સોરઠી બહારવટિયા ભાગ-2/ગરીબી
સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય એવી ઘટાટોપ ઝાડી વચ્ચે ગીરની રાવલ નામની ઊંડી નદીનાં આછાં છીછરાં પાણી ચૂપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઊંચી ભેખડો; એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઊભા થયેલા : નદીના વેકરામાં સાવજ-દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને જનાવર (સિંહ) જાણે હમણાં જ તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું.
રાવલ નદીને એવે ભયંકર સ્થાને, રોળ્યકોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે બે ઘડી વિસામો લેવા ઊતરેલ છે. ચાલીસેય ઘોડીઓ રાવલ નદીનાં લીલાં મીઠાં ઘાસ મોકળી ઊભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જગવી ચલમો પીએ છે ને કોઈ વળી કરગઠિયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહીં બહારવટિયાની આંખો પણ ઈશ્વરભક્તિમાં બિડાય છે.
“જોગીદાસ ખુમાણ! એક ચણોઠી ભાર અફીણ હશે તમારા ખડિયામાં?” એક કાઠીએ પ્રશ્ન કર્યો.
“ના, બાપ! મારા ખડિયામાં તો તલ જેટલુંયે નથી.”
“કાંઈ ડાબલીમાં વળગ્યું હશે?”
“હજી કાલ્ય જ ડાબલી લૂઈ લીધી’તી ને! કાં? એવડી બધી શી જરૂર પડી છે?”
“ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઊઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું’તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.”
“બીજા કોઈની પાસે નથી?”
“બાપ! તારા ખડિયામાં ન હોય તો પછી બીજાના ખડિયામાં તે ક્યાંથી હોય?”
“આંખે ચોપડવા જેટલુંયે નહિ?”
“ક્યાંથી હોય! એક કોરી પણ કોઈની પાસે ન મળે. શેનું લેવું?”
“ઠીક, જીતવા! જેવી સૂરજની મરજી!”
ચાલીસ ખડિયામાંથી — ચોરાસી પાદરના માલિકોના ચાલીસ ખડિયામાંથી — દુખતી આંખ ઉપર ચોપડવા જેટલુંય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો. પણ તરત એને અંતરમાં ભોંઠામણ ઊપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વીસરી જઈ આથમતા સૂરજ સામે બેરખાના પારા ફેરવવા લાગ્યો.
માળા પૂરી થઈ એ વખતે એક કાઠી ખોઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આ લ્યો, આપા!”
“શું છે, ભાઈ!”
“આ બે મૂઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે-ચાર ખોબા પાણીનો સમાવો થાય.”
“ટેઠવા વળી શેના બાફ્યા?”
“બાજરાના.”
“બાજરાના! બાજરો ક્યાંથી?”
“ઈ યે વળી સાંભળવું છે, આપા! સુગાશો નહિ ને?”
“ના રે, ભાઈ! સુગાવા જેવી શાહુકારી બા’રવટિયાને વળી કેવી! કહો જોઈએ!”
“આપા! આ ચાલીસેય ઘોડીને કોક દી જોગાણ ચડાવ્યું હશે તેનો ચાટેલ બાજરો ચપટી ચપટી ચાળીસેય પાવરામાં ચોંટી રહ્યો હશે એમ ઓસાણ આવ્યાથી ચાલીસેય પાવરા ખંખેરીને ઈ બાજરાની ઘૂઘરી બાફી નાખી છે!”
“અરરર! ઘોડિયુંનો એઠો બાજરો?”
“એમાં શું, આપા! પાણીમાં ધોઈને ઓર્યો’તો. બાકી તો શું થાય? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે અને સૌને ચપટી ચપટી ખાધ્યે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તુલસીશ્યામ ભેળા થઈ જાશું. આપા, ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.”
“સૌને વેં’ચ્યો કે?”
“હાં, સૌને. તમ તમારે ખાઓ.”
ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારું થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલસીશ્યામને માર્ગે પડી.