સોરઠી બહારવટિયા ભાગ-2/તુલસીશ્યામમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તુલસીશ્યામમાં

“ઉઘાડો!” બરાબર મધરાતે, ઊંચા ઊંચા ડુંગરાની ચોપાટ વચ્ચે ઊભેલા એ ઘોર વનરાઈવીંટ્યા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતિંગ કમાડ પર ભાલાંની બૂડી ભટકાવીને બહારવટિયાઓએ સાદ કર્યો કે “ઉઘાડો!” “કોણ છે અટાણે!” “મે’માન છીએ, મે’માન! ઉઘાડ ઝટ! વધુ વાત સવારે પૂછજે.” તોછડો જવાબ મળવાથી દરવાન વહેમાયો. કમાડની તરાડ પર કાન માંડ્યા તો ચાલીસ ઘોડાંઓની ધકમક સાંભળી દરવાન થરથર્યો. “ઉઘાડ ઝટ! ઉઘાડ, ભાઈ! બરછી જેવી ટાઢ અમારાં કાળજાં વીંધી રહી છે! ઉઘાડ!” “અટાણે કમાડ નહિ ઊઘડે.” “કાં? શું છે તે નહિ ઊઘડે?” “નહિ ઊઘડે. તમે બા’રવટિયા લાગો છો.” “અરે બાપ! બા’રવટિયા તો ખરા, પણ કાંઈ શામજી મહારાજના બા’રવટિયા નથી. એનાં તો છોરુડાં છીએ. ઉઘાડ ઝટ.” “નહિ ઊઘડે. બહાર સૂઈ રો’.” “એમ?” જોગીદાસે મોખરે આવીને ત્રાડ દીધી. “નથી ઉઘાડતો? કહીએ છીએ કે અમે શામજીના બા’રવટિયા નથી. પણ જો હવે નહિ ઉઘાડને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળીયે નહિ રે’વા દઈએ. અબઘડી લૂંટીને હાલી નીકળશું તો તારું મોઢું ખોઈ જેવું થઈ રહેશે. ઉઘાડ, ગોલા! શામજીના આશરા તો ચોર-શાહુકાર સહુને માટે સરખા કે’વાય.” એ ન ભુલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને ‘કિ… ચૂ…ડ’ અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસેય ઘોડીઓ અંદર દાખલ થઈ. “શામજી દાદા!” પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારી ઉતારીને ઝૂલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકો સંભળાવી રહ્યો છે : “શામજી દાદા! મારો ગરાસ લૂંટાય ને મારાં બાયડી-છોકરાં શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલો ખાય ઈ તો ઠીક; ભુજામાં બળ હશે તો મારીઝૂડીને ગરાસ પાછો મેળવશું, પણ દાદા! તારા કોઠારમાંયે શું કણ કણ ખૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દીની લાંઘણોનું પારણું ઘોડીયુંના એઠા બાજરીના ટેઠવા ખાઈને કરવું પડે! આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં! એવો મારો શો અપરાધ થઈ ગયો, દાદા! હું શું પાપી માયલોયે પાપિયો લેખાણો?” જોરાવર છાતીના બહારવટિયાને પણ તે વખતે નેત્રમાં ઝળઝળિયાં આવી ગયાં, પણ એક જ ઘડીમાં એ ચમકી ઊઠ્યો. એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે ‘ધડૂસ! ધડૂસ! ધડૂસ!’ “સાચું! સાચું! દાદા! સાચું! મારું પાપ મને સાંભરી ગયું, હવે તારો વાંક નહિ કાઢું.” તાતા પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું. માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલાં પોતે નાહી આવ્યો, અને ડુંગરાના હૈયામાં ‘જય શ્યામ! જય શ્યામ! જય શ્યામ!’ એવી ધૂનના પડછંદા ગુંજવા લાગ્યા. જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી. પણ ચાલીસેય કાઠીઓ ભૂખ્યા ડાંસ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે ત્યાં તો વારે વારે દોડી દોડી ‘ભણેં આપા! ઝટ હાલો! ઝટ હાલો!’ એવી ઉતાવળ કરાવતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવોતેવો ભૂખ્યો નહોતો. પરંતુ અન્નમાં ચિત્ત ન જાય અને કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલાવવા આવે તો શાંતિથી એમ જ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે, ભા! હજી એક જાપ અધૂરો છે! હમણે પૂરો કરી લઉં છું!”