સોનાની દ્વારિકા/પાંચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પાંચ

માસ્તરે ગામમાં આવીને પહેલું કામ ઉકાને નિશાળે બોલાવવાનું કર્યું. ઉકાના મનમાં ફાળ પડી. ઉપરાઉપરી પ્રશ્નો થયા, ‘ટપાલ આવી હશે? તળશ્યાએ ભણવા-કરવામાં કો’ક ભૂલ્ય તો નહીં કરી હોય? નકર મને અટાણે શું કામ બોલાવે?’ એ બાપડો નિશાળની બહાર ઓટલે બેસી પડ્યો. માસ્તરે કહ્યું કોઈ પણ જાતની બીક રાખ્યા વિના અંદર આવ્ય. મોટામાસ્તરની સાથે ગમ્ભાબાપુને જોઈને પરસેવો વળી ગયો. ગમ્ભાએ ઉકાને કીધું કે- ‘કાંઈ ઉપાધિ કરવા જેવું નથ્ય તું તારે ધા’ણ રાખીને બેસ. મોટાસાયેબ હમણેકા ગામમાં નો’તા ઈ તો તને ખબર્ય જ સે. ઈમને અમદા’દ કોર્ય કામે જાવાનું હતું તે મેં કીધું કે ભેળાભેળો તળશ્યાનોય હંધેહો લેતા આવજો. ઈમને થોડોક ફેર ફરવો પઈડો હશે પણ ભેગા થઈને જ આઈવા. ઉકાના મોઢા પર ઉત્સુકતા ફરી વળતી જોઈ એટલે એમણે માસ્તર સામે જોયું ને કહે કે- ‘હવે તો તમ્યે જ માંડીને વાત ક્યો...!’ ‘વાત જાણે એમ છે કે છેલ્લે તુલસીનો જે કાગળ આવેલો એમાં લખ્યું હતું કે, એ એના ભાઈબંધ મનસુખ ભેગો રોડ બનાવવાના કામે જવાનો છે.’ માસ્તરે ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું કે- ‘કામ કરતાં કરતાં, હાથમાં ઝાલેલી ગરમ ડામરની ડોલ ઢોળાઈ ગઈ એટલે, તુલસી થોડોઝાઝો દા… ઝી ગયો હતો.’ એકે એક શબ્દ છુટ્ટો પાડતા ગયા ને કહેતા ગયા- ‘જો કે આ વાતને તો ઘણા દિવસ થયા. તારે ગભરાવાની કાંઈ જરૂર નથી. એને એ બાજુના દવાખાને દાખલ કર્યો હતો. તોય એમ કહે કે એને વખતસર સારવાર મળી ગઈ! હવે તો ઘણું સારું છે. હું પોતે એની ખબર જોવા ગયો હતો. તે મારી સાથે પાછો તેડતો આવ્યો! મેં તો એને કીધું કે, આપણે કંઈ નથી કરવાં આવાં કામ! અને ઈ પૈસાની ખોટી બળતરા કરે છે. આવડું મોટું ટ્રસ્ટ છે, વધારામાં ગમ્ભા ને હું તો બેઠા જ છીએ ને! હમણો ઈને આરામ માટે સુરેન્દ્રનગરના દવાખાને રાખ્યો છે. આજકાલમાં આપણે જાશું ને એને આંય ઘેર લઈ આવશું.’ ઉકાનું માથું જાણે ભમી ગયું હોય એમ ડોળા ચકળવકળ થવા માંડ્યા. થોડીક વાર તો કોઈ કશું બોલ્યું નહીં. પછી માસ્તરે જ મૌન તોડ્યું. ‘ત્યાં તો જાણે પાધરી ભગવાને જ મોકલી હોય એમ રામી, એની મા મળી ગઈ... એય બિચારી પારકા પ્રદેશમાં ઝોલાં ખાતી’તી, મેં એને ભારે ઠપકો આપ્યો ને હારોહાર એનેય તેડતો આવ્યો. ગમે તેવી તોય તારા તળશ્યાની મા...’ માસ્તર ઉકાના બદલાતા હાવભાવ જોતા જાય ને હળવે હળવે કહેતા જાય! ‘પહેલાં તો મેં એને ચોખ્ખી ના જ પાડી દીધી. હવે કાંઈ ઉકો તને ઘરમાં નો ઘાલે! ઈ તો વટનો કટકો છે કટકો, સમજીને? બાઈ, તારે જ્યાં જાવું હોય ત્યાં જા. રખડી ખા તું તારે! આ આખી પરથમી ઉઘાડી પડી સે.... પણ પછી તો એણે ઘણી માફી માગી ને અધમણ આંસુડે રોઈ તે મારા જીવને થયું — ધાર કે આપણે તારા માટે, નાતરાની કોઈ બીજી બાઈ લાવીએ તો ઈ તારી વહુ થઈને રહે પણ છોકરાની મા ક્યાંથી થાય? એના કરતાં રામી જ શું ખોટી? ને હવે તો જોવનાઈનાં જોરેય ક્યાંથી હોય? ગમે તેવી તોય તળશ્યાની મા...’ ઉકાને વિશ્વાસ બેસતો જાય છે ને ખાસ કોઈ વિરોધી ભાવ એના ચહેરા ઉપર નથી દેખાતા એમ જાણીને વાતનો દોર ગમ્ભાએ પકડી લીધો. એમણે માસ્તર સામે જોઈને વાત શરૂ કરી : ‘ઉકો તો આપડે કેઈ ઈમ જ કરે એવો સીધો છે બાપડો.... ઈને તો શું છે કે તળશ્યો મા ભેળો થાય ને એમ કરતાં ઘરેય હચવઈ જાય. પણ... આ નાડોદાઓ હાળાં માને એવાં નથ્ય. હવે આપડે ઈમને ક્યાંથી જાયમલ લાવીન દઈએ? ઈ તો જ્યો ઈના ભાનું ભાત લઈન પાધરો ભગવાનના ધામમાં...’ ઉકાથી રે’વાયું નહીં, ‘બાપ, સું બોલોસો તમ્યે? ઈ ઘોડાઠોકીનો… જો તરત જ એણે જીભને સંભાળી લીધી. અને કહે, જા.. ય.. મ.. લ...?’ ગમ્ભા કહે કે ‘ઈનું તો હાડ્ફેલ થઈ જ્યું! બચારો ફુગ્ગાની જ્યમ ફૂટી જ્યો... ઈમાં રામીયે સું કરે? ને કોઈયે સું કરે? કીધું સે ને કે — ટૂટી ઈની કોઈ બૂટી નંઈ... જેવી માંડવરાયની મરજી!!’ ધડાધડ એકસામટી, બધીયે વાત ગળે ઊતરી ગઈ હોય એમ ઉકો બાઘુંબાઘું જોઈ રહ્યું. ફરી દરબારે તક લીધી. કહે કે- ‘નાડોદાઓને તો હું સમજાવી દઈશ. આટલ્યો બધો વખત જ્યો ઈમાં અડધાં તો ભૂલીય જ્યાં હશ્યે...! જો ઉકો રામીના બારામાં હા ભણે તો... બધું અઠવાડિયા-દહ દિ’માં હમુંહુતર કરી દંઈ...’ માસ્તરે ઉકા સામે નજર માંડી. જાણે એના મોઢા સામે અટાણે જ રામી આવી ગઈ હોય એમ મલકી ઊઠ્યો, પણ તરત જ એના ચહેરા પર પીડાની એક લકીર આવી... આવી ને જતી રહી. બંને જણ સમજી ગયા કે રે’તાં રે’તાં પણ મામલો થાળે પડી જશે. ‘ઠીક તારે ઉકા, તું જા વાહમાં ને અમ્યે બીજી વેવસ્થામાં લાગી જાંઈ… પણ આખી વાત પેટમાં રાખજે નકર મા-દીકરો ઘર્યે આવતાં તો સું આવશ્યે, પણ નાડોદાઓના હાથ્યે ઊભો ને ઊભો તું વઢઈ જઈસ એટલ્યું નક્કી...’ ગમ્ભાના અવાજમાં થોડી દરબારી કરડાકી આવી ગઈ! દરબારના મનમાં એમ કે અટાણે ઉતાવળ નો કરીએ અને રાત્રે ડાયરા વખતે જાયમલના બાપ જેસંગને અને એના કાકા બનેસંગને બોલાવીએ, તો બીજા બે-પાંચનો ટેકો મળી રહે ને ડાયરાની શરમેય પોંચે! પણ માસ્તરનો વિચાર કંઈક જુદો હતો. કહે કે, ‘દરબાર! આવા દુ:ખના સમાચાર ડાયરામાં ન દેવાય. કાલે સવારે રતનો ધણમાં ઢોરાં લઈને આઢે એ પછી, આપણે જેસંગના ઘરે જઈએ.’ ગમ્ભા માની ગયા. એમણે દૂદાને બોલાવ્યો ને કીધું કે ‘અટાણે જઈન જ જેસંગને કહી આવ્ય કે કાલ્ય હવારે ધણ આઢે, તીકેડ્યે મોટા સાયેબ અને હું ચા-પાણી પીવા આવશ્યું.’ એક ઓસરીએ ચાર ઓરડા ને વીઘા એકનું તો ફળિયું. એવી જ રીતે સામેના બારનાં ઘર એના કાકા બનેસંગનાં. ફળિયું બેયનું સહિયારું. જેસંગની ઓસરીની ભીંતે ભગવાનના ફોટાની સળંગ હાર. પાંચ ફોટા ડાબી બાજુ ને પાંચ ફોટા જમણી બાજુ. એમાં એકેય ભગવાન બાકી નહીં. ઝેર પીતા શંકર, કદંબની હેઠે રાધાજી સંગે ઊભેલા બંસીધર શ્રીકૃષ્ણ, રામપંચાયતન, પાટે બેઠેલા ગણપતિ, એક હાથમાં પહાડ અને બીજા હાથમાં ગદા સાથે ઊડતા હનુમાનજી. વચ્ચોવચ્ચ કાચના કબાટમાં સાયન્ટિફિક કંપનીની ડંકાવાળી ઘડિયાળ. ચાલુ હોય તો દર અડધા કલાકે ડંકા દીધે રાખે. લોલકમાં ભરાવેલો જાયમલનો ફોટોય બંધ. નહિંતર તો ઘડીક આમ ને ઘડીક તેમ ડોલ્યા કરતો હશે. કબાટની નીચેની પટ્ટીમાં વાંકાચૂંકા અક્ષરે લખ્યું હતું ‘દર ગુરુવારે ચાવી આપવી.’ પણ, આજે શનિવાર થયો તોય કોઈએ ચાવી દીધી નહીં હોય એટલે ઘડિયાળ બંધ હતી. કે પછી કોણ જાણે કેટલાય ગુરુવાર ચાલ્યા ગયા હશે! ઘડિયાળ પછીના ફોટામાં બધી દેવીઓ. વાઘની સવારીએ અંબાજી, પોઠિયા ઉપર શિવપાર્વતી, લાંબી જીભવાળાં મહાકાળી. ચોટીલાવાળી ચામુંડ અને છેલ્લે હાથી ઉપર બેઠેલાં મહાલક્ષ્મી. વચ્ચેના નાટની ખીલીએ લટકતો લાંબી દાઢીવાળા કોઈ સંતનો સાવ પીળો પડી ગયેલો એક નાનકડો ફોટો. ઓસરીના ડાબા છેડે, આખેઆખો માણસ ઊભો રહી જાય એવી માટીની ત્રણ કોઠી. બાજુમાં ઊંડો ખાંડણિયો, એમાં જારના દાણા ઉપર ઊભું મૂકેલું સાંબેલું. ખંડાયેલી જારની મીઠી સુગંધ હજી આવતી હતી. બાજુમાં પડેલું સૂપડું અને કથરોટ સૂચવતાં હતાં કે હમણાં જ કોઈ કામ કરતું કરતું ઊભું થઈને અંદર ગયું છે. ફળિયાની વચ્ચોવચ પાથરેલા બે ખાટલા અને એના ઉપર પાથરેલી ધડકીઓ. જમણા છેડે, ત્રણ ખામણાંવાળું લાકડાનું પાણિયારું. બે ખામણાંમાં મોટા ગોળા ને એકમાં પિત્તળનું બેડું. પાણિયારાની આગળની વાડે લોટા-પવાલા. તાંબાના લોટાની ડોકમાં લોખંડના પાતળા સળિયાની આંટી દઈને બનાવેલો ડોયો. સ્તબ્ધતાએ જાણે વાતાવરણને બાંધી લીધું હતું. છાણવાસીદું કરીને ચોખ્ખા કરેલા ફળિયાની ગમાણો ખાલી હતી. ગમાણની નીચે ખોડેલા ખીલાઓમાં સાંકળો પડી હતી. જેસંગ ઓસરીના જેરે બેઠો બેઠો મોટામાસ્તરની અને ગમ્ભાભાઈની રાહ જોતો હતો. એના મનમાં મૂંઝવણ હતી કે શું હશે? બહુ વિચાર કર્યો પણ તાળો ન બેઠો. કદાચ પાદરડું ખેતર માગવાય આવવાના હોય! થોડાક દિ’ પહેલાં ગામમાં વાત થાતી હતી કે હવે તો મોટી નિશાળ બનાવવાની છે, ‘જ્યે હશ્યે ઈ. આવવા તો દ્યો!’ એમ વિચારી ચલમ સળગાવી. આખા ઘરમાં તમાકુની કડક વાસ ફરી વળી. એક હલકો ખોંખારો ખાઈને ગમ્ભાભાઈ અને મોટામાસ્તર ડેલીમાં પ્રવેશ્યા. ચલમ પડતી મેલીને જેસંગ સામે લેવા ગયો. ‘આવો... આવો’ કહેતાં એણે ખાટલા સામે હાથ ચીંધ્યો ને બેયને બેસાડ્યા. વારાફરતી બેયના હાથમાં હાથ નાંખીને રામરામ કર્યાં. જેસંગે મોટા અવાજે ઘરમાં ચા મેલવાનું કહ્યું. તરત જ માસ્તર બોલ્યા, ‘રહેવા દે જેસંગ! આજ ચાપાણીનો વખત નથી.’ માસ્તરે આમતેમ નજર કરીને પૂછ્યું: ‘તારા કાકા... બનેસંગ નો આવ્યા?’ ‘મને ઈમ કે તમ્યે આવો તીકેડ્યે હાદ દઉં!’ કહેતાં કહેતાં તો જેસંગે જોરથી સાદ પાડ્યો, ‘કાકા, એ કાકા!’ અને પછી હસતાં હસતાં ઉમેર્યું કે ‘હમણેકા ઈ બે’ક ઓસું હાંભળે સે! ધિયાનબેરા જેવું. પાસા નો હાંભળવાનું બધુંય હાંભળે હોં!’ એ જરાક હસીને ચૂપ થઈ ગયો. કાન સાંભળે એ પહેલાં કાકાની આંખોએ સાંભળી લીધું. બનેસંગ સામેના બારણાનો જેર ઊતર્યા. માથે ફાળિયું બાંધતાં બાંધતાં આવ્યા. કાકો- ભત્રીજો બેય ખાટલા પાસે નીચે બેઠા. ગમ્ભાભાઈએ પહેરેલા જોડા હળવેકથી કાઢ્યા ને ડાબા પગના અંગૂઠેથી ધૂળમાં કંઈક આડુંઅવળું ચિતરામણ શરૂ કર્યું. અનુભવી બનેસંગ સમજી ગયા કે નક્કી કંઈક નવાજૂની છે. વાતનો કંઈક ફોડ પડે એ માટે જગ્યા કરી આપતા હોય એમ અનાયાસ જ બોલ્યા, ‘ગમ્ભાભાઈ તમ્યે અમારે આંગણે ને વળી અધૂરામાં પૂરું મોટાસાયેબ...! આ જેસંગ તો ઇંમની પાંહે ભણેલો. અમારું આંગણું પાવન થઈ જ્યું...!’ વાતની શરૂઆત તો માસ્તરને જ કરવી પડી. ‘થોડાક દિ’ પહેલાં... હું અમદાવાદ ગ્યો’તો ઉકો ચ... મા... ૨ ખરો ને? એનો છોકરો, તળશ્યો... દાઝી જ્યો’તો. તે હું ઈની ખબર પૂછવા જ્યો’તો! ઉકાનું નામ આવ્યું ને જેસંગનાં રૂંવાડાં વળ ખાઈ ગયાં. જાયમલનો ચહેરો એની નજર સામે તરી આવ્યો પણ માસ્તર સામે મૂંગો રહ્યો. કરુણાશંકરનો અવાજ, હતો એ કરતાં વધારે ગંભીર થયો. એમણે બનેસંગ સામે જોયું ને કહ્યું – ‘તમારે સનાન કાઢવું પડશે...’ કંઈક ગુસ્સામાં જેસંગ એકદમ બોલી પડ્યો, ‘તે ઈ સમાયડાનું હનાન અમને શીનું લાગે? ને અમ્યે તો જાયમલના નામેં ચ્યે દિ’નું નંઈ નાંખ્યું સે...’ ગમ્ભાભાઈ કહે, ‘એલા, હાંભળ તો ખરો! તળશ્યાનું હનાન નથી કાઢવાનું. આ તમારા... જાયમલનું કાઢવાનું સે…! મોટાસાયેબને અમદાવાદના દવાખાને રામી ભટકઈ જઈ’તી. તે ઈણે બધી વાત કરી.... જાયમલનું હાડ્ફેલ થઈ જ્યું... સુરત્યમાં... ઈનેય વરહ દિ’થાવા આવ્યું. પણ આપડને ખબર્ય નો’તી. લ્યો, બોલો હવે… આપડે ગામજોગું હનાન તો કાઢવું જોવે ને? ગમે ઈમ તોય તમારે લોઈની હગઈ...!’ જેસંગ અને બનેસંગ તો હાકાબાકા થઈ ગયા. શું બોલવું એની ખબર ન પડી એટલે એની આંખ ઘડિયાળના લોલક ઉપર ગઈ.... લોલકમાં ભરાવેલો જાયમલનો ફોટો ત્રાંસો થઈ ગયો હતો. બેય આંખ ઉપર એણે હાથ મૂક્યા ને એનાથી એક ડૂસકું નંખાઈ ગયું. બનેસંગ એની પીઠે હાથ મૂકે એ પહેલાં તો રાંધણિયામાંથી પોક સંભળાણી – ‘અ...રે મા...રા...પુત્તર!’ જાયમલની માએ મોં વાળ્યું...!’ ગમ્ભાએ એકદમ સત્તાવાહી અવાજે કહ્યું, ‘છાનાં રો બધાં! હમણેં આંયા આખું ગામ થઈ જાશ્યે ભેળું!’ એકદમ ચૂપકીદી છવાઈ ગઈ. થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહીં. ગમ્ભાએ જેસંગને કીધું કે ‘જે થાવાનું હતું ઈ થઈ જ્યું... બનવાકાળ બધું બની જ્યું... હવે કાલ્ય આપડે જાયમલનું ગામહનાન કાઢી લઈ એટલ્યે, કાલ્ય ને કાલ્ય નહીં પણ પરમદા’ડે રામીને પાછી ઉકાના ઘરમાં ઘાલી દઈં એટલ્યે એક વાત પતે. ઈ બાઈમાણહ ચ્યાં જાય?’ જેસંગ ઝાળઝાળ થઈ ગયો. કહે કે- ‘ઈ બાઈ જો ગામમાં પગ મેલે તો ઈને અને ઈનો પગ મેલાવનારને એક જ ધારિયે ઝટકાવી દઉં… કોની મગદૂર સે કે...! ગમ્ભાભૈ તમે ગામધણી ખરા પણ આમાં આડા નો આવશ્યો. ઈ સમાઈડીની તો...’ આટલું બોલ્યો ને અનાયાસ એની આંખ માસ્તરની આંખ સાથે મળી ગઈ. જાણે એની વાચા હણાઈ ગઈ. બેએક ક્ષણ પછી એને ખ્યાલ આવ્યો કે પોતે કોની હાજરીમાં બોલી રહ્યો છે. એકદમ ઢીલો પડી ગયો. અચાનક બનેસંગના પેઢીજૂના રાજપૂતી સંસ્કાર જાગી ઊઠ્યા: ‘સાયેબ! આ તો અમારા વટનો સવાલ સે! ઈ સમાઈડીને ગામમાં ગરવા દઈ તો તો થઈ જ રિયું ને!’ ગમ્ભાથી હવે ન રહેવાયું. મોટામાસ્તર હાજર ન હોત તો ક્યારનીય બીજી નવાજૂની થઈ ગઈ હોત! પણ એમણે ગોહેલમાનું દૂધ પીધેલું તે ડહાપણ એમ કંઈ જતું થોડું રહે? એમણે મક્કમ હાથે બનેસંગનો હાથ દાબ્યો ને ડોળા કાઢતા હોય એમ બનેસંગ સામે જોયું ને હળવે રહીને પૂછ્યું – ‘આ ભૂરો ઓળગાણો આટલ્યો બધો ગોરો ચ્યમ સે ઈની ખબર સે ને? તું ઈની મા હાર્યે હળી ગ્યેલો.... તે તું તારા મનમાં ઈમ ખાંડ ખા સો કે કોઈને કંઈ ખબર્ય નથી ઈમ? હું ગામધણી સું.... ગામધણી! નવરીના મને ખબર્ય નો હોય? – કે ભૂરિયો કુંનું ફરજંદ સે! મેં ગામધણી થઈને મોટું મન રાખ્યું કે, હશ્યે મનેખ સે તે ચ્યારેક લથડીયે જાય... પણ જાયમલેય લોઈ તો તમારું જ ને? તમ્યે જે આજલગણ સાનું રાખ્યું ઈ ઈણે સતરાયું ને સડેચોક કર્યું! ખરો વટનો કટક્યો તો ઈ જાયમલ કે રામી હારુ વંડી ઠેકીને વયો જ્યો! જ્યો ઈ જ્યો, કોઈ દિ’પાસું વળીન્ જોયું નંઈ! ને તમ્યે એક સો કે ભૂરો આખા ગામની ગંદકી ઉપાડે સે ઈ જોયા કરો સો!’ એક ઊંડો શ્વાસ લીધો ને વળી કહે કે - ‘હવે જાતાં ઓલી બાઈમાણહને મારવા ત્યાર થ્યા સો? ખબરદાર જો કોઈએ ચૂં કે ચ્યાં કર્યું સે તો! બાંધી મૂઠી લાખની.. ઈ તો ખબર્ય સે ને?’ મોટામાસ્તર ઊભા થઈ ગયા. જેસંગના ખભે હાથ મૂક્યો ને બોલ્યા, ‘પરમદા’ડે રામી ઉકાના ઘરમાં હશે. એમાં કોઈનું કંઈ નહીં ચાલે. સમજ્યો ને? કોઈની ખોવાયેલી વસ્તુ પાછી જડે તો મૂળ માલિક સુધી પહોંચાડવાની આપણી ફરજ છે એવું મેં તને ભણાવેલું કે નહીં? અને તમારી વસ્તુ તો...’ બીજે દિવસે સવારે જાયમલનું સનાન કાઢવામાં આવ્યું. બધાં નાહ્યાંધોયાં. કોકરવરણા તડકામાં, કાંટાની વાડે ધોતિયાં, પોતિયાં, પહેરણ, ઘાઘરા ને સાડલા સૂકાતાં હતાં...!

***