સોનાની દ્વારિકા/બત્રીસ

બત્રીસ

‘શિશુસદન’ની વર્ષગાંઠ ખૂબ સરસ રીતે ઉજવવાની એક પરંપરા ઊભી થઈ ગઈ હતી. સખપરના અને સુરેન્દ્રનગર શહેરના અગ્રણી નાગરિકો અને મુંબઈથી આવેલાં મહેમાનોની ઉપસ્થિતિમાં રાત્રે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. છેલ્લા ઘણા દિવસથી તૈયારી સ્વયંભૂ રીતે ચાલતી હતી. કેટલાક બાળકોના જીવનની સાચી ઘટનાઓ પરથી જ અમુક નાટ્યદૃશ્યો શિક્ષિકા નવનીતબહેને તૈયાર કરાવ્યાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓએ દેશભક્તિના નિદર્શનરૂપ નાનાં નાનાં વક્તવ્યો કર્યાં. છેલ્લે તો હદ કરી નાંખી. દરેકે આ સંસ્થામાં રહેવાનો પોતાનો અનુભવ કહ્યો ત્યારે આખું વાતાવરણ એકદમ ગંભીર બની ગયું. આખો માહોલ રડી પડે ત્યાર પહેલાં જેમાં બધાં જ કલાકારોનો સમાવેશ થઈ જાય એવા રાસની રમઝટ બોલાવી. ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં’ એ ગીત અને દુહા-છંદ ઉપર મનથી ને તનથી બધાં જ ડોલ્યાં! સહુ મહેમાનો અત્યંત પ્રસન્ન હતાં. આ પ્રસંગે કાનજીભાઈએ હોંશભેર એક વાત કરી કે સંસ્થા આપ સહુના આશીર્વાદથી ધીરે ધીરે પગભર થવાની દિશામાં આગળ વધી રહી છે. સંસ્થામાં જ વણાયેલી ખાદી વિદ્યાર્થીઓને બબ્બે જોડ કપડાં આપી શકે છે. આ વર્ષથી તો કદાચ સરકારી ગ્રાન્ટ પણ મળવાની શરૂઆત થશે એવું લાગે છે. બીજું કે સંસ્થાની જરૂરિયાતો નથી એમ નહીં, ઘણો ઘણો વિકાસ કરવાનો છે, એટલે જરૂરિયાતો તો ક્યારેય ખૂટવાની નથી, પણ ઓછી સગવડમાં રહીને બને ત્યાં સુધી સ્વાવલંબન સાધવું એવી આપણી નેમ છે. કાનજીભાઈએ એક વાત ભારપૂર્વક કરી કે જ્યાં ક્યાંય આપ કોઈ એકલા-અટૂલા બાળકને જુઓ અને તમારા મનમાં સંદેહ જાગે તો ગમે તેમ કરીને એની સાથે સંવાદ કરજો. અમને બોલાવી લેજો! આપણે આ દેશની કોઈ ઊર્જાને લાવારિસ દશામાં છોડી દેવી નથી. એનું શક્ય હશે એટલું લાલનપાલન કરી શકીએ એવા આશીર્વાદ માગું છું. વક્તવ્ય પૂરું થયું અને તાળીઓનો ગડગડાટ થયો. એ જ વખતે શ્રોતાઓમાં બેઠેલા કોદરલાલ ઊભા થયા અને મંચ પર આવ્યા. કોદરલાલ એટલે ‘એક ઘા ને બે કટકા!’ આજે આટલાં વર્ષે બોલ્યા, ‘કાનજીભાઈ તમે અને કાન્તાબહેન જીત્યાં! અમારા તરફથી હવે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે!’ કાન્તાબહેને ખાસ આગ્રહ કરીને મુખ્ય મહેમાનપદે જેમને બોલાવ્યા હતા એ પ્રબોધભાઈ સૌથી છેલ્લે બોલવા ઊભા થયા. પ્રબોધભાઈએ વર્ષો પહેલાં અલિયાબાડામાં કાનજીભાઈ સાથે અનાથાશ્રમો એ સમાજનું કલંક છે અને એને મિટાવવાની હોડ માંડેલી એ પ્રસંગને યાદ કર્યો અને હસતાં હસતાં કહ્યું કે, ‘કાનજીભાઈની જેમ મને પણ કોઈ કાન્તાબહેન મળ્યાં હોત તો કંઈક જુદી વાત હોત!’ આ સાંભળીને કાન્તાબહેન મનોમન હસી પડ્યાં. પ્રસંગ દીપાવવા બદલ સહુનો આભાર એમણે માન્યો! ઘણા દિવસથી, વૃક્ષારોપણનું કામ પ્રભુએ પોતાની મેળે જ ઉપાડી લીધું હતું. કૂવામાંથી સીંચીને બધાં છોડને એ પાણી પીવરાવતો. મદદમાં બાળકોને રાખતો. ક્યારેક એમ લાગે કે પ્રભુ આ છોડ સાથે કંઈક વાત કરે છે. એની વિશેષતા હતી કે પ્રત્યેક કામ કરતી વખતે કંઈનું કંઈ બબડતો રહે. સવારે કાન્તાબહેન સ્કૂલે જવા નીકળે ત્યારે આ પ્રભુ નાનાં બાળકોને નવરાવતો હોય. સંડાસ-બાથરૂમને સાફ કરવાનું કામ મોટા વિદ્યાર્થીઓ કરતાં હતાં. પણ, દરેક કામ એના સમય પર થઈ જાય એનું ધ્યાન એ વગર કહ્યે જ રાખતો. બપોર પછી બહેન આવ્યાં ત્યારે જાણે પોતે એમની રાહ જોઈને જ બેઠો હોય એમ દોડી આવ્યો. બહેનના હાથમાંથી પર્સ અને થેલી લઈ લીધાં. હજી તો બહેન અંદર જઈને બેઠાં નથી, ત્યાં તો એ પાણીનો ગ્લાસ લઈને આવ્યો. બહેને પૂછ્યું : ‘અલ્યા પ્રભુ! કેમ આજે આટલો બધો મૂડમાં છે?’ ‘હુઆઆ...’ એક નવી દીકરીને સંસ્થામાં સ્વીકારવાની હતી એટલે કાનજીભાઈ હજી ઑફિસમાં જ હતા. કાયદેસરની પ્રક્રિયા કરવામાં એમને હજી વાર થશે એમ ધારીને એમણે છાપું હાથમાં લીધું. ત્યાં તો પ્રભુ સામેના કબાટમાંથી થોડા કાગળ લઈને આવ્યો. ઈશારાથી પૂછ્યું : ‘હું આ લઉં?’ ‘તને ક્યાં લખતાં આવડે છે? શું કરીશ એનું?’ પ્રભુ કશુંક લખવા માગે છે એમ સમજાવ્યું અને પેન માગી. બહેને બેઠાં બેઠાં જ પેન્સિલ ચીંધી. પ્રભુ કાગળો અને પેન્સિલ લઈ રાજી થતો પોતાની જગ્યાએ ચાલ્યો ગયો. થોડી વારે કાનજીભાઈ આવ્યા. આવીને હસતાં મોઢે કહે કે— ‘લક્ષ્મીજી આવ્યાં છે! હશે પાંચેક વર્ષનાં!’ કાનજીભાઈએ નોંધ્યું કે કાયમ પ્રસન્ન રહેતાં કાન્તાબહેન આજે કંઈ જુદાં જ લાગે છે! એમનો આવો અદભૂત મૂડ સાવ પહેલી વાર જ જોવા મળ્યો. એમની અંદર જાણે ખુશીના સાગર લ્હેરા લેતા હતા… કાન્તાબહેન બપોરે ભાગ્યે જ આડાં પડે પણ આજે તો જમીને રીતસરનાં ઘસઘસાટ ઊંઘી જ ગયાં! કાનજીભાઈએ ગઈ કાલે બાળકોને વચન આપ્યું હતું કે સાંજે વાર્તા કહેશે. એટલે વડલા નીચે ઓટા પર જઈને બેઠા. થોડી વારમાં સંસ્થાના કાર્યકર કાળુભાઈ બધાં બાળકોને લઈને આવ્યા. કાનજીભાઈએ ‘મહાભારતનાં પાત્રો’માંથી આજે ભીમનો વારો કાઢ્યો! અભિનય કરતા જાય ને વાર્તા કહેતા જાય! કેટલીક વાર તો એવું કરે કે બેઠાં બેઠાં જ વાર્તા રચતા જાય અને કહેતા જાય! એમની વાર્તામાંથી જ ઘણાં જિદ્દી બાળકોને એમના પ્રશ્નોના જવાબ મળી રહે! પ્રભુ રાત્રે મોડે સુધી કંઈ ને કંઈ લખતો રહેતો. બે-ત્રણ દિવસ પછી એ આવ્યો અને કાંતાબહેનના હાથમાં કાગળો મૂકીને તરત ચાલ્યો ગયો. જોયું તો ભાંગીતૂટી હિન્દી-ગુજરાતીમાં એણે પોતાની દાસ્તાન લખી હતી. કાન્તાબહેન અક્ષરેઅક્ષર વાંચી ગયાં. વાંચતાં જાય અને આંખો લૂછતાં જાય. એક વાર નહીં બે-ત્રણ વાર ફેરવી ફેરવીને વાંચ્યું. જાણે કે એમનું મગજ બહેર મારી ગયું હતું. ક્યાંય ચેન પડે નહીં. પણ સમય પ્રમાણે દોડવું જ પડે એમ હતું એટલે પોતાના ઓશિકા નીચે એ કાગળો મૂકીને કામે વળગ્યાં. વળી વળીને એમ થાય કે પ્રભુએ કેટલું બધું વેઠ્યું છે અને તોય એ જીવતો રહી શક્યો એ જ મોટી વાત! કાન્તાબહેન રોજિંદાં કામ કરતાં હતાં પણ એમનો જીવ તો પ્રભુ તરફ જ વારે વારે જતો હતો. એમણે નક્કી કર્યું કે આ આખીયે વાત કાનજીભાઈના હવાલે કરી દેવી એ જ બરાબર. સ્કૂલે જતાં પહેલાં એ બધા કાગળો એક મોટા કવરમાં મૂકીને કાનજીભાઈને આપતાં કહ્યું, ‘સમય મળે ત્યારે નિરાંતે વાંચી જજો...’ કાન્તાબહેનના ગયા પછી કાનજીભાઈ પોતાના રૂમમાં જ બેઠે છતે, એ કાગળોમાં ખોવાઈ ગયા. પ્રભુના લખાણનો સાર કંઈક આવો હતો : મૂળે તો પ્રભુ ગુજરાતી જ, પણ ઈન્દોરમાં મોટો થયેલો. એનું સાચું નામ બાલુ. એનાં માબાપ ત્યાંના ગુજરાતી સમાજમાં રસોઈનું કામ કરે. ત્યારે આ બાલુ સાવ નાનો. એ વખતે એના બાપા એક રસોઈયણ બાઈના પ્રેમમાં પડ્યા. એક મ્યાનમાં બે તલવાર ન સમાય! એ ન્યાયે રોજ પતિપત્ની વચ્ચે લડાઈ થતી. રોજની મારઝૂડથી કંટાળીને એક રાત્રે એની માએ કેરોસીન છાંટ્યું ને ભડભડ... ભડભડ સળગી ગઈ. આ દૃશ્ય જોઈને બાલુ ઘરમાંથી ભાગી નીકળ્યો. જે ગાડી પહેલી દેખાણી એમાં બેસી ગયો. ગાડીઓ બદલતું બદલતું કિસ્મત એને વડોદરા લઈ આવ્યું. પોતે ભણવામાં ઠીક હતો, પણ નિશાળ નિશાળના ઠેકાણે રહી અને આખો દિવસ ભીખ માગવા વારો આવ્યો. જે કંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરે અને બગીચાના બાંકડે પડ્યો રહે. મા યાદ આવે ત્યારે બેચેન થઈ જાય! એની આંખો આગળથી ગુસ્સે થયેલા પિતા અને નવી માને હડસેલ્યા કરે... એક વાર એક શેઠે મોટરમાં બેઠાં બેઠાં જ કહ્યું- ‘એલા ભાઈ! તું દેખાય છે તો હટ્ટોકટ્ટો! ભીખ માગવાને બદલે મજૂરી કરને!’ ‘બાપા! અમને કુણ મજૂરી દેગા? રે’ણે કું ઘર નંઈ... હમ કોઈ આબરૂદાર ઘર કે થોડે હૈ? કૌન રખેગા?’ એ વખતે તો શેઠ ભીખ આપીને ચાલ્યા ગયા. પણ રોજ એ રસ્તેથી નીકળે અને બાલુની ચાલચલગત જુએ. વધારે પૂછગાછ કરી તો ખબર પડી કે આ છોકરો તો બ્રાહ્મણ છે. શેઠની અનુભવી આંખે જોઈ લીધું કે છોકરો સંસ્કારમાં ને કામમાં પાછો પડે એવો નથી. એની પાસેથી બધી વાત જાણી અને એમના દિલમાં દયા ઊપજી આવી. પોતાનાં વૃદ્ધ માની સેવા કરવા બાલુને ઘરે લઈ આવ્યા. બાલુએ સેવા કરવામાં કસર ન રાખી. માજીને નવરાવવાં ધોવરાવવાં, જમાડવાં વગેરે બધાં કામ ઉપાડી લીધાં. એક પછી એક અવનવાં કામો આવતાં ગયાં તે બાલુ હસતાં મોઢે કરતો રહ્યો. એને લાગ્યું કે જિંદગીમાં હવે દુઃખ નહીં આવે! એવે ટાણે જ માજીએ જીવનલીલા સંકેલી લીધી. બાકી રહ્યા શેઠ એકલા. શેઠનાં પત્ની તો બહુ વહેલાં ગુજરી ગયેલાં સંતાન પણ કંઈ નહીં! શેઠની બહેનને લાગ્યું કે, ‘આ બાલુ બધું ફોલી ખાશે!’ એટલે શેઠની મરજી નહોતી તોય પરાણે ભાણિયાને લઈને આવી ગઈ. વારંવાર એકની એક વાત કહે, ‘ભઈ! તમારો સાચો વારસદાર તો આ જ છે ને? પછીયે એનું ને પહેલાંય એનું! મારો જીવ તમારામાં વળગ્યો રે’ ભઈ! એ કરતાં તો નજર સામે જ સારાં! હશું તો તમારી સેવાય કરશું ને?’ શેઠની બહેનનો ઇરાદો કદાચ ખરાબ નહીં હોય, પણ ભાણિયો મુકુન્દ એક નંબરનો ગૂંડો હતો. રોજ રાતે દારૂ પીને આવે. પોતાની મા અને મામા પાસેથી પૈસા પડાવે. ન આપે તો ભૂંડાબોલી ગાળો દે! રોજ પૈસાની ઉઘરાણી વધતી રહે. ઘરની ચીજવસ્તુઓ તોડીફોડી નાંખે. પોતાની સગી મા રોકવા જાય તો એને પણ ઉરે ઘાએ મારે! શેઠની ઉંમર એવી કે કશું કરી ન શકે. આ વલોપાતમાં ને વલોપાતમાં એમને ડાબા અંગે પક્ષાઘાત થઈ ગયો. સારવાર કે દવા કરાવવાનું તો દૂર, પણ મુકુન્દ મિલકત માટે રોજ નવા નવા કાગળમાં એમની સહી કરાવવા ત્રાસ આપે! એકબે વખત તો શેઠે પોલીસને બોલાવવા પ્રયત્ન કર્યો. પણ, મુકુન્દ મોંમાગ્યા પૈસા આપી દે એટલે પોલીસ પણ ‘આ તો તમારા ઘરનો મામલો છે!’ એવું કહીને રવાના થઈ જાય! મુકુંદે ઠેઠ ઉપર સુધી લાઈનદોરી કરી રાખેલી. કાનજીભાઈ વાંચતા જાય ને આખી વાત સમજતા જાય. એમની ઉત્સુકતા અને પીડા એકદમ વધી ગઈ. ક્યારના એક જ સ્થિતિમાં બેઠા હતા તે પગમાં ખાલી ચડી ગયેલી એનીયે ખબર ન રહી! પગ જરા લાંબાટૂંકા કર્યા અને આગળ વાંચવા લાગ્યા. બાલુને તો ભણીગણીને ભારતીયસેનામાં જવું હતું. દેશની સેવા કરવી હતી પણ, સંજોગો જ એવા થયા કે જીવનની કોઈ વાત એના હાથમાં ન રહી. પોતે સૈનિક તો ન થઈ શક્યો પણ યુનિફોર્મ પહેરીને ફોટો તો પડાવી શકે ને? એ સ્ટુડીયોમાં ગયો અને એવો ફોટો પડાવીને આવ્યો. એ આવ્યો ત્યારે બંગલામાં તોફાન મચી ગયું હતું. બાલુએ જે દૃશ્ય જોયું એનાથી હેબતાઈને એ બારણા પાસે સંતાઈને ઊભો રહી ગયો! એના ડોળા ફાટ્યા જ રહ્યા અને ગભરાટમાં આખું શરીર ખેંચાવા લાગ્યું. શેઠની છાતી ઉપર ચડીને મુકુન્દ મુક્કા મારતો હતો. શેઠની સગી બહેન- ‘રે’વા દે... રે’વા દે... અભાગિયા ઈ તારો મામો થાય છે... કહું છું રે’વા દે!’ -પણ એ કોઈનું સાંભળતો નહોતો! એણે તો ઓશિકા વતી શેઠનું નાક અને ગળું દબાવ્યે જ રાખ્યું! મા વચ્ચે પડવા ગઈ તો એને લાત મારીને નીચે પછાડી દીધી! હવે મુકુંદની માથી રહેવાયું નહીં, એને ખાતરી થઈ ગઈ કે ‘આ મૂઓ ભઈના પ્રાણ લેવા જ બેઠો છે’ એટલે કપડાં ધોવાનો ધોકો લઈને એના વાંસામાં માર્યો! મુકુન્દે મામાને પડતા મૂક્યા અને માને ઝાલી... ‘બધી જગ્યાએ તું જ તો આડી આવસ… તું જ તો આડી આવસ…’ કહેતાં કહેતાં ધોકે ને ધોકે માની ખોપરી ફાડી નાંખી! મા થોડીક વાર તરફડી અને પછી શાંત થઈ ગઈ. લોહીથી લથબથ માને ઘસડીને એ બાથરૂમમાં લઈ ગયો અને બાથરૂમનું બારણું બહારથી બંધ કરી દીધું. અગાઉથી લાવીને સંતાડી રાખી હશે કે કેમ, કોણ જાણે પણ એણે કબાટના સૌથી ઉપલા ખાનામાંથી છરી કાઢી. એ છરી લઈને આવ્યો ત્યારે એની નજર બારણા પાછળ સંતાયેલા બાલુ ઉપર પડી. પણ જોયું ન જોયું કરીને ઊંહકારા નાખતા અર્ધબેભાન જેવી દશામાં પડેલા શેઠને પકડ્યા. ‘તુંય લેતો ખા... લે લેતો ખા… લે લેતો ખા...’ મુકુન્દ એમ બોલતો જાય ને છરીના ઘા મારતો જાય નહીં નહીં તોય પાંચ-છ ઘા મારી દીધા! હજી એનું ઝનૂન ઊતર્યું નહોતું. બાલુથી રહેવાયું નહીં, એ દોડીને વચ્ચે પડ્યો, ‘રે’ણે દો... સેઠ કો ના મારો. રે’ણે દો...’ બાલુની ગળચી ફરતે મુકુંદે હાથનો ફાંસલો નાંખ્યો! બહુ જોર કરીને એણે જાત છોડાવી, એનાથી બોલાઈ ગયું : ‘અબી પુલીસ કો બુલાતા હું...’ બાલુ ભાગવા ગયો પણ રૂમમાં પથરાયેલા લોહીમાં લપસી પડ્યો. મુકુંદે એને પકડ્યો. ઊભો થવા જ ન દીધો. એના મોઢામાં છરી ઘુસાડી દીધી! બાલુ ઊંહુંઆહા કરતો રહ્યો અને એણે છરી એવી રીતે બહાર કાઢી કે તરત બાલુ બેભાન થઈ ગયો. બાલુને એ જ હાલતમાં મૂકીને મુકુન્દ ભાગી ગયો. એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો અને એની અડધી જીભ કપાઈ ચૂકી હતી! થોડા વખતમાં તો એની માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ. દિવસ અને રાત એને એકનાં એક દૃશ્યો દેખાયાં કરે... અડધી રાતે ઊંઘમાંથી ઝબકીને જાગી જાય. એને સતત એમ લાગે કે મુકુન્દ એને મારવા માટે પીછો કરી રહ્યો છે. રખડતો કુટાતો અહીં કેવી રીતે આવ્યો એની પણ એને ખબર નહોતી!’ કાનજીભાઈને આખા શરીરે પરસેવો વળી ગયો. એક ક્ષણ એમને લાગ્યું કે પોતાનું બ્લડપ્રેશર વધી ગયું છે કે શું? કાગળો હતા એમ કવરમાં મૂકીને એ ઊભા થયા. પાણિયારે જઈને પાણી પીધું, પણ હજી એમનું લોહી શાંત થતું નહોતું! થોડી વાર મેદાનમાં આંટા માર્યા. ધીરે ધીરે કરતાં ઘણી વારે સ્વસ્થ થયા. પ્રભુને શોધતાં શોધતાં ગૌશાળા તરફ ગયા. જોયું તો પ્રભુ એક નાનકડા વાછડાને વાંસની નાળ્યે કરીને છાસ પીવડાવતો હતો! કામ આડે દિવસ ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ ન રહ્યો. રાત્રે જમી પરવારીને કાનજીભાઈ અને કાન્તાબહેન બંને લીમડા નીચે ખાટલો ઢાળીને બેઠાં હતાં. લીમડામાંથી ચળાઈને ચંદ્રનું આછું અજવાળું કાન્તાબહેનના ચહેરાને વધુ તેજસ્વી કરી રહ્યું હતું. એ કશુંક કહેવા ઈચ્છતાં હતાં પણ જીભ ઊપડતી નહોતી. ક્યાંય સુધી એમ જ મૂંગાં બેસી રહ્યાં. પવનની એક લહેરખી જૂઈની સુગંધને તાણી આવી! કાન્તાબહેન ઊભાં થયાં. જૂઈ પાસે જઈને ત્રણ ફૂલ માગ્યાં. ‘જૂઈ રે જૂઈ! ત્રણ ફૂલ લઉં?’ જૂઈ જાણે જવાબ આપતી હોય એમ પવનથી હલી! ત્રણમાંથી એક ફૂલ કાનજીભાઈની હથેળીમાં મૂક્યું. પોતે બે રાખ્યાં, એટલે કાનજીભાઈએ પૂછ્યું : ‘તમે બે લીધાં અને મને એક જ?’ ‘જુઓ મારા વહાલા! મેં કોઈ ભેદભાવ નથી કર્યો! ત્રણ જણનાં ત્રણ!’ ‘ત્રણ કેવી રીતે? કાનજીભાઈ હજી જાણે પ્રભુની વાતના ઓથારમાં જ હતા. કશું વિચારવા રોકાયા વિના જ પૂછી બેઠા. કાન્તાબહેને કાનજીભાઈનો હાથ પકડીને પોતાના પેટ ઉપર મૂક્યો અને એમના ખભે સ્હેજ માથું ઢાળી દીધું! પછી નાજુક નાની ઘંટડી જેવું હસ્યાં. કાનજીભાઈના અસ્તિત્ત્વમાં જાણે એક વીજકડાકો થયો! એકદમ ઊભા થઈને કાંતાબહેનને વળગી પડ્યા! એટલો બધો રોમાંચ થતો હતો કે શું કહેવું અને શું કરવું એની સમજ પડી નહીં. ઘણી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. છેવટે કાન્તાબહેને જ કહ્યું, ‘કાલે બપોર પછી ઈરવિન હોસ્પિટલમાં ડૉ. શકુંતલાબહેનને મળવા જઈએ?’

***