સોરઠી બહારવટિયા ભાગ-2/કાઠિયાણીનો સંદેશો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાઠિયાણીનો સંદેશો

માવતર મદઈપણું કરે, જાય બા’રવટે જે,
એના છોરુને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળ દે!

[હે વજેસંગ ઠાકોર! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તેનાં જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.] જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારેય જણાંને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજરખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબના આવાસ હતા. આજે બહારવટિયાનો આદમી ત્યાં છૂપી રીતે ‘આઈ’ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે : “બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે, ભાઈ?” “આપા! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.” “આંસુડાં પાડ્યાં? કેમ? થાકી ગઈ કાઠિયાણી? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી? ઠાકોરે કાંઈ કહ્યું?” “આપા! કોઈએ કાંઈ કહ્યું નથી કે કરાવ્યું નથી. આઈ થાક્યાંયે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે’વાય.” “શું કે’વરાવ્યું છે?” “કે’વરાવ્યું છે કે કાઠી! હવે બા’રવટું કોના સામું કરો છો? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેર પરણાવી. એને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઊઠીને બાપ થયો!” “હા! ઈ વાત હું જાણું છું. મહારાજ આપણાં ગામ ખાય છે તે દાયજો ન કરે! બીજું કાંઈ?” “બીજું તો કાઠીને કે’જો કે થોડા દી પહેલાં આપણા લાખો ને હરસૂર બેય જણા કુંવર નારુભા ને અખુભાની સાથે રમતા’તા, એમાં લાખે કુંવર નારુભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈને કહ્યું કે ‘મને લાખે ખુમાણે માર્યું.’ તે ટાણે મહારાજના મોંમાંથી શબ્દ નીકળ્યા, કાઠી! મહારાજે કહ્યું કે ‘બેટા! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી? અમેય વાંસો ચંચવાળી રહીએ છીએ!’ “કાઠી! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડખડ હસી પડ્યા. પછી પોતે નારુભાને હેતભર્યે હૈયે કહ્યું કે ‘ભાઈ! ઈ કેમ ન મારે? એને શું ખીજ ન આવે? એના બાપા આજ પંદર વરસથી ગામગરાસ ખોઈને ડુંગરામાં ભાટકે છે. પા’ણાનાં ઓશીકાં કરે છે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંઠઠપલી કરે તો ખમી ખાઈએ, ભાઈ! એને માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં છે.’ “કાઠી! આખો દાયરો થંભી ગયો; અને મહારાજે લાખાને ખોળામાં બેસાડીને ઊલટું એના હાથની હથેળી પંપાળી અને પૂછ્યું કે ‘બાપ, તુંને વાગ્યું તો નથી ને?’ “કાઠી! આવી રખાવટ રાખનારની સાથે હવે ક્યાં સુધી જુધ કરવાં છે? આવાં દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ન લાજીએ. અને હવે હાલ્યા આવો, મહારાજના ભેરુ બનો.” સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટિયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખૂણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારેય કોર અંધારાં છવાઈ ગયાં.