સોરઠી સંતવાણી/ત્રિગુણની પાર
Jump to navigation
Jump to search
ત્રિગુણની પાર
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને
આદરો તમે અભિયાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખોને
જેનો પરિપૂરણ સરવમાં વાસ રે —
ભાઈ રે! રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને
સ્વપ્ને ન કરવી આશ રે,
સત્તવગુણી આહાર કાયમ કરવો જેથી
થાય બેઉ ગુણોનો નાશ રે. — યોગી.
ભાઈ રે! સત્ત્વગુણમાં ભેદ છે મોટો ને
એક શુદ્ધ બીજો મલિન કે’વાય રે,
મલિન સત્ત્વગુણનો ત્યાગ કરવો ને
પરિપૂરણ યોગી થાય રે. — યોગી.
ભાઈ રે! વિદેહદશા તેહની પ્રગટે તેથી
ત્રણ ગુણોથી થયો પાર રે,
ગંગાસતી એમ બોલિયાં ને
જેનો લાગ્યો તૂર્યાતીરમાં તાર રે. — યોગી.