સોરઠી ગીતકથાઓ/3.શેણી — વિજાણંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
3.શેણી — વિજાણંદ

જૂના સમયના ગિરનો કાંઠો બતાવતું ગોરવિયાળી ગામ હજુ છે. એ ગામમાં વેદો ગોરવિયાળો નામે પરજિયો (માલધારી) ચારણ રહેતો. વેદાને શેણી નામે એક દીકરી હતી. એ વેદાને ઘેર વિજાણંદ ભાંચવિયા નામનો એક જુવાન ચારણ ગિરમાંથી આવતો અને પોતાનું જંતર (બીન) બજાવી ગામડિયા દાયરાને ડોલાવતો. જંતર બજાવવામાં એ પ્રવીણ હતો, એટલું જ નહીં પણ એ સંગીતમાં પોતાનો સમસ્ત પ્રાણ ઠલવી દેતો! અનેક રૂપાળી રાત્રિએ વેદા ચારણના ઘરના ચોગાનમાં વિજાણંદનું જંતર સવારોસવાર બજ્યા કરતું, વિજાણંદના કંઠમાંથી પ્રેમનાં, વિલાપનાં ને વીરત્વનાં ગાન વછૂટતાં, યુવાન શેણી ઘરની ઓથે બેસીને એ સંગીત–સાંભળતી, અને ગાનાર-સાંભળનાર વચ્ચે અબોલ પ્રીતિ બંધાયે જતી હતી. એક દિવસ વિજાણંદના સંગીત પર બેહદ પ્રસન્ન થયેલા વેદા ચારણે એને કહ્યું, ‘તું માગ તે આપું’. વિજાણંદે વિશ્વાસ ધરીને શેણી સાથે વિવાહ માગ્યો. પણ એવા ભટકતા ભિખારીને પોતાની લાડકવાઈ દીકરી શેણી પરણાવવાનું વેદાને નહોતું ગમતું. એણે વિજાણંદ સમક્ષ એક વિકટ શરત મૂકી : ‘આજથી બરાબર એક વરસની અંદર એક સો ને એક નવચાંદરી ભેંસો આણીને મને આપે, તો શેણીને તારી વેરે પરણાવું.’ વિજાણંદ એ કરાર પૂરો કરવા નીકળ્યો. નેસડે-નેસડે માલધારીઓને જંતરના સંગીત થકી રીઝવી નવચાંદરી ભેંસોની ભેટ એકઠી કરવા લાગ્યો. પણ નવચંદરી ભેંસો મેળવવાનું મુશ્કેલ હતું. વિજાણંદથી ઠરાવેલી મુદતે પાછા ન પહોંચાયું. છેલ્લા દિવસની સાંજ સુધી પોતાના વહાલા વિજાણંદની વાટ જોયા પછી આશા ગુમાવી શેણીએ અખંડ કૌમારનું વ્રત લીધું. પિતાની રજા લઈ હિમાલયમાં ગળવા (આવતે જન્મે વિજાણંદને વરાય તે ધાર્મિક માન્યતાથી) ચાલી ગઈ. રસ્તામાં સ્થળે સ્થળે વિજાણંદની ભાળ કાઢતી રહી, પરંતુ ક્યાંય વિજાણંદનું મિલન લાધ્યું નહીં. હિમાલય પર ચડીને શેણી બરફની ઊંડી કંદરામાં બેસી ગઈ. વિજાણંદ પાછળ પહોંચ્યો. શેણીનું સ્થાન શોધી કાઢ્યું. શેણીને પાછી વળવા વિનવી, પણ શેણીએ ન માન્યું. પોતે શેણીની સંગાથે ન મરી શક્યો. છેલ્લી વારને માટે એના બીનને સાંભળતી સાંભળતી શેણી પ્રાણ ત્યજી ગઈ. વિજાણંદ પાછો સંસારમાં ગાંડાઘેલા જેવો ભટકી મરી ગયો. શેણી અત્યારે ચારણોમાં ‘શેણી આઈ’ તરીકે પૂજાય છે. આ આખી ઘટનાને કથા રૂપે ‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ 5)માં લખવામાં આવી છે. આ કથા આપણને ગ્રીસની પુરાણકથા ‘ઑર્ફિઅસ’નું સ્મરણ કરાવે છે. શેણી : સજની : ‘સ્વજન’ પરથી (નારી જાતિ). 

1. સંગીતમાંથી પ્રીતિનો ઉદય

વિજાણંદ આડો વીંઝણો, શેણી આડી ભીંત; પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. [1] [વિજાણંદ પોતાના મુખ આડે વીંઝણો (પંખો) રાખતો, અને શેણી દીવાલની આડશ કરીને બેસતી. એ રીતે બંને જણાં વચમાં અંતરપટ રાખીને મૂંગી વાતો કરતાં. એવી બાલ્યાવસ્થાની પ્રીતિ બંધાઈ હતી.]

જંતર મોટે તુંબડે, બતરીસે ગમે, છતરીશ લાવણ રમે વિજાણંદને ટેરવે. [2] [વિજાણંદનું વાજિંત્ર (બીન) મોટાં બે તુંબડાંવાળું હતું. એ વાદ્યને બત્રીસ ગમા (પડદા) હતા. એ ગમા પર જ્યારે વિજાણંદની આંગળીનાં ટેરવાં ફરતાં ત્યારે છત્રીસ પ્રકારની લાગણીઓ (રાગિણીઓ) ગુંજી ઊઠતી હતી.]

ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ, હૈયામાં હલકે વિજાણંદનાં તુંબડાં. [3] [એ પ્રત્યેક ગમો (પડદો) જાણે કે પ્રેમની ગોષ્ઠિઓ કરતો હતો; વાજિંત્રની નવ તાંત્યો (તંતુઓ) વાટે જાણે સ્નેહ ગુંજતો હતો; અને વિજાણંદના એ જંતરનાં બે મોટાં તુંબડાં જાણે કે શેણીના હૈયામાં હલક દેતાં હતાં. આખા વાદ્યનો વિભાગેવિભાગ વિજાણંદની ગુપ્ત પ્રીતિનો વાહક બની શેણીના હૈયામાં એ સંગીત વાટે સંદેશા ચલાવતો હતો.]

2. શેણીના પિતાની શરત પૂરી કરવા વિજાણંદની વિદાય : શેણીની વર્ષભર વાટપ્રતીક્ષા : વર્ષને અંતે નિરાશા : હિમાલય તરફ ગમન

જંતર ઝાલ્યું હાથ, ભાંચવિયે ભાંગતી રાતનું, સમદર લે સંગાથ, વાઢેલ શઢ વિજાણંદે. [4] [ભાંચવિયા શાખાના ચારણ વિજાણંદે એક દિવસ જામતી રાત્રિએ પોતાનું જંતર હાથમાં લીધું, અને એ જ્યારે બજાવવા લાગ્યો ત્યારે જાણે કે સ્નેહના સમુદ્રમાં શેણીને ખેંચતી જઈને પછી હૃદયનૌકાના શઢ ચીરી નાખ્યા. એટલે કે શેણીનું હૃદય-નાવ એ સંગીતને હિલ્લોળે હિલ્લોળે સ્નેહસાગરમાં ઘસડાઈ, સંયમ હારી, તોફાને ચડી ગયું.]

વિજાણંદ હાલી નીકળ્યો, પોઠીડા પલાણે , ડાબો થાને ગણે(શ) (તો) વિજાણંદ પાછો વળે. [5] [પોતાના પોઠિયા (બળદ) પર પોતાની ચીજવસ્તુઓ લાદીને વિજાણંદ ચાલી નીકળ્યો. શેણી જંગલના તેતરને કહે છે કે ‘હે ગણેશ! તું વિજાણંદને આડે ઊડીને ડાબી બાજુ ઊતરી જા ને! તો વિજાણંદ અપશુકન થયું સમજીને એકવાર પાછો વળી આવે.]

હરણાં તારી ડોકમાં ઘડાવું ઘૂઘરમાળ, સોને મઢાવું શીંગડી, વિજાણંદ! પાછો વાળ્ય! [6]

વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી; (એક) વિજાણંદને કારણે શેણી સુકાણી! [7] [એક વર્ષની અવધિ કરી હતી તે વર્ષ પાછું વળ્યું, વાદળાં પણ ગયે વર્ષે જતાં રહેલાં તે પાછાં વળ્યાં. સમય અને મેહ, બંનેના પ્રવાસ પૂરા થયા. મેહને પુનર્મિલને પૃથ્વી લીલૂડી બની ગઈ. પરંતુ તેઓની જ સાથે ગયેલો પ્રવાસી વિજાણંદ પાછો ન આવ્યો. તેથી જગતભરમાં એક શેણી જ સુકાઈ ગઈ! આ દોહો બતાવે છે કે વિજાણંદ બરાબર આષાઢ બેસતાં નવચાંદરી ભેંસો લેવા ઊપડ્યો હશે.]

ચડ ટીંબા, ચડ ટેકરી, ચડ ગુંદાળી ધાર! ઓઝત! ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ! [8] [ગોરવિયાળી ગામના પાદરમાં ઓઝત નદીને કાંઠે ઊભેલી શેણી કહે છે : ‘ઓ ઓઝત! તું ટેકરા-ટેકરી ચડીને, ગુંદાળી નામની ધાર પર ચડીને, ઊંચા ઉછાળ લઈને ક્યાંયે વિજાણંદ હોય તો નજર કર, અને એને પાછો વળવાનું કહે, ઓ બહેન!]

ખેતર પાક્યું, કણ ઝરે, મન બેઠું માળે, વળ્ય વેલો વિજાણંદા! (મને) રોઝડાં રંઝાડે. [9] [હે વિજાણંદ! મારા જીવનનું ખેતર પાકી ગયું, યૌવન રૂપી દાણા ઝરી જાય છે. અંતઃકરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તો તું વહેલો વહેલો પાછો વળ! કેમ કે મારા જીવનક્ષેત્રને નાદાન ચારણ ઉમેદવારો રૂપી રોઝડાં સતાવે છે અર્થાત્ બીજા બેવકૂફ ચારણો મને પરણવાના પ્રયત્નો કરી મને પીડે છે. રોઝ નામનાં પશુઓ નાદાની માટે પ્રખ્યાત છે.]

ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે, અધવચ મેલ્યાં એકલાં, હાલ્ય હૈડા હેમાળે! [10] [મારું જીવનરૂપી ખેતર પાક્યું છે, યૌવન રૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર કરી મૂકેલ છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુવે છે, પરંતુ મને તો વિજાણંદે અધવાટે રઝળાવી. હે હૃદય! હવે તો હિમાલયે ચાલો!]

વિજાણંદની વરમાળા, બીજાની બાંધું નહીં; ચારણ હોય લખચાર, (તેને) બાંધવ કહી બોલાવીએ! [11] [હે પિતા! હું વિજાણંદ સિવાય બીજા કોઈની વરમાળા મારે કંઠે નહીં બાંધું. બીજા ચાર લાખ ચારણો હોય તોયે શું! એ તમામને હું ‘ભાઈ’ કહીને બોલાવીશ. મારે બીજા કોઈની સાથે લગ્ન નથી કરવાં.]

મત્યું શું દ્યો માનવી! જણજણની જૂજવી, આટલી ડાહ્યપ હતી (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ! [12] [બીજે પરણવાની સલાહ આપનાર ગામલોકોને શેણી કહે છે : હે માનવીઓ! હવે તમે દરેક તમારી જુદી જુદી સલાહો શું આપી રહ્યા છો? તમારા સહુમાં આટલું ડહાપણ હતું તો, તે દિવસે જ કેમ વિજાણંદને પાછો ન વાળ્યો?]

ધોબી લૂગડ ધોય, રૂપાળે રાચું નહિ, મર મેલડીઓ હોય, (તોય) વર મારો વિજાણંદો. [13] [ધોબીનાં ધોયેલ લૂગડાં પહેરનાર મને રૂપવંત કોઈ પુરુષ હોય તો તે પણ એ મારે ન જોઈએ; અને વિજાણંદ ભલે મેલોઘેલો હોય તો પણ એ જ મારો વર છે.]

છાળાનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ, મેયુંનાં મથેલ વાલાં ઘી વિજાણંદનાં. [14] [હે લોકો! બકરાનાં ચાટેલાં બગડેલ ઘી મારાથી નહીં ખવાય. મને તો ભેંસોનાં મહી-મંથન કરીને ઉતારેલાં વિજાણંદના ઘી વહાલાં છે. વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે નથી જોઈતો, મને તો વિજાણંદનો વિશુદ્ધ પ્રેમ વહાલો છે.]

શેણી ચાલી નીકળે છે, રસ્તામાં શોધ્યા કરે છે :

મારગ-કાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ; ગોતું દેશ-વિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના! [15] [આ રસ્તાને કાંઠે હું મઢૂલી બનાવીને જોગણવેશે વાસ કરીશ અને દેશવિદેશે હું વિજાણંદની શોધ કરાવીશ. હે વટેમાર્ગુઓ! મને તમે વિજાણંદનો પત્તો આપો.]

પોતે ચાલતી ચાલતી ભાલ નામના ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચેના નિર્જળા પ્રદેશમાં આવીને પુકારે છે :

(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો. સગડે પાડું સાદ, વાવડ દ્યો વિજાણંદના! [16] [જંતર (બીન) બજાવનારો જુવાન વિજાણંદ કદાચ આંહીં ભાલમાં ક્યાંક ભૂલો પડ્યો હશે. હું એને પગલે પગલે પુકાર કરું છું કે ઓ લોકો! મને કોઈ વિજાણંદના સમાચાર આપો.]

લાલ સુરંગી ધોતિયે, કેસર ભીને વાન, હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન. [17] [લોકો શેણીને જવાબ આપે છે કે ‘હા, લાલ રંગની કોરના ધોતિયા (ફેંટા) વાળો અને શરીરે જરા શ્યામવર્ણો એક બીનધારી જુવાન હમણાં જ બજારમાં ચાલ્યો જતો હતો’.]

શેણી એ સાંભળીને ઘેલી બની દોડવા લાગે છે. તરત પાછી અટકી જાય છે. માથા પર ઓઢેલ કામળીને લાકડી પર ચડાવી ઊંચી ફરફરાવે છે, બોલે છે :

ચાલું તો ચૂંકું નીકળે, ધોડ્યે લાજી મરું; વિજાણંદ વાવડ ઊતર્યો, ઊભી પોત્યું કરું. [18] [હું ધીરી ધીરી ચાલું છું તો પગમાં જાણે ખીલીઓ ભોંકાતી હોય એવું લાગે છે; (કેમ કે મારે ને વિજાણંદને એટલું છેટું પડે છે એ મારાથી સહેવાતું નથી.) અને એ જલદી આંબી જવા માટે દોડું છું, તો મને લોકોની લજ્જા આવે છે. મારો વિજાણંદ તો છેક વાગડ પ્રદેશમાં ઊતરી ગયો છે. એટલે હવે હું ઊભી ઊભી મારી ઓઢણીને લાકડી પર ચડાવી વાવટા રૂપે નિશાની કરું છું. કદાચ આસપાસ ક્યાંયે વિજાણંદ હોય તો મારી કામળી ઓળખીને એ નિશાની પર ચાલ્યો આવે.]

4. હિમાલયમાં પહોંચીને બરફમાં શેણી ગાત્રો ગાળવા બેસી જાય છે

હાડ હેમાળે નવ ગળ્યાં, સોહામણ શેણીનાં, (તેથી) કાસા કેરે પૂતળે પરણવાં પડ્યાં. [19] [સોહામણી શેણીનાં હાડકાં હિમાલયના હિમમાં ન ગળ્યાં. (કેમ કે ગળવા આવનારે સજોડે બેસવું જોઈએ એવો ધર્માદેશ હતો.) પછી શેણીએ ઘાસનું એક પૂતળું બનાવી, તેમાં પોતાના મનમાન્યા સ્વામી વિજાણંદનો સંકલ્પ મૂકી, એની સાથે લગ્ન-વિધિ કરવી પડી.]

તે પછી તરત શેણીનાં ગાત્રો ગળવા લાગે છે. વિજાણંદ પુકાર કરતો પહોંચે છે. આવીને એ બરફની ગુફાને કિનારે ઊભો રહે છે. શેણીને બહાર નીકળવા વિનવે છે. શેણી ઉત્તર આપે છે :

હાડાં હેમાળે ગળિયાં જે ગૂડા લગે ; વિજાણંદ! વળે, ઘણમૂલા જાને ઘરે! [20] [હે મહામૂલા વિજાણંદ! તું હવે પાછો વળીને ઘેર ચાલ્યો જા. કેમ કે મારાં હાડકાં તો હિમાલયમાં છેક પગનાં ઘૂંટણ સુધી ગળી ગયાં છે. હું અપંગ બની ગઈ છું. હવે આવીને હું શું કરું?]

નીચે ઊભેલો વિજાણંદ કહે છે :

વળ વળ વેદાની ! (તું) પાંગળી હોય તોય પાળશું, કાંધે કાવડ કરી (તને) જાત્રા બધી જુવારશું. [21] [હે વેદા ચારણની (પુત્રી)! તું પાછી આવ! પાછી આવ! તું અપંગ હશે, તો પણ હું તને પોષીશ, એટલું જ નહિ પણ તને કાવડમાં બેસારી, એ કાવડ મારે ખભે ઉપાડી હું તને હિન્દનાં અડસઠે તીર્થ-સ્થળોની યાત્રા કરાવીશ.]

વળું તો રહું વાંઝણી, મુવાં ન પામું આગ, આલુકો અવતાર વણસાડ્યો વિજાણંદા! [22] [હે વિજાણંદ! હવે જો હું પાછી વળું તો મારે અપુત્ર રહેવું પડે, એટલે મરતી વેળા મારા શબને અગ્નિસંસ્કાર કરનાર દીકરો ન હોય, તેથી આવતો જન્મ પણ બગડે. એ કરતાં આ એક જ અવતાર મેં બગાડ્યો એટલું બસ છે.]

ગળીયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું, હવે મસળતા હાથ, વિજાણંદ પાછા વળો! [23] [હે વિજાણંદ! મારું અરધું અંગ ગળી ગયું. એમાંથી પણ અરધું જ રહ્યું. માટે હવે તો હાથ ઘસતા, પસ્તાતા તમે પાછા વળો, શેણી હવે નહીં મળે.]

વિજાણંદ, જંતર વગાડ! હેમાળો હલકું દિયે; મોહ્યા માછલમાર, માછલીયું ટોળે મળે. [24] [ઊંડી ઊંડી હિમ-કંદરામાંથી શેણી ઉત્તર આપે છે : વિજાણંદ, હવે તો તારું બીન બજાવી લે. (છેલ્લી વાર હું સાંભળતી સાંભળતી સંતોષથી મરું.) વિજાણંદ બીન બજાવવા લાગ્યો. હિમાલય પહાડ પડઘા દે છે. દૂર દૂરનાં સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો પણ સંગીતમુગ્ધ બનીને થંભી જાય છે. માછલીઓ પણ સંગીત સાંભળવા માટે પાણીની સપાટી પર ટોળે ટોળે વળે છે. ]

જંતર ભાંગ્યું, જડ પડી, ત્રુટ્યો મોભી ત્રાગ, વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ! [25] [ઓચિંતું વિજાણંદના હાથમાંથી બીન પડી જઈને ભાંગી ગયું. એમાં ચિરાડ પડી. વચલો મુખ્ય તાર તૂટી ગયો. બીનકાર (જંત્રી)નો રાગ પણ નીકળતો અટકી ગયો; ને ત્યાં ઊંડાણમાં વેદા ચારણની પુત્રી શેણી પણ સદાને માટે ચાલી ગઈ.]

ભૂખે ખાધાં ભાત, પેટ ભરી પામર જી, શેણી જેવો સાથ, વિજાણંદ મેલી વળ્યો. [26] [પછી તો વિજાણંદે જગતમાં પામરની જેમ પેટ ભર્યા કર્યું. ભૂખથી પીડાઈને અન્ન ખાધું. (ખાવાપીવાનો રસ તો રહ્યો નહોતો). અરેરે! શેણી સરખા સંગાથને વિદાય દઈને વિજાણંદ પાછો વળ્યો!]  શેણી-વિજાણંદની કથા મારવાડમાં પણ પ્રચલિત થયેલી જણાય છે. તેની એંધાણી રૂપે નીચેના બે દુહા મળેલા છે. શેણી પોતાના હાથને કહે છે :

કંકુબરણ કળાઈયાં, ચૂંડીં રત્તડિયાંહ, બીઝાં ગળ બિલગી નહિ, (થાને) બાળું બાંહડિયાંહ! [27] [હે મારા બાહુઓ (બાંહડિયાં)! તમારી કંકુવરણી તો કળાઈઓ (કોણીથી નીચલા ભાગ) છે. તમારી ચૂડીઓ રાતીચોળ છે, પરંતુ તમે વિજા (વિજાણંદ)ને ગળે ન વળગ્યાં — ન લપેટાયાં — ન આલિંગન કર્યું, એટલે બળજો તમે! ધિક્કાર છે તમને!]

સીંધડીરાં સોદાગરાં, શેણીરાં શેણાંહ, બીંઝા આંગળ બાંચજો, બિધ રૂડી બેણાંહ. [28] [હે સિંધ દેશના સોદાગરો! શેણીના સ્વજન વિજાની પાસે આ મારાં વેણ રૂડી રીતે વાંચજો!]

લોકમાંથી શેણી સંબંધે બે કથાઓ મળે છે :

1. હિમાલયમાં જતાં રસ્તે વઢિયારમાં ‘કુંવર’ નામના ગામે ‘ધોળ ગમારો’ નામના ભરવાડને ઘેર શેણી રાત રહેલી. ત્યાં શેણીએ ‘મીઠી જાળ’ નામના ઝાડનું દાતણ કરી રોપ્યું હતું, તેનું ઝાડ ઊગ્યું કહેવાય છે. 2. અંત સમયે જ્યારે વિજાણંદ ચાલી નીકળ્યો ત્યારે શેણીએ એને કહ્યું કે ‘જા, ભરુ ભડકાવતો રહેજે’. એ મુજબ વિજાણંદ ભરુ-(ભરવાડ)નો માગણ થયો. આજે પણ ભરવાડોમાં માંડવો થાય ત્યારે માણેકસ્થંભ ઉપર વિજાણંદનું ચિત્ર કોરવામાં આવે છે. ભરવાડો આજ સુધી ‘ભાંચવિયા’ને (વિજાણંદની શાખાના ચારણોને) કન્યા-કોરી આપે છે.