સોરઠી બહારવટિયા ભાગ-2/નાવલીને જુહાર
“મારા દાદા સામત ખુમાણે ભાઈ-બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘરે કરી; રાવણ જેવા ખસિયાઓનું જડાબીડ કાઢી મીતિયાળા સરખા કિલ્લા હાથ કર્યા અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે? ના, ના, તો તો સામત ખુમાણના નવેય પોતરા, બાપ આલા ખુમાણના અમે નવેય બેટડા બા’રવટાં ખેડશું.”
“આપા હાદા! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો,” ખબર દેનારે કહ્યું.
“કાં?”
“એને તો ઠાકોર વજેસંગ પાળેલાં પશુડાં બનાવી લીધાં. ઈ તો એ પૂંછડિયું પટપટાવે!”
“એટલે?”
“એટલે શું? સહુ પોતપોતાનાં છ-છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ.”
“શી શરત?”
“અકેક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ-પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફક્ત ચોથ જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશું.”
“વાહ ઠાકોર! કરામત સારી કરી. પછી? કોણે કોણે કરાર કબૂલ કર્યો?”
“પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે!”
“તમામે? ડાડા સામત ખુમાણના પોતરાએ? ખોરડું વેચી નાખ્યું? બંદૂકડીથી બીના?”
“મરવું દોયલું છે, આપા! ભાવનગરને પોગાય એમ નથી. સૂરજ સામી ધૂળ ઉડાડવી છે? તમે પણ બેસી જાવ. ઠાકોર કે’વારે છે —”
“કે?”
“કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીનાં પાંચમાં ચોથ.”
“નીકર?”
“નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો, આપા હાદા?”
“મારા ત્રણેય વીરભદરનાં બાવડાં માથે! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે? શોભા સાટુ નહિ, મરવા-મારવા સાટુ. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધચોખાની તાંસળીમાં રોજ ખુમાણોનાં ભાલાં ભાળશે. ઊઠો, બાપ ગેલા! ઊઠો, ભાણ! ઊઠો, આપા!”
ત્રણ દીકરા ને ચોથો બુઢ્ઢો બાપ : ઘોડે ચડી ચાલી નીકળ્યા.
“આપા! શું કરછ, બાપ!” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ ‘આપો’ કહીને બોલાવતા.
“કાંઈ નહિ, બાપુ!” કહીને આપો ચાલતો થયો. કુંડલા ન લેવાય ત્યાં સુધી નાવલીનું પાણી આપો અગરાજ કરતો હતો.
નાવલીમાં અખંડ ધારા નીર : નીલો ઘટાદાર કિનારો : કાંઠે ચરતી ભેંસો : અને કાંબીકડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો : એને માથે મીટ માંડીને બાપ-બેટા ચાલી નીકળ્યા :
સંવત અઢાર પંચોતરે
- ફરહરિયા ફરંગાણ,
ધર સોરઠ જોગો ધણી
- ખોભળતલ ખુમાણ.
[સંવત 1875માં જે વખતે ફિરંગીઓ (અંગ્રેજો) સોરઠ ધરામાં ઊતર્યા તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઊભો રહ્યો હતો.]