રીઓ ખોલીને ઊભા રહેલા દેખાય છે. આખો જેઠ હજી એમનું સામ્રાજ્ય તપશે. અરે, ઘણા તો છેક શ્રાવણ–ભાદરવા સુધી થોડાં થોડાં ફૂલો ખીલવ્યા કરે છે – હાસ્તો. રંગોની સવારી કાંઈ એમ થોડી ચાલી જાય છે! ઋતુઓ કાંઈ બારી–બારણાં નથી કે મન થાય ત્યારે ખોલીએ ને ના ગમે ત્યારે વાસી દઈએ. ‘ઋતુ’ પ્રકૃતિનો પરિચય કરાવનારી રીતિનું નામ છે. અનેક વિસંવાદોની વચ્ચે સંવાદિતા સાચવવાની રસમો ઋતુઓને પણ આવડે છે. અળગા પડવું અને પરંપરાઓને પોષવી બંને અહીં બનતાં રહે છે. વહેલાં ‘ખીલવું’ અને મોડાં ‘ખરવું’ એવી બંડખોરી કરનારાં વૃક્ષોને ઋતુઓ માફ કરી દે છે. ‘ક્ષમા’ની શક્તિનો એમને અંદાજ છે. ઋતુઓ પાસે વૈવિધ્યનો પણ પાર નથી... પારાવાર લીલાઓ જ પ્રકૃતિનું નામ છે. એમાં ગુલમહોર – ગરમાળા જેવા એના ઠસ્સાઓ વધારે લોભામણા છે એટલું જ. ફાગણમાં રાતાગલ શીમળાઓ ચારે બાજુ રંગો છાંટતા હતા, અને વનોની વીથિઓમાં તથા વગડે ખેતરે–ટેકરીએ–તળેટીએ ઊભેલા કેસૂડા વસંતનો મદભર પરિચય કરાવતા હતા. પ્રત્યેક ઋતુનાં વૈતાલિક વૃક્ષો પણ હોવાનાં. જેઠ ઊતરશે ને અષાઢે રંગરંગના કેસિયા ભાતીગળ ફૂલોની પરિભાષામાં ગાવા લાગશે... શ્રાવણના બાવળિયા મહોરશે અને આસોમાં આવળિયા. કારતકમાં કાંચનાર ખીલે છે. ઘણાં કાંચનાર વર્ષમાં બે વાર ફૂલે ચઢે છે. ભાદરવાથી ખીલવા માંડેલા પારિજાત છેક માગશર ઊતરતાં લગી સવારોને રળિયાત કરતાં રહે છે... ને પોષની ઠંડીમાં જ આંબાની ડાળીઓ ઉપર મંજરી ડોકાં કાઢે છે. શિયાળો ઊતરતાં મધુમાલતીની વેલ ને મોગરા પાછાં છલછલી ઊઠે છે. બારમાસી ચંપાઓ તો છે જ, પણ શરદમાં જેમનાં થડ ફૂલોથી મહોરી ઊઠ્યાં હોય એવાં કૈલાસપતિ (નાગચંપો) વસંત–ગ્રીષ્મમાંય ફૂલો આપતાં રહે છે. મહા–ફાગણમાં અશોકનાં ફૂલોનો વૈભવ જોવા જેવો હોય છે. શીમળા–કેસૂડાં ફૂલો ખેરવી દે છે ત્યારે તરત મહુડા મધુપુષ્પોથી વનને માદક કરી મૂકે છે. ધીમે ધીમે મહેકતા લીમડાની એ ઝીણી ઝીણી મંજરીઓની કડૂચી મહેક પણ મનને ગમે છે. ચોમાસાને આરંભે અને શિશિરને અંતે બકુલવૃક્ષો પણ મહોરી ઊઠે છે. ચોમાસામાં ફૂલે ચઢતાં સોનચંપા પાછા વૈશાખમાં પુનઃ ફૂલોનો ફાલ લઈ આવે છે. સુગંધ નહીં આપનારાં બોગનવેલનાં પર્ણફૂલો તો બારેમાસ રંગોથી મલકાતાં–છલકાતાં રહે છે. કેટલાંય વેલ–છોડ પોતાની ફૂલબિછાત પાથરવા ઋતુએ ઋતુએ હાજર હોય છે. અરે, ઉનાળાનાં પડતર ખેતરોમાંય ઘાસને ફૂલ આવે છે ને ઢાળિયાઓ પણ જંગલી છોડનાં ફૂલોથી શોભી રહે છે. થોરનાં ફૂલો તો કેવાં રૂપાળાં હોય છે. નીરખનારને તો કદી ફૂલોની ખોટ પડતી નથી... ઋતુઓનો સ્વભાવ જ મહેક્યા કરવાનો છે... આ ઝાડવેઝાડવાં પણ એવી જ મહેકનાં અવતારરૂપો છે. જીવનમાં દરેકને ખરવાનો સમય આવે છે એ ખરું, પણ ખીલવાની ઋતુ અને મહેકવાની મોસમ કદી ઓસરતાં નથી, એ તો હોય છે આપણી ભીતર અને બહાર, પણ વૃક્ષો એનાં વૈતાલિકો છે.
મોટા પાલ્લા, મે – ૧૯૮૭