સોનાની દ્વારિકા/એકત્રીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એકત્રીસ

બીજુંયે આખું વરસએવું ને એવું જ ગયું. આરંભમાં થોડોક વરસાદ આવે અને આશા બંધાવે. પણ પછી તો ટીપુંયે પડે નહીં. જાણે કોઈએ વરસાદને બાંધી દીધો ન હોય! ખેડૂતોએ વાવેલું બે વખતનું બિયારણ સાવ બાતલ ગયું. જો કે કરેલી મહેનતને રોવે એ ખેડૂતનો દીકરો નહીં! ખેડૂતોનાં ઘરમાં ભરેલી અનાજની કોઠીઓએ ઘંટી-ચૂલા ચાલુ રાખ્યા. તો ખેતરમાં ઊભી કરેલી ઘાસની ગંજીઓ તથા ડૂરિયાંમાં ભરેલાં ડૂર અને ઠાગાએ પશુઓને જીવતાં રાખ્યાં. કેટલાંક તો દુકાળ ઉતારવા પોતાનાં ઢોરઢાંખર લઈને મરાઠાવાડ બાજુ ઊતરી ગયાં. જ્યાં જાવ ત્યાં ગામ અને સીમ ભેંકાર દિસે. મહેમાનોને મન ભરીને માન દેનારો કાઠિયાવાડ-ઝાલાવાડ મહેમાનને દેખે તો એનું હૃદય આવકારો દેવા માટે ઉછાળો મારે, પણ પોતાના ઘરની દશા જોવે ત્યાં હૈયું અને હોઠ બેય સિવાઈ જાય! પૈસેટકે પહોંચેલાંય રાડ નાંખી ગયેલાં તો વહવાયાંનું તો શું ગજું? જમીન હતી એનેય માથે કંઈ કામ નહોતું તો જમીન નહોતી એમને તો જીવતાં સમાધ લેવી પડે એવો કુદરતનો કોપ ઊતરેલો. સામાન્ય રીતે, ખળાવાડમાં ખળાં ઊકલ્યાં પછી, પંખીડાં ચણતાં હોય એને ઠેકાણે પશુઓનાં હાડપિંજરમાંથી ગીધડાં ખોતરી ખોતરીને લોચા ખાતાં હતાં. આખા પંથકનાં તળાવોની જેમ જ સખપરનું તળાવ પણ તિરાડિયાં નાંખી ગયેલું. તિરાડોમાં ક્યાંક મરેલી માછલી કે જળચરોના દેહ પડ્યા હોય એને ઊંડે ઊંડે ચાંચ નાંખીને બગલા ફંફોસતા ફંફોસતા ખેંચી ખાતા હતા. જો કે બધે પાણી ખૂટ્યાં એ પછીયે આ તળાવે ચાર મહિના ગામના પશુઓના હોઠ ભીના કરેલા. છેવટે થવાની હતી એ થઈને રહી. ગમ્ભાએ સરકારી રાહે તાલુકાના એકોએક ગામમાં પાણીનાં ટેન્કરો પહોંચાડવાનું પણ લીધું હતું. ધોળીધજા ડેમનું પેટ દિવસે ને દિવસે જાણે નાનું થતું જતું હતું. નાયકા ડેમ તો પહેલા છ મહિનામાં જ ખાલી થઈ ગયેલો એટલે એનો ધોખો કરવા જેવું નહોતું. કેટલેક ઠેકાણે તળાવો ગાળવાનાં, પાળા બનાવવાનાં અને એવાં બધાં રાહતકામો શરૂ થઈ ગયાં હતાં. આ વર્ષે પણ અષાઢ અને શ્રાવણ તો ઠીક, પણ ભાદરવાનુંય પહેલું અઠવાડિયું કોરુંધાકોર ગયું એટલે આખા ઝાલાવાડનો જીવ પડીકે બંધાઈ ગયો. કુદરતે જાણે આખા પ્રદેશનો દાળોવાટો કરી નાંખવાનું જ નક્કી કરી રાખ્યું હોય એવું લાગતું હતું. ગમ્ભાને ડગલે ને પગલે અનોપભાઈની યાદ આવતી હતી. જો એ આજે હયાત હોત તો આખી સરકારને અહીં લાવીને માણસોની પીડાઓ દેખાડી હોત અને લોકોને ટેકો કરાવ્યો હોત! અત્યારે જે ચાલે છે તેના કરતાં રાહતકામો જુદી રીતે ચાલતાં હોત! સખપરના ચોરે એકવીસ દિવસ માટે, મગનીરામજી મહારાજની આગેવાનીમાં રામજીમંદિર અખંડ ધૂનથી ગાજી રહ્યું હતું. કેટલાંય તબલાં ને ભોરણ તૂટી ગયાં, કાંસીજોડાં ઘસાઈ ઘસાઈને ગરમ થઈ જતાં. એની દોરીઓ રોજ બદલવી પડે. મંજીરાં તો વાગતાં વાગતાં ક્યારે ઊડે અને દીવાલે અથડાય એનો નેઠો નહીં! બે પેટીની ધમણેય જવાબ દઈ ગયેલી. પ્રજાએ એકેય ભગવાનને વિનવવામાં બાકી રાખ્યા નહોતા. રાત્રે ધૂનમાં માણસોની સંખ્યા વધી જાય. ખાસ તો યુવાનો, ગવરાવનારા બદલાતા રહે. એક બાજુ ધૂન ચાલે ને બીજી બાજુ જેમને ઈશ્વર ઉપર મૂળગીયે શ્રદ્ધા બચી ન હોય એવા કેટલાક લોકો પરિસ્થિતિવશ ગાળો બોલે, નિસાસા નાંખે, એવુંયે કહે કે, ‘બધાંને મારી નાંખો અટલ્યે પૂરું! દેખવુંયે નહીં, ને દાઝવુંયે નહીં! એવું એવું બોલતાં જાય અને એમ માણસો, પ્રાણીઓ અને જગત પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતા જાય! જીવરાજ છેલ્લા એક અઠવાડિયાથી ભગવાનસિંહ ભઈલાના ઘરે આવતો બંધ થઈ ગયો હતો. ચારેકોર દુકાળનો પંજો ફરી વળ્યો હોવાથી ખેતરમાં તો કશું કામ ક્યાંથી હોય? એકલાં રોડાં જ જોવાના ને? ભગવાનસિંહ ભઈલાને ત્યાં જીવરાજ છેલ્લાં પંદરેક વર્ષથી સાથી તરીકે કામ કરતો. ભઈલાની ચાર સાંતીની જમીન. વાવવાથી માંડીને પાક લણીકરીને કોઠીએ ભરવા સુધીની જવાબદારી એની. આ મજૂરી માટે ભગવાનસિંહ એને ઉપજનો ચોથો ભાગ આપતા. જીવરાજ અને એનું આખું કુટુંબ એમનાં ખેતરમાં જ કામ કરે. બારે માસનું રસોડું પણ ભઈલાને ત્યાં જ. ખેતીકામ સિવાયનાં તમામ નાનાંમોટાં કામ પણ જીવરાજના ઘરનાં જ કરે. પંદર પંદર વર્ષથી જીવરાજના ઘરની આર્થિક જવાબદારી ભગવાનસિંહ ભઈલા ઉપાડે. દીકરીનું આણું કરવાનું હોય કે દીકરાની જાન જોડવાની હોય, કોઈ સાજુંમાંદું હોય કે નાનુંમોટું મરણું થયું હોય, જીવરાજે ઉપાધિ નહીં કરવાની. બાર મહિને બધો હિસાબ થાય. જીવરાજનું અંદરબહારનું કાઠું જ એવું કે મહેનત મજૂરીનો એને થાક ન લાગે. ઉત્સાહી પણ એવો કે ગામ પહેલાં ભઈલાનાં ખેતરો ખેડાઈ ગયાં હોય! નવરો પડે ત્યારે બીજું કંઈ નહીં તો મુંજ અને કાથીની દોરીથી ખાટલા ભરે. લવજી લુહારને ત્યાં સામે બેસીને દાતરડાં કકરાવે. કામની મોસમ હોય ત્યારે ઊંચું ઉપાડીને જોવાનીયે નવરાશ ન હોય. એની વહુ અને છોકરાં પણ એવાં જ કામઢાં. કોઈને કશું કહેવું જ ન પડે. ભગવાનસિંહ ભઈલા તો સુરેન્દ્રનગર અને સખપર વચ્ચે રાજદૂત લઈને આંટાફેરા કર્યા કરે. એમના શોખ જુદી જાતના. લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવે. વાંચે. બદલતા આવે! શાંતિલાલ ઘડિયાળીને ત્યાં દર રવિવારે મળતી કવિઓની બેઠકમાં અચૂક જાય. વિનયશંકર કામદારસાહેબ દરેક કવિતાની છણાવટ કરે, એ ચર્ચા એમને બહુ ગમે. આવે ત્યારે નવી બહાર પડેલી રેકર્ડ લેતા આવે. કામદારસાહેબ સંસ્કૃતના પ્રકાંડ પંડિત. જીવરાજ એટલું જ સમજે કે ‘ભઈલાની કંપની હાવ નોખી જાતની!’ ભઈલા એટલે કે ભગવાનસિંહ પથુભા રાણા. ગમ્માના ભાયાત. પાંચ હાથ પૂરા. બદામ જેવી મોટી પ્રભાવક અને ઉત્સુક આંખો. પગમાં ચઈડવાળા જોડાં. તલવારકટ મૂછો. મૂછો ઉપર ખાસ પ્રકારનું મીણ જેવું ક્રિમ લગાવે જેથી આંકડા કડક રહે. મોટે ભાગે સફેદ વસ્ત્રો જ પહેરે. માથે સાફો પણ સફેદ. આખો દિવસ પોતાની ધૂનમાં જ રહે. પોતાના ખેતરે કે વાડીએ જાય તોય સાક્ષીભાવે. કોઈ મિલકતનો બરો એમને ચડે એ વાતમાં માલ નહીં! બજારે નીકળે ત્યારે એમની ધીરગંભીર ચાલ જોઈને માણસ મારગ કરી આપે. ડેલીની બરાબર ઉપરનો, રસ્તા ઉપર પડે એવા રવેશવાળો રૂમ એમનો. નીચેથી પસાર થનારને કાં તો રેડિયો અથવા ગ્રામોફોનમાં વાગતું સંગીત અચૂક સંભળાય. વહેલી સવારે ખભા ઉપર દૂરબીન લટકાવીને પંખીઓ જોવા નીકળી પડે! એમનો સાથી જીવરાજ એક અઠવાડિયાથી આવતો બંધ થઈ ગયો એટલું જ નહીં, પણ એના ઘરનું ચકલુંય ભઈલાની ડેલીએ ફરક્યું નહીં એટલે જરા ચિંતા થઈ. ભઈલાએ ગગજી સાથે સંદેશો મોકલ્યો કે જીવરાજને કહેજો કે મને તાત્કાલિક મળી જાય! પણ જીવરાજે ડેલી તરફ પગ ન માંડ્યો. ભઈલાની ચિંતા વધી પડી. રાત્રે સૂતી વખતે જનકબાએ બાપુને પૂછયું : ‘તમે આ જીવરાજને કંઈ હડકલાવ્યો તો નથી ને? આ તો તમારો સ્વભાવ જરા આકરો ખરોને એટલે પૂછું છું! આમ તો ઈ કંઈ તમારા બોલ્યા સામે જોવે એવો છે નહીં, પણ સાવ મોઢુંય દેખાડતો નથીને ઘરનાં છોકરાંનેય આવવા દેતો નથી તે થયું કે તમે કાંઈ...’ બાપુએ ચિંતિત અવાજે કહ્યું કે, ‘હા, ઈ ગઈ પાંચમે આવ્યો ત્યારે બસ્સો રૂપિયા આપો એમ કે’તો’તો! મેં કીધું કે ભઈ! અટાણે છૂટા નથી.... પછી આપીશ...!’ ‘પણ એટલી વાતમાં તો કંઈ રિસાઈ જાય નહીં! એવું તો કેટલીય વાર થયું હશે.... કારણ કાં’ક બીજું જ લાગે છે. એમ કરોને તમે પોતેજ એ બાજુ આંટો દઈ આવો ને!’ ભઈલા આવી વાતમાં ઝટ માને નહીં. પણ, એ તો ઊપડ્યા જીવરાજના ઘરે. ગયા એવા જ થોડી વારે પાછા આવ્યા. આવીને જનકબાને કહે, ‘તમારી વાત સાચી છે. જીવરાજ માનતો જ નથી. એને ઓલ્યા બસ્સો રૂપિયાનું જ પેટમાં દુખે છે…’ પાછો મને પૂછે કે – ‘તમ્યે ના પાડી જ ચ્યમ? અતાણ હુધી પૈસાનો વે’વાર તમારે ન્યાંથી હાલતો હોય ને હવેં હું કો’ક બીજા પાંહે હાથ લાંબો કરું ઈમાં મારી ન તમારી આબરૂ સું રે?’ ‘વાત તો એનીય સાચી જ છે ને? તમેંય શું આમ બસ્સો રૂપૈડી માટે હા-ના કર્યા કરતા હશો?’ જનકબાના અવાજમાં સહેજ છણકા જેવું આવી ગયું! ભઈલાએ વિચાર્યું કે બે-ચાર દિ’માં એની રીંસ ઊતરી જાશે એટલે આફૂડો આવશે... પણ તોય પંદરેક દિવસ નીકળી ગયા. દુકાળને લીધે ખેતરમાં કે વાડીયે તો કંઈ કામ જેવું હતું નહીં. પણ ઘરકામમાંય હાથ ન દે એવું કેવું? ખેતીનું કામકાજ બંધ થયું તોય એના ઘરે રોટલા તો ભઈલાના ઘેરથી જ જતા. વરસ તો સારું-માઠું આવ્યા કરે. પણ, સાથી તો બારે માસનો જ હોય ને? પણ, એને વાંકુ પડ્યું ત્યારથી એના ઘરેથી કોઈ રોટલા લેવાય આવતું નહીં! બાપુ પણ વટે ચડી ગયા :

‘જીવરાજ મારી સામે રીસ કરે? આવવું હશે તો આવશે એની મેળેય, નહિંતર ભલે રખડતો!

જનકબાને આ વાત ન ગમી. એમણે બાપુને ફરી એક વાર સમજાવ્યા. કહ્યું કે, ‘તમે બીજી વાર તો બીજી વાર, પણ એના ઘેર જઈ આવો. આપણે બેઠાં હોઈએ ને એના ઘરે રોટલા ન જાય એ મને નહીં ગમે...’ આ રોટલાની વાત આવી ને બાપુ પીગળ્યા. એમણે જોડામાં પગ નાંખ્યો ને ચાલતા થયા. હજી તો જીવરાજના ઘરની પછીતે પહોંચ્યા ત્યાં તો એની વહુનો અવાજ સંભળાયો : ‘તમ્યે ભઈલાને તો મળી આવો! તંઈણ વાર હમાસાર આઈવા ને એક વાર તો પોતેય આવી જ્યા... તમને કંઈ લાજસરમ જેવુંય નથી? ઈમણે તો અત્તાર લગણ આપણને પેટના જણ્યાની જ્યમ રાઈખા સે...’ બારણા પાસે જ ભઈલાના પગ થંભી ગયા! ‘હું નથ્ય જાવાનો…’ જીવરાજ ગરજ્યો. ‘પણ તમને જરાક વાતમાં રૂપિયા નો આઈપા ઈમાં તો આટલ્યો બધો ગો રાખવાનો? આજ નહીં તો કાલ્ય આપશ્યે… દુકાળ તો ઈમનેય નડે કે નંઈ? ગમે ઈ ક્યો પણ, ઈ આપડા માબાપ કે’વાય!’ જીવરાજ અકળાઈને બોલ્યો, ‘તું ચારુની એકધારી બોયલા કરસ તે હામ્ભળ..! મને ઈ બસ્સો રૂપિયાનું તો કંઈ દુખતું નથ્ય. ઈ તો બધાં બા’નાં! મારો જીવ ઈમ બળે સે કે આપડે બબ્બે વરહ થ્યાં હરામનો રોટલો ખઈ શી. વાંક આપડો કે ભઈલાનો કોઈનો નથ્ય. કુદરત જ રૂઠી ઈમાં કો’ક સું કરે? કામ તો અડધી રાતેય ધોડીન કરી દઈ. પણ ઈમના ઘરના રોટલા હાવ મફતમાં ઓરવા નથી ગમતા. આપડે ગમે ન્યાં મજૂરીએ જાશ્યું.... ગામ મેલી દેશ્યું… પશીયે કામ તો ભઈલાનું જ કરવાનું ને? ઈ તો આપડું આભ સે ઈમને મેલીન ચ્યાં જવાનાં? પણ હવે હરામનું નો ખપે...’ જીવરાજે શ્વાસ લીધો અને પાછો બોલવે ચડ્યો... રાખે, ઉપરવાળા ઠાકોરને જિમ રાખવાં હોય ઈમ રાખે... હું પાધરુંક કઉ તો માને નંઈ. આ ઠીક બા’નું જડી જ્યું! દહક દિ’માં જ ચ્યાંક નીકળી જઈં! આવશ્યું પાસાં વરહતા વરસાદે.... આપડને ચ્યાં ઈમની હાર્યે વાંધો સે? હેં? ને ભઈલાને તો હું નો ઓરખું? એં આમ જો, ઈ તો ગમે ઈ ટાણે આપડને ભેળાં લેવાની ના નો પાડે.... ઈ વાતનો આંયાં લગણ વશવા સે...એમ કરીને આંખો બંધ કરી અને પોતાના ગળે હાથ મૂક્યો! જીવરાજે આંખો ઉઘાડી ત્યારે સામે ભગવાનસિંહ ભઈલા ઊભા હતા... ભઈલા ફક્ત એટલું જ બોલ્યા, ‘કોઈએ ક્યાંય જાવાનું નથી... હજી હું બેઠો છું આ ગામમાં!’ વીસમા દિવસે ધૂન ટોચ ઉપર હતી. કુદરત પાસે માણસને અપેક્ષા કેટલી? તો કહે ટાઢ ટાણે ટાઢ, ગરમી ટાણે ગરમી અને વરસાદ ટાણે વરસાદ! બસ એટલું જ માગે! કુદરત જો સમી ઊતરે તો બાકીનું તો માણસ પોતાના બાવડાના બળે મેળવી લેતો હોય છે, અને છતા પ્રયત્ને ન મળે તો એને પોતાનું ભાગ્ય સમજીને સ્વીકારી લે છે. આખો ઝાલાવાડ પાણીના એકેક ટીપા માટે તરસતો હતો. વરસાદ માટે વલખતો હતો. આજે જાણે માણસની ધીરજની અવધિ આવી ગઈ હતી. માંદાં અને અશક્ત સિવાયનાં લગભગ બધાં જ ધૂનમાં જોડાઈ ગયાં હતાં. હરએકનાં મનમાં એમ કે પોતે સાદ પાડશે એ જ ભગવાનના કાને પહોંચશે. એટલે જોર કરી કરીને ગાતાં હતાં : તમે વરસાવો વરસાદ ગોવિંદ ગોપાળા... તારા ભક્તો કરે પોકાર ગોવિંદ ગોપાળા... તારી ગાયો કરે પોકાર ગોવિંદ ગોપાળા... તારાં વૃક્ષો કરે પોકાર ગોવિંદ ગોપાળા... ગાતાં જાય ને પોતાની આવડત-અનાવડત મુજબ સમગ્ર સૃષ્ટિનાં તત્ત્વોને જોડતાં જાય! મગનીરામજી આજ સવારે ધૂનમાં આવ્યા એ આવ્યા! એ પછી દેખાયા નહીં, એટલે કેટલાક પંચાતિયાઓ કહેવા લાગ્યા : ‘આ મા’રાજ ચ્યમ દેખાતા નથી?’ ‘હવે ઈમની સરધા ખૂટી જઈ હશ્યે!’ ‘જિંદગી આખી પૂંઝા કરી તે ઈનું સત નંઈ આડું આવે?’ ‘ચ્યાંય એકેય ભરેલું વાદળું તો દેખાતું નથી. ધોળાં ફટ્ટ વાદળાં આવે સે ને આંટો મારી મારીન વીયા જાય સે...’ ‘મા’રાજ તો કાં’ક જીવતાં હમાદ લેવાનું કે’તા’તા ને?’ ‘એવું કોઈએ નથ્ય કીધું! તું તારા ઘરનું નો જોડ્ય!’ ‘આ તો મેં એવું હાંભર્યું’તું અટલ્યે કઉં સું...’ બરાબર એ જ વખતે મગનીરામજી ત્યાંથી નીકળીને ચોરાના ઓટે ચડવા જતા હતા. એમણે આ બધું બરોબર અને કાનોકાન સાંભળ્યું. ધૂનવાળાઓની ભીડમાંથી મારગ કરતા કરતા સીધા જ મંદિરમાં ગયા. જઈને ભગવાનની સામે લાંબા જ થઈ ગયા. સાષ્ટાંગ પ્રણામ અને કશોક સંકલ્પ લેતા હોય એમ, પાણી મૂક્યું. થોડી વાર ધૂનમાં બેઠા અને સીધા પાછળ પોતાના ઘરે જતા રહ્યા. ઘરમાં કોઈ હતું નહીં. પરશુરામ પણ ધૂનમાં જ બેઠેલો. પરશુરામની માને બધાં માતાજી કહે. એ માતાજી અંદર રસોડામાં કંઈક કામ કરતાં હતાં. જરાતરા અવાજ આવ્યો એટલે એ બહાર આવ્યાં. પરસેવે રેબઝેબ મગનીરામજી ત્રિકમ, પાવડો અને બકડિયું લઈને ઘરની પાછળની બાજુએ વાડામાં ખાડો ખોદતા હતા. એમને થયું કે અરે! આ શું? સીધો જ પ્રશ્ન કર્યો. ‘મા’રાજ આ શું ખોદો સો?’ ‘સમાધ!’ જવાબમાં એક જ શબ્દ અને પાછા કામે લાગી ગયા. ‘કોના મારા હારુ? ભલું હુજ્યું તમને!’ ‘ના, મારા હારુ!’ ‘જરાક તો બોલવાનું ભાન રાખો... ‘હાંભળો! ત્રણ દિ’ પછી પૂનમની રાતે અખંડ ધૂનની પૂર્ણાહુતિ થાય તે છતાંય મારો વા’લો નો રીઝે તો પડવાની હવારે બ્રાહ્મમૂરતમાં આપડી સમાદ નક્કી. હવે તરાગું કર્યા વિના મેળ આવે ઈમ લાગતું નથી!’ ‘તે આખા જગની જબાપદારી તમ્યે ચ્યારે લીધી?’ ‘માતાજી! આ લાંઠી કરવાનું ટાણું નથી.... આખા જગનું ભલું ઈચ્છતાં હો તો લ્યો હાથમાં તગારું ને આ મગનીરામની સમાધ ગાળવામાં હાથ દ્યો!’ માતાજીએ જોયું કે મા’રાજનું આ બીજું જ રૂપ છે. હજી તો આડી ત્રણ રાત્ય પડી છે એમ વિચારીને એમણે તગારે તગારે માટી ભરવા માંડી..… આખા ગામમાં ધૂનનો જ એટલો બધો અવાજ તે માટી ખોદવાનો અવાજ કોણ સાંભળે? બેય માણસે મળીને નહીં નહીં તોય ઠીક ઠીક ઊંડો ખાડો ખોદી નાંખ્યો! મોડી રાતે પરશુરામ આવ્યો ત્યારે અચંબામાં પડી ગયો! એણે માતાજીને પૂછ્યું, ‘આ ખાડો ચ્યમ ગાળ્યો સે?’ ‘પૂસ તારા બાપુને! કે’સે કે જો પૂનમ હુધીમાં વરહાદ નો આવે તો...’ એમ કરીને એમણે ઠૂંઠવો મેલ્યો.. પરશુરામને પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. બાઘો બનીને બાપુને વળગી પડ્યો. બધાંયે નક્કી કર્યું કે આ વાત બહાર ન પાડવી અને ભગવાન ઉપરનો ભરોંસો ન મેલવો. આખી રાત ખોદતાં રહ્યાં. સવાર સુધીમાં તો ઓરસચોરસ છ ફૂટનો ખાડો તૈયાર! સવારે ઊઠીને પૂજા આરતી પતાવ્યા પછી મગનીરામજી ધૂનમાં જોડાયા. એમના સંકલ્પની વાત ત્રણ જણ ઉપરાંત કદાચ ચોથો ભગવાન જ જાણતો હતો. બપોરના બાર થયા ને અચાનક એની મેળેય વાતાવરણ પલટાયું. હવા એકદમ ઠંડી થઈ ગઈ. આકાશે એનો રંગ બદલવા માંડ્યો. આખી રાત આકાશ રવઘોળ થતું રહ્યું. બીજા દિવસે સાંજ પડતાં તો તળાવની પાળે જે બેપાંચ રહ્યાસહ્યા મોર હતા એમણે ટહુકાર કરીને ગામ ગજવ્યું. આરતીનો ડંકો પડ્યો ને થોડી વારમાં અમીછાંટણાં થયાં! ધૂનની ગતિ આપોઆપ વધી ગઈ. કુદરત જાણે આટલાં બધાં માનવમનની લાગણીનો સામટો જવાબ દઈ રહી હતી. અચાનક વીજળીનો કડાકો થયો અને સહસ્ત્રધારે આકાશ વરસી પડ્યું. ધૂનની પૂર્ણાહુતિનો અર્ધ્ય આપીને સહુ પલળતાં પલળતાં પોતપોતાનાં ઘેર ગયાં. મેઘલી રાતના અંધારામાં મગનીરામજી, માતાજી અને પશુરામ જોતાં જ રહ્યાં અને સમાધિ માટે ગાળેલો ખાડો પાણીથી ભરાઈ રહ્યો હતો. ભગવાનસિંહ ભઈલાની ડેલીએ મેડી ઉપર રેડિયોમાં દેસ રાગમાં ગિરિજાદેવી કજરી ગાઈ રહ્યાં હતાં... ‘ઠાડી ગોરી ચિતવન બદરા કી ઔર...’

***