સોરઠી બહારવટિયા ભાગ-2/3. જોગીદાસ ખુમાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
3. જોગીદાસ ખુમાણ
[સન 1816-1829]

કવિશ્રી ન્હાનાલાલે ‘સોરઠી તવારીખના થરો’ ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે ‘જોગી બહારવટિયો’ કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું રૉબરૉય લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની ભાવના છે. ભાવનગર રાજને જોગીદાસે દુશ્મનાવટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ-જોડલી તો; અપૂર્વ બની ગઈ છે. બન્ને જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી. છતાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નથી. ‘ધ ભાવનગર સ્ટૅટિસ્ટિક્સ’ નામનું એક રાજમાન્ય તેમ જ સરકારમાન્ય ઇતિહાસ-પુસ્તક વજા-જોગાની અન્યોન્ય નેકીનો શબ્દ સરખોયે નોંધતું નથી, અને કૅપ્ટન બેલનો ઇતિહાસ તો ઉક્ત પુસ્તકમાંથી જ ઉતારો કરે છે! વાર્તાને છેડે બેલનું કથન મેં ટાંક્યું છે. વૉટસન, ભગવાનલાલ સંપતરામ અથવા અન્ય કોઈના ઇતિહાસમાં આ પુરુષનો ઉલ્લેખ નથી. જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં ક્યાંયે સાંભળવામાં નથી. લૂંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહિતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એને સોંપાઈ હતી એમ કહેવાય છે.