સોરઠી સંતવાણી/છેલ્લી શિખામણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


છેલ્લી શિખામણ

સ્થિરતાએ રહેજો ને વચનુમાં ચાલજો ને
રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો રે
જેનું મન સદા વિપરીત રે —
ભાઈ રે આગળ ઘણા મહાત્મા થઈ ગયા ને
તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો ને
ઉપજાવે અંતરમાં ખેદ રે. — સ્થિરતાએ.
ભાઈ રે લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું ને
આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો ને
જેને લાગે નહીં લેશ ઉરમાંય રે. — સ્થિરતાએ.
ભાઈ રે ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને
ચૂકવો નહીં અભ્યાસ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ.

[ગંગાસતી]