સોનાની દ્વારિકા/છ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગ્રામપંચાયતની ચૂંટણીનાં પડઘમ વાગવા શરૂ થયા. સખપરનો તો કાયમનો વણલખેલો નિયમ કે સરપંચ તો ગંભીરસિંહ જ હોય. કોઈને બીજો વિચાર જ આવે નહીં! બાપુ કહે તે સભ્યો ને બાપુ કહે તે કારોબારી. ક્યાંય કોઈ વિરોધ નહીં, અવિશ્વાસ નહીં કે નહીં અસંતોષ. પણ એક વાત ખરી કે બાપુ મોટામાસ્તરને પૂછ્યા વિના ડગલુંય ન ભરે. સભ્યો ખરા, પણ બધા કાગળ ઉપર. જ્યાં કહો ત્યાં સહી કરી આપે. બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડે નહીં! સવારે દસ સાડા દસના સુમારે જીપ આવી. ધૂળિયા રસ્તા તે કોઈ પણ વાહન આવે તે પહેલાં જ એનો વંટોળ ગામમાં આવી જાય. દૂરથી જીપ જોઈને જ ગામલોકો ઓળખી જાય, ‘અરે આ તો અનોપચંદભઈની જીપડી...’ નિશાળની સામે જ પંચાયત ઑફિસની ઓરડી. એટલી નાની જગ્યામાં તો બધાં સમાય નહીં ને અનોપચંદભાઈની એવી ટેવ કે ભાગોળના પીપળાના ઓટલે બેસીને જ ચા-પાણી કરતાં કરતાં બધા સાથે ખુલ્લી ચર્ચા કરે. કોઈ ગંદુખંધુ રાજકારણ નહીં, મારા-તમારાનો ભેદ નહીં. બધું એટલે બધું જ ખુલ્લું. ક્યારેક કોઈ વાત સમયથી પહેલાં જાહેર કરવાની ન હોય ને અમુકને કહેવું જરૂરી હોય તો એક બાજુ લઈ જઈને ઈશારામાં સમજાવી દે! અનોપચંદભાઈ એટલે આખા તાલુકાનો પ્રાણ. પ્રમાણમાં મધ્યમ કાઠી. વાન થોડો શ્યામ. ખાદીનાં વસ્ત્રો એમને શોભે એવાં બીજાને કદાચ ઓછાં શોભે. સફેદ ઝભ્ભો, ધોતિયું અને બંડી. અણીદાર નાક સાથે સ્પર્ધા કરે એવી જ અણીદાર ચાંચવાળી ટોપી. ટોપી કાઢે ત્યારે ટાલમાં પૂનમનો ચંદ્ર ચમકી ઊઠે! ઊભા હોય કે બેઠા હોય, એ હોય ત્યારે આખું વાતાવરણ એમની પરકમ્મા કરે. ધીરેથી બોલે પણ સ્વર મક્કમ. મોટેભાગે તો ઉપરપડતી એમની આંખો જ બોલે. ડોકું ધૂણાવવાથી કામ થતું હોય તો શબ્દ ન ઉચ્ચારે ને એક શબ્દથી પતતું હોય તો આખું વેણ ન બોલે. આ વખતે એમની ઈચ્છા એવી ખરી કે પહેલીવાર, પછાતવર્ગમાંથી કોઈ સરપંચ થાય તો સારું, પણ કોઈજાતની બળજબરી નહીં. વાત સાંભળીને ગમ્ભા થોડા ઓઝપાયા. એમને થયું કે આટલાં વરસથી હું સરપંચ છું. હજી સુધી નહીં કોઈ ચોરીચપાટી, નહીં કોઈ ફરિયાદ, બધું બરાબર તાલોતાલ ચાલે છે અને અનોપભાઈનું એકેય વેણ કોઈ દિ’ ઉથાપ્યું નથી તો પછી આમ કેમ? શું આમ જ અડધે રસ્તે બધું છોડી દેવાનું? પણ અનોપચંદભાઈ સામે દલીલ કરવાનું એમનું ગજું નહીં, એટલે કહે કે- ‘તમ્યે ક્યો ઈમ... પણ આ બારામાં મોટામાસ્તરની સલ્લાહ શું પડે સે ઈ જાણવું જોવ્વે!’ અનોપચંદભાઈની આંખ ફરી અને પંચાયતનો પટાવાળો જસુ સીધો જ નિશાળે પહોંચ્યો. જઈને કહે- ‘સાયેબ, સાયેબ! તાલુકાપ્રમુખ અનોપભાઈ આઈવા સે ને તમને બોલાવે સે. અબઘડી હાલો!’ કરુણાશંકર માસ્તરે કહેવડાવ્યું— ‘એમને કહેજે કે નિશાળ છૂટે પછી, એટલે કે સાડા બાર પછી માસ્તર આવશે. ત્યાં સુધી વાટ જોવી પડશે.’ વળી ઉમેર્યું કે ‘આપણા ઘરેથી ચાપાણી લેતો જાજે. તારી બેનને કહેજે એટલે બનાવી આપશે.’ નિશાળની બાજુમાં જ હેડમાસ્તરનું ક્વાર્ટર. એમનાં પત્ની ઉમાબહેનને આખું ગામ ‘બેન’ કહે. જસુએ ના પાડતાં કહ્યું- ‘સાયેબ! ગમ્ભાબાપુની ડેલીએથી ચાપાણી તો ચ્યારનાંય આવીન્ પતીયે જ્યાં...’ જસુ સીધો જ પાછો ગયો. જઈને એણે માસ્તરે આપેલા સમાચાર આપ્યા, એ સાંભળીને બધા સડક થઈ ગયા, પણ અનોપચંદભાઈ હસી પડ્યા! એમણે ડાબા હાથની બાંય ઊંચી કરી ને ઘડિયાળ જોઈ. હજી બીજો કલાક દોઢ કલાક થઈ જશે એમ લાગ્યું એટલે જસુને કહે કે- ‘માસ્તરને જઈને પૂછ કે પાંચ દસ મિનિટનું જ કામ છે, તે હું ને ગમ્ભા નિશાળે જ આવી જઈએ તો?’ જસુએ પાછી હડી કાઢી. માસ્તરનો જવાબ હતો કે- ‘નિશાળ બાબતે કંઈ કામકાજ કે પૂછગાછ હોય તો જરૂર આવો!’ જવાબ સાંભળીને અનોપભાઈએ મોં મલકાવ્યું અને નિરાંતની પલાંઠી વાળી! પછી જસુને કહે કે- ‘જા... ઈ એકના બે નહીં થાય! તું માસ્તરના જ ઘરે જા... ત્યાંથી બીજી ચા લઈ આવ! બેનને કે’જે કે અનોપભાઈ આવ્યા છે...’ જસુ ગયો એટલે અનોપભાઈએ બધાનાં ખબરઅંતર પૂછવા શરૂ કર્યાં. એકેએકને નામ લઈને બોલાવે. આખા તાલુકાના તમામ માણસોને અંગત રીતે ઓળખે. જીપ લઈને ક્યાંક જતા હોય ને રસ્તે જતાં કોઈને દેખે તોય ડ્રાયવરને કહે કે ફલાણાભાઈને લઈ લે! ગમ્ભાભાઈએ તળશ્યાની મા રામીની વાત કરી. અનોપભાઈ ખુશ થઈ ગયા. કહે કે, ‘તમે અને માસ્તરે એક ઘર બચાવી લીધું એ સારું કર્યું. એ બાબતમાં કંઈ નવું જાગે તો કહેજો!’ નિશાળનો ઘંટ વાગ્યો... બધાં છોકરાં દડબડ દડબડ કરતાં નીકળ્યાં એ પછી થોડીવારે માસ્તર પીપળાવાળા ઓટે આવ્યા. અનોપભાઈએ ઊભા થઈને એમને આવકાર્યા. બેય હાથ પકડીને પોતાની બાજુમાં બેસાર્યા. બેયની ખાદી સફેદી અંગે એકબીજીની હરીફાઈ કરતી હતી. માસ્તરે ટેવ મુજબ ઢીંચણ ઉપર ટોપી ભરાવી, તો અનોપચંદભાઈથી પણ ન રહેવાયું. એમણે પણ ટોપી ઉતારતાં પોતાના માથે હાથ ફેરવ્યો. વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. આમ પણ મોટામાસ્તરની હાજરીમાં કોઈ હોઠ ખોલવાની હિંમત ન કરે, એમાં ઉમેરાયા તાલુકા પ્રમુખ! એટલે આમન્યાનો ભાર આપોઆપ વધી જાય! બધાની નજર એ બે ઉપર જ હતી. શું બોલ્યા કે શું બોલશે? ગંભીરસિંહનું મોઢું થોડું લેવાઈ ગયું હતું એ માસ્તરની નજર બહાર ન રહ્યું. એમણે તરત જ પૂછ્યું- ‘અરે ગમ્ભા! અનોપભૈને ચા-પાણી પાયાં કે નંઈ?’ ગમ્ભા કહે કે – ‘આ હમણે છેલ્લો ચા પીધો ઈ અમારાં બેને જ બનાવીને મોકલ્યો’તો!’ અનોપભાઈએ માસ્તરની મજાક કરી- ‘તમે મોડું કરાવ્યું ન હોત તો તમારા ઘરની ચા બચી ગઈ હોત! મેં જ મારાં બેન પાંહેથી મંગાવીને હમણાં જ પીધી!’ મોડું કરાવવાવાળી વાતને સાંભળ્યા વિના જ હળવે રહીને માસ્તરે પૂછ્યું, ‘મજામાં છો અનોપભાઈ? આજે ભલું સખપર યાદ આવ્યું! અહીં તો બધું બરાબર ચાલે છે. તમારે કેવું છે?’ ‘હમણાં મેં રાજ્ય સરકારની એક યોજના ગોતી કાઢી. યોજના તો ઘણા વખતથી છે. પણ કોઈને એનો અમલ કરવાનું કે લાભ લેવાદેવાનું સૂઝ્યું નહોતું. એ યોજનામાં સખપર, રાપર, ગોદાવરી અને દાજીપુરા માટે નિશાળના ચાર ચાર ઓરડા મંજૂર કરાવ્યા. હવે તમે કરો તૈયારી. હું ઓવરસિયર તલસાણિયાને મોકલું છું. પ્લાન નકશા તમારી મરજી મુજબ થાશે. તમે, ગમ્ભા અને તલાટી મળીને કઈ જગ્યાએ ઓરડા ઉતારવા છે એ નક્કી કરો, પછી મને કહો.’ તલાટી નવીનભાઈએ હકારમાં માથું ધુણાવ્યું એટલે અનોપભાઈ આગળ બોલ્યા, ‘મારા હિસાબે તો હાલની નિશાળની સામે જ ચાર ઓરડા કરીએ તો વચ્ચેનું મેદાન મળી રહે. કોરેમોરે તમારે જે બગીચા જેવું કરવું હોય એ પણ થાય. ભવિષ્યમાં માસ્તરના ક્વાર્ટર પાસે ત્રણ ઓરડા બીજા કરીએ તો નિશાળને એક આકાર મળે અને રળિયામણુંયે લાગે. પછી તો તમારી સહુની મરજી. જેમ કહેશો એમ કરી આપશું.’ ગમ્ભાનો ઉત્પાત છાનો ન રહ્યો. નિશાળની વાત પતી એટલે તરત બોલ્યા. ‘કદાચ મોટાસાહેબને પંચાયતની ચૂંટણીની ખબર્ય નથી લાગતી.’ વચ્ચેથી જ વાત ઉપાડી લેતાં માસ્તરે અનૌપભાઈ સામે જોયું ને કહે, આ વખતે તો પંચાયત પછી તરત જ ધારાસભા આવશે, વચ્ચે સમય ઘણો ઓછો રહેશે એવું લાગે છે. તમારી પાસે શું વાવડ છે?’ ‘હા, લગભગ એવું જ. માસ્તર તમે ને ગામના આગેવાનો સંમત થતા હો તો મારો એક વિચાર છે કે આપણે સખપરને એવી રીતે આગળ કરીએ કે રાજ્ય માટે પણ દાખલારૂપ બની રહે! બને તો કોઈ પછાતવર્ગનાને સરપંચપદુ આપીએ તો ગમ્ભાનો ભારેય હળવો થાય!’ અનોપચંદભાઈ બોલી રહ્યા એટલે માસ્તરે ઊંડો શ્વાસ લીધો ધીરેથી બોલ્યા, ‘એનો મતલબ હું એમ કાઢું કે તમારું આગળ જવાનું પાકું!’ અનોપભાઈ હળવેથી પણ મર્માળું હસ્યા. ગંભીરસિંહને કંઈ સમજાણું હોય એવું લાગ્યું નહીં એટલે માસ્તરે એમનો હાથ પકડીને શાંત રહેવા સૂચવ્યું અને વાત આગળ ચલાવી. ‘પછાતવર્ગમાંથી એટલે તમારા મનમાં કોણ છે?’ માસ્તરે પૂછ્યું. ‘એમ છે કે વણકરસમાજમાંથી કોઈ આગળ આવે તો ઠીક રહે. નામ તો તમે આપો એ!’ તરત જ લાગલું ઉમેર્યું, ‘દાનો કેમ રહે?’ માસ્તર ઊંડા વિચારમાં પડી ગયા હોય એમ લાગ્યું. જાણે કોઈ મરજીવો ડૂબકી મારીને મુઠ્ઠીમાં મોતી લઈને ઉપર આવે એમ એમણે આંખ ખોલી અને બોલ્યા, ‘મારા હિસાબે તો એમ લાગે છે કે તમે જે કરવા ધારો છો તે એક લસરકે જ કરવું જોઈએ, આપણે એથી પણ આગળ જઈએ. કોઈ દલિત યુવાનને આગળ કરીએ. તુલસી ઠીક રહેશે. મેં જ એને ભણાવ્યો છે. કામમાં આળસ નહીં અને સમજદાર પણ ઘણો. વધારામાં આપણે ગમ્ભા અને તલાટી નવીનભાઈ ઉપર પણ આધાર રાખી શકીએ. જો કે નવી ભૂમિકા પ્રમાણે ગમ્ભાય નવરા નહીં પડે, પણ એ તો થઈ રહેશે બધું!’ અનોપચંદભાઈના ચહેરા ઉપર ખુશીની લહેરખી ફરી વળી. ગંભીરસિંહને આ નવી ભૂમિકામાં કંઈક રહસ્ય જણાયું, પણ ચૂપ રહ્યા. અનોપભાઈએ જીપમાં બેસતાં બેસતાં કહ્યું કે ‘આ પ્રમાણે આગળ વધીએ છીએ બરાબરને?’ માસ્તરે હકારમાં માથું ધૂણાવ્યું અને આવજો કહ્યું. જીપની પાછળ કેટલાક છોકરાઓ ક્યાંય સુધી દોડતા રહ્યા જીપની સ્પીડ વધી એટલે બધા ધૂળ ધૂળ થઈને પાછા વળી ગયા. હજી ગામલોકો વિખરાયા ન હતા. માસ્તરે જ પહેલ કરી. જાઓ હવે સહુ સહુનાં કામે વળો. માસ્તરની પાછળ ગમ્ભા વગર કહ્યે ચાલવા લાગ્યા. નિશાળનો ઝાંપો આવ્યો એટલે બંને ઊભા રહ્યા. ગમ્ભા કંઈ બોલે એ પહેલાં જ માસ્તરે કહ્યું- ‘જે થશે એ સારું જ થશે. તમે હમણાં ધીરજ રાખજો. આજે સાંજે આપણે તુલસી સાથે વાત કરી લઈએ. તમે પાંચેક વાગ્યે આવો.’ ગમ્ભા કંઈક ઊંચા જીવે ગયા પણ માસ્તરે કોઈ ફોડ પાડ્યો નહીં! સાંજે ગમ્ભા આવ્યા ને માસ્તરના ફળિયે ખાટલામાં બેઠા. માસ્તરે પોતાની આરામ ખુરશી મંગાવી ને બેસતાં બેસતાં જ પૂછ્યું : ‘તુલસી કાં ન આવ્યો? ‘આવે છે હમણાં, મેં એને સમાચાર મોકલ્યા છે...’ હજી તો બંને જણ બેસે છે ત્યાં જ તુલસી આવ્યો. માસ્તરના પગ આગળ બેસી ગયો. માસ્તરે અંદરથી ખુરશી મંગાવી અને તુલસીને બેસવા કહ્યું. તુલસી તો આશ્ચર્યમાં પડી ગયો. સાહેબની સામે મારાથી ખુરશીમાં બેસાય? જમીન પરથી ઊભો ન થયો: ‘આંયા ઠીક છે...’ એમ કરીને બેઠો રહ્યો. માસ્તરે એને હાથ પકડીને ઊભો કર્યો અને કહે કે, ‘જો હવે અમે તારા માટે ખુરશીની વ્યવસ્થા કરી જ દીધી છે. ગમ્ભા તમે જરા વિગતે વાત કરો એટલે તુલસીને પાકી સમજ પડે!’ હવે ગંભીરસિંહનો છૂટકો નહોતો. માસ્તર એમના મોઢે જ વાત કઢાવવા માગતા હતા. પરિસ્થિતિ સમજી જઈને એમણે વાત શરૂ કરી. ‘જો તુલસી! હવે તારે સરપંચ થાવાનું છે. બધાનો એવો વિચાર છે કે આ વખતે પછાતવર્ગમાંથી જ કો’કને લેવો. મોટાસાયેબનું મન તારા ઉપર ઠર્યું અટલ્યે તને અટાણે બોલાવ્યો! આવતા અઠવાડિયે ફોરમ ભરવાનું સે...’ ગમ્ભાની વાત સાંભળીને તુલસીનું તો મગજ ભમવા લાગ્યું! જાણે નવખંડ ધરતી ગોળ ગોળ ફરતી હોય એવું લાગ્યું. એક ક્ષણ તો એને લાગ્યું કે આખા ગામનો ભાર જાણે કોઈકે એના માથે મૂકી દીધો છે! તરત જ આંખમાં આંસુ આવી ગયાં. ગમ્ભા સામે જોઈને કહે કે- ‘બાપુ શીદને અમ જેવા ગરીબની મશ્કરી કરો છો...? સરપંચ તો તમે જ છો ને તમે જ રે’વાના! હું તો તમારા જોડાની ધૂળ બરોબરેય નો કહેવાઉં. તમારા ને સાહેબના પ્રતાપે રોટલો મળી રહે એટલું ભણ્યો. બાકી તો લમણે મજૂરી જ હતી ને?’ એ સાચે જ ઊભો થઈ ગયો. હવે માસ્તરે દોર હાથમાં લીધો. ‘જો તુલસી! ગાંધીજી ઈચ્છતા હતા એવી સાચી લોકશાહી હવે આવશે. બધાં સમાન. સુધારો આપણે નહીં લાવીએ તો કંઈ બહારથી થોડો આવવાનો? ગમ્ભા જે કહે છે એ ઠીક જ કહે છે. અમે બધા તારા ટેકામાં છીએ. તું તારે આગળ વધ. હિંમત કર. ઉમેદવારી કર. ફોર્મમાં ગમ્ભા જ પહેલી સહી કરશે.’ ગમ્ભાને થયું કે માસ્તરે મને ખરો કૂવામાં ઉતાર્યો! પણ ગુરુ આગળ શું બોલી શકાય? વળી માસ્તરનો કડપ જ એવો કે મનમાં ગોઠવેલું હોય તોય બધું ભૂલી જવાય! હવે તો તુલસી જ એકનો બે નો થાય કે ખાબધી ના ભણે તો જ કંઈક બને. તુલસીએ ઊભાં ઊભાં જ માસ્તરને કહ્યું, ‘સાહેબ! તમે ક્યો તો તમારા વચને હું ઊભો ને ઊભો હળગી જઉં… જીવતર ખારું કરી દઉં, પણ આપડાથી આ રાજકારણનું નંઈ થાય... બાપુ જ સરપંચ! અન્નદાતાની આમન્યા... હું સરપંચ થઈને ગામમાં ક્યા મોઢે નીકળું?’ તુલસી જાણે મોટું પાપ થઈ ગયું હોય એમ વલોપાતે ચડી ગયો. ‘બાપુ હોય ને હું સરપંચ? મને તો એવું બોલતાંય જીભે કાંટા વાગે!’ એની વ્યથા અને મૂંઝવણ માસ્તર સમજી ગયા. અવાજ ગંભીર કરીને કહે કે ‘એનો મતલબ એમ કે તું ગમ્માનું ભલું ઈચ્છતો નથી! જો તુલસી, તારા માટે આ સમય અમૂંઝણનો છે એ હું જાણું છું. તારા મનની વાત હું ન જાણું તો કોણ જાણે? પણ, આ આરંભનું ટાણું છે ને એમાં તારી જરૂર છે. ગમ્ભા સરપંચ નહીં થાય તો બીજું કંઈક થાશે. હું બેઠો છું ને!’ હવે ગમ્ભાના કાન ચમક્યા. એમને વાતમાં હવે કંઈક સમજ પડી, પણ કશુંક ઊંડું છે એમ ધારીને મૂંગા રહ્યા. એમણે માસ્તર સામે જોયું ને કશુંક વાંચવાની કોશિશ કરી. માસ્તરને થયું કે હવે બેય ને થોડા હળવા કરવા જોઈએ. એટલે ગામના સરપંચ ગંભીરસિંહનો નહીં, પણ પોતાના વિદ્યાર્થી ગમ્ભાનો હાથ પકડીને કહ્યું કે, ‘તમારે તો હવે આખો તાલુકો સંભાળવાનો છે! અનોપભાઈ તો હવે ધારાસભામાં જવાના. એમની જગ્યાએ તમારે કામ કરવાનું છે. આપણે આપણા ખભા ઉપર જ વિકાસ કરવાનો છે. આપણે બધાં એક સમજણ સાથે કામ ઉપાડી લઈએ તો હજી ઘણું કરવાનું છે. છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચવાનો આ એક જ માર્ગ છે. તુલસી એમાં એક નમૂનારૂપ ઉદાહરણ બને એમ ઈચ્છીએ. તમારો અનુભવ, ગામનો સહકાર, તુલસીની મહેનત અને અનોપભાઈની કુનેહનો સંગમ થાય તો ઝાલાવાડ જરૂર બે પાંદડે થાય!’ ‘અમે આ બધું કરશ્યું તો તમ્યે શું કરશ્યો? સાયેબ તમારા વિના તો અમે એકડા વિનાના મીંઈ…ડાં!’ ગમ્ભાના ગળે જાણે ડૂમો ભરાઈ આવ્યો. ‘જુઓ હું સીધી રીતે તો ક્યારેય રાજકારણમાં નહીં આવું. મારું એ કામ પણ નથી. મારું કામ તો કેળવવાનું છે. માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, સમગ્ર વાતાવરણની કેળવણી મારી ફરજમાં આવે. પણ તમારા ઉપર મારી દેખરેખ રહેશે. તમે જ્યારે ખોટાં કામમાં હાથ નાખશો ત્યારે ધોળે દિવસે બત્તી ધરીશ! અને તોય નહીં માનો તો લોકમત કેળવીને પાછા ઘરે બેસાડી દઈશ.’ માસ્તરે ઊભા થઈ જઈને જાણે કે વાત પૂરી થઈ ગયાનો સંકેત આપ્યો. સ્વાભાવિક રીતે જ ગમ્ભા વાંકા વળ્યા ને એમનો હાથ માસ્તરના પગ સુધી પહોંચે એ પહેલાં તો તુલસીએ માસ્તરના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરી લીધો..

***