સોનાની દ્વારિકા/ત્રીસ
ત્રીસ
સંસ્થાના ક્લાર્ક ચૌહાણભાઈ કોઈ વહીવટી કામે શાળાધિકારીની કચેરીએ ગયા હતા. ત્યાંના હેડક્લાર્કે કહ્યું કે, ‘સાહેબને મળીને જજો.’ ચૌહાણ બીતાં બીતાં પાન્ડોરાસાહેબની ઑફિસમાં ગયા. સાહેબ ખુરશીમાં બેઠા હતા પણ એમણે બંને પગ ટેબલ પર લાંબા કર્યા હતા. થોડી વાર તો સાહેબે ચૌહાણની સામે પણ ન જોયું. ચૌહાણ અદબ વાળીને ઘણી વાર સુધી ઊભા રહ્યા. પછી એમણે હિંમત કરીને સાહેબને પૂછ્યું- ‘સાહેબ નમસ્તે! આપે મને કંઈ યાદ કર્યો હતો!’ ‘ક્યાંથી આવ્યા છો?’ ‘મહિલા વિકાસ વિદ્યામંદિરેથી!’ ‘વીરબાળાબહેનની સંસ્થામાંથી?’ ‘હા જી સાહેબ!’ ‘એમને સમાચાર આપજો કે હું ગુરુવારે ત્યાં આવવાનો છું. સાંજે કાર્યક્રમ રાખે...’ ‘હા જી સાહેબ!’ સાહેબના ચહેરા પરના હાવભાવથી ચૌહાણ સમજી ગયા. કહે કે- ‘સાહેબ! આપ રજા આપો તો હું જઉં!’ ‘રજા જ છે.....’ ચૌહાણે પગ ઉપાડ્યા. હજી બારણા સુધી પહોંચે ત્યાં તો સાહેબે પાછા બોલાવ્યા અને કહ્યું, ‘કાર્યક્રમમાં... પેલી મોનિટર છે ને? શું નામ એનું? સં...ધ્યા. હા એની સ્પેશ્યલ આઈટેમ રાખજો! અને પેલી પ્રિન્સિપાલ છે ને? એને કહેજો કે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલે!’ ‘જી સાહેબ!’ ‘એટલું કહીને ચૌહાણ સંસ્થામાં પાછા આવ્યા. આવીને વીરબાળાબહેનને બધી હકીકત કીધી. પછી ઉમેર્યું : ‘બહેન! આ સાહેબ જરા છટકેલ લાગે છે, નહીં?’ ‘જરા નહીં, વધારે છટકેલ છે! કંઈ વાંધો નહીં, પડશે એવા દેવાશે!’ બે-ત્રણ દિવસ તો તૈયારીમાં ગયા. ગુરુવારે સાંજે જીપ સંસ્થાના ઝાંપામાં પ્રવેશી ત્યારે સાંજ ઢળી ગઈ હતી. બધાં પક્ષીઓ પોતપોતાના માળા ભણી જઈ રહ્યાં હતાં અને પાન્ડોરા પોતાનો માળો છોડીને સંસ્થા ભણી આવી રહ્યા હતા. વીરબાળાબહેને આવકાર આપ્યો. બેસાડ્યા. કલાકમાં તો બધી વિદ્યાર્થિનીઓ પ્રાર્થનાખંડમાં ગોઠવાઈ ગઈ. પ્રાર્થનાગાન બાદ વીરબાળાબહેને સાહેબનું સ્વાગત કરતાં કહ્યું, ‘આપણા માટે આનંદની વાત એ છે કે, પાન્ડોરાસાહેબ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે આપણી સંસ્થામાં ખૂબ ઊંડો રસ લઈ રહ્યા છે... સાહેબના આશીર્વાદ આપણા સહુ ઉપર છે એ બહુ મોટી વાત છે!’ વિદ્યાર્થિનીઓએ સાહેબને ત્રણ તાળીનું માન આપ્યું! એક બે સમૂહગાન થયાં, બે-ત્રણ બહેનોએ મૂકઅભિનય કર્યો... પણ, પાન્ડોરાને જાણે એમાં રસ જ નહોતો! એમની આંખ તો સંધ્યાને જ શોધી રહી હતી. વળી બીજી કોઈ નવી આઈટેમની જાહેરાત થઈ એટલે પાન્ડોરા અકળાયા! સહેજ ડોક નમાવીને વીરબાળાબહેનના કાનમાં કહે— ‘સમય ઘણો થઈ ગયો છે હવે ભરતનાટ્યમ્ થવા દો! એ પછી હું નીકળું!’ ચાલતી હતી એ આઈટેમ પૂરી થઈ. જાહેરાત થઈ કે ‘હવે ભરતનાટ્યમ્ રજૂ થશે. કળાકાર જાદવ સંધ્યા… ગીતના શબ્દો છે : વસનરૂપ ભયે શ્યામ...’ સંધ્યાનો મંચપ્રવેશ થયો અને તાળીઓનો ગડગડાટ થયો! અમુક છોકરીઓએ તો આનંદની ચિચિયારી પણ કરી! સાહેબ પણ લહેરમાં આવી ગયા. વીરબાળાબહેને કહ્યું કે— ‘આમ તો પુષ્પાંજલિથી શરૂ કરીને તિલ્લાના સુધીનું લઈએ તો તો એકલી સંધ્યાનો જ બે કલાકનો સ્વતંત્ર કાર્યક્રમ થાય! પણ આજે આપને મોડું થાય છે એટલે ફક્ત કીર્તનમ્ જ રજૂ કરશે!’ સાહેબે એકદમ સુકાન ફેરવ્યું અને હૈયાની વાત હોઠ પર આવી ગઈ! કહે કે— ‘સંધ્યા નાચતી હોય તો હું તો આખી રાત બેસવા તૈયાર છું!’ બહેનને ‘નાચતી’ શબ્દ ખૂંચ્યો. સહેજ કડક અવાજે બોલ્યાં, ‘સાહેબ! અવિવેક માફ કરજો, પણ એ જે કરશે એને નૃત્ય કહેવાય! અને એ ભગવાન નટરાજને સમર્પિત થાય છે.’ પાન્ડોરા જરા છોભીલા પડ્યા, પણ તંગડી ઊંચી રાખવા કહે કે— ‘એ બધું શાસ્ત્રીયબાસ્ત્રીય તમે જાણો! અમારે તો બધું જ એકસરખું!’ વીરબાળાબહેને પોતાના મિજાજને માંડ કાબૂમાં રાખ્યો! કાર્યક્રમ પૂર્ણ થયો એટલે સંધ્યાએ વાંકી વળીને સહુને વંદન કર્યા. પાન્ડોરાસાહેબે આશીર્વાદ આપતી વખતે વિશેષ પ્રકારે એના વાંસામાં હાથ ફેરવ્યો! સંધ્યાનું શરીર એકદમ તંગ થઈને ખેંચાયું. એ પછી પોતે બે શબ્દ બોલવા ઊભા થયા. કળાઓ વિશે આવડ્યું એવું બોલ્યા અને પછી પોતાના ખિસ્સામાં હાથ નાંખ્યો. એક કવર કાઢ્યું અને સંધ્યાને પોતાની પાસે બોલાવીને ઈનામરૂપે આપ્યું. બધાં માટે આ અણધાર્યું હતું. આ સંસ્થામાં આવી પરંપરા નહોતી. પણ જાહેરમાં શું કહેવું? એમ માનીને સહુ ચૂપ રહ્યાં. જીપમાં બેસતાં પહેલાં એકલી સંધ્યાને લાંબો હાથ કરીને પાન્ડોરાએ પોતાની પાસે બોલાવી અને કહ્યું— ‘બોલ! છવ્વીસમી જાન્યુઆરીના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જવું છે? ત્યાં તને તારી કળા પીરસવાનો ચાન્સ અપાવું? આમ તો હું કોઈનીય ભળામણ કરું એવો નથી, પણ ખાસ તારા માટે.... પછી સુધાર્યું..... તારા વિકાસ માટે તો હું કંઈ પણ કરી શકું! બોલ છે ઈચ્છા? નામ થઈ જશે!’ ‘સાહેબ! મને આમાં શું ખબર પડે? આપ જ બહેનને વાત કરો એ વધારે સારું!’ ‘બધી વાતમાં બહેનને પૂછવાનું ન હોય! આ તો તારે સ્વતંત્ર રીતે કરવાનું છે એમાં તો તારે જ નિર્ણય કરવો પડે! હું કહું એમ કરીશ તો બેડો પાર થઈ જશે! અને સાંભળ! પેલા કવરમાં પૂરા બસ્સો છે હોં!’ સંધ્યા પગ વડે જમીન ખોતરતી રહી અને સાહેબ ગયા... થોડા દિવસ ગયા પછી એક સવારે— વીરબાળાબહેન પાસે જવાની હિંમત તો ક્યાંથી લાવવી? એટલે સંધ્યા ચારુબહેન પાસે ગઈ. એને ખબર નહોતી પડતી કે શું કરવું? પણ, પછી જેમ જેમ શબ્દો જડતા ગયા એમ એમ બોલતી ગઈ... એની વાતનો સાર એવો હતો કે પાન્ડોરાસાહેબ વારંવાર એની સાથે સંવાદ કરવાનાં બહાનાં શોધે છે અને કહે છે કે – ‘આ વખતે તને રાજ્યકક્ષાએ અમદાવાદ મોકલી આપું! પછી તું જો સમજીને રહે તો આવતાં વરસે દિલ્હીમાં.. રાષ્ટ્રીયમંચ ઉપર પણ તારો કાર્યક્રમ ગોઠવી આપું! નામ થઈ જશે નામ! માસ્તર થઈને જિંદગી આખી વૈતરું કરીશ? એના કરતાં તો નૃત્યાંગના થાને! શરત એટલી કે હું કહું એમ કરવાનું!’ ચારુબહેનને આખી વાત સમજતાં વાર ન લાગી. એમણે કહ્યું, ‘અત્યારે છોડ આ બધું. હમણાં તો પાઠની તૈયારી કરો... હું બહેન સાથે ચર્ચા કરી લઈશ!’ ‘પણ, એમણે તો બહેનને આ વાત કરવાની પણ ના કહી છે!’ ‘એ તો કહે! બધે કંઈ એના બાપાનું રાજ ચાલે છે? તું ચિંતા ન કરીશ. એ તો હું મારી રીતે બહેન સાથે વાત કરી લઈશ.’ વીરબાળાબહેને બધું નિરાંતે, શાંતિથી સાંભળ્યું. ખાસ કંઈ બોલ્યાં નહીં. આખી બપોર એમ જ વીતી. સાંજે બહેન તૈયાર થઈને બહાર નીકળ્યાં. આર-ઈસ્ત્રી કરેલી સફેદ સાડી, મરૂન બોર્ડર, ગૂંથેલા ચોટલાનો વાળેલો અંબોડો, પગમાં કોલ્હાપુરી ચંપલ, આંખમાં આછું અંજન અને લંબચોરસ ફ્રેમનાં ચશ્માં. ચશ્માંના કાચમાં આછી વાદળી ઝાંય. જમણા હાથમાં ઓમેક્સની ઝીણકી ઘડિયાળ અને ડાબા ખભે લટકતો થેલો! જતાં જતાં કહેતાં ગયાં, ‘ચારુ! હું જરા વસંતભાઈને મળીને આવું!’ આ વસંતભાઈ એટલે સાપ્તાહિક અખબાર ‘સંકેત’ના માલિક, મુદ્રક અને પ્રકાશક. અત્યંત નિષ્ઠાવાન પત્રકાર. આખો ઝાલાવાડ ‘સંકેત’ની રાહ જુએ! ઘટનાસ્થળે પણ પોતે જ જાય. ફોટોગ્રાફર દામોદર ન હોય તો હાથમાં કેમેરા પકડતાં વાર નહીં. આવીને અહેવાલ પણ પોતે જ લખે! એમની શૈલી જ એવી કે સમાચાર વાંચનારને એમ લાગે કે પોતે ઘટનાસ્થળે હાજર જ છે. ‘સંકેત’ એટલે આખા પ્રદેશનું મુખપત્ર. એમાં આવે એ સમાચાર ખોટા કે પ્રાયોજિત ન હોય. સહુને એમ લાગે કે એ આપણી જ વાત લખે છે. ‘સંકેત’ ટપાલ દ્વારા જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચે. સુરેન્દ્રનગરમાં તો દર શુક્રવારે સાંજે છાપાં લઈને સાયકલ ઉપર ભાગવા, ફેરિયાઓ રીતસરની પડાપડી કરે! બે કલાકમાં તો સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગરમાં ‘સંકેત’ ફરી વળે! વસંતભાઈ કોઈનેય ગાંઠે નહીં. ખરા પત્રકારત્વ સિવાયની કોઈ વાતમાં રસ નહીં. લેવડદેવડના કોઈ વ્યવહાર નહીં, એ કારણે ભલભલા બીતા રહે એવો આ અખબારનો દમામ! એટલું ખરું કે વસંતભાઈ હકીકતોથી એક દોરોય દૂર ન જાય અને એમના ઉપર કોઈનું દબાણ પણ ચાલે નહીં! એમની સાયકલનાં અને પ્રિન્ટીંગ મશીનનાં પૈડાં ફરતાં જ રહે! પહોળા પાયચાંનો લેંઘો, જમણો પાયચો અનેક વાર સાયકલની થાળી અને ચેઈનના દાંતા વચ્ચે આંકામાં ભરાયો હોય એટલે એની ઉપરનાં કાણાં અને ઓઈલના અર્ધગોળ ડાઘાની ડિઝાઈન તરત દેખાય! લેંઘા ઉપર ચાળવાળું પહેરણ, એના ઉપર બારે માસ બદામી રંગની બંડી, આંખો ઉપર બાયફોકલ ચશ્માં. એના કાચ કરતાંય વધુ પારદર્શક અને તીક્ષ્ણ એવી આંખો. સફેદ વાંકડિયા વાળ. અનાયાસ જ એક લટ કપાળ ઉપર લહેરાયા કરે. છાપખાનું પણ પોતાનું. ચૌદેક માણસો કામ કરે. સમય ઓછો ને મેટર વધારે હોય ત્યારે વસંતભાઈ પોતે ટાઈપનાં બીબાં ગોઠવવામાં લાગી જાય. ડાબા હાથમાં બીબાં ગોઠવવાની સ્ટિક પકડી હોય અને જમણા હાથથી ગોઠવતા જાય. બીબું શોધતા હોય ત્યારે ડાબા હાથનો અંગૂઠો એમ જ આદતવશ હલ્યા કરે! ક્યારે ટાઈપ આવે ને ક્યારે ગોઠવી દઉં એવી ઉતાવળ એમાં દેખાય! ક્યારેક કોઈ ખોટો ટાઈપ આવી ગયો હોય તો ચીપિયાથી ખેંચી કાઢે અને નવો ટાઈપ ધીરે રહીને સરકાવી દે! ફર્મો તૈયાર થાય પછી ચારે બાજુ પટ્ટીઓ ગોઠવે. દોરી બાંધીને અલગ મૂકે ત્યાર પછી જ બીજું કામ હાથમાં લે. વસંતભાઈ હજી પ્રેસમાં જ હતા અને વીરબાળાબહેન ત્યાં પહોંચ્યાં. કમ્પોઝખાતામાંથી હાથ લૂછતાં લૂછતાં ઑફિસમાં આવ્યા. વીરબાળાબહેને એમનો વેશ જોઈને જરા મલકાટ પાથર્યો. વસંતભાઈ ખુશ થઈને બોલ્યા : ‘આજે તમારાં પાવનપગલાં અહીં ક્યાંથી?’ ‘એક બાબતમાં તમારી સલાહ લેવાની છે!’ ‘બોલો!’ ‘વીરબાળાબહેને પાન્ડોરાસાહેબ વાળી વાત વિગતે કરી. વસંતભાઈ વચ્ચે વચ્ચે હોંકારો ભણતા રહ્યા. વાતની ગંભીરતા મુજબ, એમના ચહેરાની રેખાઓ બદલાતી રહી. વીરબાળાબહેને પૂરું કર્યું એટલે વસંતભાઈ કહે- ‘આવું કશું જ ચલાવી ન લેવાય. મારી દૃષ્ટિએ હવે ત્રણ વિકલ્પ છે : એક તો એ કે તમે કહો તો પોલીસ ફરિયાદ નોંધાવીને આખો કિસ્સો પ્રગટ કરીએ અને આ માણસને ઉઘાડો પાડીએ. બીજો વિકલ્પ એ કે કેળવણીપ્રધાન ગોરધનદાસને કહીને રાતોરાત એની બદલી કરાવી દઈએ. ભલે જાય જંતર વગાડતો! અને ત્રીજું, આને એવો પાઠ ભણાવીએ કે ફરી વાર અહીં તો શું પણ ક્યાંય કોઈનીય સામે આંખ ઊંચી કરવાની હિંમત ન કરે.’ ‘પ્રથમ વિકલ્પમાં તો આપણી સંસ્થા અને દીકરી બંને બદનામ થાય. અને બીજું, હું એવું સમજું છું કે આપણાથી ન થઈ શકે એવા કામમાં જ શાસનનો સહારો લેવો જોઈએ. બદલીની બાબતમાં એવું છે કે પાન્ડોરાએ અગાઉ પણ આવાં કોઈ પરાક્રમો કર્યાં હશે, એટલે સજાના ભાગરૂપે જ એને અહીં મૂક્યો છે. ત્રીજા વિકલ્પ માટે તમે જે કહો તે પ્રમાણે કરીએ. એમ કરતાંય જો એક માણસ સુધરે તો બંને બાજુએ કશુંક અઘટિત થતું અટકે!’ વીરબાળાબહેન એક જ શ્વાસે આટલું બધું બોલી ગયાં. ‘કામાતુરાણામ્ ન ભયમ્ ન લજ્જા!’ તમે એવું કરો કે સંધ્યાને બહાને એને સંસ્થામાં જ રાત્રે બોલાવો. તમને એક કારસો બતાવું છું એ કરજો અને પછીનું મારા ઉપર છોડી દો!’ એક દિવસ સંધ્યા ઉપર બારોબાર સંદેશો આવ્યો- ‘સાંજે વિશ્રામગૃહમાં આવી જા!’ સંધ્યા ગભરાઈ ગઈ. ચારુબહેન પાસે દોડી ગઈ. ચારુબહેને કહ્યું કે– ‘સાંજની વાત છે ને? જોઈ લઈશું. તું જા તારું કામ કર!’ બપોર પછી ચારુબહેન જાતે પાન્ડોરાની ઑફિસમાં ગયાં. ચારુબહેનને જોયાં કે પાન્ડોરાને પરસેવો વળી ગયો! એમને થયું કે સંધ્યાએ આમને વાત તો નહીં કરી હોય? ચારુબહેન બિલકુલ સ્વસ્થતાથી એમની સામે ખુરશીમાં બેઠાં અને જાણે કે એમનાં અંગત વિશ્વાસુ હોય એવી રીતે વાત શરૂ કરી : ‘સાહેબ એમાં તો એવું છે ને કે — સંસ્થાની બાળા સાંજ પછી ઝાંપાની બહાર પગ મૂકે અને વિશ્રામગૃહમાં આવે એ ઠીક ન ગણાય. એમાં તો એની અને આપની બંનેની ફજેતી થાય! એ કરતાં આપ જ સાંજ પછી પધારો તો સંસ્થાનું બધી સગવડવાળું નાનું એવું ‘મહેમાનગૃહ’ છે જ. હું એટલી કાળજી તો લઈશ જ કે મોટાં બહેનને ખબર ન પડે!’ પાન્ડોરા એકદમ ખુશ થઈ ગયા. એમને અંદાજ નહોતો કે આટલું સરળ થઈ જશે! એમના મનમાં તો એમ જ હતું કે સંસ્થા એટલે કે વીરબાળા જ આડે આવે છે, બાકી સંધ્યાને પટાવવાનું તો સાવ સહેલું જ હતું! બધું સામેથી જ આવી મળ્યું એનો હરખ એમના આખા શરીરમાં ફરી વળ્યો! ‘હું ક્યા શબ્દોમાં તમારો આભાર માનું ચારુબહેન?’ ચારુબહેને હસી કાઢ્યું અને મોં મલકાવતાં બોલ્યાં, ‘સાહેબ! એટલું ધ્યાન રાખજો કે આવો ત્યારે જીપ અને ડ્રાયવરને સાથે ન લાવતા. અંધારું થાય પછી ટહેલવા નીકળ્યા હોય એમ એકલા જ આવજો, એટલે કશો ફંફેરો ન થાય! હું ચોકીદારને સૂચના આપી રાખીશ.’ પાન્ડોરા, જાણે અત્યારે જ દોડી પહોંચવાનું હોય એમ ઊભા થઈ ગયા. ચારુબહેને કહ્યું કે, ‘આપ બેસો! હું જેમ આવી હતી એમ જ ચાલી જઈશ!’ પાન્ડોરાને લાગ્યું કે આજે શેય સાંજ પડતી નથી. સુગંધી સાબુથી નાહીને તૈયાર થયા. સારામાં સારાં કપડાં પહેર્યાં. પરફ્યુમ છાંટ્યું. બૂટ પહેરવા કે ચંપલ એની દ્વિધામાં હતા. છેવટે એવું નક્કી કર્યું કે દોરી વિનાના બૂટ પહેરવા. ઘરમાં થોડી વાર આમતેમ આંટા માર્યા અને બારણું બંધ કરીને બહાર ખુલ્લી ઓશરીમાં આવ્યા. જોયું તો એક જ બૂટ હતો. બીજો ક્યાં? જરા આજુબાજુ જોયું તો દૂર ફળિયાના ખૂણે એક કૂતરો બેઠો બેઠો બૂટને ફાડતો હતો. એમણે એ બાજુ હડી કાઢી ને કૂતરાને ‘હઈડ… હઈડ’ કર્યું. કૂતરો ભાગ્યો તો ખરો, પણ અડધો ખવાયેલો જોડો મોઢામાં લઈને! વળી પાછું ઘર ઉઘાડ્યું અને ચંપલ પહેર્યા. મનને કાબૂમાં રાખવા હળવે હળવે ચાલતા થયા. સંસ્થાના ઝાંપા પાસે પહોંચ્યા કે તરત જ ચોકીદાર ‘પધારો સાહેબ!’ કહીને ‘મહેમાનગૃહ’ સુધી લઈ આવ્યો. બારણું ખોલીને બત્તી ચાલુ કરી. સાહેબને એક સોફા પર બેસવાનું કહીને બોલ્યો— ‘હું ચારુબહેનને જાણ કરું કે આપ આવ્યા છો!’ ‘હમ્મ.’ એ ગયા પછી સાહેબ ‘મહેમાનગૃહ’નું નિરીક્ષણ કરવા લાગ્યા. અંદર એક રૂમ. રૂમમાં બે અલગ અલગ પલંગને ભેગા કરીને રાખ્યા હતા. ચાદર-ઓશિકાં-પડદા બધું જ એકદમ સ્વચ્છ. બાજુની ટિપોય પર ગયા અઠવાડિયાનું ‘સંકેત’ પડ્યું હતું. સામેની દીવાલે એક ભીંતિયો કબાટ, કબાટમાં ખાદીના ટુવાલ-નેપકિન વગેરે પડ્યું હતું. કબાટની ઉપરના ભાગમાં વચ્ચોવચ્ચ ગાંધીજી, એકબાજુ જવાહરની અને બીજી બાજુ ડૉ. રાધાકૃષ્ણનની હસતી તસવીરો. રૂમની પાછળની બાજુએ અલગ અલગ સંડાસ-બાથરૂમ. બહારની બાજુએ પડતી બારી અધૂકડી ખુલ્લી હતી. પાન્ડોરાને થયું કે લાવ એને બંધ કરી દઉં! એ બારી બંધ કરવા ગયા તો એમ લાગ્યું કે બહાર કોઈ ઊભું છે. પાન્ડોરા એકાદ ક્ષણ માટે પાંદડાની જેમ થથરી ગયા. પણ, પછી ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે, એ મોટો હાથલિયો થોર હતો. થોરની પાછળની બાજુએ ઊગેલી બોરડીની એક મજબૂત ડાળ થોર ઉપર ઝૂકેલી હતી, એ ડાળી ઉપર માખીઓ સહિતનો મધપૂડો લટકતો હતો. અધકચરા અજવાળામાં થોરનો આકાર માણસ જેવો લાગતો હતો. એમણે બારી બંધ કરી અને પાછા સોફામાં બેઠા. ઘણી વાર પછી ચારુબહેન ‘સાહેબ આવું કે?’ એવો ટહુકો કરીને આવ્યાં. આવીને પહેલો જ સવાલ કર્યો— ‘સંધ્યા હજી નથી આવી? એને તો ક્યારનીયે તૈયાર કરી રાખી’તી! આપ બેસો હું તરત જ એને મોકલું!’ એમ કહીને ઊભાં થયાં. સાહેબથી વિવેક થઈ ગયો. ‘બેસો ને! તમે કહ્યું છે તે હમણાં આવશે જ ને?’ ‘ના સાહેબ! મારે પાછાં બહેનને સંભાળવાનાં ખરાં ને!’ ‘તમે એમને આ બધી વાત કરી છે?’ ‘ના રે ના! એમને કહેવાય? એ જાણે તો તો.... આ તો આપણા ત્રણ વચ્ચેની જ વાત છે. છાત્રાલયમાંય કોઈને ગંધ ન આવવા દેવાય!’ સાહેબને હાશ થઈ. ચારુબહેન ચાલતાં થયાં અને જતાં જતાં કહેતાં ગયાં— ‘હમણાં પટાવાળા મારફતે પાણી મોકલું છું. એ જાય પછી સંધ્યા આવશે...’ પાન્ડોરાની તર્કશક્તિ જાણે સાવ ચાલી ગઈ હતી. સંધ્યાની પાછળ આંધળા ભીંત થઈ ગયા હતા. કશું ન સૂઝતાં એમણે ‘સંકેત’ હાથમાં લીધું. આમતેમ પાનાં ફેરવ્યાં પણ એમનું મગજ અત્યારે કશું વાંચી શકે એવી સ્થિતિમાં નહોતું. થોડી વાર પછી એક માણસ ‘નમસ્તે’ કહીને અંદર આવ્યો. એના હાથમાં એક મોટો જગ અને બે ગ્લાસ હતાં. ટિપોય ઉપર બધું મૂકીને જતાં પહેલાં કહે કે, ‘બીજું કંઈ જો’તુંકરતું હોય તો હુકમ કરો...’ ‘ના... ના... કંઈ નથી જોઈતું! પટાવાળો જતો હતો એને સાહેબે પાછો બોલાવ્યો અને પાંચની નોટ એના હાથમાં મૂકી. ‘અરે સાહેબ! એવું કંઈ નો હોય! કંઈ નો હોય... એમ કરીને એણે નોટ ખિસ્સામાં સરકાવી દીધી!’ જતી વખતે કહે કે, ‘બારણું આડું કરતો જાઉં છું. આપ નિરાંતે બેસો!’ સાહેબે ‘હમ્મ’ કર્યું ને એ બહાર નીકળ્યો. એણે બારણું આડું તો કર્યું જ પણ તે ઉપરાંત બહારથી તાળું પણ દેતો ગયો જેની ખબર પાન્ડોરાને પડી નહીં! અડધા કલાકનીયે ઉપરનો સમય વીતી ગયો. સંધ્યા તો શું પણ કોઈ કહેતાં કોઈ ન આવ્યું! હવે પાન્ડોરાને વહેમ પડ્યો કે નક્કી કંઈક ગરબડ છે! એ ઊભા થઈને બારણા પાસે ગયા. ખોલવાની કોશિશ કરવા જતા હતા ત્યાં જ ખબર પડી કે અંદરથી બંધ કરવાની સાંકળ જ નથી. સપાટ બારણાને ખેંચવા પણ કંઈક તો આધાર જોઈએ ને? કોઈ કારી ફાવી નહીં એટલે ઉચાટમાં આવી ગયા. આખા શરીરે પરસેવો વળી ગયો. ગળું સુકાવા લાગ્યું. ભૂખ્યા વાઘની જેમ આખા રૂમમાં આંટા મારવા લાગ્યા. આ દીવાલેથી તે દીવાલે ચાલતા રહ્યા. હવે શું કરવું? પોતે અવાજ કરે તોય મુશ્કેલી! ખૂણાવાળી બારી જરાક ખોલીને જોયું તો સ્તબ્ધતા કહી શકાય એવી શાંતિ હતી! એમણે તો જેટલાં આવડતાં હતાં એ બધા ભગવાનનાં મનોમન નામ લેવાં શરૂ કર્યાં. કોઈ કારી ફાવી નહીં ને કોઈ આવ્યું પણ નહીં! આખી રાત પુરાઈ રહેવું પડ્યું. સવારે બહારથી તાળું ખૂલવાનો અવાજ આવ્યો ને એ પલંગ પર બેઠા હતા એમ જ, ગભરાટમાં બેસી રહ્યા. બારણું ખૂલ્યું અને સૂર્યનું અજવાળું અંદર પ્રવેશ્યું! પાન્ડોરા હવે ઊભા થયા. જોયું તો સામે વીરબાળાબહેન, ચારુબહેન, યુનિફોર્મમાં સજ્જ સંધ્યા, ફોટોગ્રાફર દામોદર અને ગઈ રાત્રે પટાવાળાના વેશમાં પાણી આપવા આવ્યા હતા એ ‘સંકેત’ના તંત્રી વસંતભાઈ સહિત બધાં જ એમનું ભવ્ય ‘સ્વાગત’ કરવા ઊભાં હતાં!
***