સોરઠી સંતવાણી/સોદાગર હંસાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોદાગર હંસાજી

વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા!
જી હો! મુંને મેલી મત જાજો બાળા વેશમાં. સોદાગર હંસા જી.
કાગળ જેસી કોથળી રે વણઝારા!
જી હો! એને ગળતાં નૈ લાગે વાર રે. સોદાગર હંસા જી.
ડુંગર માથે દેરડી રે વણઝારા!
જી હો! હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે. સોદાગર હંસા જી.
ફાલી ફૂલી રે ઓલી પીપળી રે વણઝારા!
જી હો! ઓલી ફળ વિના ઝૂલે નાગરવેલ રે. સોદાગર હંસા જી.
આંબો જાણીને મેં તો સેવિયો રે વણઝારા!
જી હો! એ તો કરમે ઊગ્યો છે ભંભૂર રે. સોદાગર હંસા જી.
હીરા માણેકની કોટડી રે વણઝારા!
જી હો! મને વેપારી મળ્યા સવા લાખના. સોદાગર હંસા જી.
કાજી મહમદશાની વિનતિ રે વણઝારા!
જી હો! તમે માની લિયો ગરીબનવાજ રે. સોદાગર હંસા જી.

[કાજી મહમદશા]

અર્થ : માનવ-પ્રાણ જ્યારે કાયાને તજીને પરલોકની વણજે (પ્રવાસે) નીકળવાનો થાય છે ત્યારે કાયા કલ્પાંત કરે છે કે હે જીવરૂપી વણઝારા! હે સોદાગર આત્મા (હંસ)! આ સંસાર-વનમાં તું મનને મારી નાની ઉમ્મરમાં એકલી છોડીને ન ચાલ્યો જા. કારણ કે હે સોદાગર હંસાજી! (માનવજીવન) આ કાગળની કોથળી જેવી કાયાને પાણીમાં પલળી ગળી જતાં વાર નહીં લાગે. હે જીવ! આ ભવાટવીની વચ્ચે માનવ-જન્મરૂપી ડુંગર પર સદ્ગુણ-શીલરૂપી દોરડી છે ત્યાં ચડીને હું તારી વાટ જોઉં છું. આ જગતમાં કેવું વૈષમ્ય છે! પીપળીના ઝાડને બેસુમાર ફળ છે ત્યારે નાગરવેલને ફળ કે ફૂલ બિલકુલ ન મળે. હે જીવ-મુસાફર! મેં તને શાશ્વત રહેનાર આંબાનું ઝાડ ગણી સેવ્યો, પણ તું તો ભૂંભલા થોર જેવો નીવડ્યો. હે માનવ-પ્રાણ! કાજી મામદશાની આ અરજ સ્વીકારો ને મારી પાસે રહો.