સોરઠી સંતવાણી/નાડીની શુદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાડીની શુદ્ધિ

સરળ ચિત્ત રાખી નિરમળ રે’વું ને
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને
અભ્યાસે જીતવો અપાન રે —
ભાઈ રે! રજકર્મથી સદા દૂર રહેવું ને
કાયમ કરવો અભ્યાસ રે,
પાંચે પ્રાણને એક ઘરે લાવવા
શીખવો વચનનો વિશ્વાસ રે — સરળ.
ભાઈ રે! ડાબી ઇંગલા ને જમણી પિંગલા ને
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને
એમ કાયમ લેવું વ્રતમાન રે. — સરળ.
ભાઈ રે! નાડી શુદ્ધ થયા પછી અભિયાસ જાગે ને
નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
આ ખેલ છે અગમ અપાર રે. — સરળ