સોનાની દ્વારિકા/નવ

નવ

જાદવજીના કાગળ મુજબ દુલો સ્ટેશને આવીને ઊભો રહ્યો. ગાડી બે કલાક મોડી હતી. એણે આંટાફેરા માર્યા. છેવટે ગાડી આવી, પણ રસીલા ક્યાંય દેખાય નહીં! દુલાને તો પરસેવો વળી ગયો. ભાભી ક્યાં? છેલ્લી ઘડીએ ગાડીમાં ન બેઠાં હોય એવું તો બને જ નહીં! ધીરે ધીરે કરતાં આખું પ્લેટફોર્મ ખાલી થવા માંડ્યું. દુલાનો જીવ પડીકે બંધાઈ ગયો. એક તો બાઈમાણસ ને મુંબઈથી સાવ અજાણ! અહીં તો ક્યારે શું થાય કંઈ કહેવાય નહીં! હવે ભાભીને ક્યાં શોધું? છેવટે ચાલતો ચાલતો દાદરા પાસે પહોંચ્યો. એક બાઈ ઘૂમટો તાણીને ઊભી હતી. એને વહેમ ગયો, ભાભી તો નહીં? પણ ભાભી અહીં કોની લાજ કાઢે? એક ક્ષણ એ અચકાયો ને પગ પાછા લીધા. એની બેબાકળી નજર ચારેકોર ઘૂમવા લાગી. અચાનક પેલા ઘૂમટામાંથી ‘એય દુલ્લાભાઈ...!’ કરતું ખડખડાટ હાસ્ય સંભળાયું. ‘ઓત્તારીની ભાભી! આવું કરાય? હું ક્યારનો ઊંચેજીવે તમને ગોતું છું ને તમે તો મારી મશ્કરી કરો છો?’ રસીલાએ હળવે રહીને ઘૂંઘટ ઉઘાડ્યો. દુલો લગભગ વળગી પડ્યો ને ભાભીના ગાલે એક ચોંટકો ભરી લીધો! સામાનમાં પતરાની એક બેગ, મોરપોપટનાં ભરતવાળી બે થેલી અને ભાતાંનો પિત્તળનો ડબ્બો. બધું લઈને બંને ચાલવા લાગ્યાં. આગળ દુલો ને પાછળ રસીલા. દુલો ઝડપભેર ચાલતો હતો. થોડી પાછળ રહી ગઈ એટલે અચાનક રસીલાએ ટહુકો કર્યો- ‘એ ઘરે પહોંચીને કાગળ લખજો…. દુલાભઈ!’ દુલો એકદમ ઊભો રહી ગયો. પછી એને ખ્યાલ આવ્યો કે સાથે ચાલવું જોઈએ. આ તો મુંબઈ છે ઘડીના પલકારામાં પાછળ શું નું શું થઈ જાય! રિક્ષામાં બેસીને બંને ઘરે આવ્યાં. રસીલા તો મુંબઈનું ઘર જોઈને વિચારમાં પડી ગઈ. ‘રામનિવાસ’ના માળામાં બીજે માળે સળંગ એક લાઈનમાં દસ રૂમ. સહુની સહિયારી એવી લાંબી ઓશરી. રૂમમાં જાવ એટલે એક ખૂણામાં કોટાસ્ટોનનું નાનકડું ઊભું રસોડું. ઉપરની બાજુએ વાસણ મૂકવાનો લોખંડનો ઘોડો. એની બાજુમાં એક માટલું રહે એવો ઓટલો. એની નીચે નળ અને કપડાંવાસણ કરવાની ચોકડી. સામેની બારી પાસે એક પલંગ. લાકડાની બે ખુરશી, એક નાનું એવું ફોલ્ડિંગ ટેબલ. બધું જ રોયલ કંપનીનું. પલંગ પાસે ઘઉંનું પીપડું. એના ઉપર એક બેગ. એ એક ઉપર રસીલાની બીજી બેગ ગોઠવાઈ ગઈ. રૂમની પાછળની બાજુએ બારણું ને લાંબી ગેલેરી. ઉપર માળિયું જાતભાતના સામાનથી ભરેલું. હવાઉજાસવાળા ઘરમાં ક્યાંય જાજરૂ દેખાયું નહીં, એટલે રસીલા પૂછી વળી. ‘હેં દુલાભાઈ! જાજરૂ-બાથરૂમ ક્યાં?’ દુલો સહેજ ઓઝપાયો, હાથ લાંબો કરીને કહે કે આ ઓશરીના બેય કોરના છેડે તૈણ તૈણ બાથરૂમ અને ચચ્ચાર સંડાસ છે, ત્યાં જવાનું! લાઈન નો હોય ત્યારે જવાનું. થોડા વખતમાં બધું સેટિંગ થઈ જાશે. રસીલાને સંડાસ-બાથરૂમ સિવાય કોઈ અગવડ લાગી નહીં. વળી મન મનાવ્યું કે સખપરમાં તો સાવ ઉઘાડામાં ખેતરે જાવાનું... સંગાથ ગોતવાનો… ઈ કરતાં તો સારું જ ને? ચા-પાણી પીધાં પછી, રસીલાને કપડાં બદલવાં હતાં તે કહે કે- ‘દુલાભાઈ! તમ્યે બા’ર એકાદ આંટો મારી આવો એટલે હું કપડાં બદલીને રાંધવાનું કરું! દુલાએ બહાર જવાને બદલે પલંગની આગળનો પડદો ખેંચી આપ્યો. રૂમ બે ભાગમાં વહેંચાઈ ગયો. ‘લ્યો આની પાછળ જઈને બદલી લ્યો. તમે સ્ટેશને ઘૂમટો તાણ્યો’તો ને? આ મોટામાયલો ઘૂમટો!’ રસીલા એકદમ હસી પડી ને પડદા પાછળ ચાલી ગઈ. સાડી બદલીને આવી અને નીચે બેસીને શાક સુધારવા વળગી. દુલો બાજુમાં બેસતાં કહે— ‘જોવો, આટલાં લૂગડાં તમારી રાહ જોતાં પડ્યાં છે.’ એમ કહીને એણે પલંગ નીચે પડેલા થપ્પા દેખાડ્યા. ‘આટલ્યાં બધાં? તમ્યે શીવ્યાં? ઓહો, અમારા દેરજી તો ખરા દરજી!’ ‘એટલે તો તમને બોલાવ્યાં ને! દુકાને રાત દિ’ કામ ખેંચ્યું છે… એક માણસ રાખ્યો’તો ઈય જ્યો ઈ જ્યો... એકલે હાથે બધે તો નો જ પોગાય ને?’ ‘તે નો પોગાતું હોય તો દેરાણી લિયાવોને! કામેય થાય ને બેય વાત!’ ‘બેય વાત’ શબ્દ બોલતાંમાં રસીલા આંખમાં તોફાન સાથે હસી. દુલો થોડો શરમાઈ ગયો. એને શરમાતો જોઈને રસીલા પૂછે : મુંબઈમાં કોઈ જોઈ રાખી સે કે શું? એવું હોય તો લિયાવો... હું ડોહાને સમજાવી દઈશ ને તમારા ભાઈ તો ભગવાનનું માણહ સે...!’ આટલું બોલતાંમાં તો એનો ઢીંચણ સહેજ ઊંચો થયો ને દુલાનો સાથળ દબાવ્યો. દુલાના આખા શરીરમાં ઝણઝણાટી ફરી વળી. એને સમજાયું નહીં કે શું જવાબ આપવો એટલે થોડો ખસવા પ્રયત્ન કર્યો. તરત જ રસીલાએ એના સાથળ ઉપર પોતાની કોણી દબાવીને પાછો બેસાડી દીધો! ‘ક્યો તો ખરા કોઈ રાખી સે કે નંઈ? મુંબઈમાં તો બધું જડી રે! હેં ને?’ ‘ના ભાભી ના... એવું કોઈ નવરું હોતું નથી. આંયા કામ આડે એવું કંઈ નો હાંભરે!’ અને રસીલા કામે વળગી. દુલાને લાગ્યું કે ભાભીએ જાણીકરીને અત્યારે વાત પડતી મૂકી છે પણ કેડો નંઈ મેલે! સહેજ ખસીને એણે પલંગ નીચેનાં લૂગડાંનાં પોટલાં ગોઠવવા માંડ્યાં. તરત જ રસીલા બોલી— ‘હવે એવું બધું કામ તમારે નથી કરવાનું.... મેલી દો કઉં સું મેલી દો… હું શું કામની સું? તમે કામે જાવ પસી મારે આ જ કરવાનું સે ને!’ દિયર-ભોજાઈ જમી પરવાર્યા એટલે રસીલા કહે કે ‘તમે અટાણે જ પહોંચ્યાનો કાગળ લખી દો. બાપાને હમાચાર નહીં મળે ન્યા હુધી હખ નંઈ વળે! પાછો કાગળ પહોંચતાંય ટેમ તો લાગે જ ને!’ દુલાએ પલંગના ગાદલા નીચેથી પોસ્ટકાર્ડ કાઢ્યું ને લખવા બેઠો. છેલ્લે બે લીટીની જગ્યા વધી તો ભાભીને કહે કે- ‘ભાભી! તમારે કંઈ ટાંક મારવી છે?’ ‘હજી હાલી આવું સું ને શું લખવાનું હોય? તમતમારે પૂરું કરી દો ને ભલા થઈને! પાછું તમારે દુકાનેય જાવાનું હશ્યે ને? ઈ વખતે ટપાલ નાંખી દેજો!’ રસીલા હસી. દુલો કહે કે, ‘આ તો તમારે જાદુભૈને કાંક લખવું હોય તો...’ ‘મારે કંઈ લખવું નથી. ઈમને તો હું હોઉં કે નો હોઉં બધું હરખું જ સે ને! ખઈન્ હુઈ જાવું ને મારીન્ ભાગી જાવું! બીજું કામ સું?’ ‘આ તો તમને અહાંગળો લાગતો હોય તો.. બે શબ્દ લખી નાંખો...’ ‘હવે લાંઠી કરવાનું મેલોને… દુલેરાય! બે સોકરાંની મા થઈ... આમેય તમારા ભાઈ પેલ્લેથી જ સાધુ જેવા વધારે!’ ‘પણ ભાભી મેં તો આજ રજા રાખી સે.. તમે આવવાનાં હતાં એટલે! એકદમ અહીં અજાણ્યું પડે. જો કે પાડોશ બધો સારો છે, પણ આપણાં ગુજરાતી ઓછાં... બધાં યુપીબિહારના અને અમુક તો મરેઠા. સહુ સહુનાં કામમાં મશગૂલ હોય. સવારે બધા ટિફીન લઈને નીકળી પડે તે ઠેઠ રાતે આવે. લોકલટ્રેઈનના ટાઈમે નો દોડે, તો ભેગું જ નો થાય! આપણે એવું કરીએ કે થોડીક વાર આરામ કરીને પછી બહાર નીકળીએ. હું તમને માર્કિટ દેખાડી દઉં. સાવ પાંહે જ છે. કાલ્યથી હું નો હોઉં તોય તમે જે જોઈ ઈ લિયાવી હકો.’ ચારપાંચ દિવસમાં તો રસીલા એવી ગોઠવાઈ ગઈ કે જાણે આ ઘરમાં વર્ષોથી રહેતી હોય એમ જ લાગે. ઘર પણ ચોખ્ખુંચણાક. બધી ઝીણીમોટી વસ્તુઓ એકદમ ઠેકાણે. ઘરમાં જાણે રોનક ફરી વળી! દુલો પલંગમાં સૂવે ને પોતે નીચે પથારી પાથરે. સવારે દુલો ટિફિન લઈને દુકાને ચાલ્યો જાય. રસીલા આખો દિવસ ગાજ-બટન કર્યાં કરે. તૈયાર થયેલાં કપડાંને ઈસ્ત્રી પણ કરવાની. ઈલેક્ટ્રિક ઈસ્ત્રી એને ફાવી ગઈ હતી. દુલો આવે ત્યારે રાતના નવ- સાડા નવ થઈ ગયા હોય! જમીને બેય એકાદ આંટો મારે ને સૂઈ જાય. એક દિવસ સવારે દૂધવાળો કહે કે ‘ટેલરસાહબ! શાદી કર લી ઔર હમેં બતાયા તક નહીં!’ દુલો જરા અવાજ બદલીને બોલેલો : ‘વો મેરી ભાભી હૈ. ગાંવ સે આયી હૈ...’ દૂધવાળો તો જતો રહ્યો પણ રસીલાનો રોમાંચ ઓછો થતો નહોતો. હસતાં હસતાં દુલાને કહે કે ‘લે! હું તો ઈને નવી આણાત જ લાગી હઈશ ને!’ ‘તે તમે લાગો છો જ એવાં… ઈનો બચારાનો સું વાંક?’ એમ બોલતો બોલતો બહાર બાથરૂમમાં નહાવા જતો રહ્યો. આવ્યો ત્યારે અંદરનાં કપડાં પણ ધોતો આવેલો, એને બહાર તાર પર સૂકવતો જોઈને રસીલા બોલી- ‘ઈ તમારે ચ્યાં લૂગડાં ધોવાની જરૂર હતી? હું મારાં ભેળાં તમારાં ધોઈ નો નાંખું? ખબરદાર જો કાલ્યથી લૂગડાંને હાથેય અડાડ્યો સે તો…!’ એણે દુલાને પ્રેમથી છણકાવી નાંખ્યો. દુલો જમીને દુકાને ગયો ને રસીલા એકલી પડી. ગાજ-બટન કરતી જાય ને વિચારતી જાય… એકલા ગાજનીય કોઈ કિંમત નહીં અને એકલા બટનની તો વળી હાજરી જ શી? બંને મળે તો જ કશુંક ઢાંક્યું રહે. એય દોરા બરોબર લીધા હોય તો! નહિતર તો બધું ઉઘાડું... એને જાદવજી યાદ આવ્યો ને એક નિસાસો નીકળી ગયો. રસીલાને જાદવજી મોળો અને ફિસ્સો લાગતો હતો. નહીં ઝાઝું કમાવાની ઝંખના, નહીં કોઈ સપનાં, ન કોઈ દિ’ ગામની બહાર જાવું. નહીં કોઈ ઉત્સાહ ન ઉમંગ. બસ એ ભલો ને એનાં લૂગડાં ભલાં! રોજ એકનું એક. ક્યારેય કોઈ આશ્ચર્ય નહીં, જાણે આ જગથી એની જાતજ જુદી, આખો દિ’ ભજનો ગાયા કરે! એને થાય કે પોતાના જેવી જીવરી પત્ની બીજા કોઈ માટીને મળી હોય તો ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય સમજીને ભગવાનનો ચ્યેટલોય પાડ માને. માથે લઈને ફરે! પણ આમને તો કોઈ વાતનું અચરત જ નહીં ને! આ દુલાને જ જોઈ લો ને બે દિ’ થ્યા નો થ્યા ત્યાં તો હાલો ભાભી ચોપાટીએ પાણીપૂરી ખાવા ને હાલો ભાભી ભેળ ખાવા! બસ દુલાને તો હરખનો જ પાર નંઈ! આજે સવારે જ કહી ગયા છે કે રાતે ફિલમ જોવા જાવાનું છે તે વેળાસર તૈયાર રહેજો! પશ્યાના બાપા તો લેંઘા કે પહેરણનો રંગેય બીજો નો લ્યે, ફાટે એટલ્યે પાછાં ઈ જ રંગનાં! રસીલા મુંબઈ આવી ને એનું સમૂળગું આયખું બદલાવા માંડ્યું. આ મોહમયી નગરીએ જાણે એની આંખમાં સપનાં વાવવાં માંડ્યાં. જિંદગીનો તાલ જ બદલાવા માંડ્યો. એની રગેરગમાં જીવન સંચરવા માંડ્યું. એને થયું કે સખપરની એકધારી જિંદગી એ કોઈ જિંદગી છે? મુંબઈની દોડધામ અને કામ કરવાની ધગશે રસીલાના મગજમાં ઘમસાણ મચાવી દીધું! સાંજ થવા આવી એટલે પોતે નાહીધોઈને તૈયાર થઈ. માથું ઓળવાનું બાકી રાખ્યું હતું. ભીના વાળ હતા એટલે માથે ટુવાલ વીંટાળી રાખેલો. બધી રસોઈ થઈ ગઈ ને કામ પતી ગયું એટલે એ દુલાની રાહ જોવા લાગી. એને પહેલી વાર થયું કે એ કોઈની આતુરતાથી રાહ જોઈ રહી છે. શાંતિડોહા જાતે આવીને જાદવા સાથે રસીલાનું સગપણ નક્કી કરી ગયા ત્યારે તો એણે જાદવજીને જોયોય નહોતો. એક દિયર છે જાદવજીથી બે-અઢી વરસ નાનો એટલી જ ખબર હતી. સાસરે આવતાં પહેલાં એકાદ વખત એ જાદવજીને મળી હતી. સીધાસાદા જાદવજી સામે એને કોઈ વાંધો નહોતો ને એવી કોઈ હા-ના કરવાની સ્વતંત્રતા પણ નહોતી. એ સમય જ એવો કે વડીલો જે કરે તે ખરું એમાં કોઈની ચૂં કે ચાં ન ચાલે. સગપણ નક્કી થયા પછી હોળીટાણે ડોહા હાયડો દેવા આવ્યા ત્યારે દુર્લભજીને પણ સાથે લેતા આવેલા. એ વખતે પોતે દુલા ઉપર જ વારી ગયેલી! આવો મીઠડો દેર છે તો જાદવજી તો કોણ જાણે કેવાય હશે? જાદવજીનું નામ લેતાં જ એના આખા શરીરમાંથી વીજળી પસાર થઈ ગયેલી! રસીલા વિચારમાં પડી ગઈ કે એ વખત કરતાં તો દુલો અત્યારે વધારે દેખાવડો લાગે છે. મુંબઈનાં હવાપાણી એના ઉપર બરાબરનાં ચડ્યાં છે. આખો દિવસ કામ કરે પણ કમાય કેટલું બધું! જાદવજીને તો પઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં! અહીં તો કામેય સાચું ને પૈસાય સાચા. ઉધારો તો એક રૂપિયાનોય નહીં! એને થયું કે દુલાની વાત તો સાચી છે કે બધાં આંય મુંબઈ આવતાં રહીએ તો માલામાલ થઈ જવાય. પણ ડોહાની વાતેય હાચી કે એમ કંઈ ગામમાંથી પગ કાઢી નો નખાય! પાછો જાદવજીનો સ્વભાવ એવો કે આંય કેટલા દિ’ ટકે એનો કોઈ ભરોસો નહીં. એણે આટલું વિચાર્યું ત્યાં તો દુલાનો પગરવ દાદરે સંભળાયો. ‘ચા મેલી દઉં દુલેરાય?’ કહેતાં એણે માથે બાંધેલો ટુવાલ છોડી નાંખ્યો. ખૂલીને વાળ ખભા પર લહેરાયા. પ્રાયમસ ઉપર તપેલી મૂકીને હારોહાર માથુંય ઓળવા લાગી. ચાને ઊભરો આવ્યો તો વાળમાં પાછળ કાંસકો લટકાવીને એણે એકબે ઉફાળા આવવા દીધા. સામે કપડાં બદલતા દુલાએ આ દૃશ્ય જોયું, એને લાગ્યું કે સિનેમાની વાતે ભાભી ખુશ છે. ખણકતી બંગડી અને સાણસીના અવાજ વચ્ચે રસીલાએ દુલાને હાથમાં ચા આપી અને પોતે ખુરશીએ બેઠી. ‘કેમ ભાભી આજે તો કંઈ બહુ મૂડમાં આવી ગયાં છો. મને દુલામાંથી દુલેરાય બનાવી દીધો!’ ‘તે તમારું સાચું નામ તો ઈ જ છે ને? પાછા તમ્યે છોય એવા.. પરાણે વહાલા લાગો એવા…’ એમ કહીને એણે અંબોડો વાળ્યો. દુલો તો એના હાથના વળાંકને જોતો જોતો કહે— ‘વખાણ નહીં કરો તોય આપણે પિચ્ચર જોવા જવાનું જ છે. તમે આટલું બધું કામ કરો છો તે તમને જલસા તો કરાવવા જ પડે ને! પાછું મુંબઈ જોવાનો મોકો કંઈ વારે વારે થોડો મળવાનો? ને આપડે બીજું કામેય શું?’ ‘ચ્યમ તમે મને આ છેલ્લવારકી જ બોલાવી સે?’ મેણું મારતી હોય એમ રસીલા બોલી. રસીલા આજે સરસ તૈયાર થઈ હતી. દુલાએ દાદરો ઊતરતાં ઊતરતાં એક નજર એની સામે કરી તો રસીલા ખુશ થઈ ગઈ. ‘શું ટગર ટગર જોવો છો?’ ‘તમે તો કો’કની નજર લાગે એવાં તૈયાર થયાં છો ને કંઈ!’ ‘નજર લાગે એવી કે નજર બગડે એવી? નક્કી કરી લો!’ ‘ચાલો હવે મોડું થાય છે! હજી તો રિક્ષા મળવામાંય વાર લાગશે.’ ચાલતાં ચાલતાં જ એણે પૂછ્યું : ‘કઈ ફિલ્લમ જોવાની સે ઈ તો ક્યો. કે પાધરાં જઈને બેહી જ જવાનું સે?’ દુલાએ હોઠ ભીડ્યા ને સહેજ મરક્યો. હળવે રહીને કહે કે ‘ગાઈડ’ દેવાનંદ અને વહીદા રેમાનની.... બધાં બઉ વખાણે છે... મરાઠામંદિરમાં જાવાનું છે!’ ‘મંદિરમાં પિચ્ચર?’ આટલું બોલી ત્યાં તો હાથમાં મોગરાનાં ફૂલના ગજરા લઈને એક બાઈ આવી ઊભી. બંનેની ગતિને એણે રોકી. દુલાએ સીધો શર્ટના ઉપલા ખિસ્સામાં હાથ નાંખ્યો ને પેલી બાઈએ રસીલાના હાથમાં ગજરો મૂકી દીધો. રસીલાને કંઈ ખબર પડે એ પહેલાં, ફટાફટ બધું થઈ ગયું. મંદિર એટલ્યે ભગવાનનું નહીં! મરાઠામંદિર થિયેટરનું નામ છે. એમાં એક વરહથી આ પિચ્ચર હાલે છે.’ ‘એક વરહથી હાલે સે તો તમે તો જોઈ આવ્યા જ હશ્યોને?’ ‘ના નથી જોયું! એક તો ટેમ મલે નહીં ને પાછું જવુંય કોની હાર્યે? કો’ક હારા માણહની વાટ્ય જોતો’તો...’ ‘તે મને વેલ્લી તેડાવી લેવી’તી ને!’ એમ કહી રિક્ષામાં બેઠાં બેઠાં દુલાના વાંહામાં હળવેથી એક ધબ્બો માર્યો અને પોતે માથા પાછળ બેય હાથ ઊંચા કરીને ગજરો બાંધ્યો. ભાભીની અને મોગરાની સુગંધ એકમેકમાં ભળી ગઈ..

***