સોરઠી સંતવાણી/જુક્તિની જાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જુક્તિની જાણ

જુગતી તમે જાણી લેજો, પાનબાઈ!
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર —
ભાઈ રે! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે,
મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિનો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય. — જુગતી.
ભાઈ રે! જુગતીથી સેજે ગુરુપદ જડે, પાનબાઈ!
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પાર પોંચી જાય. — જુગતી.
ભાઈ રે! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે,
તે તો હરિ જેવા બની રે’ સદા;
ગંગા રે સતી એમ બોલિયાં રે
તેને તો નમે જગતમાં બધા. — જુગતી.

[ગંગાસતી]