સોરઠી સંતવાણી/અગમ અજર રસપાત્ર
Jump to navigation
Jump to search
અગમ અજર રસપાત્ર
વીણવો હોય તો રસ વીણી લેજો, પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત,
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ —
ભાઈ રે! આ રસપાત્ર, પાનબાઈ, અગમ અપાર છે,
કોઈને કહ્યો નવ જાય,
એ રસ હું તમને બતાવું, પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય. — વીણવો.
ભાઈ રે! — આ અજર રસ કોઈથી જરે નહીં, પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી, પાનબાઈ!
ત્યારે લેરમાં લેર સમાય. — વીણવો.
ભાઈ રે! આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ. — વીણવો.