સોનાની દ્વારિકા/પાંત્રીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પાંત્રીસ

નેશનલ હાઈવેને બંને બાજુએથી પહોળો કરવાનું કામ જોરદાર રીતે ચાલી રહ્યું હતું. બંને બાજુ ઊંડી ચોકડી જેવું સળંગ ખોદકામ ચાલતું હતું. મજૂરો અને વાહનોને કારણે એમ લાગે કે ચારેબાજુ મેળો ભરાયો છે! એમાં ધરમશી ગેડિયા કરીને એક યુવાન. ચોકડી ખોદે. શરીર સારું, ઊંચો અને પહોંચતો એટલે જુદો તરી આવે. એને ભણવાની બહુ ઈચ્છા. પણ ઘરની પરિસ્થિતિ જરાય સારી નહીં, એટલે મેટ્રિકની પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી કંઈક કામ શોધતો હતો. કામદારની દુકાનેથી રોજેરોજની વસ્તુઓ ક્યારેક રોકડેથી તો ક્યારેક ઉધાર લે અને એમ, અપંગ બાપ, મા અને એક બહેન સાથે ચાર જણનું પેટ ભરાય. કામદારનો બાબો. આમ તો હતો પચીસ વરસનો. પણ, બધા એને બાબો જ કહે. કામદાર ન હોય ત્યારે દુકાને બેસે. લોકો એને માન દેવું હોય ત્યારે બાબાભાઈ કહે. આ બાબાની નજર ઘણા વખતથી ધરમશીની બહેન ઉપર હતી. ધરમશીને એય ખબર હતી કે બહેનને કારણે જ બાબો ઉધાર રાખે છે. પણ બીજો રસ્તો નહોતો. ધરમશીને બહેન પર પાકો વિશ્વાસ હતો, પણ બાબો મજબૂરીનો લાભ લે એ પહેલાં પોતે ઘર ચલાવે એટલું કમાતો થઈ જાય તો સારું; એવી એની ગણતરી હતી. પોતે પહેલે ધડાકે જ મેટ્રિક પાસ થઈ જશે એવો જાત પર ભરોંસો હતો. પણ પછી આગળનું શું? માસ્તર થાવું હોય તોય હજી એક વર્ષ તો ભણવું જ પડે. એ કરતાં આ વખતે તલાટીની પરીક્ષા બહાર પડે અને જો એમાં ગમે તેમ, પણ પોતે પાસ થઈ જાય તો કોઈનીયે ભલામણ વિના બારોબાર જ નોકરી મળી જાય! અને એ પછી તો બહેનને પરણાવતાં કેટલીવાર? એ મૂંઝવણમાં હતો. ઘેરથી નીકળીને વિચારતો વિચારતો રોડના, ચાલી રહેલા કામ બાજુ જઈ રહ્યો હતો. હજી હાઈવે પર ચડવાને બે ગાઉ બાકી હતાં. એટલામાં બાજુમાંથી દડવડ... દડવડ... ખબક.. ખબક કરતો એક ઘોડેસવાર પસાર થયો. સવારની પીઠ પરથી લાગ્યું કે કોઈ દરબાર હશે પણ ખ્યાલ ન આવ્યો કે ખરેખર કોણ છે. ધરમશી ચાલતો રહ્યો. ઘોડો થોડેક જ આગળ ગયો ત્યાં પોચા પટલની વાડીના ધોરિયા પાસે જ, ધરમશી દેખે એમ, અચાનક જ એ માણસ ધડામ કરતો ઘોડા પરથી નીચે ગબડી પડ્યો. એનો બાવળો ઘોડો થોડે આગળ જઈને ઊભો રહી ગયો. ધરમશીએ જોયું તો ઊંઘમૂંધ પડેલો એ માણસ ઊંહકારા ભરી રહ્યો હતો. એના મોઢામાંથી શ્વાસના ફુત્કારા નીકળી રહ્યા હતા. ધરમશીએ ધોરિયામાં વહેતા પાણીનો ખોબો ભર્યો અને એ જણને પાવાની કોશિશ કરી. પાણી બાતલ ગયું. પણ મોઢું ઊઘડ્યું નહીં. ફરી બીજો ખોબો ભર્યો ને એના આખા ચહેરા પર પાણી છાંટ્યું. તરત વારમાં એણે માથું હલાવ્યું. વળી એક ખોબો ભર્યો ને એના હોઠે ધર્યો. મોઢામાં થોડુંક પાણી ગયું અને આંખો ઊઘડી. ધરમશીએ એને બેઠો કર્યો. ખીજડાના ટેકે બેસાડ્યો. પછડાટને કારણે નાક, ગાલ, કપાળ અને હથેળી છોલાઈ ગયાં હતાં. કદાચ કેડમાં પણ આંચકો આવ્યો હતો. એના જ ફાળિયાથી હવા નાંખતાં નાંખતાં ધરમશીએ પૂછ્યું : ‘કોણ છો તમે? મેં તમને ઓળખ્યા નહીં!’ ‘હું વાહણ પગી...! જરાક ફેર સડ્યા હોય એવું થઈ જ્યું!’ ધરમશીના આખા શરીરમાં એક ધ્રુજારો ફરી વળ્યો. ધરમશીએ જોયું કે એની ભેટમાં કટાર ઉપરાંત તમંચો પણ હતો. ઘોડા બાજુ નજર કરી તો ખ્યાલ આવ્યો કે ઘોડાના સામાન સાથે બંદૂક પણ બાંધેલી હતી. વાહણ પગીનું નામ એક મોટા લુટારા તરીકે જાણીતું હતું. ગામેગામના વેપારી વાણિયાઓને એણે લૂંટ્યા છે અને હિસાબના ચોપડાની હોળી કરી છે એ વાત અજાણી નહોતી. આજ એ વાહણ એની આંખ સામે હતો! બીતાં બીતાં ધરમશીએ બીજી વાર પાણી પાયું અને એનામાં થોડી સ્વસ્થતા આવી. જાતે જ ઊભો થયો. એણે બૂચકારો કર્યો એટલે ઘોડો આવીને ઊભો રહ્યો. એણે પેગડામાં એક પગ મૂક્યો અને નામ પૂછ્યું : ‘જુવાન તારું નામ?’ ‘ધરમશી.’ ‘ચઈ નાત?’ ‘ગેડિયા કોળી!’ ‘તો તો તું ફઈબાનો સોકરો થ્યો! અમારાં એક ફઈબાને ગેડિયામાં દીધેલાંί....’ એટલું કહીને છલાંગ મારવા બીજો પગ ઊંચો કર્યો પણ શરીર ઊંચકાયું નહીં, એટલે પાછળથી ધરમશીએ હાથ દીધો ત્યારે માંડ માંડ ઘોડે ચડાયું! ઘોડાની લગામ હાથમાં રાખીને કહે કે : ‘કોઈ પૂશે કરે તો કે’તો નંઈ કે હું આની કોર્યથી નીકર્યો સું! ને આજ નથીન કો’ક દિ’ કંઈ કામકાજ હોય તો મને હંભારજે..’ અને ઘોડાએ બઘડાટી બોલાવી… ધરમશી એકદમ સીધી લાઈનનો માણસ એટલે વાહણના ધંધા કંઈ એને ગમ્યા નહીં! પણ ચહેરોમોરો એના મનમાં બરાબર વસી ગયો! ખાખી રંગનું મેલું ગંધાતું પગમાંથી એકદમ ફિટ એવું એનું પાટલૂન. એવો જ આખી બાંયનો બુસકોટ, એનાં મોટા મોટા ખિસ્સાં, પગમાં નાળવાળા જોડા, માથે ફેંટા જેવું ફાળિયું. ડોકમાં સોનાનો જાડો દોરો, હાથમાં સોનારૂપાની વીંટીઓ, માંડીને જુએ તો આંખમાં ભારોભાર કરડાકી અને અમથો જુએ તો એની આંખ સાવ નિર્દોષ જ લાગે! ભણતરને કારણે થોડા વખતમાં ધરમશીને ચોકડી ખોદવાને બદલે હાજરી અને માપણી કારકુન તરીકે કામચલાઉ નોકરી મળી. રોડનું કામ લાંબું ચાલવાનું હતું એટલે એને થયું કે ભણવાનું ઠેકાણું ન પડે ત્યાં સુધી જેટલું ખેંચાય એટલું ખેંચી લેવું! મજૂરોની રોજ હાજરી પૂરવાની અને રોજનું કેટલું કામ થયું એની માપણી કરીને નોંધ કરવાની. ધોમધખતા તાપમાં એ માથા ઉપર ભીનું કરેલું લૂગડું નાંખે અને નોંધણી કરતો જાય. આખો દિવસ હાલી હાલીને ઠઈડ નીકળી જાય. દર અઠવાડિયે જિલ્લામાંથી ઓવરસિયર અને કોન્ટ્રાક્ટરનો માણસ મજૂરોને ચુકાવો કરવા આવે. મોટા કાળા પાકીટમાં રૂપિયા ભરીને લાવે. એ લોકો ધરમશીને એમ કહે કે દરેકની માપણીમાં થોડો વધારો કરવો અને મજૂરોના હિસાબમાંથી થોડુંક કાપી લેવું. ધરમશી મૂંઝાયો. એને થયું, ‘અરે! આ તો બેય બાજુની ચોરી!’ એક દિવસ તો એને થયું કે આપણે આવો ધંધો નથી કરવો. આના કરતાં તો ત્રિકમપાવડો શું ખોટાં? ખાવો તો હક્કનો ને ચોખ્ખો રોટલો ખાવો! પણ પછી થયું કે મજૂરી સાચી કરવાની અને હિસાબ ખોટા! એવું કેવું? એટલે એણે નક્કી કર્યું કે કાલે ચુકાવો કરવા જીપ આવે ત્યારે એમાં બેસીને વઢવાણ જાવું અને સીધી મામલતદારસાહેબને જ વાત કરવી કે આ બધા ભેગા થઈને ખાયકી કરે છે. પણ એવડા મોટા સાહેબ પાસે જવાની હિંમત ક્યાંથી લાવવી? બીજે દિવસે જ ચુકાવાવાર હતો. જીપ આવી. પોતે તો બધાં સાચાં જ માપ લખ્યાં હતાં અને એ પ્રમાણે મજૂરોનાં ખાતામાં રકમ માંડી હતી. ઓવરસિયરે આવીને હિસાબ જોયો અને એનો મિજાજ ગયો. આંખોનો રંગ બદલાયો : ‘ધરમશી! તારે નોકરી કરવી છે કે નહીં?’ ‘કેમ સાહેબ! મારી કંઈ ભૂલ થઈ?’ ‘આવા હિસાબ કરવાના? કીધા પ્રમાણે કેમ કરતો નથી? નોકરી કરવી હોય તો કીધું કરવું પડશે… તારે અમારાં છોકરાંને ભૂખે મારવાં છે?’ પ્રશ્નોનો એકસામટો મારો થયો. ‘હું તો જે હોય ઈ જ લખુંને?’ ‘તો અમે તને છુટ્ટો કરી દેશું!’ ‘તો હું મામલતદારસાહેબ પાંહે જઈને બધું કહી દઈશ કે આવડા આ તો બધા ખોટ્ટા છે!’ ‘હવે મામલતદારની વહુ! છાનીમાની બેસ મોટી સચ્ચાઈની પૂંછડી નો જોઈ હોય તો! ઈ સાહેબે જ તો કીધું છે કે, ઈ છોકરો કીધું નો કરે તો આજ જ પાણીચું પકડાવી દેજો!’ ઓવરસિયરે ધરમશીના હાથમાંથી પત્રકો ખેંચી લીધાં અને નાંખ્યાં પોતાના પાકીટમાં! અને કહ્યું કે- ‘આજે કોઈનુંય પેમેન્ટ નહીં થાય! આવતા અઠવાડિયે બધું ભેગું કરીને ચુકાવો થાશે.’ ‘પણ, સાહેબ! આ મજૂરોનું શું થશે? એમણે કામ તો કરી નાંખ્યું છે અને પૈસાની વાટ જોઈને બેઠાં છે..’ ‘ઈ બધાં તારાં હગાં થાતાં હોય તો તું ચૂકવી દેજે! એક વાર કીધુંને કે આજે નહીં થાય! નહીં થાય એટલે નહીં થાય!’ ‘પણ કામનાં માપ?’ ‘હવે માપ અમે લખશું! અને સાંભળ અમે લખીએ ઈ જ માપ!’ ધરમશી લાચાર થઈ ગયો. મનોમન બોલ્યો :

મારે તો ધરમ કરતાં ધાડ પડી! પણ, આ ગરીબોના પરસેવાના પૈસા! પાપિયાઓ તમને નહીં પચે….’ જીપ પાછી વળી. ધરમશી કહે કે- ‘મને ભેગો બેસારી દો. આગળ જગાતનાકે ઊતરીને હાલ્યો જઈશ!’ ઓવરસિયરે તો એને ભેગો લેવાની જ ચોખ્ખી ના પાડી દીધી. પણ, કોન્ટ્રાક્ટરનો માણસ ભલો હતો તે કહે કે, ‘બચારાને લેતા જઈએ... હાલ્ય એય વાંહ્યલા ભાગમાં બેહી જા!’ સાંજ ઢળવા આવી હતી. જીપ ખાડાખબાડા રસ્તે ધીમે ધીમે હીંચકા લેતી ચાલતી હતી. ડ્રાયવરની બાજુમાં ઓવરસિયર બેઠા. કોન્ટ્રાક્ટરનો માણસ અને ધરમશી પાછળના ભાગે અછૂતની જેમ બેઠા. જરાક આગળ ગયા ત્યાં તો કાચા રસ્તેથી ત્રણ ઘોડેસવારો આવ્યા અને રસ્તા વચ્ચે ઘોડા ઊભા રાખી દીધા. જીપ ઊભી રાખવી પડી. ઓવરસિયરની છાતી ઉપર બંદૂકનું નાળચું મુકાયું. એક જણ બોલ્યો : ‘સુકાવો કરવાવાળા સો ને?’ ‘હા.’ ‘થઈ જ્યો સુકાવો?’ ‘હા. બધું પતી ગયું!’ ઓવરસિયર જુઠું બોલ્યો. ‘તો વધેલા રૂપિયાનો ઢગલો કરી દ્યો! આ તમારી મા હગી નંઈ થાય!’ ઓવરસિયરે ડ્રાયવર અને એની વચ્ચે પડેલું રૂપિયાનું પાકીટ કોણીથી પોતાની કેડમાં દબાવ્યું અને નાળચાનું દબાણ છાતી ઉપર વધ્યું! થોડાઘણા વધેલા રૂપિયા હોત તો તો કદાચ આપીયે દેત, પણ આ તો આખેઆખો ચુકાવો! નાંખી દેતાંય દસેક હજાર! ઓવરસિયરને થયું કે આના કરતાં તો ચૂકવી દીધા હોત તો સારું હતું! પણ, એણે હોંશિયારી કરી. જમણા હાથથી પકડીને ભરેલું પાકીટ સીટની પાછળ બેઠેલા ધરમશીના ખોળામાં નાંખ્યું. એટલે બીજો ઘોડાવાળો હતો એ જીપની પાછળની બાજુએ આવ્યો. ઘોડા ઉપર બેઠા બેઠા જ લાંબા થઈને એણે ધરમશીના હાથમાંથી પાકીટ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ધરમશીના કસાયેલા બાવડાએ મચક ન આપી. એટલે ખેંચાખેંચી થઈ. બુકાની બાંધેલા એ જણની આંખો અને બાવળો ઘોડો એને કંઈક જાણીતાં લાગ્યાં. એટલી વાર વિચારવામાં પાકીટ ઉપરની એની પકડ જરાક ઢીલી પડી ને લુટારાએ પાકીટ ખેંચી લીધું! ધરમશી લાગલો જ બોલ્યો : ‘વાહણ પગી તો નંઈ?’ ‘વાહણ તો નંઈ, પણ ઈનો ભઈ સાગર!’ હવે ધરમશી હિંમતમાં આવી ગયો. ‘સાગર! તું મારો મામો ખરો, પણ કંસ પાક્યો છું ઈની આજ ખબર પડી! પણ, એટલું યાદ રાખજે કે આ ગરીબ મજૂરોના પરસેવાના પૈસા છે... ઈ કોઈને નો પચે!’ ‘મને તો કોઈ મામા કે’વાવારું રિયું નથ્ય... આટલાં વરહે તું ભાણો ચ્યાંથી પાક્યો હેં?’ ‘ઈ તું વાહણમામાને પૂછજે… ને કે’જે કે સખપરના ધરમશી ગેડિયાને હું લૂંટીન આવ્યો છું! પાકીટ પાછું દેવા નો આવવું પડે તો કે’જે મને...’ સાગરને ખ્યાલ આવી ગયો કે આ તો ભાઈનો જીવ બચાવવાવાળો જણ! પોતે એકદમ ઢીલો પડી ગયો! પાકીટ પાછું ધરમશીના ખોળામાં નાંખ્યું અને ઘોડાને જીપની આગળ લાવી ઊભો કર્યો. ઘોડા પર બેઠા બેઠા જ હવામાં એક ગોળીબાર કર્યો અને પછી ઠેકડો મારીને હેઠો ઊતર્યો. ઓવરસિયરનો કાન મરડીને કહે— ‘આ મારી ફઈનો સોકરો સે… અને ઈનો એક ઉપકાર અમારી ઉપર સે અટલ્યે જાવા દઉં સું… બાકી ઈ નો હોત તો તમારું હરામનું ખાધેલું બધું ઓકાવી નાખત!’ એમ કહીને માસમાણી એક ભૂંડાબોલી ગાળ ચોપડાવી! ઓવરસિયરના પેટમાં બંદૂકનો કુંદો મારીને ત્રણેય જણે ખાલી હાથે ઘોડા મારી મૂક્યા! હાઈવેને પહોળો કરવામાં કેટલાયનાં ખેતરોના લીરા કપાતમાં જતા હતા. એક વળાંકને કારણે જગમાલ મારુનું અડધું ખેતર કપાતમાં આવતું હતું. જગમાલને નિયમ પ્રમાણે સરકાર વળતર આપે જ, પણ એનો મુદ્દો એવો હતો કે જો રસ્તાનો વળાંક થોડો મોટો અને બેએક ગાઉ આગળથી લેવામાં આવે તો અકસ્માતની શક્યતા ઓછી થાય અને હાલ જે નાની નહેર છે એને ભવિષ્યમાં મોટી કરવાની થાય તોય અનુકૂળતા રહે. વધારામાં પોતાના ખેતરના બે વીઘા બચી જાય! એટલે એણે વાંધો લીધેલો. કોર્ટમાં જતાં પહેલાં એણે સરકારમાં રજૂઆત કરી હતી. એટલે કલેકટર ઑફિસમાંથી તેડું આવ્યું કે ‘રૂબરૂ આવીને રજૂઆત કરવી.’ જગમાલ મારુ બધા જરૂરી કાગળો લઈને કલેકટર ઑફિસે ગયો. પટાવાળાએ ચાર કલાક બેસારી રાખ્યો અને કહ્યું કે— ‘સાહેબ આજે બહુ કામમાં સે એટલે બે-ત્રણ દિ’ કેડ્યે આવજો!’ જગમાલ અકળાયો, પણ બીજો વિકલ્પ નહોતો એટલે ચારપાંચ દિવસ પછી પાછો આવ્યો. એ દિવસે સાહેબ મળ્યા તો ખરા પણ એને ધમકાવ્યો : ‘તમે અમને સલાહ આપનારા કોણ? આ બધા એન્જિનિયરોને કંઈ ખબર નહીં પડતી હોય? અને સરકારનો હક્ક છે કે જાહેરહિતનાં કામ માટે જરૂરી જમીનનું સંપાદન કરી જ શકે!’ આમ છતાં જગમાલે આગ્રહ રાખ્યો ત્યારે એટલું આશ્વાસન મળ્યું કે— ‘કલેકટરસાહેબ જાતે આવીને સ્થળતપાસ કરશે અને તમામ દસ્તાવેજો જોઈને નક્કી કરશે કે શું કરવું!’ સાહેબ ફાઈલ વાંચતા હતા એ દરમિયાન મામલતદારે એક બાજુ લઈ જઈને હળવે સાદે જગમાલને કહ્યું- ‘મારુભાઈ, તમારી જમીન બચાવવી હોય તો કંઈક સમજવું પડે! સાવ એમને એમ તો કોણ હાથ પકડે? કંઈક મેળવવું હોય તો.. આ તો હું અંગત રીતે કહું છું!’ જગમાલને પહેલી વખત લાગ્યું કે આના કરતાં તો રજવાડાં અને અંગ્રેજો વધારે સારાં હતાં. એ લોકો કદાચ ખેડૂતોને વધારે સારી રીતે સમજતા હતા. દેશની આઝાદી વખતે પોતાનાં લીલાં માથાં ધરી દેનારા શહિદોએ શું આવા દિવસ માટે બલિદાનો આપ્યાં હતાં? એનું લોહી ઊકળી ઊઠયું. આ અમલદારશાહી અને રાજકારણે દેશને ફોલવાનું શરૂ કરી દીધું છે એવા વિચારે બહુ દુ:ખી થયો અને મામલતદારને કહ્યું કે— ‘તમે જેમ કહેશો એમ સમજવામાં મને વાંધો નથી.” પણ મનમાં ગાંઠ વાળી કે જો આમ જ ઉઘાડી લૂંટ થતી હોય તો આપણે જ શું ખોટા છીએ? અને એણે આવતી વખતે ચૂંટણીમાં ઝંપલાવવાનું અને દુનિયાને દેખાડી દેવાનું મનોમન નક્કી કરી લીધું! ગમે તેમ કરીને રૂપિયા દસ-પંદર હજારનો જોગ કર્યો અને જમીન બચાવી લીધી. આ ઘટના પછી જગમાલ ખુલ્લેઆમ કહેતો થયેલો : ‘એક દિવસ એવો આવશે કે હું આ પ્રદેશનો કર્તાહર્તા અને સમાહર્તા હોઈશ! મગતરા જેવા મામલતદારો, કલેક્ટરો અને સચિવો મારા ઈશારે મુજરા કરશે. પંચાયત, ધારાસભા, લોકસભા, રાજ્યસભા, આમસભા ને ખાસસભા, અરે! કોઈ પણ સભા... એમાં જવા ને આવવાની ટિકિટો હું ફાડીશ! તમે બહુમતીની વાત કરો છો ને? પૂરેપૂરી સોએ સો ટકા મતિ મારી! ન કોઈ પક્ષ-અપક્ષ-વિપક્ષ એક જ લક્ષ. હું જ હું દક્ષ અને સહસ્ત્રાક્ષ! કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે કોની મગદૂર છે મારો વાળેય વાંકો કરે? હું જ તમને તમારી આપીશ સાચી ઓળખ! તમે કડવા, તમે લે’વા, તમે કોળી, તમે ક્ષત્રિય, તમે મુસ્લ્મીન, તમે વાણિયા, તમે ભામણ, તમે હરિજન, વાસી તમે, આદિવાસી તમે, બંધુ તમે જ હંધું! તમારી નાત, તમારી જાત, તમારા ટકા, તમારાં બટકાં, તમારાં લટકાં, તમારાં મટકાં, તમારો કોળિયો, તમારો ઓળિયોઘોળિયો બધું હું નક્કી કરીશ. હું કોણ? તમારો એક નંબરનો ને અવ્વલ સેવક. તમારો કેવટ. મારો વટ! અત્યારે બે વીઘા માટે મને ખોટી રીતે કગરાવો છો... પણ યાદ રાખજો હવે રસ્તા મારા, નદિયું મારી, પહાડ મારા, જંગલ મારાં, દરિયા મારા, અરે! આખી ને આખી પ્રથમી મારી... આ આકાશ ને પાતાળેય મારાં! હું કહું એ પહાડ ખોદી નાંખવાના, હું કહું એ નદીને નાથી દેવાની, હું કહું એ જંગલને કાપી નાંખવાનાં, હું કહું એ પ્રાણીઓ જીવે... બાકીનાંને મારી નાંખો.... કાપી નાંખો... બાફી નાંખો... અરે! ખાઈ જાવ... જોઈ શું રહ્યાં છો? ભૂંસી નાંખો હજ્જારો વરસના ઇતિહાસો... ભૂલી જાવ તમારી ભૂગોળ! બધે જ લખો મારું નામ.. આંખ ઉપર, નાક ઉપર, કાન ઉપર, મકાન ઉપર.... પુલ ઉપર, બુલબુલ ઉપર... સિટી ઉપર, યુનિવર્સિટી ઉપર.... મંડળ ઉપર, કમંડળ ઉપર… હું દૃષ્ટા, હું સ્રષ્ટા, હું કર્તા, હું સૃષ્ટિનો પાલનહાર! કરી નાંખું આખી પૃથ્વીનો જીર્ણોદ્વાર... હું જગમાલ... હું જગમાલ!’ જગમાલ કદીયે ન ખૂટે એવી લવરીએ ચડી ગયો...

***