સોરઠી બહારવટિયા ભાગ-2/દેવોભા રવાના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દેવોભા રવાના

“દેવાને કહી દ્યો મને મોઢું ન દેખાડે.” ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચિંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામો સવાલ કરવાની કોઈની છાતી ચાલી નહિ. ફક્ત બુઢ્ઢો રાણોજી માણેક હતો, એણે હળવેથી નીચે જોઈને કહ્યું : “ભા, તું ડાહ્યો છો, પણ કાંઈ ઉતાવળ તો નથી થાતી ને, બાપા?” “રાણાજી ભા, દેવાને જીવતો જવા દઉં છું, ઈ તો ઉતાવળને સાટે ઊલટી ઢીલ થઈ લેખાશે, પણ શું કરું? આજ બોન દેવુબાઈ નથી, નીકર આટલું મોડું ન થાવા દેત.” “બચ્ચા! આવડો બધો વાંક! “વાંકની તો અવધિ આવી રહી. મને હવે ઝાઝું બોલાવો મા. હું રણછોડરાયની આંખના દીવડા ઓલવાતા જોઉં છું. ઓખો આપણું સ્મશાન બનશે. જગત આપણને સંભારી સંભારી આપણા નામ માથે થૂ થૂ કરશે. ઈ બધું આ કુકર્મી દેવાને પાપે.” એ ને એ વખતે દેવા માણકે પોતાનાં ઘોડાંને પેદલ માણસો નોખાં પાડ્યાં. જતો જતો દેવો બોલતો ગયો કે “મલક બધાની બાઈયુંને બોન જ કહ્યા કરતો મૂળવો મર હવે ઓખો જીતી લ્યે!” “હેં કુત્તા! એટલું જ બોલીને મૂળુ બેઠો રહ્યો.