સોરઠી સંતવાણી/સતનાં જળ સીંચજો
Jump to navigation
Jump to search
[આંબો છઠો]
સતનાં જળ સીંચજો
આંબો છઠો નામના સંતે પણ માનવજન્મને ફૂલઝાડ કહ્યું છે, કે જેને સુકૃત્ય નામનાં ફૂલ તો ઝડપથી બેસે છે, ને ખૂબ ફાલે છે.
એવાં સતનાં જળ સીંચજો રે
માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે.
પ્રેમનાં પાંદડાં ને દયાની ડાળ્યું રે
પૂન્યનાં મૂળ પિયાળ છે રે
ધરમ વિના તમે ઢળી પડશો ને
વેળાએ કરોને નિવાડ રે. — એવાં.
સુકરિત ફૂલ છે ગુલાબનાં રે
તરત લાગ્યાં દો ને ચાર રે
ફાલ્યો ફૂલ્યો એક વરખડો ને
વેડનવાલા હુશિયાર. — એવાં.
એ ફળ ચાખે એ તો ચળે નહીં ને
અખંડ રે’વે એનો આ’ર રે
પરતીત તો જેની પરલે હોશે
થહ હોશે એના થાય રે. — એવાં.
જાણજો તમે કાંક માણજો
મનખો નો આવે વારંવાર રે
આંબો છઠો એમ બોલિયાં ને રે
સપના જેવો છે સંસાર રે. — એવાં.