સોરઠી સંતવાણી/પિયુજીની વાતડી
Jump to navigation
Jump to search
પિયુજીની વાતડી
સખી! સાંભળ કહું એક વાતડી,
સાંભળતાં લાગે ઘણી મીઠી રે
સખી! સતગુરુએ સબદ સુણાવિયા,
આજ તો રે અચરજ મેં દીઠી રે.
— સખી! સાંભળ કહું એક વાતડી.
સખી! ઊંચું જોઉં તો હરિ આસમાનમાં
હેરીને જોઉં તો હરિ હેઠા રે;
સખી! સૂઈને જોઉં તો ઝળકે સોડ્યમાં,
જાગીને જોઉં તો તખત પર બેઠા રે. — સખી.
સખી! પરણેલી પિયુજીને વીનવે,
કુંવારી કંથમાં શું જાણે રે;
સખી! કુંવરી રમે ઢીંગલે પોતિયે,
મોરામને શું માણે રે. — સખી.
સખી! પંડના પિયુજીની વાતડી
કોઈની આગળ નવ કેયીં રે;
સખી! આપડે રે’વું પિયુના શે’રમાં
લોચનિયે હેરી હેરી લેયી રે. — સખી.
સખી! મરજાદા મેલી વર હું વરી,
સંપત નૈ રે’ હવે છાની રે
સખી! ભાણને પરતાપે રવિ બોલિયા
મેરામને મન માની રે. — સખી.