સોનાની દ્વારિકા/આઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આઠ

પરસોત્તમના બાપા જાદવજી મેરાઈની વાત જ નોખી. એમની પાસેથી સિવાઈને ગાજબટન સાથે કપડું ઘરમાં આવે ને ધારેલા દિવસે અંગે ધારણ કરે એ માણસ નસીબદાર કહેવાય. ‘સઈની સાંજ અને મોચીની સવાર’ એવી કહેવત છે એમાં સાંજ તો જાદવજી મેરાઈને જોઈને જ નક્કી થઈ હશે! કારતક માગસરમાં એ લગનનાં ને આણાનાં લૂગડાંમાંથી ઊંચો જ ન આવે. સળંગ ત્રણ મહિના સંચો આ ઘેરથી પેલે ઘેર. ઘર અને સંચો ઉપાડનારના ખભા બદલાતા રહે. પાછો સંચાનાં ટેબલેય બે રાખે. ઉપરનું માથું એક, ટેબલ ઘરે પહોંચે તો કોઈએ એમ નહીં માની લેવાનું કે કામ શરૂ થઈ ગયું. સંચાનું માથું લઈને જાદવજી આવે ત્યારે સાચું! જાદવજીના મનમાં રામ વસે એના ઘેર સંચો પહોંચે. બાકીનાં બધાં કાબરબાઈની જેમ રાહ જોયા કરે ને જાદવજી ચાંચુડી ઘડાવ્યે રાખે. જાદવજીને એક વાર મળેલો માણસ ક્યારેય ભૂલી ન શકે. એક તો એનો દેખાવ અને બીજું તે વિચિત્ર લાગે એવો સાધુચરિત સ્વભાવ. દરજી હોવા છતાં કદીયે કોઈનું કપડું આડુંઅવળું કરે નહીં, એનો પુરાવો એનાં છોકરા. એકેયના પંડ્ય ઉપર કોઈએ સારું લૂગડું જોયું નહીં હોય! નાક જરાતરા જમણી બાજુ વળેલું, આંખો ઝીણી અને ઊંડી. અડધા માથે પહોંચતું ઊંચુંપહોળું કપાળ. દેહની ઊંચાઈ નહીં ને શરીર સૂકું. જમણા હાથના બધાં આંગળાંના સાંધા અને અંગુઠે કાતર ફેરવ્યાના કાળા ડાઘ. ઢીંચણથી જરાક જ ઊંચું એવું આછા રંગનું પહેરણ એની નીચે ચૌદ પહોળો લેંઘો. મોટી ડાંફ ભરે ત્યારે લફડફફડ... લફડફફડ... જાદવજીનું માથું એક જ ટટ્ટાર બાકીનો બધો ભાગ લબડધક્કે ચાલે. આખું શરીર જાણે જીર્ણ સંચો. ક્યાંય ઓઈલનું ટીપુંય પડ્યાનું દેખાય નહીં. પણ, કારીગર અચ્છો. સુરેન્દ્રનગરવાળાય ક્યારેક કામનો ભરાવો હોય તો લૂગડું ને માપ આપી જાય, ત્રીજે દિવસે જાદવજીએ સીવેલાં કપડાં લઈ જાય. જાદવજીને એની મજૂરી મળી જાય એટલે ભયોભયો. જાતભાતની પળોજણ વચ્ચેય તે પોતાની મસ્તીમાં રહે. ભજનો ગાયાં કરે. ક્યારેક સિનેમાનાં ગીતો પણ ગાય… ઉશ્કેરાય, એલફેલેય બોલે. પત્ની રસીલા ઉપર હાથઊઠલો પણ કરી બેસે. જાદવજી ક્યારે શું કરશે એનો અંદાજ બાંધવો મુશ્કેલ. હમણાં થોડા દિવસ પહેલાં જાદવજીનો સંચો પોચા પટેલના ઘરે પહોંચ્યો. એ જોઈને મગનીરામ બાવાનો દીકરો પરશુરામ ત્યાં જઈ પહોંચ્યો. એની બગલમાં કપડું જોઈને જાદવજીભાઈએ ઝીણી આંખો વધુ ઝીણી કરી. સંચો ચાલુ રાખીને જ પશુરામ કંઈ પણ પૂછે એ પહેલાં જ કહે; ‘આંય જાદુભઈને ટેમ જ ચ્યાં સે મારા ભઈ? આ પોચા પટલનો જ પાર આવે ઈમ નથી ત્યાં તારું ચ્યમ કરવું ફરશુરામ? હવે કંઈ નો થાય!’ ‘જો જાદુભઈ મારા બાપુએ કીધું સે... આંય પોચાભૈના ઘરે જ મારી એક જોડ્ય કરી દેવી પડશ્યે... એમાં કંઈ હાલશ્યે નંઈ...’ ‘તે મગનીરામબાપુને કે’જે કે-જાદુને અટાણે મોખ નથી, આવાં સૂટક કામનો! મેળ હોય તો હંચો જ બેહાડો ને… બે વરહનો હામટો પાર જ આવી જાય!’ પશુરામમા’રાજ થોડા ઢીલા પડી ગયા. કહે કે, ‘જાદુભાઈ! હામટો પાર તો આવશે તે દિ’આવશ્યે..... હમણાં તો એવો વેંત જ ચ્યાં સે? મારે પહેરવા એકેય નથીને તિ હારું કઉં સું… આટલ્યું કરી દો એટલ્યે હંઉં! બાપુએ કીધું સે..… નો કરવું હોય તો જઈન બાપુને કહીશ કે જાદુભાઈ તો ના પાડે સે…’ કપડું લઈને પરશુરામ ચાલતો થયો. એ જેવો ફર્યો એવી જ મેરઈની નજર એના ફૂલા પર પડી. બેય બાજુ અલગ અલગ રંગનાં થીગડાં અને એય તે ઘસાયેલાં જોયાં, ને સંચાનો અવાજ બંધ પડ્યો. જાદુભાઈ મોટા અવાજે બોલ્યા, ‘મેલતો જા! પમદાડે લઈ જાજ્યે... આંય તો હજી લાંબુ હાલવાનું... તારી એક જોડ્યમાં કંઈ ફેર નંઈ પડે...’ પરશુરામ તરત પાછો વળ્યો, એને હરખાતો જોઈ જાદવજીભાઈએ ડોલતાં ડોલતાં ધીમા અવાજે ભજન ગાવાનું શરૂ કર્યું: ‘સંત સંગરામે રિયા પગ ખોડી… એ… એ… જિંદગી ખૂટી પણ ભગતી ન છૂટી રામ... સંતસંગરામે...!’ ગાતા જાય ને બીડીનો કસ લેતા જાય. પરશુરામે સંચાના પાટિયે કપડું મૂક્યું. મેરઈએ પહેલાં જાડું કપડું ઉપાડ્યું, ‘આવો સલેટિયો રંગ તને નંઈ હારો લાગે…! આ નું સું કરવું સે ચડ્ડી કે પર્સ પાટલૂન?’ એમ પૂછતાં કાપડ પકડીને હાથ લાંબો કર્યો, નાક સુધી લાવીને માપ્યું. ફેરવી ફેરવીને જોયું. પછી કહે, ‘બે ચડ્ડી થાય... કાં તો એક પાટલૂન...! બોલ્ય સું કરવું સે?’ એમ કહીને કપડાનો બાજુ પર ઘા કર્યો. પછી સફેદ લાઈનીંગવાળું કપડું હાથમાં લીધું. ‘આવું તો ડોહા પે’રે ડોહા!’ પહેલાંની જેમ જ કપડાને માપ્યું ને એનોય કર્યો ઘા. બીડીનો કશ ખેંચ્યો. પગ ડોલાવતાં ડોલાવતાં બોલ્યા- ‘બુસ્કોટનું લૂગડું વધારે સે. આખી બાંયનોય થાય. પણ, પાટલૂન કરાવ્ય તો જોડ્ય અસલ લાગે. બે ચડ્ડી કરાવ્ય તો વારાફરતી હાલે. ઓલ્યું એક ને આ બે! ફેર પડે... હમજણ પડી? પણ ચડ્ડીમાં એક કપાણ્ય રે! બેહવા-ઊઠવામાં ધિયાન રાખવું પડે નકર પોપટ ઊડી જાય!’ એમ કહીને કપાળે હાથ મૂક્યો ને છેક પાછળ ઓડિયાં સુધી લઈ ગયા, છેલ્લે બધા વાળ ભેગા કરીને થોડા ખેંચ્યા, પછી થોડુંક હસ્યા અને પરશુરામ સામે જોયું. પરશુરામ શરમાઈને કોકડું વળી ગયો એટલે કહે કે- ‘ઈમ કંઈ પોપટ નો ઊડી જાય… ઈ તો હું તારી લાંઠી કરું સું! બોલ્ય હવે સું કરવું સે? ચડ્ડી માથે બુસ્કોટ અડધો જોંઈ. આખો કરાવ્ય તો મેળ નો બેહે. મારું ન્ તારી ભાભીનું થયું એવું થાય..! હમજણ પડી? અડધો કરાવ્ય ઈ વધારે હારું. પણ, ઈમાં થોડુંક લૂગડું વધશે... મગનીરામબાપુ આવું કમેળનું લૂગડું ચ્યાંથી લિયા’વા? જા પૂસતો આવ્ય સું કરવું સે? પાટલૂન અને આખી બાંયનો કરો તો એક જોડ્ય જ થાય… બે ચડ્ડિયું ને અડધો બુસ્કોટ કરો તો પાછું લૂગડું વધશે... હમજણ પડી?’ પરશુરામે બાપુને પૂછવા જવા પગ ઉપાડ્યા. મનમાં ને મનમાં બાપુ ઉપર ગુસ્સોય આવ્યો કે કોઈ દિ’ હરખું લૂગડુંય લાવતા નથી. એ ચાલતો થયો. ‘એય ફરસુરામ... આંય આવ્ય!’ જાદુભાઈના અવાજે પરશુરામને પાછો વાળ્યો. ‘ઈ લાવ્ય તો લૂગડું...’ એમણે ફરી વાર જોયું. બેવડું કરીને થોડુંક ત્રાંસુ વાળ્યું ને પછી સીધું કર્યું. પરશુરામને કહે કે ‘બાપુને કંઈ પૂસવું નથી. ઈ પાસા એકનાં બે કરાવશે... ઈ કરતાં હું જ કરી દઉં... જો સાંભળ્ય! એક ચડ્ડી માથે એક અડધો બુસ્કોટ થાહે, બરોબર?’ પરશુરામે માથું ધૂણાવ્યું એટલે કહે કે ‘બીજી ચડ્ડી માથે બીજો બુસ્કોટ, પણ ઈમાં બાંયું ને કોલર બીજા લૂગડાનાં આવશ્યે. ઈ બીજું લૂગડું કુંણ આપશે ખબર સે? ઈ પોચા પટલનેય ખબર નથ્ય, પણ ઈ આપશ્યે. હમજણ પડી? આપડે નવી ફેસન કાઢી.... હેંહેંહેં.... બેય અડધાં... બે ચડ્ડી ને બે બુસ્કોટ! જાવ બધું બરોબર બેહી ગ્યું....!’ પરશુરામને એમ કે જાદવજીભાઈ હમણાં એનું માપ લેશે. પટ્ટી ડોક ઉપર, છાતી ઉપર કે કેડને અડે ત્યાર પહેલાં જ એને ગલગલિયાં થવા લાગ્યાં. પણ એ તો પાછા ભજન ગાવા માંડ્યા. ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ...’ સંચો ચાલવા લાગ્યો. પરશુરામને ઊભેલો જોઈને પૂછે : ‘હવે સું સે તારે? ભઈ તું તો ભારે લપિયો!’ ‘પણ, જાદુભાઈ મારું માપ તો લ્યો. લૂગડાં કિયા માપે કરશ્યો?’ એમણે સંચો ઊભો રાખ્યો. પરશુરામ ઉપર પગથી તે માથા સુધી નજર ફેરવી. પછી કંઈક વિચારીને બોલ્યા, ‘જા… વ લેવાઈ જ્યું માપ..!’ પરશુરામ ખસ્યો નહીં, એટલે ખાનામાંથી માપપટ્ટી કાઢી. ‘આ... તો અમથી રાખવી પડે, બાકી ઈની કોઈ જરૂર નંઈ... આવાં તો કંઈક શીવી નાંખ્યાં... જા, તું તારે જા... નજરથી માપ લઈ લીધું!’ હવે ગયા વિના પરશુરામનો છૂટકો નહોતો! જાતો જાતોય પૂછતો ગયો : ‘જાદુભાઈ! થાશે તો મારા માપે ને?’ આ જાદુ મેરાઈની કરમકથની તો આઘી ને આઘી ઠેલાતી જાય છે ને વચ્ચેવચ્ચે બીજાનાં લૂગડાં જેવી વાતો આવ્યા કરે છે. પણ હવે તો જાદુ મેરાઈ અને એમની પત્ની રસીલાના સંસારની જ વાત... જાદવજીની જાન રસીલાને લઈને સખપર આવી ત્યારે શાંતિમેરાઈ એટલે કે રસીલાના સસરા હયાત હતા. એમને બધાંએ કહેલું કે ‘જાદવા હારુ ડોહા વઉ તો હારી લિયાવા હોં! રૂપાળી બુલબુલના બચ્ચા જેવી. આજ બચીડોશી જીવતાં હોત તો વઉને જોઈન્ ઈમની આંતરડી ચ્યેટલી ઠરી હોત! ડોહો ને જાદવો બેય નસીબના બળિયા, નકર આવી વઉ કંઈ ઈના આંગણે હોય?’ કેટલાક જુવાનિયા તો રસીલાને જોઈને દાઢમાં બોલ્યા, ‘જાદવો દહીંથરુ લઈ જ્યો...’ જાદવો પણ ખુશ હતો. ત્યારે તો કામમાંય સારો એવો હાથ બેસી ગયેલો અને શાંતિમેરાઈ પણ ભગવાન ભજવાના મૂડમાં હતા. એમને ભક્તિના તરંગો આવતા. ઘડીમાં આ બાવો સિદ્ધ ને ઘડીમાં ફલાણી જગ્યાનું બહુ હાચ, નાનીમોટી જાતરાઓય કરતા રહે. કોઈ પૂછે તો કહે : ‘મારો જાદવો સે ને! ઈને હંધુ કામ શીખડાવી દીધું સે... વઉ ગાજબટણ ને ઘરનાં કામ કરે... આપડે તો હવે ભગવાન કોર્ય મોઢું રાખીન્ બેઠા શી... ઈને જ્યારે દોરી ખેંસવી હોય તાણે ભલે ખેંસી લે....’ ખબર નહીં કેમ, પણ દીકરીને સાસરે વળાવ્યા પછી કે દીકરાની વહુ ઘરમાં આવ્યા પછી ભલભલા ભક્તિનો ભાંગરો વાટવા બેસી જતા હોય છે. તો એમાં શાંતિમેરાઈ તે વળી કઈ વાડીનો મૂળો, તે બાકાત રહે? પણ એમનું એ ભક્તિસુખ ઝાઝું ટક્યું નહીં. રસીલાએ વારાફરતી ત્રણ જણ્યાં. દરેક વખતે ગાજ-બટન ને રસોડું શાંતિલાલ સંભાળે... ‘આ બધી ઈશ્વરી માયા સે ...’ એમ બોલતા જાય ને કામ કરતા જાય. જાદવજી ગરાગનાં લૂગડાં સીવ્યે રાખે. સૌથી પહેલો પરસોત્તમ. અસ્સલ જાદવજી જ જોઈ લ્યો. ભગવાનનું માણસ. બીજી દીકરી સમતા. પણ એને તો બળિયાબાપજી તેડી ગયા. નાનો લલિત, એના મુંબઈવાળા કાકા દુલા જેવો વધુ લાગે, હોશિયારેય એના જેવો. દુલાનું મૂળ નામ દુર્લભજી. નાનપણથી જ મા વિનાનો ઉછરેલો. મોટા જાદવજીને તો થોડો ઘણોય માનો પ્રેમ મળેલો, પણ આ દુલાને તો મા એટલે શું એની જ ખબર નહીં! શાંતિ મેરઈએ સચવાય એટલો સાચવ્યો. બાકી તો જાદવજી એનું બધું ધ્યાન રાખે. નાના ભાઈને મોટો કરવામાં જાદવજી અકાળે જ મોટો થઈ ગયો હતો. પછી તો દુર્લભજી જાતે કમાવા મુંબઈ જતો રહેલો. ત્યાં જઈને ઘણાં વરસ પછી પોતાની દુકાન કરી અને મોં માગ્યા દામ મેળવતો ટેલર થયેલો. અહીંના લોકોને જરા હુલાવીફૂલાવીને વાત કરવાની ટેવ એટલે કહે કે, ‘દુલો આખી મુંબઈમાં એ-વન ટેલર... એક પાટલૂન શીવે તો વીહ લે ને જોડ્યના તો પૂરા પચ્ચી! તૈણ તો કારીગર રાખ્યા સે...’ દુર્લભજી દર દિવાળીએ ગામમાં આવે. છોકરાંઓ ને જુવાનિયાઓ તો એનાં લૂગડાં જ જોયા કરે. એનું ચાલવાનું, હસવાનું, બોલવાનું બધું જ કંઈક જુદું લાગે. ખાસ તો ફિલ્મી હીરો દેવાનંદ જેવી એની હેરસ્ટાઈલનું આકર્ષણ. જાદવજીથી નાના હોય એ બધા તો રસીલાવહુને ભાભી કહે જ, પણ પાંચ-પંદર દિ’ મોટા હોય એય દિયર થઈને લાડ કરે ને વાંહેમોર ફેરફૂદયડી ફર્યા કરે! પણ રસીલા કહેતી કે મારે તો એક જ દિયર... દુલો! રસીલા શરૂઆતમાં તો સાવ સાદી. ગામડાના કોઈ મેરઈની ‘વઉ’ હોય એવી જ. પણ બે-પાંચ વખત મુંબઈ જઈ આવી પછી ત્યાંની બધી ફેશન અહીં લેતી આવતી. ઊંચો અંબોડો લે. એના ઉપર કાળી જાળી બાંધે. બેય બાજુથી પીન ખોસે. અફઘાન સ્નોની સુગંધ એને બહુ મીઠી લાગે. હિમાલય કંપનીનો પાઉડર જ જોઈએ. ગામમાં આવાં બધાં લટકાં શોભે નહીં, પણ જરાતરા લાલી કરે ને શ્યામગુલાલ કંકુનો મોટો ચાંદલો કરે. આખા ગામમાં આ એક જ એવી સ્ત્રી જે મુંબઈની હિરોઈનો જેવી બ્રેસિયર પહેરે, ઓઢેલી સાડી ને પહેરેલા બ્લાઉઝમાંથીયે એનો આકાર દેખાય એવી! એક વાર ડોહાએ જાદુને કીધુંયે ખરું : ‘આ વઉ આટલાં બધાં પટિયાં પાડે ઈ હારું નો કે’વાય... ગામડાગામમાં તો જિમ શોભતું હોય ઈમ જ શોભે... જમાનો બાદલઈ જ્યો સે... જિમ હાદા રંઈ ઈમ મજા... પણ મારું હાંભળે ઈ બીજા!’ એક રાત્રે જાદવજીએ રસીલાને દબાતા અવાજે કીધું કે ‘આવું બધું આપડને નો પોહાય. ગામમાં રે’વાતું હોય ઈમ રે’વાય!’ સાંભળીને રસીલા રિસાઈ ગઈ. એને મનાવતાં જાદવજીને નાકે દમ આવી ગયો! રસીલાનું કહેવું એમ હતું કે દુલાભાઈએ કીધું સે કે ભાભી તમે આવાં તૈયાર થયેલાં જ સારાં લાગો છો!’ જાદવજી ચૂપ થઈ ગયેલો. બહુ શરૂઆતમાં તો રસીલા મુંબઈનું નામ પડે તોય બીતી. એક વાર દુલાનો કાગળ આવ્યો: ‘હમણાંથી મને શરીરે સારું રહેતું નથી. આરામની જરૂર છે પણ આંયા કામ બહુ રહે છે. રૂપિયો ખરો, પણ શાંતિ નહીં! ગાજબટન કરનારો માણસ દેશમાં ગયો ઈ પાછો આવ્યો નથી. કામમાં પહોંચાતું નથી. જાદુભાઈને માલુમ થાય કે નિશાળના ડ્રેસનો મોટો કંત્રાટ મળવાનો છે. તમે આંય આવીને મારી હારે કામ કરો તો ઠીક પડશે. આંયનું કામ આપડા જેવું નહીં, પણ ઈ તો તમે આવશો એટલે બધું થઈને રહેશે. પાછા ગામમાંય તમે એક જ છો ને બાપા તો પોગી વળે નંઈ, એટલે જો રેઢું મેલીને નો અવાય તો મહિનોમાસ ભાભીને મોકલો. ઈ રસોડું ને ગાજબટન સંભાળે તોય હાલે. મહિનોમાસ તમે વેઠી લો તો આવડું મોટું કામ જાવા નો દેવાય. નહીં નહીં તોય ચારપાંચ હજારનું કામ છે. ચિરણજીવી પરસોત્તમ હવે નિશાળે જાતો થઈ ગયો હશે, એટલે વાંધો નહીં આવે. જો ભાભી આવવાનાં હોય તો કાગળ લખજો. ઈ પ્રમાણે હું સ્ટેશને લેવા આવીશ.’ ડોહાએ તો વહુને મોકલવાની ચોખ્ખી ના પાડી દીધી. ‘જાદુ! તું તારે કાગળ લખી નાંખ્ય કે નો પોગાતું હોય તો દુલો ધંધાનો ગોટો વાળીને આંયા આવતો રેય, આપડે એક રોટલાના ચાર ભાગ કરશું!’ પણ રસીલાએ જાદુને સમજાવ્યો : ‘મહિના દિ’ની તો કપાણ્ય છે… દુલોભાઈ દખી થાય એવું નો કરાય. વખતે તબિયત બગડે તો કામ રઝળી પડે. આંય ગામડાગામમાં આમેય શું કમાવાનું? દુલોભાઈ કમાય સે તો આપડે જ હારું સે ને? બે પાંદડે થાશું તો કોના પરતાપે? બાપાને ક્યો કે હું મુંબઈ જઉં સું?’ ડોહા બરોબરના ભઠ્યા! ‘આંય કામમાં પોગાતું નથ્ય ને તમારે મુંબી જાવું સે? તમ્યે જાવ તિકેડે મારું, જાદવજીનું ને પશ્યાનું કુણ કરશ્યે? દુલાને કરવું હોય ઈ કરે! ઈમ નથી કે’તાં કે તમને મુંબી જાવાના હૈડકા ઉપડ્યા સે! ખબર સે મુંબી એટલે સું? ગોત્યાંય હાથ્ય નંઈ આવો… મારો જાદવો તો ભગવાનનું માણહ સે.... ઈ તો કંઈ નંઈ બોલે, પણ હું ચ્યાં ગામના મોઢે ગઈણું બાંધવા જાવાનો? લોક વાતું કરશ્યે કે વઉં કમાવા જ્યાં સે...’ રસીલા પહેલી વાર જરા ઊંચા ને સ્પષ્ટ અવાજે બોલી. ‘દુલોભાઈ કમાશે તાંણે આ ઘર ઊંચું આવશ્યે ને? એક તો આ ગાર્યમાટી હમાં કરાવવાનાં સે.. ઘરના માથે ઘોલીકું થઈ જ્યું સે.... હું તો તમ્યે લિયાવ્યા તે આવી જઈ, પણ કો’ક હારું ઘર ભાળશ્યે તો દુલાને કન્યા દેશે ને! તમે બે બાપદીકરો તો આ ઘોરખદામાંથી બા’રા નીકળો એવા નથી.. પણ જમાનો બદલાઈ ગયો છે. પાંહે પાંચપચ્ચી હશે તો લોક ભાવ પૂછશ્યે... તમારો તો ઠીક, પણ આ પશ્યાનો તો વચાર્ય કરો.... ઈને ભણાવીગણાવીને કાંય બનાવવો નથ્ય?’ શાંતિ મેરાઈ મૂંગા થઈ ગયા. ગાતો’તો ઈ ભજનની અડધી કડી મેલીને જાદવજી કહે કે- ‘બાપા! ઈ હાચું કે’ સે... આપડા બધાંના હાટે તો દુલો કમાવા જિયો સે ને? પંદર દિ’મઈનો આપડે આંય રોડવી લેશ્યું... પશ્યો ભલે અહીં રેતો. દુલો હેરાન થાય ઈ કરતાં ઈ ભલે ને જિયાવતી! આમેય ઈને ચ્યાંય જાવાબારું સે બીજું? થોડાક રૂપિયા લેતી આવશે તો ધાણ્યે ધાણ્યે બધું રાગે આવશ્યે.. જાવા દ્યો ને!’ શાંતિ મેરાઈ વિચારે ચડી ગયા હોય એવું લાગ્યું. થોડી વાર રહીને કહે કે, ‘વઉને કઉં સું કે પશ્યાનેય ભેળો લેતાં જાજ્યો...’ રસીલાએ એ વખતે તો બધું સાંભળી લીધું. પણ પછી રે’તાં રે’તાં જાદવજીને કીધું કે હું ન્યાં હાથ દેવરાવવા જઉં સું. પશ્યો આમેય સે ઢીલો. હવાપાણી નો હદે ને વખતે માંદો પડી જાય તો કપાણ્ય ઊભી થાય. વળી માંડ માંડ નિશાળે જાતો થ્યો સે ઈય રખડી પડશ્યે... અટલે ઈ ને રે’વા દ્યો. જાદવજીને વાત ગળે ઊતરી ગઈ. વળી એણે મન મનાવ્યું કે આમેય ઈને ચ્યાં ઈની માનું વળગણ સે? પશ્યો બાપાનો હેવાયો સે તે વાંધો નહીં આવે... માંડ માંડ ડોહા માન્યા ને કહે કે, ‘લખો ત્યારે દુલાને કાગળ!’

***