સોનાની દ્વારિકા/છત્રીસ
છત્રીસ
માણસમાત્રના મનના કોઈ ખૂણામાં ક્યાંક, કોઈ ને કોઈ કૃષ્ણ બેઠો હોય છે. દરેક કૃષ્ણનાં ગોકુળ, મથુરા ને દ્વારિકા અલગ. લીલાઓ પણ કિસમ કિસમની ને ભાતીગળ. રુક્મિણી, રાધિકા અને ઉદ્ધવ પણ, બાર ગાઉએ બોલી બદલાય એમ બદલાય. દરેક કૃષ્ણને મન એની દ્વારિકાઓ ધમરખ સોનાની ને દરેક દ્વારિકાની નિયતિ પણ સમુદ્રમાં ડૂબવાની! સમુદ્ર ક્યારેય નથી ખાતો કોઈની દયા. બધું ધરબી દે છે પોતાના પેટાળમાં. ને જે હોય છે બધી રીતે હલકુંફૂલકું એને ફેંકી દે છે કિનારે. સમુદ્રને નથી કંઈ પારકું કે નથી કંઈ પોતાનું. જે ટકે છે કે અ-ટકે છે એ પોતાના ભારેપણાંને લીધે. એને પણ સમય જતાં આ સમુદ્ર કોહવી નાંખે છે ધીરે ધીરે. ક્યારેક કોઈ દ્વારિકાનાં દેખાય છે માત્ર કોટકાંગરા તો કોઈનાં ભુવનોમાં ચારેબાજુએથી ખારાં પાણી ફરી વળ્યાં છે. પાણીમાં કેટલાંય બુરજો, છજાંઓ, છત્રીપલંગો, સિંહાસનો, ઊભા ને ઊભા હાથી હાલ્યા જાય એવા દરવાજાઓ, પડદાઓ, અટારીઓ, સોનાચાંદીનાં વાસણો, વસ્ત્રાભૂષણો, તલવાર, ભાલાં, ગદા, તીરકામઠાં અને બીજાં શસ્ત્રોની વચ્ચે એકાદી વાંસળી! બધુંય તરી રહ્યું છે, તરવરી રહ્યું છે. કેટલી દ્વારિકા ડૂબી એનો શુમાર નથી, પણ બધીનો કૃષ્ણ અને સમુદ્ર એક જ છે. મારે પણ એક દ્વારિકા હતી, સાવ સોનાની. એનાંય ઝળહળતા કોટકાંગરા ને કેસરિયો ધ્વજ હવામાં લહેરાતો! સવાર-સાંજ સૂરજના ઊગવાઆથમવા સાથે મૃદંગો ઉપર પડતી થાપ, શરણાઈઓના સૂર ને વેળાએ વેળાએ વાગતાં ચોઘડિયાં. છડીઓ પોકારાતી મારા આવવા અને જવાની. જાગું ત્યારે પ્રભાત ને ઊંઘું ત્યારે રાત. મારા અસ્તિત્વ ફરતે ઘૂમરાયા કરતા સૂરજ અને ચંદર, વધારામાં નવલખ તારા, નક્ષત્રો અને નિહારિકાઓ. પ્રત્યેક કૃષ્ણને ઓછામાં ઓછો એક સુદામો તો હોય જ. જેને ન હોય એવો એક પણ સખો, જે ઉઘાડેપગે મળવા દોડી આવે; એ તો કાયમનો દરિદ્ર કહેવાય! મિત્રને આવકારવા પગમાં પીતાંબર અટવાય, તો ભલે અટવાય પણ બહાવરા બનીને દોડી જવાનું સુખ કંઈ બધાના ભાગ્યમાં તો ન જ હોય ને? કોઈક જ એવો કૃપણ કૃષ્ણ હોય કે જે હામદામ ને ઠામ હોવા છતાં પોતાના સુદામાને ખાલી હાથે પાછો મોકલે! હું પણ તમને ખાલી હાથે નથી મોકલતો. હૈયું ભરાઈ જાય અને ક્યારેક તો હૈયું ફાટી જાય એવી માનવકથની તમને તુલસીપત્રે અર્પણ કરી છે. દ્વારિકા એટલે હું ને હુંમાં આખી દ્વારિકા. હું પાછે પગલે જોઉં છું : અટાણે કેવો છે મારો ઝાલાવાડ? એટલે કે મારી દ્વારિકામાં શું થઈ રહ્યું છે? ઉનાળામાં આખો ઝાલાવાડ ધખધખે પણ એની રાત બહુ ઠંડી. આખો દિવસ કામધંધે ગયેલા લોકો, પેટનો ખાડો પૂરીને શેરીના ઓટલે ઠલવાય. શહેરમાં રહેતાં હોય તો કાં તો ચોકમાં, કાં તો દુકાનોના પાટિયે ફૂટપાથ ઉપર અલકમલકની વાતો મંડાય. અગિયારસ, પૂનમ કે બીજ હોય તો ક્યાંક ભજન કે પાટ મંડાય. આડે દિવસે, કીડીમંકોડા જેમ પોતાના દરમાં ચાલ્યાં જાય એમ, એક પછી એક સહુ ઘરમાં જઈને પોતપોતાનાં પાગરણ શોધે. ખાટલાવાળા ખાટલે ને ભોંયવાળા ભોંયે, હળવે હળવે કરતાં નિદ્રાદેવીના ખોળે પડીને પોઢી જાય. જેનાં ઘરમાં ઉકરડીની જેમ છોકરીઓ વધતી જતી હોય ને સગપણ ન થતાં હોય, જેને માથે દેવાના ડુંગર ખડકાણા હોય કે જે વિરહીજનો હોય એમના ઉપર ઠંડી રાતનો જાદુ ન ચાલે. બાકી જેવાં જેનાં કરમ અને જેવો જેનો ધરમ એ પ્રમાણે સહુ સુખરાત ખેંચે. હજી તો દિવાળીના નવા દિવસો હમણાં જ ગયા હતા. એમ લાગે કે હજી તો હમણાં જ ચારેકોર ફટાકડા ફૂટતા હતા. કહેવાય કે ધનતેરસના પૂજન કરેલા ચોપડાનું કંકુંય હજી તો સુકાણું નહોતું. બેસતા વરસને દિવસે ખેળ્ય કાઢ્યા વિના જ પહેરી લીધેલાં લૂગડાંય હજી તો કેટલાંકનાં અંગે એમનાં એમ જ રહી ગયેલાં. કેટલાંયના કાનમાં હજી તો ‘જે નારા’ણ’, જેશીકૃષ્ણ. પાયલાગણ ને ‘એ રામ રામ!’ જેવા શબ્દોના પડઘાય શમ્યા નહોતા ને અચાનક જ વાતાવરણ પલટાયું! ભાંગતી રાતે એકાએક ગાજવીજને વરસાદના છાંટાએ વાતાવરણને ટાઢું હેમાળા જેવું કરી નાંખ્યું. આભમાંથી પાણીનાં તીર છૂટતાં હોય એમ ફોરાં પડવા માંડ્યાં. શેરીમાં કે વાડામાં ખાટલા નાંખીને સૂતેલાંઓ ટપોટપ જઈને ઘરમાં ભરાયાં. અજવાળિયાની રાત એટલે દૂર દૂર ચડેલો આંધીનો ધૂળિયો ડમ્મર ચોખ્ખો દેખાતો હતો. વાતાવરણમાં ઊડતી ધૂળની સુગંધ આનંદ આપવાને બદલે ચિંતા અને અમંગળનાં એંધાણ આપતી હતી. આખા પંથકનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. મોરલાઓએ કેકા છોડીને ક્રંદન શરૂ કરી દીધું. ડોકમાં બાંધેલી સાંકળ અને રાશ્યો તોડાવીને જાણે ભાગી છૂટવું હોય એમ ઢોરઢાંખરે ઊઠબેસ કરવાની સાથે સાથે ભાંભરડાં નાંખવાનું શરૂ કરી દીધું હતું. કોઈને કંઈ સમજાય એ પહેલાં તો જાણે સીતામાતાને ધરતીમાં પાછાં સમાઈ જવું હોય એમ ધડાકાભડાકા સંભળાવા લાગ્યા. જાણે કોઈ બીજા જ ગ્રહ ઉપરથી આવી પહોંચેલી લાખોકરોડોની સેના જાતભાતના દારૂગોળા ફોડતી હોય એવા અવાજોએ કેટલાયના કાન બહેરા કરી દીધા! બધું સમથળ કરી નાંખવું હોય એમ અથવા એમ કહીએ કે ધરતી જાણે કે એક મોટું સૂપડું હોય ને બાકીનાં બધાંને સોઈ નાંખવાં હોય એમ થોડીક વાર ધ્રૂજી અને એક મોટો ધડાકો થયો. ગારાનાં ભીંતડાં તો જાણે પૂંઠાંનાં હોય એમ બેઠાં બેઠાં જ સૂઈ ગયાં. એની ઉપર છાપરાના કાટમાળનો ઢગલો! હજી કોઈને કંઈ ખબર પડે એ પહેલાં તો બીજા મોટા ધડાકાએ માત્ર સખપરનું જ નહીં, આજુબાજુના આખા વિસ્તારનું દટ્ટણપટ્ટણ કરી નાંખ્યું. ઘડીના છઠ્ઠા ભાગમાં બધાં જ મકાનો ટીંબામાં ફેરવાઈ ગયાં! એ સાથે જ પલકવારમાં કાળી ચિચિયારીઓ, ઊંહકારા અને શ્મશાનની શાંતિ! મહાકાળની એક જ થપાટે પૃથ્વીનાં બધાં ગાત્રો હતાં નહોતાં કરી નાંખ્યાં હતાં. આંખના પલકારામાં તો જાણે કંઈ બન્યું જ નથી એમ, બધું શાંત થઈ ગયું. જમીન ઉપર આડેધડ પડેલાં પતરાં, જોરદાર વાતી હવાથી જરાક હલે કે ખખડે તોય એમ લાગે કે જીવનનો સંચાર થયો કે શું? કોળીવાડામાં તો એક નાનું છોકરુંય બચ્યું નહોતું! બોથાપગીના ઘર પાસે આખાને આખા ઊંટ ઊતરી જાય તોય દેખાય નહીં, એવી મોટી નહેર પડી ગઈ હતી. ગમ્ભાની ડેલીના ખંડેરમાં હણહણતી ઘોડી ગાયનાં ભાંભરડાં સાંભળતી હતી. ઘોડીના હણહણાટે ગમ્ભાનો હાથ જરાતરા હલ્યો. હળવે રહીને પડખું ફેરવવા ગયા તો ખબર પડી કે જમણો પગ કાટમાળમાં ફસાઈ ગયો હતો. બાજુમાં જ સૂતેલાં ઠકરાણાંએ થોડા ઊંહકારા ભરીને છેલ્લો શ્વાસ લીધો અને ગમ્ભા બેભાન થઈ ગયા. એમની આંખો ઊઘડી ત્યારે કેમ્પની હોસ્પિટલમાં હતા અને ઢીંચણથી નીચે જમણા પગનું કોઈ અસ્તિત્વ નહોતું! કોઈકે સમાચાર આપ્યા કે કરુણાશંકર માસ્તરનું હૃદય ચાલે છે પણ મગજ બંધ થઈ ગયું છે! કોણ કોને સાચવે ને કોણ કોની સેવા કરે? એક જ પલકારામાં બધું ભાગ્યને આધીન થઈ ગયું હતું! રહેતાં રહેતાં ખબર પડતી ગઈ કે આખા પંથકમાં આવી એકસરખી જ પરિસ્થિતિ હતી. સુરેન્દ્રનગરમાં પાકાં મકાન સિવાયનું બધું જ રોડાંકાંકરા થઈ ગયું હતું. આખી દુનિયાને સમય દેખાડતો ટાવર લાંબી તાણીને સૂઈ ગયો હતો. મિલની ચિમની ભોગાવામાં જઈ પડી હતી. સરકારે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સેવાનાં દ્વાર ખોલી નાંખ્યાં હતાં. કહેવાય છે કે કેટલાક લોકો માનવતાને નામે માનવતાની લાજ લૂંટવા માંડ્યા હતા. કોઈએ મડદાંની ડોકમાંથી દોરા ખેંચ્યા તો કોઈએ મંગળસૂત્રો લૂંટ્યાં! પાંચેક લાખની વસ્તીમાંથી નહીં નહીં તોય ત્રણ-સાડા ત્રણ લાખ માણસ ઓછું થઈ ગયું હતું! કોઈનાં માબાપનો પતો નહોતો તો કોઈનાં સંતાનોની સાગમટે ચેહ બળતી હતી. હજી તો આ બધું જોઉં છું ત્યાં તો વળી એક મોટો ધડાકો.... મેળાના ચગડોળની પાલખી ખસે એમ ધરતી ખસી અને જઈને દ્વારિકાના દરિયે ધૂમકો માર્યો! આકાશને આંબી જાય એવી છોળો ઊડી.... પાવડો ભરીને તગારામાં કોઈ ધૂળ નાંખે એમ આખો મારી કલ્પનાનો, મારા મનનો સમૂળો ઝાલાવાડ ખાબધાબ સમુદ્રમાં.... સમુદ્ર એટલે મારું મન. ચંચળ પણ ખરું ને ઊંડું પણ ખરું, સ્થિર પણ ખરું ને સપાટીએ તરે પણ ખરું! અચાનક એમ લાગે કે હમણાં બધું પાણી પાણી થઈ જશે. જળજળબંબાકાર! કોઈ માને પણ નહીં કે હમણાં હતો, એ જ આ સમુદ્ર છે. એનાં ભરતી અને ઓટ ક્યારેય મારાથી જુદાં નથી. પૂનમ અને અમાસ તો કોના જીવનમાં નથી આવતી? મારી દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ છે કે દ્વારિકા સમેત હું એમાં ડૂબી ગયો છું એ કોયડાનો જવાબ નથી મારી પાસે, નથી સમુદ્ર પાસે અને દ્વારિકા પાસે તો નથી નથી ને નથી જ. કેમકે આ દ્વારિકાએ જ મને વિવશ કર્યો હતો તમારી પાસે આવવા, તમારી અંદર બધું લઈને ડૂબવા! પ્રત્યેક હિલ્લોળે ઊંઘી રહ્યું છે મારું બાળપણ. જાણે કોઈ હાલરડાં ગાઈ રહ્યું છે નિરંતર. મારી જુવાનીની વળમાં ને ઓટમાં મેં અનેકવાર જોયું છે મારું ભવિષ્ય. મેં જોયો છે નિયતિનો ચડઊતરિયો ખેલ. આ સમુદ્રનું મને ઘેલું છે, લગની છે. કેમ કે એમાં આખી ને આખી મારી દ્વારિકા, મતલબ કે મનોદ્વારિકા ખોવાઈ ગઈ છે. સંભવ છે કે એ માત્ર ચર્મચક્ષુથી બીજા કોઈને ન પણ દેખાય! સમુદ્રની છાતી પર ઊભા રહીને એકસાથે મેં જોયા છે મારા ત્રણેય કાળ. ડાબે હાથે ભૂતકાળ અને જમણે હાથે અગોચર એવો ભવિષ્યકાળ. હવે અટવાતાં નથી મારા પગમાં આ વર્તમાનનાં વારિ. હજી હું જીવું છું ગતસમયના એ વમળમાં. એટલે જ વારંવાર લોભાઉં છું અને વારતહેવારે મછવો લઈને ફર્યા કરું છું, ઉપર ઉપર તર્યા કરું છું. કદાચ, ક્યાંક કંઈ નજરે ચડી આવે, એમ તો ત્રણેય કાળની ભીતરનું ભર્યુંભાદર્યું જગત અહીં ઓટ વખતે ક્યારેક દેખા દે તો દે! જોકે દરેક ભરતી અને ઓટ મારી ચેતનાને ક્યાંક ને ક્યાંક ઘસારો આપે છે. એના પર પડતા ઘસરકા મારા મન પર પડે છે. સમુદ્રમાં ભરતી તે મારી ઓટ ને એમાં ઓટ તે મારી ભરતી. ઢાળેલી ચાંદી જેવા ચમકતા દરિયાને જોયા કરું છું. કશું નક્કર દેખાતું નથી. હું મારા ચારેય વર્ણ અને ત્રણેય કાળને એકસાથે દેખાડવા, સંભળાવવા, સૂંઘાડવા, ચખાડવા ને સ્પર્શ કરાવવા આવ્યો હતો આ ગામમાં, એટલે કે મારા મનની દ્વારિકામાં, સોનાની દ્વારિકામાં! હવે હું કૃષ્ણ છું. નહીં કાળો, નહીં કામણગારો. કર્તા છતાં અકર્તા. તમને બધાંને મારા ગજા પ્રમાણે મારી કલ્પનાના વિરાટનું પ્રીતિ-અપ્રીતિ વિના દર્શન કરાવ્યું. મારી દ્વારિકાને ગળી ગયેલો સમુદ્ર હજીયે એની ચાંદીચમક છોડતો નથી. ભલે યુગયુગાંતરો વહી જાય પણ આ સમુદ્ર જરાક પ્રવાહી બને તો હું ફરી એક વાર ડૂબકીના દાવમાં જ છું. એ ગમે એટલા દાવ ખેલે હું મારો દાવ છોડવાનો નથી. હાલ તો આ આદિસમુદ્રના પ્રવાહ ઉપર તરતા પીપળાના એક પાન ઉપર બાલમુકુન્દની જેમ તર્યા કરે છે મારું મન...
સંપૂર્ણ