સોરઠી બહારવટિયા ભાગ-2/સરકારી શોધ
દાત્રાણા ગામના ચોરા ઉપર માણસોનો જમાવ થઈ ગયો છે. અને એક ગોરા સાહેબ કમરમાં તરવાર, બીજી કમરે રિવૉલ્વર, છાતી ઉપર કારતૂસોનો પટો, સોનાની સાંકળીવાળી ટોપી, ગોઠણ સુધી ચળકાટ મારતા ચામડાના જોડા, પહાડ જેવો ઘોડો અને ફક્ત પાંચ અસવારો, એટલી સજાવટ સાથે ઊભો ઊભો ગામના પટેલને પૂછે છે, “કિધર ગયા બા’રવટિયા લોગ?” પટેલ જવાબ આપતાં અચકાય છે, એની જીભ થોથરાય છે. કોઈ જઈને બહારવટિયાને બાતમી આપી દેશે તો પોતાના જ ઓઘામાં બહારવટિયા પોતાને જીવતો સળગાવી દેશે એવી એના દિલમાં ફાળ છે. સાહેબે પોતાનો પ્રભાવ છાંટ્યો : “ગભરાયગા, ઔર નહિ બોલેગા, તો પકડ જાયગા. હમ હમારા બલોચ લોગકો તુમારા ઘર પર છોડ દેગા. વાસ્તે સીધા બોલો, કિધર હૈ બહારવટિયા?” “સાહેબ, ચરકલા ગુરુગઢ અને દાતરડાના પાદરમાં થઈને બહારવટિયા ભુવનેશ્વરના ડુંગરામાં ને પછી આભપરા માથે ગિયા છે.” “કિતના આદમી?” “બારસો!” “રોટી કોન દેતા હૈ?” “સાહેબ, અમારા ગામનો પાડાવાળો પોતાનો પાડો છોડાવવા આભપરે ગિયો’તો, એ નજરે જોયેલ વાત કહે છે કે બારસોય જણા પડખેની ખળાવાડોમાંથી બાજરો લાવીને ફક્ત એની ઘૂઘરી બાફીને પેટ ભરે છે. અને જોધો માણેક બોલ્યો છે કે જામ સાહેબના મુલકમાં પૈસાવડીએ ખાવાનું મળશે તો ત્યાં સુધી અમારે લોકોને લૂંટવા નથી. નીકર પછી મોટાં ગામો ધમરોળવાં પડશે.” “અચ્છા! સરકાર ઉસકી ચમડી ઉતારેગા!” એટલું કહીને રતુંબડા મોઢાવાળા સાહેબે ઘોડો દોડાવી મૂક્યો. માર્ગે સાહેબને વિચાર ઊપડે છે : બાલબચ્ચાં, ઓરતો ને મરદો પોતાના નોકને ખાતર બાજરીનાં બાફણાં ઉપર ગુજારો કરે છે, એની સામે ટક્કર ઝીલવાનું આ ભાડૂતી માણસોનું શું ગજું છે?