સોનાની દ્વારિકા/ચાર

ચાર

બીજે જ દિવસે કરુણાશંકર માસ્તરે વહેલી સવારે સુરેન્દ્રનગરથી વાયા વિરમગામ, અમદાવાદની ગાડી પકડી. ત્યાંથી મુંબઈ બાજુની બીજી ગાડી બદલી. સમય જાણે ખસતો નહોતો. ગાડી એની ચાલે ચાલતી હતી. માસ્તરના મનના ઉચાટને સામે બેઠેલા પેસેન્જરો પણ વાંચી ગયાં. ખાદીનાં ધોતિયું- ઝભ્ભો-બંડી ને માથે ટોપી. કશું કહેવાની કે ઓળખાણ આપવાની જરૂર ન પડી. માસ્તર ત્રાહિતના કામે નીકળ્યા છે એ જાણીને ઉમરગામના એક વૈષ્ણવ પરિવારે કહ્યું કે ‘અમારી સાથે, અમારા ઘેર જ આવો. ધરમશાળા કે ગેસ્ટહાઉસમાં ઉતરવાની જરૂર નથી. દવાખાનાના કામમાં પણ અમે તમારા પડખે રહેશું. અમારે ઘણા ડૉક્ટરો સાથે ઓળખાણ છે.’ માસ્તરની અડધી ચિંતા ટળી ગઈ. એક તો પારકો પ્રદેશ, પાછું કંઈ જોયેલું નહીં. ખાસ તો ખાવાપીવાની તકલીફ. ગાંધી હાડોહાડ ઊતરી ગયેલા એટલે બીજો કોઈ બાધ નહીં, પણ બધું ચોખ્ખું જોઈએ. બે-ત્રણ કેળાંમાંય સાંજ પાડી દે! જો કે કોઈ પણ જાતના જડ આગ્રહો નહીં. ઘરની બહાર નીકળ્યા એટલે બધું ચલાવી લેવું જોઈએ એવી એમની વ્યવહારુ સમજ. વળી ત્યાંય શી પરિસ્થિતિ હશે એનો અત્યારે અંદાજ કાઢવો મુશ્કેલ હતો. ઉમરગામના વૈષ્ણવ પરિવારના રમણીકભાઈ અને સરલાબહેન ધર્મભીરુ અને ભલાં માણસ. સોનાચાંદીનો ધંધો. બપોર થઈ એટલે એમણે ભોજનના ડબ્બા ખોલ્યા. પાણીયે ઘરેથી લાવેલાં. થેપલાં-અથાણું ને સુખડી. માસ્તરનેય ભેગા લીધા. કહે કે ‘દાણે દાણે ઠાકોરજીએ ખાનારનું નામ લખ્યું છે. વળી અમારે સરલાને કંઈ ઓછું ન ખપે. બધું બરોબર થઈ રહેશે. ચિંતા ન કરો.’ માસ્તરેય ઘરેથી લાવેલા એ ભાથું કાઢ્યું. મેથીનાં વડાં અને બાજરીના લોટનો ઘશિયો. સામસામે આપલે થઈ. સરલાબહેનને ઘશિયો બહુ ભાવ્યો. એટલે માસ્તરને એની રીતેય પૂછી લીધી! માસ્તરે વીગતવાર સમજાવ્યું: ‘પહેલાં બાજરીનો લોટ ઘીમાં બરાબર શેકીને દાણો પાડી લેવાનો. પછી જરૂર પ્રમાણે ગોળનો ભુક્કો ભેળવી દેવાનો. સાવ સહેલું છે. બનાવતાં વાર લાગે નહીં ને બે-ત્રણ સુધી દિવસ બગડેય નહીં. થોડોક ખાઈને પાણી પીએ કે પેટ ભરાઈ જાય!’ સ્ટેશન આવ્યું એટલે માસ્તરનો જીવ હાથમાં ન રહ્યો. ટોપી માથે મૂકતાં બોલ્યા: ‘હું સીધો જ દવાખાને જઈશ. ખબરઅંતર પૂછીને પછી તમારે ઘેર આવીશ. રમણીકભાઈ કહે કે સ્ટેશનથી અમારા ઘરે જતાં રસ્તામાં જ સરકારી દવાખાનું આવે છે. સરલા અને સામાન ઘેર જશે ને હું તમારી સાથે આવીશ. બધા ઘોડાગાડીવાળા ઓળખીતા જ છે.’ નવ નંબરના ખાટલામાં તુલસી સૂતો હતો. બાજુના ટેબલે એનો ભાઈબંધ બેઠેલો. આખા શરીરે પાતળી ચાદર ઓઢીને સૂતેલો તુલસી છતમાંથી કંઈક ચિત્ર-વિચિત્ર આકારો શોધી રહ્યો હતો. અચાનક કોઈના આવવાનો અવાજ સંભળાયો. એણે અવાજ બાજુ આંખ ફેરવી. માસ્તરને જોયા ને એકદમ ઊભો થવા ગયો કે તરત જ ભાઈબંધે એને રોકી લીધો. તુલસીએ માંડ માંડ હાથ ઊંચો કરવા જેવું કર્યું ને એની આંખ માસ્તરના પગ ઉપર એકાદ ક્ષણ સ્થિર થઈ ને તરત ગંગાજમનાએ મારગ કર્યો. માસ્તરે એના માથે હાથ મૂક્યો ને બે ઘડી આંખો મીંચીને બેસી રહ્યા. મહાપરાણે સ્વસ્થતા ધારણ કરી. થોડી વાર પછી હળવે રહીને તુલસીની ચાદર આઘી કરી તો ચક્કર આવી ગયાં. એ પાછા ટેબલ પર બેસી પડ્યા. શરીર પરની આખી ખોળ ઊતરી ગઈ હતી. રમણીકભાઈ પણ ભાવુક થઈ ગયા. થોડી વાર પછી એ ઘેર ગયા અને કહેતા ગયા કે હમણાં ટિફિન મોકલશે. ડૉક્ટર તો સાંજે મળશે એમ જાણ્યું પણ કરુણાશંકરથી રહેવાયું નહી. એમણે નર્સને બોલાવી. જરા આઘે લઈ જઈને પૂછ્યું, ‘તુલસીને સારું તો થઈ જશે ને?’ નર્સે હસીને કીધું કે ‘સો એ સો ટકા સારું થઈ જશે. થોડો ટાઈમ લાગશે, પણ આખા શરીરે સફેદ ડાઘ તો રહેવાના જ. તોય એમ કહો કે મોઢું બચી ગયું! આવતી કાલે તો એને થોડું થોડું ચાલવાનુંય ડોકટરસા’બ કે’તા’તા...’ માસ્તરને હાશ વળી. તુલસીના ભાઈબંધ સાથે ઓળખાણ કરી. એ છોકરાનું નામ મનસુખ. મજૂરીએ લઈ જવાવાળો જ એ હતો એટલે એના મનમાં પસ્તાવાનો પાર નહોતો. માસ્તર પાસે એક વાર રડતાં રડતાં બોલી પણ ગયો કે ‘આ બધું મારે કારણે જ થયું છે. હું એને અહીં લાવ્યો જ ન હોત તો…’ માસ્તરે એને સમજાવ્યો કે ‘ભાઈ! આ બધું તો બનવાકાળ... જે થાવાનું હોય એ થઈને જ રહે. આપણાથી એમાં મીનમેખ ન થાય અને તારો ઇરાદો તો સારું કરવાનો જ હતો ને?’ આ બે શબ્દ સાંભળ્યા અને મનસુખની હિંમત વધી ગઈ. રાતની મુસાફરી હતી, એટલે માસ્તરને થયું કે થોડો આરામ કરી લઈએ; એમ ધારીને બપોરે જમ્યા પછી બાંકડા ઉપર જરા આડે પડખે થયા. માંડ જરાક આંખ મળી હશે ત્યાં તો તુલસીએ કાળી ચીસ નાંખી. ‘ઓ... માડી રે!’ માસ્તર સફાળા જાગ્યા ને ધોતિયું સરખું કરતાં દોડ્યા. મનસુખ પણ ‘શું થ્થું? શું થ્થું?’ કરતો ઊભો થઈ રહ્યો. માસ્તર એના ખાટલા સુધી પહોંચે એટલી વારમાં, પોતું કરવાવાળી બાઈ હાથમાં લાકડી સાથે બાંધેલું પોતું અને ડોલ લઈને પાછળની ઓસરી બાજુ સરકી ગઈ. માસ્તરે જોયું કે એણે લાજ કાઢી હતી. કરુણાશંકરે તુલસીના માથે હાથ મૂક્યો અને મનસુખને કહ્યું કે ઊંઘમાં ઝબકી ગયો લાગે છે. તુલસી ‘મા… મારી મા…’ એમ બબડતો હતો. માસ્તરને થયું કે દુ:ખમાં માણસને મા ન સાંભરે તો કોણ સાંભરે? ગમે તેવી તોય મા. મૂએલી સાંભરે તો જીવતી કેમ ન સાંભરે? એના માથે હાથ ફેરવતાં ફેરવતાં કહે કે ‘મેં તને બોટાદકરની કવિતા ‘જનનીની જોડ’ ભણાવેલી કે નહીં? બેટા! તારી મા તો હવે સપનું થઈ ગઈ.... ભગવાન જાણે ક્યાં હશે? હળાહળ કળિયુગ. બીજું તો શું કહીએ? તું તારે ધીરજ રાખ. સહુ સારાં વાનાં થાશે. ભગવાન જેવડો ધણી છે.’ તુલસીએ સાહેબની આંખમાં આંખ પરોવી. પછી રોતાં અવાજે કહે : ‘અબઘડી મેં મારી માને જોઈ. સગ્ગી આંખે જોઈ. આયાં પોતું કરતી’તી… ઈ જ… મને ભાળીને ભાગી ગઈ. ઈ જ... ઈ કાંઈ સપનું નો’તું!’ માસ્તર વિચારમાં પડી ગયા. આવું તો કેમ બને? કદાચ તુલસીને ભ્રમ થયો હશે એમ માનીને મૂંગા રહ્યા. થોડી વારે તુલસી શાંત થયો. એની આંખો ઘેરાવા લાગી. ઊંઘમાંય એની પાંપણ ફરકતી હતી. માસ્તરનું મન હાથઝાલ્યું ન રહ્યું. ઊભા થઈને બાજુના સ્ત્રીવોર્ડમાં ગયા. ત્યાં પેલી બાઈ પોતું કરતી હતી. માસ્તરે એને ખબર ન પડે એમ ધારી ધારીને જોઈ. ‘કહો ન કહો પણ આ છે તો રામી જ!’ પણ એને બોલાવવી કેવી રીતે? બારણા પાસે ઊભેલા માસ્તરને અચાનક રામીની નજર જોઈ ગઈ. તરત એણે કપાળ ઉપર સાડલો ખેંચી લીધો ને અવળું ફરીને ઊભી રહી. એના હાથ થંભી ગયા એ જોઈને માસ્તરને કોઈ સંશય ન રહ્યો. ‘અરે બાઈ! પંડ્યના જણ્યાથી આઘી જઈ જઈને કેટલેક જઈશ? તું તો માણસ છો કે મતીરું? જોતી નથી આ તારો છોકરો બળીને ભડથું થઈ ગયો છે ને તારું રૂવાડુંયે ફરકતું નથી? આટલો બધો સ્વારથ વહાલો કર્યો?’ માસ્તરે એક સામટા પ્રશ્નોની ઝડી વરસાવી દીધી! બાઈએ પોતું સામેની ભીંતે ઊભું મેલી દીધું. વોર્ડના બધા દર્દીઓ અને એમનાં સગાવહાલાંઓ જોઈ રહ્યાં. રામી માસ્તરના પગ આગળ લગભગ આળોટવા માંડી. હીબકે ચડી ગઈ. પહેલાં તો સહુને લાગ્યું કે કોઈના મયણાના સમાચાર હશે! કેટલીય વાર સુધી તો કંઈ બોલી ન શકી. લાજનું ઓઢણું એમ જ રાખીને ધીરે ધીરે કહે કે ‘મારા જિયાને હું નો ઓળખું? ભલે જુવાનજોધ થઈ જિયો, પણ મારી નજર ઈને નો ઓળખે? રૂંવેરૂવું ઈના બાપનું! ઓળખી તો જઈ’તી. પણ ઈની હામું ચિયા મોઢે જઉં? ઈ મને ઓળખી જાય ને કંઈ ઉધમાત કરે તો ઈની બધી ચ્યામડી ફાટવા માંડે.... હું મા ઊઠીને ઈનું હારું નો કરી હકું તો કંઈ નહીં, પણ પીડા તો નો દઉંને? અઠવાડિયાથી જોઉં સું પણ કવ તોય કુંને? ને કઈનેય સું? મોટાસાયેબ, આટલા દિ’થી વલોપાત કરું સું... માહ્યલો બઉ બળે સે... ઈને હુવાણ્ય થાય ઈની વાટ્ય જોઉં સું.... કદાચ સે ને ઈ મારી ઉપર હાથઉઠલો કરે ને શેલ્લી બાકીનો મારો જીવ લઈ લે તોય હું ઈ જ લાગની સવ…’ રામી ભોંય ઉપર માથું ફોડવા લાગી. છાતી ફૂટવા લાગી. માસ્તરનો જીવ હાથ રહ્યો નહી. વાંકા વળીને એના ખભા પકડી ઊભી કરી. ‘રામી હવે જો જાત ઉપર જુલમ કર્ય તો તને તારા છોકરાના સમ... આમ બા’ર આવ્ય. એમ કહીને એમણે બારણું ચીંધ્યું. રામી રોતી રોતી બહાર લોબીમાં આવી. માસ્તર બાંકડે બેઠા ને રામી આઘું ઓઢીને એમના પગ પાસે બેસી પડી. માસ્તરે ટોપી ઢીંચણમાં ભરાવી ને શાંત અવાજે કહ્યું કે ‘માંડીને વાત કર. તારું હૈયું હલકું કર. મને તારો બાપ જ જાણજે. તને ખબર છે? તું ગઈ તે દિ’નું આ બાપદીકરાએ ધરઈને ધાન ખાધું નથી.’ રામીનાં ડૂસકાં થોડાં ઓછાં થયાં. માસ્તર એની સામે મૌન બેસી રહ્યા. ધીમે અવાજે રામીએ મોં ખોલ્યું. ‘મોટાસાયેબ! તમારી આગળ ખોટું બોલું તો મને મેલડી લે! હાત ભવેય વાંઝણી રહું. જુવાનીના જોમમાં હું ભાન ભૂલી જઈ’તી. ઇંના હનકારે ભાગી તો ખરી પણ હખ નો પામી. સખપરથી નીહરીને પાધરાં અમ્યે આવ્યાં સુરત. ઈમને મિલમાં જૂની ઓળખાણ હતી તે હંચે બેઠા. પણ કે’તમાં કીધું સે ને દગો કોઈનો હગો નંઈ. કો’કની આંતરડી બાળી ઓય તો ટાઢ્યક ચ્યાંથી જડે? બરોબર બાર મઈને જ ઈમનું હાડફેલ થઈ જ્યું. દવાખાને જાવાનોય ટેમ નો રિયો. નખમાંય રોગ નો’તો પણ મને રઝળતી મેલીને જતા રિયા. મા શિકોતરે બધું આંયનું આંય દેખાડી દીધું… હું તો ચ્યાંયની નો રઈ...! તળશ્યાનું કે ઈના બાપનું ઓહાણ તો એક ઘડીય જ્યું નથી. પાસી સખપર વઈ જઉં એવું તો બઉયે થિયું. પણ, ગામમાં ચ્યમ કરી ને પગ દેવો? ઈનો બાપ મને ઊભી ને ઊભી વાઢી નાંખે. ક્યો ન ક્યો પણ ખોળિયામાંથી જીવ કાઢવાનું સ્હેલ નથી સાયેબ! અને આ કંઈ દોરો તો સે નંઈ કે હાલો ટચ દઈન તોડી નાંઈખી... બે વાર મરવા જઈ પણ સિયાનું મોઢું જોવાનું લઈખું હસે તે જીવતી રહી. પાશેરનું પેટ ભરવા ઘણું આથડી. નો કરવાનાં કામાં કર્યાં... પણ સાયેબ હું ઈ જ લાગની સું. મેં બાપદીકરાનું જીવતર ધૂડ્ય કરી નાખ્યું. બાપા મને માફ કરો. મારો ગનો માફ કરો. કાં તો તમારા હાથે જ મને ટૂંપો દઈ દ્યો અટલ્યે હું સૂટું આ બળતરાથી...’ માસ્તરે એને ધરાઈને રોઈ લેવા દીધી. સાવ થાકીને લોથ થઈ ગઈ એટલે માથે ટોપી પહેરતાં મક્કમ અવાજે કહે કે, ‘હું આવ્યો’તો આ તળશ્યાની ખબર કાઢવા પણ હવે તમને બેયને લઈને જ સખપરમાં પગ મૂકીશ!’ રામી એકદમ ગભરાઈ ગઈ. ‘અરે સાયેબ જો જો હોં એનો બાપ મને જીવતી નંઈ રવા દે!’ ‘તું તારે બે નાં બે ગણ્યે રાખ ને… માણસ તો શું સજા કરવાનો? બાઈ તેંય કંઈ ઓછું વેઠ્યું નથી. કુદરતે તને ને જાયમલને પૂરતી સજા કરી દીધી છે. હવે તો તમને ભેગાં કર્યે જ છૂટકો!’ માસ્તર નહીં જાણે વિધાતા બોલતા હતા. સાંજે ડૉક્ટર આવ્યા. કહ્યું કે હવે તો ઘણું સારું છે. એક બે દિવસમાં રજા આપી દઈશું. પછી ઘેર મલમ ચોપડવાના, દવા લેવાની ને સાચવવાનું! માસ્તરે બધી વાત કરી ને કહ્યું કે અમે સુરેન્દ્રનગર સારવાર કરાવીએ તો કેવું? ડૉક્ટર સંમત થયા ને બીજે દિવસે નીકળવાનું નક્કી કર્યું. મનસુખને પાછો અમદાવાદ મૂકીને ત્રણેય જણાં ગાડીઓ બદલતાં બદલતાં સુરેન્દ્રનગર આવ્યાં. આખી વાટ રામી અંદરથી થરથરતી રહી. માસ્તરે તુલસીને આશ્વાસન આપતાં કહ્યું - ‘ગમે એમ તોય તારી મા છે. તારી જન્મદાત્રી છે. અમુક વરસ ધરતી ઉપર દુકાળ પડે તો શું આપણે ધરતીને છોડી દઈએ છીએ કે વરસાદ આવે એની રાહ જોઈએ છીએ? તુલસી! તારા પૂરતી તું ઓલી કહેવત સુધારી લે. તું એનું છોરું છો તો કછોરું ન થા...!’ તુલસીને મન ‘સાયેબ’નો આદેશ એટલે ભગવાનનો આદેશ! સ્વીકારી લીધું, પણ મન હજી મોકળું થતું નહોતું. આખે રસ્તે રામી એની આળપંપાળ કરતી રહી. પણ તુલસી એની સાથે નજર મેળવતો નહોતો. માસ્તર મનમાં જ બોલ્યા, ‘આ સમય નામની દવા અદભૂત છે! વખત જતાં ભલભલા ઘા રુઝાઈ જાય!’ એ જ વખતે માસ્તરની નજર પડી. રામી પોતાના પાલવથી તુલસીના શરીરે ઊડી ઊડીને આવતી માખીઓને ઉડાડતી હતી! સીધાં જ સરકારી દવાખાને! તુલસીને ત્યાં દાખલ કર્યો ને સખપર ગમ્ભાભાઈને સમાચાર મોકલ્યા કે તાત્કાલિક દવાખાને આવો. એમ સમજો ને કે દરબાર ચડ્યેઘોડે આવ્યા. માસ્તરે દરબારને કહ્યું કે ‘તમારા ભરોસે એક સાહસ કર્યું છે. આ છોકરાની માનેય ભેગી લેતો આવ્યો છું. એ સામે બેઠી ખૂણામાં!! એની માનું નામ સાભળીને ગમ્ભા ચોંકી ઊઠ્યા. એમના મનમાં એક સાથે અનેક પ્રશ્નો ઊઠ્યા- ‘તો પછી જાયમલ ક્યાં?’ માસ્તરે કીધું કે ‘એ તો હાર્ટએટેકમાં એકાએક જ ગયો! નિયતિ એનો ખેલ કરી ગઈ. હવે આ બાઈનેય પાછી એના ઘરમાં ઠેકાણે પાડવી પડશેને? ઉકાને તો શું છે. કે નાતરિયું વરણ અને હવે ઉંમરેય થઈ. ફરી પાછું ઘર બંધાશે એ આશાએ માની જશે. પણ જાયમલના ઘરના ને તો તમારે સંભાળી લેવા પડશે. નહિંતર એ બધાં રામીનો જીવ લીધા વિના નહીં છોડે... નવાસરનો એકડો ઘૂંટાવવાની વાત છે!’ ‘એક-બે દિવસમાં તમને લેવા આવશું.’ એમ કહી, પરચૂરણ વાપરવાના થોડા રૂપિયા આપ્યા ને મા-દીકરા બેયને દવાખાને મૂકી ગમ્ભા અને માસ્તર સખપર જવા નીકળ્યા. જતાં જતાં રામીને સૂચના આપતાં ગયા કે ‘અમે નો આવીએ ત્યાં સુધી તું છતી નો થાતી. બધું રાગે લાવવામાં થોડો વખત તો લાગે... ને!’

***