સોરઠી સંતવાણી/હરિ સાથે એકતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિ સાથે એકતાર

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને
વાળ્યું પદમાસન્ન રે,
મન વચનને સ્થિર કરી દીધું ને
ચિત્ત જેનું પ્રસન્ન રે —
ભાઈ રે ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને
લાગી સમાધિ અખંડ રે
મહાદશ પ્રગટાવી તે ઘડી ને
હરિને જોયા તે પંડ બ્રહ્માંડ રે. — એટલી.
ભાઈ રે બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું લગાર રે,
સુરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસ પરસ એકતાર રે. — એટલી.
ભાઈ રે નામને રૂપની મટી ગઈ ઉપાધિને
વરતી લાગી ઇંડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.

[પાનબાઈ?]