સોનાની દ્વારિકા/દસ
દસ
બીજે દિવસે સવારે પણ રસીલા ‘આજ ફિર જિને કી તમન્ના હૈ...’ ના મધુર કેફમાં હતી. ઘડીમાં દેવાનંદનો ચહેરો દેખાય તો ઘડીકમાં દુલો દેખાય! ક્યારેક દુલાના ચહેરામાં દેવાનંદનો ચહેરો અળપાઈ જતો લાગે...! કંઈ કામ કરવાનું મન થતું નહોતું. વારે વારે ઊંચા હાથ કરીને આળસ મરડ્યા કરતી હતી. દુલો પણ જાણે કંઈ બન્યું જ ન હોય એમ રોજની જેમ તૈયાર થવા લાગ્યો. પરંતુ, થોડી થોડી વારે એની નજર અનાયાસે રસીલા તરફ મંડાઈ જતી. માથું ઓળતી વખતે એ પાછળ ઊભેલી રસીલાને જોતો હતો એ રસીલાએ જોયું ને પોતે આઘી ખસી ગઈ! દુલો તો એને જોતાં ધરાતો જ નહોતો! એને થતું કે ક્યાં રસીલાનું અત્યારનું આ ગંભીર રૂપ અને ક્યાં પેલી રાતની રમણી! બેયની વચ્ચે લાખ ગાડાંનો ફેર! એક ક્ષણ એને મોગરાની સુગંધે ઘેરી લીધો. એવો ઉમળકો આવ્યો કે પડદા પાછળ લઈ જઈને ઊંચકી લે... પણ રસીલાએ ઓઢી લીધેલા આવરણ આગળ એનું કશું ચાલ્યું નહીં. ફટાફટ ચા-નાસ્તો કરીને એણે હાથમાં ટિફિન લીધું અને બારણાની બહાર નીકળી ગયો. રોજે તો એ દુલાને જતો જોઈ રહેતી, પણ આજે તો સીધી અંદર જ ચાલી ગઈ. આખો દિવસ દુલાને ચેન ન પડ્યું. કામ તો કરતો રહ્યો, પણ જીવ વારે ઘડીએ ઘરે પહોંચી જતો હતો. કારીગરોને પણ ખબર પડી ગઈ કે શેઠનું મગજ આજ ક્યાંક બીજે ભમે છે! સાંજના સાડા પાંચ-છ તો માંડ વગાડ્યા. દુલો કંઈક યાદ આવ્યું હોય એમ ઊભો થઈ ગયો. કારીગરોને કહે કે, ‘મારે આજ થોડુંક કામ છે તે જાવું પડે એમ છે. આઠ વાગે એટલે વસ્તી કરી લેજો. ચાવી તમે લેતા જાજો. સવારે હું આવું ત્યાર પહેલાં દુકાન ખોલી નાંખજો……! સીધો જ સ્ટેશને જઈને ઊભો થઈ રહ્યો. એક સફરજનવાળો આવ્યો તે થયું કે ચારપાંચ લઈ લે! વળી વિચાર્યું કે કંઈ નથી લેવાં. પણ છેવટે લઈ જ લીધાં. આટલો વહેલો ઘેર આવી ગયો તે જોઈને રસીલા હસી પડી. હાથમાંથી થેલી લેવા ગઈ ત્યાં તો આજુબાજુ કોઈ જોતું નથી ને એની ખાતરી કરતી દુલાની નજર ચારેકોર ફરી વળી. રસીલાનો હાથ પકડીને પડદા પાછળ ખેંચી ગયો! આજ જાણે સાંજનો પડદો વહેલો પડી ગયો! જમીને બંને રાબેતા મુજબ એક આંટો મારવા ગયાં, પણ દુલાને આજનો આંટો વધારે લાંબો લાગ્યો. એનો જીવ ક્યારનોય કૂદકા મારતો હતો. એની સાથે ચાલતી રસીલાની કમર અને લચક જોઈને એ ભાન ભૂલી ગયો. સીડી ચડતાં ચડતાંય એકાદ અડપલું કરી લેવાનું મન થઈ ગયું.... પણ કોઈ જોઈ જશે એવી બીકે માંડ માંડ જીવને ઝાલી રાખ્યો. ઉતાવળે ઉતાવળે તાળામાં ચાવી ફેરવી ને બારણું ખોલી બંને અંદર ગયાં. રસીલાએ જોયું કે દુલેરાય આજ કાબૂ બહાર છે એટલે એ ઇરાદાપૂર્વક જાણે ધીરજમાં આવી ગઈ. હકીકતે તો દુલા કરતાંય એનું મન વધારે રાહ જોતું હતું. હળવે હળવે કરતાં એક પછી એક ખજાના ખોલતી ગઈ... દુલો તો જાણે જીવ કાઢી દેવો હોય એમ સાહસની સફરે નીકળ્યો હતો... રસીલાનાં રૂંવેરૂંવે ફરી વળ્યો. એના મનની હજારો આંખો આશ્ચર્યની ચડાઊતરીમાં ખોવાઈ ગઈ. ક્યારેક પગથી માથા સુધી અને ક્યારેક માથાથી પગ સુધી બંને એકબીજામાં ફરીફરીને ખોવાતાં રહ્યાં... જડતાં રહ્યાં! રમણે ચડેલી રાત બહુ મોડેમોડે કંઈક શાંત થઈ! બધો સંકોચ ધીમે ધીમે કરતાં ઓસરી ગયો હતો. રસીલાને કદાચ પહેલી વાર પોતાના દેહનો અર્થ સમજાયો હતો ને દુલાના મગજને તો અચરજની આંધીએ જ ઘેરી લીધો હતો. ઢસ થઈને પથારીમાં પડેલા દુલાને લાગ્યું જાણે આ પંદર-વીસ દિવસમાં પોતે દુલો, દુર્લભજી કે દુલેરાય નહીં, પણ પેલા ખેલમાં આવે છે એ માંગડાવાળો છે. રાતની રસીલા નોખી ને દિવસની આ ભાભી તો જાણે ઈ રસીલા જ નહીં! થોડીક વાર એને સમજાયું નહીં કે આ લીલા પોતે કરે છે કે રસીલા? દુલાની નજર સામે અચાનક જાદુભાઈની ઝીણી અને ઊંડી આંખો તરવરવા લાગી. જાણે જાદુ એને કહેતો હતો : ‘ફટ રે ભૂંડા ફટ! ભર્યા સંસારમાં ભાભી તો મા-રુખી કહેવાય! ઈ તો જલમી તાંણની ભોગણી જ હતી, પણ તુંય અમરફળની અલાબલામાં ભાન ભૂલ્યો? દુલાના રોમેરોમે પસ્તાવાની આગ ફરી વળી. એને થયું કે પોતે ઘોર પાતકમાં પટકાઈ પડ્યો છે. આવો દગોફટકો અને તેય સગ્ગા ભાઈ સાથે? આખા શરીરે જાણે હજ્જારો વીંછીના ડંખ લાગ્યા હોય એવી પીડા એને થઈ આવી... કોઈ આરોઓવારો દેખાતો નથી ઉગરવાનો.... વળી વળીને જાતને કોચવા માંડ્યો. બેય ભાઈ નાના હતા ત્યારે ભમરડે રમતા. દુલો જાદવજીના ભમરડાને આર મારી મારીને કોચી નાખતો! એ વખતે જાદવજી કોઈ સંતપુરુષ જેવું હસતો ને કહેતો : ‘ઈ ભમયડો આપડા ખિચ્ચામાં હોય ન્યાં લગણ આપડો... એક વાર ઘા કરી દઈ અટલ્યે જે ફેરવે ઈનો..!’ નાનપણના એ દિવસો દુલાને યાદ આવી ગયા. બાપા આખો દિવસ આ ઘેર ને પેલે ઘેર લૂગડાં સીવવા જાય એટલે મોટેભાગે તો ત્યાં જ જમી લે. પણ એટલું ખરું કે બેય છોકરાઓ માટે રાંધ્યા વિના ન જાય. મા મરી ગયા પછી ઘણો વખત ડોહાએ રસોડું ને સંચો બેય ખેંચેલાં. પણ પછી તો જાદવજી જ દુલાનો ભાઈ-ભાઈબંધ ને માબાપ જે ગણો તે. બેય ભાઈ નિશાળેથી છૂટીને તળાવની પાળે રમવા જતા રહે. દુલાને તરતાંય તે જાદુભઈએ શિખવાડેલું. તળાવની પાળે વડની આડી ડાળે દુલો ઘોડો પલાણીને બેસે ને એનો જાદુભઈ ડાળ હલાવીને હીંચકા નાંખે. રામજીમંદિરથી કે શેખવાપીરની દેરીએથી મળેલી પ્રસાદી પણ એકલો ન ખાય, હથેળીમાં ભલે ઓગળી જાય દુલાને માટે સાચવી રાખે. વર્ષો જૂનું એક હાર્મોનિયમ ઘરમાં પડેલું, જાદવજી નવરો પડે ત્યારે એના દટ્ટા સરખા કરીને વગાડે. ધમણમાં એકાદું નાનું એવું કાણું હશે તે પૂરી હવા ભરાય નહીં. પણ, જેવા નીકળે એવા સૂરમાં જાદવજી ભજન ગાતો. પતરાના ડબ્બા ઉપર દુલો તાલ દેતો! એક વાર દુલાને બહુ તાવ ચડ્યો. કોઈ વાતેય ઊતરે નહીં. પાડોશણ લખમીભાભી કહે કે દિ’ આથમ્યે એની નજર ઉતારો. રૂપાળો બહુ છે તે કો’કની મૂઠ લાગી ગઈ છે. પણ નજર ઉતારે કોણ? ઘરમાં કો’ક બૈરું તો હોવું જોઈએ ને? જાદવજી મનમાં મૂંઝાયા કરે. કોને કહેવું? વાડામાં ભાભીનાં કપડાં સૂકાતાં હતાં. જાદવજી કોઈને પૂછ્યાગાયા વિના જ કપડાં લઈ આવ્યો. અંદર જઈને પોતે પહેરી લીધાં. હાથમાં પાલવ અને કળશ્યો લઈને આંખો બંધ કરીને પથારીમાં પડેલા દુલાની નજર ઉતારવા લાગ્યો. એ જ વખતે લખમીભાભીએ સામે બારણેથી જોયું. પોતાનાં લૂગડાં પહેરેલું આ બૈરું વળી કોણ? જઈને જુએ ત્યાં તો જાદવજી! ‘અરે મારા દેર! તારું ભલું થાય! મને કેવું’તું ને! હું નજર નો ઉતારી દેત? મને તો મારાં આ લૂગડાં ભાળીને કોત્યુક થ્યું અટલ્યે ધોડતી આવી. જાદવજીએ ચૂપ રહેવાનો ઈશારો કર્યો ને સાત વાર નજર ઉતારી. પછી હળવે રહીને ભાભીને કહે કે કોઈને કહેશો નહીં, કહો તો મારા સમ! લખમી હસવું ન રોકી શકી, પણ જાદવજીની આંખનાં આંસુએ દુલાનો તાવ ઉતારી દીધેલો એ વાત નક્કી! પણ માએ દેહ મૂક્યો એ પછી આ ઘરમાં કોઈ બાઈમાણહ તો હતું જ નહીં. એટલે રસીલા જ્યારે આવી ત્યારે આખું ઘર મેળે મેળે જ બદલાવા લાગ્યું હતું. દુલાને તો ભાભી મળી તે જાણે નવું રમકડું મળ્યું! આખો દિવસ ભાભીની આજુબાજુ જ ફર્યા કરે. રસીલાનું હાલવુંચાલવું, બેસવુંઊઠવું એ બધું એના માટે એક અચંબો હતો. ભાભી વાળ હોળતી હોય, નાહીને તૈયાર થતી હોય, સાડીનો છેડો સરખો કરતી હોય, હસીને વાત કરતી હોય એ બધી વાતની દુલાને ભારે નવાઈ! અત્યારે, દુલાની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી... સફાળો એકદમ જાગી પડ્યો. જોયું તો રસીલા પડખું વાળીને સૂતેલી. એના કપાળ પરની લટ જોઈ ને દુલાના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. એણે નજર ફેરવી લીધી. કામદેવને તો પોતે દેહ વિનાનો કરી દીધેલો, પણ એ માણસના મન વાટે કેવી કેવી દેહમુદ્રાઓ ધારણ કરે છે એ લીલા જોઈને, ટમટમિયાના આછા અજવાળે, દીવાલ પર લટકેલી ફ્રેમમાં શંકરપારવતી મર્માળું હસી રહ્યાં હતાં. દુલાને થયું કે પોતે રસીલા સાથે કંઈક વાત કરે, પણ એની જીભ ઊઘડી નહીં. રસીલાના શ્વાસોચ્છવાસ સંભળાતા હતા. આખા ઓરડાની શાંતિ દુલાની છાતી માથે ચડી બેઠી. હાકોબાકો દુલો એકદમ બેઠો થઈ ગયો. રસીલા પણ જાગી ગઈ. દુલાએ એની છાતીમાં નાના બાળકની જેમ મોઢું છુપાવી દીધું. એની આંખનાં આંસુ અટકવાનું નામ લેતાં નહોતાં. થોડી વારમાં તો ડૂસકે ચડી ગયો. મૂંગી મૂંગી રસીલા ક્યાંય સુધી એના વાળમાં હાથ ફેરવતી રહી, પીઠ પસવારતી રહી. દુલો પણ જાણે હમણાં જ અવતર્યો હોય એમ બેય હાથે અમૃતકુંભ પકડીને વળગી રહ્યો. બંનેના દેહ વચ્ચે દુનિયાદારીને પ્રવેશવાનો અવકાશ નહોતો. ઘણી વારે દુલો શાંત થયો. એણે સહેજ અળગા થવાનો પ્રયત્ન કર્યો તો રસીલાએ એને વધારે નજીક ખેંચીને હૂંફ આપી. સવાર પડવાને હજી વાર હતી. પડ્યાંપડ્યાં જ રસીલા પોતાના પેટ ઉપર અમસ્થો જ હાથ ફેરવવા ગઈ અને એક વિચાર ઝબકી ગયો! એ અંદરથી થરથરી ઊઠી. થયું કે પેટમાં કંઈક હશે તો પોતે જાદુને શું જવાબ દેશે? એના શરીરે પરસેવો વળી ગયો એટલે દુલો જરા અળગો થયો. આ બંનેને સમયના હવાલે છોડીને કામદેવે જાણે કે રસ્તો કરી લીધો હતો. દુલાને તો કંઈ અંદાજ ન આવ્યો, પણ રસીલાનો ફફડાટ હેઠો ન બેઠો. અચાનક એ બોલી પડી;
‘તમ્યે મને કાલ્ય ને કાલ્ય જ સખપર મોકલી દો. હવે મારાથી આંયાં પળવારેય નંઈ રહેવાય!’
દુલાનેય એનો આત્મા કોરી ખાતો હશે તે સાવ સૂનમૂન થઈ ગયેલો! એને ખબર ન પડી કે શું જવાબ દેવો? એકબાજુ એમ થાય કે આ સ્વર્ગ જેવું સુખ ને બીજી બાજુ હૈયાસગડી! બંનેનાં હૈયાસોંસરી વેદનાની એક લકીર પસાર થઈ ગઈ! ક્ષણ વારમાં પરિસ્થિતિએ એવો પલટો લીધો કે બેમાંથી એકેય આંખ મેળવવા જેવાં ન રહ્યાં. તોય દુલો હિંમત કરીને બોલ્યો, ‘એમ કંઈ જતાં નો રે’વાય! હજી તો દસેક દિ’નું કામ છે તે પતાવીને જજો! ને સખપર એમ ઢૂંકડું થોડું છે?’ ‘ઢૂંકડું નો હોય તોય હવે કરવું પડશે! નો કરે નારાયણ ને.... તમારું તીર લાગી જ્યું તો.. ચ્યાંય મોઢું દેખાડવા જેવાં નંઈ રેઈં!’ રસીલાને બાથ ભરતાં દુલો કહે કે, ‘એવું હોય તો આંયાં ડૉક્ટરોનો પાર નથી. પડખે જ ફણસેસાહેબ છે તે.... કીધું કરે એવા છે!’ રસીલા છંછેડાઈ ગઈ. ‘જો દુલા હું તો તને મરદ જાણતી’તી. મારે કંઈ એવાં ઉપરાઉપરી કલંક લેવાં નથી. જો નથી તો કંઈ નથી, જા! ને સે તોય બધું તારું જ સે ને? ઈમ હમજીસ કે મેં દેરવટું વાળ્યું’તું! ચ્યમ તું મારો નથી?.. પણ એટલું નક્કી કે હવે આંયાં નો રે’વાય!’ દુલો બોલવા જતો હતો કે દેરવટું તો ત્યારે હોય જ્યારે ભાઈ આ દુનિયામાં ન હોય! પણ પછી તરત વિચાર આવ્યો કે, ભાઈ નહીં ત્યારે જ તો આ બધું...! અને આમેય આ દુનિયાનો માણસ તો એ ક્યારેય થઈ શક્યો છે જ ક્યાં? આટલી ચિંતામાંય દુલાને ભાભી મીઠડી લાગી. ધીમે રહીને બોલ્યો, ‘મને તો એમ લાગે સે કે એવું કંઈ નો હોય..... પણ એકદિનસમે નામ દેવું પડે તોય મૂંઝાતી નહીં! ધોડી આવજે આંયાં… પછી આખી જિંદગી ગામ કોર્ય મોઢું નંઈ માંડવાનું... બીજું સું?’ ‘મારી માતાજી એટલાં વાનાં નંઈ કરે... ને થાય તોય હું રસીલા છું રસીલા! જઈન તરત એવો કારહો કરીશ... કોઈ વાંધો નંઈ આવે...’ બીજા દિવસે રાતની ગાડી હતી. દુલો પરસોત્તમ માટે કંપાસબોક્સ, સ્કૂલબેગ, બે જોડી રેડીમેઈડ કપડાં અને બેટ-બોલ લઈ આવ્યો. જાતે સીવી લેશે એમ ધારીને બાપા માટે પહેરણનું કાપડ અને મિલનાં બે ધોતિયાં લાવ્યો. જાદુભઈની પૂજા માટે, વાઘા અને પાઘ સહિતના પિત્તળના લાલજી લીધા. બેય ભાઈના પગનું માપ એકસરખું જ હોવાથી, પોતાના માપે બાટાના બૂટ લાવ્યો. આખા ઘર અને પાડોશીઓ માટે મોહનલાલના હલવાનાં પેકેટ… આ બધું જોઈને રસીલાથી ન રહેવાયું. પૂછે કે- ‘દિયરજી! મારા હાટુ શું લાવ્યા ઈ તો ક્યો?’ દુલો રોજ દુકાને જતો ત્યારે ચામડાનું મોટું પાકીટ લઈ જતો એ ખોલ્યું ને એમાંથી લાલ રંગનું ચોરસ બોક્સ કાઢ્યું. રસીલા ઉત્સુકતાથી જોઈ રહી હતી, ન જાણે શુંય હશે? બોક્સ ખોલ્યું તો સોનાની બે બંગડી! એ તો સાવ આભી જ બની ગઈ! ‘અરે! આ ચેટલ્યાની આવી? આટલો બધો ખરચ કરાય?’ ‘જેટલ્યાની આવી એટલ્યાની આવી! તમે એટલું કામેય કર્યું છે ને?’ હોઠ ઉપર ભાભી શબ્દ આવ્યો પણ એ ગળી ગયો! રસીલાએ હસતાં હસતાં બેય હાથમાં બંગડી સેરવી. લાંબો હાથ કરીને બતાવતાં કહે કે, ‘જોવો તો કેવી લાગે છે? પાસું માપેય બરોબર આવી જ્યું! તમને ચ્યાંથી મારા માપની ખબર્ય?’ બોલતાં તો બોલી ગઈ પણ પછી શરમાઈ ગઈ... બીજું એક ખોખું હતું એમાં રસીલા માટે આધુનિક ફેશનની બોડીસ, રિબિન, બંગડી, સ્નો, પફપાઉડર, માથામાં નાંખવાની પીનો ને એવું બધું હતું... રેલવેસ્ટેશને મૂકવા આવેલો દુલો લગભગ મૂંગોમંતર થઈ ગયો હતો. એને ચિંતા પણ હતી કે આટલો બધો સામાન લઈને રસીલા એકલી કેવી રીતે જશે? પણ એ પૂછે ત્યાર પહેલાં જ રસીલાએ કહ્યું, ‘તમ્યે ફિકર ન કરો. હું એકલી આવી જ’તી ને?’ ‘ગડદી બઉ હશે એટલે સામાન સાચવજો, ક્યાંક આડોઅવળો નો થઈ જાય! પહોંચીને તરત કાગળ લખી નાખજો... ને ઓલ્યા સમાચાર પણ બાંધ્યાભારે…’ દુલાને ખબર નહોતી પડતી કે શું કહેવું? એટલે આડીઅવળી ભલામણો કરવા લાગ્યો. ‘બાપાને મારી યાદી આપજો... જાદુભઈને કે’જો કે મજામાં છું… પશ્યાને મારા વતી વહાલ કરજો.... ને તમે.., ને તમે..., ને તમે…, ને તું…… દુલો આગળ બોલી ન શક્યો અને ગાડી ઊપડી ગઈ…! છેલ્લો ડબો દેખાણો ત્યાં સુધી જોતો રહ્યો. ઘેર આવ્યો ત્યારે આનંદ, પસ્તાવો, દુ:ખ, હળવાશ અને ન સમજાય એવી પરસ્પર વિરોધી લાગણીઓથી એનું મન ઊભરાતું હતું.
***